• ઉપાસના અને ધ્યાન - ૨

ધ્યાનનું માહાત્મ્ય

यस्तिष्ठेदेकपादेन वायुभक्षः शतं समाः ।

ध्यानयोगी परस्तस्मादिति ब्रह्मानुशासनम्‌ ।। १ ।।

अश्वमेध–सहस्रेण राजसूय–शतेन च ।

पुंडरिक–सहस्रेण योगिश्वावसथो वरः ।। २ ।।

જે પુરુષ વાયુ ભક્ષણ કરતો થકો સો વર્ષ પર્યંત એક પગે કરીને ઊભો રહે તે થકી પણ ધ્યાનયોગી ‘પર’ કહેતાં શ્રેષ્ઠ છે એમ બ્રહ્માનું વચન છે (૧). એક હજાર અશ્વમેધ યજ્ઞ કરવા ને સો રાજસૂય યજ્ઞ કરવા ને હજાર પુંડરિક નામે યજ્ઞ કરવા તે થકી પણ, ધ્યાનયોગીની મધ્યે નિવાસ કરવો તે શ્રેષ્ઠ છે (૨).

માહાત્મ્યજ્ઞાનપૂર્વક ધ્યાન કરવાનો પ્રકાર

शुचिर्भूत्वा शुचौ देशे मुमुक्षुर्निरुपद्रवे ।

स्वस्तिकासनमासीन ऋजुकायो भवेन्मुनिः ।। १ ।।

મુમુક્ષુ ને મુનિ એવો ધ્યાનયોગી પવિત્ર થઈને નિરુપદ્રવ ને પવિત્ર સ્થળમાં સ્વસ્તિક આસને બેસે અને દેહને સરલ રાખીને નેત્રની વૃત્તિ નાસિકાગ્ર રાખે, ને હાથને ખોળામાં ઉપરાઉપર છત્તા મૂકી, શ્રીજીમહારાજની મૂર્તિ ધારીને પ્રથમ માહાત્મ્યજ્ઞાનનો વિચાર કરે; (૧)

ગ. પ્ર. વ. ૫૧માં - ‘અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન છે, તે સર્વની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેના કર્તા છે ને સર્વના કારણ છે અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે, માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ.’ આવી રીતે શ્રીહરિજીના માહાત્મ્યનો વિચાર કરવો ને પુરુષોત્તમરૂપ થઈને ધ્યાન કરવું.

ગ. પ્ર. વ. ૭૮માં - ‘અને વળી ભગવાનનું માહાત્મ્ય એમ સમજવું જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઇચ્છાએ કરીને અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે; અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે અને અન્વય થકા પણ વ્યતિરેક છે; અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુઅણુ પ્રત્યે અંતર્યામીરૂપે વિરાજમાન છે; અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી; અને અનંતકોટિ બ્રહ્માંડને વિષે જે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય થાય છે અને તેને વિષે સુખદુઃખનો જીવોને સંબંધ થાય છે તે સર્વે પુરુષોત્તમના હાથમાં છે; જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે પણ એ તો ઘોડાના આધાર છે; અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય જે પૃથ્વી ભગવાનને ધરી રહી છે પણ એ તો સ્થાવર-જંગમ સોતી સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે; અને જ્યારે રાત્રી હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય; અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય, પણ આ ભગવાન તો સૂર્ય, ચંદ્રમા, અગ્નિ એ સર્વેને પ્રકાશના દાતા છે એવું અદભુત સામર્થ્ય છે તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મુને દર્શન આપે છે, એવી રીતે માહાત્મ્ય સમજે તો અખંડ શ્રીજીનું ધ્યાન થાય છે.’

સા. વ. ૧માં - ‘એ સર્વેના સ્વામી જે પુરુષોત્તમ તે મુને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે; અને તે ભગવાનનું જે એક નિમિષ માત્રનું દર્શન તે ઉપર અનંતકોટિ બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વેને વારીફેરીને નાખી દઈએ; અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ તો અનંતકોટિ બ્રહ્માંડના વિષય સુખ ભેળાં કરીએ તો પણ તેના કોટિમા ભાગની બરોબર પણ થાય નહિ.’ આવું માહાત્મ્ય સમજીને ધ્યાન કરવું.

લો. વ. ૧૩માં - ‘‘તેમ પુરુષોત્તમ નારાયણ તે સર્વકર્તા છે, સર્વકારણ છે, સર્વનિયંતા છે અને અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે અને અતિ સમર્થ છે ને ‘કર્તુંમકર્તુંમન્યથાકર્તુંમ્‌’ છે.’’ આવી રીતે સર્વના કર્તાહર્તા જાણીને જ ધ્યાન કરવું.

છે. વ. ૩૧નો ભાવાર્થ - શ્રીજીમહારાજ બોલ્યા જે, આ એક વાર્તા કરીએ છીએ તે છે તો થોડીક પણ ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે, તે શું તો અમારા તેજના સમૂહરૂપ અક્ષરધામ છે તેમાં અમે મૂર્તિમાન રહ્યા છીએ; અનંતકોટિ મુક્ત અમારી સેવા કરે છે તે અમે જીવોના પરમ મોક્ષ કરવા પ્રગટ થઈને તમને દર્શન દઈએ છીએ. આ અમે મનુષ્ય સ્વરૂપ છીએ ને ધામમાં જે દિવ્ય સ્વરૂપ છે એ બેય એક જ છે એમ સમજીને અમારી મનુષ્યમૂર્તિનું અથવા પ્રતિમાનું ધ્યાન કરવું.

ગ. મ. વ. ૧૩માં - ‘અને ભગવાન જે મનુષ્યદેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિષે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે ને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે; માટે ભગવાન તો મનુષ્યદેહ ધારણ કરે છે તો પણ કૈવલ્યરૂપે જ છે.’ આવી રીતે શ્રીજીમહારાજને દિવ્ય સમજીને તેમ જ ભગવાનની પ્રતિમાને પણ દિવ્ય સમજીને ધ્યાન કરવું.

તેમ જ અનાદિમુક્ત સ. ગુ. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પણ કહ્યું છે : પ્ર. ૧ વાર્તા ૫૫ - શ્વેત તેજને વિષે ભગવાનની મૂર્તિ છે તે તેજમાં ભગવાનની મૂર્તિને જોઈને આનંદ પામવો; પણ તે મૂર્તિ વિના અક્ષરનું તેજ દેખાય તો પણ તે ભગવાનની મૂર્તિ વિના તે તેજે કરીને શાંતિ પામવું નહિ; અતિ તપી જાવું.

વાર્તા ૧૧૬ - મહારાજની મૂર્તિ વિના અક્ષરના સુખમાં પણ ન લેવાય ને અકળાઈ જાય; એક ભગવાનની મૂર્તિએ કરીને જ ગુણગાન રહે એવા મુક્ત થાવું એ સર્વેથી કઠણ છે; એવો મુક્ત થયો ત્યારે તેને સાધન માત્રનો અંત આવ્યો. પછી તે ભક્તને ભગવાનની મૂર્તિનું કેવું સુખ આવે, તો જેવું ભગવાનને પોતાનું સુખ આવે છે તેવું તે ભક્તને પણ ભગવાનની મૂર્તિમાંથી સુખ આવે છે ૧૧૬.

ઉપર કહ્યું એવી રીતે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના માહાત્મ્યજ્ઞાનનો વિચાર કરીને ધ્યાન કરવું. તે એક આસને બેસીને એક પહોર વા બે પહોર પર્યંત ધ્યાન કરે અને સર્વ કાળે ને ક્રિયા કરતાં પણ ક્ષણવાર મૂર્તિને વિસારે નહિ એમ કહ્યું છે તે જુઓ :-

गच्छंस्तिष्ठन्स्वपन्‌जागृ–न्नुन्मिषन्निमिषन्नपि ।

शुचिर्वाप्यशुचिर्वाऽपि ध्यायेत्‌ सततमीश्वरम्‌ ।। ४ ।।

ધ્યાન યોગી પવિત્ર વા અપવિત્ર સ્થિતિમાં, ચાલતાં, બેસતાં, સૂતાં, જાગતાં, પોતાનાં નેત્રને ઉઘાડતાં, મીંચતાં, સર્વ ક્રિયામાં નિરંતર શ્રીહરિનું ધ્યાન કરે (૪). તે હ. સુ. તરંગ ૨૦૮માં પણ કહ્યું છે જે :-

देहत्रयमलं तद्वत्‌ सांख्यज्ञानांबुना स च ।

धूत्वा शूचिर्हरिं ध्यायेत्‌ तदाऽतिसुखभाग्‌ भवेत्‌ ।। १६ ।।

દેવપૂજક, દેવ જેવો પવિત્ર થઈને દેવને પૂજે તો તે પૂજાને દેવ અંગીકાર કરે છે, તેમ સાંખ્યજ્ઞાનરૂપી જળ વડે ત્રણ દેહરૂપી મળ તેનો ત્યાગ કરી, બ્રહ્મરૂપ થઈને શ્રીહરિનું ધ્યાન કરે ત્યારે મૂર્તિનું સુખ પામે છે (૧૬).

अहं ब्रह्म परं ब्रह्म वासुदेवोऽस्ति मत्प्रभुः ।

हृदीत्थ भावयन्‌ शश्वत्‌ ध्याता ध्यानं प्रयोजयेत्‌ ।। ५ ।।

ध्यानात्‌ शान्तो जपन्मंत्रं जपन्‌ शान्तश्च चिंतयेत्‌ ।

जपध्यानप्रसक्तस्य विष्णुः शीघ्रं प्रसीदति ।। ६ ।।

વળી ધ્યાન યોગી આવો વિચાર કરે જે હું બ્રહ્મરૂપ છું. મારા સ્વામી ‘વાસુદેવ’ અર્થાત્‌ સર્વમાં વાસ કરીને રહેલા પરબ્રહ્મ સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. આ પ્રકારે હૃદયાકાશમાં ભાવના કરતો નિરંતર ધ્યાનયોગે કરીને મૂર્તિમાં જોડાઈ જાય (૫). ધ્યાનથી શાંત થાય ત્યારે નામમંત્ર વા મહામંત્ર જપે. જપથી શાંત થાય ત્યારે ધ્યાન કરે. જપ - ધ્યાનમાં પ્રસક્ત કહેતાં એકાગ્ર ચિત્તથી જોડાઈ રહેલા યોગી ઉપર શ્રીજી શીઘ્ર પ્રસન્ન થાય છે (૬).

ધ્યાનમાં વિઘ્નો

હવે ધ્યાનમાં વિઘ્નો છે તેને શ્રીહરિ સ. જી. પ્ર. ૫, અ. ૬૦માં કહે છે :-

ध्यायंतं भगवन्मूर्ति भक्तं विघ्नाश्चतुर्विधाः ।

पीड्यंतीति ताञ्‌ज्ञात्वा जयेद्विद्वान-तंद्रितः ।। १७ ।।

જ્ઞાની એવો ધ્યાનયોગી, આળસનો ત્યાગ કરીને, ધ્યાનમાં ચાર વિઘ્નો વિઘ્ન કરે છે તેને જાણીને, તેનો ત્યાગ કરે (૧૭). ને ચાર વિઘ્નો કયાં તો :-

तत्र चाद्यो लयः प्रोक्तो विक्षेपस्तदनंतरः ।

कषायाख्यस्तृतीयश्च रसास्वादश्चतुर्थकः ।। १८ ।।

ચિત્ત જે તે નિદ્રામાં લીન થાય તે લય. બીજું, ચિત્તમાં કામાદિક વિષય સ્ફુરે તે વિક્ષેપ. ત્રીજું, રાગદ્વેષનો તીવ્ર વેગ ચિત્તમાં લાગે તે કષાય. અને ચોથું, ચિત્તમાં ભૂત-ભવિષ્ય જાણવું વગેરે ઐશ્વર્યની ઈષણા રહે, જિહ્‌વા તથા જિહ્‌વાના રસમાં રાગ ને રસાસ્વાદ - તેનો ત્યાગ કરવો (૧૮).

चित्तावस्था-विशेषा हि दोषा जेया इमे बुधैः ।

योगभ्रष्टोऽन्यथा योगी संसृतिं यात्यसंशयम्‌ ।। १९ ।।

બુદ્ધિમાન પુરુષે આ ચિત્તની અવસ્થાના ભેદરૂપ દોષ છે તે જીતવા અને જો યોગી તે દોષને જીતે નહિ તો યોગભ્રષ્ટ થઈને પુનર્જન્મને પામે એમાં સંશય નથી (૧૯).

ધ્યાનમાં દોષ જીતવાના ઉપાય

लयात्प्रबोधयेच्चितं विक्षेपाच्च निवर्तयेत्‌ ।

कषायं क्षालयेदबुद्ध्या विरक्त्या वर्जयेद्रसान्‌ ।। २० ।।

લય જે નિદ્રાગ્રસ્ત ચિત્ત તેને જાગ્રત કરે. વિક્ષેપ જે ચિત્તમાં રહેલા કામાદિક દોષ તથા વિષયના રાગ તેને શ્રીજીના સુખના વિચારે કરીને ત્યાગ કરે. કષાય જે રાગદ્વેષવાળું ચિત્ત તેને સર્વદેશી જ્ઞાને કરીને રાગ રહિત કરે. અને રસાસ્વાદ જે ચિત્તમાં રસાસક્તિ તથા ઐશ્વર્યની ઇચ્છા તેને શ્રીજીના માહાત્મ્યજ્ઞાને કરીને ત્યાગ કરે.

न सिद्धयत्यन्यथा ध्यानं ध्यानाऽभावे कुतः स्थितिः ।

तां विना च कुतो मुक्ति-र्ध्याता दोषाञ्‌जयेत्ततः ।। २१ ।।

तस्मान्मनः समाकृष्य सर्वतः परमात्मनि ।

वासुदेवे समादध्याज्जीवन्मुक्तो यतो भवेत्‌ ।। ३५ ।।

એ દોષોને જીત્યા વિના ધ્યાન સિદ્ધ ન થાય ને ધ્યાન સિદ્ધ થયા વિના સ્થિતિ થાય નહિ તો તે વિના મુક્તિની પ્રાપ્તિ ક્યાંથી થાય ? ન જ થાય. માટે ધ્યાન કરનારા ભક્તે દોષ જીતવા (૨૧). એ હેતુથી શ્રીહરિ સિવાય સર્વમાંથી મનને પાછું વાળીને શ્રીહરિજીની મૂર્તિમાં મનનો નિરોધ કરવો તો દેહ છતાં જ મુક્ત થઈ રહ્યો છે (૩૬).

अन्यत्र भगवन्मूर्तेः कस्मिंश्चिदपि वस्तुनि ।

मनो यस्यात्र सक्तं स्यात्तस्य विध्नो महान्भवेत्‌ ।। ३६ ।।

सक्तस्तुच्छपदार्थेऽत्र यः सोऽलौकिक वस्तुषु ।

सज्जेत न कथं योगी भगवद्धाम-वर्त्मनि ।। ३७ ।।

अत्र सम्यग्‌ विरक्तस्य दृढज्ञानवतो मुनेः ।

कुत्रापि स्थानके नास्ति विध्नः कश्चन कर्हिचित्‌ ।। ३८ ।।

જે ધ્યાનયોગીનું મન ભગવાનની મૂર્તિ વિના બીજી કોઈ પણ વસ્તુમાં જો આસક્ત થાય તો તે યોગીને મોટું વિઘ્ન થાય છે (૩૬). અને તે ધ્યાનયોગી લૌકિક તુચ્છ પદાર્થમાં આસક્ત થાય છે તે યોગી ભગવાનના ધામમાં જતાં માર્ગમાં અન્ય અલૌકિક પદાર્થ દેખાય તેમાં કેમ આસક્ત ન થાય ? થઈ જાય જ (૩૭). હે મુને ! એ ભગવાન વિના બીજા સર્વમાં સમ્યક્‌ પ્રકારે વૈરાગ્યને પામ્યો છે અને શ્રીહરિના માહાત્મ્યજ્ઞાનવાળો છે તેને કોઈ સ્થાનકને વિષે કોઈ પણ વિઘ્ન ક્યારેય નડી શકતું નથી (૩૮).