૮. શ્રીજીમહારાજનાં મુખ્ય નામોના અર્થ ને તેમાં રહેલું માહાત્મ્ય
(સ. જી. પ્ર. ૨, અ. ૨૪)
सैष नारायणमुनिः सहजानंदनामकः ।
स्वामिनारायणाख्यश्च स्वाम्याख्यश्च विराजते ।। ४६ ।।
हरिकृष्णो हरिः कृष्णे नीलकंठश्च स श्रुतः ।
गौणानि तस्य नामानि सन्त्यन्यानि बहूनि च ।। ४७ ।।
તે આ પ્રત્યક્ષ ‘નારાયણમુનિ, સહજાનંદ, સ્વામિનારાયણ, સ્વામી, હરિકૃષ્ણ, હરિ, કૃષ્ણ ને નીલકંઠ’ આ આઠ નામ તેમનાં મુખ્ય છે અને બીજા ગુણ, કર્મ ને વ્રતને અનુસારે ગૌણ નામો અનંત છે તે સર્વમંગલાદિ સ્તોત્રમાં કહ્યાં છે. તેવાં નામોથી પ્રખ્યાત વિરાજે છે.
[આ નામના અર્થ તો આ ગ્રંથની (સત્સંગિજીવનની) ટીકા આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે કરી છે તેમાં કહેલા છે.]
‘નારાયણ’નો અર્થ
आपो नारा इति प्रोक्ता आपो वै नरसूनवः ।
अयनं तस्य ताः पूर्वे तेन नारायणः स्मृतः ।। १७ ।।
આ શ્રુતિમાં વૈરાજ પુરુષને નારાયણ કહ્યા છે. નરે સૃજેલા જળને નાર કહ્યું છે; તે જળમાં શયન કર્યું તેથી વૈરાજપુરુષને નારાયણ કહેવાય છે (૧૭). તેમ જ સત્સંગિજીવન - પ્ર. ૪, અ. ૬૮માં :-
स्वांगोत्पन्ने जले तस्मिन् नशेत स नरस्ततः ।
आपो नारा इति श्रुत्या नारायण इतीर्यते ।। १७ ।।
આ સ્મૃતિમાં મહામાયાના પતિ મહાપુરુષને નારાયણ કહ્યા છે, કેમ જે પૂર્વોત્તર શ્લોકમાં મહાપુરુષને સંબંધ છે (૧૭). હવે ઉપર કહ્યા જે ‘વૈરાજપુરુષ નારાયણ’ તથા ‘મહાપુરુષ નારાયણ’ તે થકી પૃથક્ અને તેમના ઉપરી એવા શ્રીજીમહારાજનું ‘નારાયણમુનિ’ એવું નામ છે તેની વ્યાખ્યા કરીએ છીએ.
‘નારાયણમુનિ’ નામનો અર્થ
रःक्ष्यो यस्य न ह्यस्ति स नरः समुदाहृतः
જે ક્ષય તેણે રહિત હોય તે નર કહેવાય અર્થાત્ સ્વરૂપથી, સ્વભાવથી ને વિભૂતિથી અક્ષય હોય આવા મહામુક્ત તે ‘નર’ કહેવાય અને તેનો સમૂહ તે ‘નાર’ કહેવાય. દિવ્ય સાકાર મુક્તનો સમૂહ ‘અયન’ કહેતાં આશ્રય જેમનો છે અથવા ‘નાર’ના = મુક્તસમૂહના ‘અયન’ જે આશ્રય તે નારાયણ કહેવાય. તેમાં ‘નાર’ ‘અયનં યસ્ય નારાયણઃ’ એવા બહુવ્રીહિ સમાસના સમાશ્રયથી જેમનું ‘અયન’ = નિવાસસ્થાન ‘નાર’ = મુક્તનો સમૂહ છે અર્થાત્ મુક્તના સમૂહ મધ્યે રહેલા તે નારાયણ, ભક્તના શ્રેયનું મનન કરે તે મુનિ; નારાયણ એવા મુનિ તે નારાયણમુનિ. આ પરમએકાંતિક મુક્તની સ્થિતિનો અર્થ છે, હવે અનાદિમુક્તની સ્થિતિનો અર્થ કહીએ છીએ.
‘નાસ્ય આયનં નારાયણઃ’ એવા તત્પુરુષ સમાસના આશ્રયથી ‘નારના’ = મુક્તસમૂહના ‘અયન’ = આશ્રયભૂત તે નારાયણ, ભક્તના શ્રેયનું મનન કરે તે મુનિ, નારાયણ એવા મુનિ તે ‘નારાયણમુનિ’ અર્થાત્ અનાદિમુક્તના સમૂહને પોતાના સ્વરૂપમાં રાખી પોતાનું સુખ આપવું એ જ જેમના મનમાં તાન છે એવા દિવ્ય સાકાર મૂર્તિ શ્રી સ્વામિનારાયણ તે નારાયણમુનિ કહેવાય છે. આ બંને વ્યતિરેક સ્વરૂપના અર્થ છે. હવે અન્વય સ્વરૂપના બે અર્થ કહીએ છીએ.
(અન્વય સ્વરૂપના બે અર્થો)
‘અનશ્વર’ કહેતાં ચિત્ - અચિત્ વર્ગ તે ‘અયન’ = આશ્રય જેમનું છે અર્થાત્ ચિદચિત્ (જડચૈતન્ય) જેમનું શરીર છે કહેતાં પોતાના પ્રકાશરૂપ અંતર્યામી શક્તિએ કરીને ભગવાન સર્વ વિશ્વમાં રહ્યા છે, તેમાં ‘નારં અયનં યસ્ય’ એવા બહુવ્રીહિ સમાસના સમાશ્રયથી સર્વ જગતમાં વ્યાપક અને વિશ્વના શરીરી ને આધાર માટે નારાયણ. અને નારાયણ એવા મુનિ તે નારાયણમુનિ.
‘નારસ્ય અયનં’ એવા તત્પુરષ સમાસના આશ્રયથી સર્વ વિશ્વ ભગવાનમાં અર્થાત્ ભગવાનની અંતર્યામી શક્તિમાં રહ્યું છે; જેના એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ ઊડતાં ફરે છે તે નારાયણ, અને નારાયણ એવા મુનિ તે નારાયણમુનિ. આ બંને અન્વય સ્વરૂપના અર્થ છે.
(નર શબ્દનો બીજો અર્થ)
शरीरेन्द्रिय-विषयोपनीतया वेदनया न रमते इति नरः ! नञ्पूर्वकात् रमु क्रीडायां धातोः । रन्यात्रापि दृश्यत इति डः ।
દેહ, ઇંદ્રિયો ને વિષય તેના સુખ-દુઃખમાં ન રમે એ નર. ‘નરાણામ્ સમૂહઃ નારઃ’ પરમ એકાંતિક મુક્તનો સમૂહ છે ‘અયન’=આશ્રમ જેમનું એ નારાયણ. અને નારાયણ એવા મુનિ તે નારાયણમુનિ. કહેતાં મુક્ત મધ્યે નિવાસી ને મુનિ એટલે ‘મુક્તહિત મનનશીલ’ કહેતાં મુક્તના હિતનું મનન કરનારા.
‘સહજાનંદ’ નામનો અર્થ
सहजः स्वभाव सिद्ध एव आनंदो यस्य सः सहजानंदः
‘સદૈવાનંદસ્વરૂપ’ અર્થાત્ જેમનું સ્વરૂપ સદા સુખરૂપ-આનંદરૂપ જ હોય તે સહજાનંદ કહેવાય. અને તે નામનો બીજો પણ અર્થ છે; તે જુઓ :-
सहंत इति सहाः, क्षमाशीलाः साधवः (सह मर्षणे इत्यस्मात्पचाद्यच) जायंते इति जाः, जन्मिनो जना इति यावत्, अन्येष्यपि दृश्यत इति जने-र्ड, सहश्च ते जाश्च सहजाः = साधुजनाः, तानानंदयतीति ।।
સાધુને આનંદ આપે તે સહજાનંદ કહેવાય.
‘सहजानंद नामा एव सहजानंदनामकः’ स्वार्थे कः ।।
‘સ્વામિનારાયણ’ નામનો અર્થ
‘નયતીતિ નરઃ’ પરમ પદને પમાડે એ નર કહેવાય. ‘નરાણાં સમૂહો નાર’ પરમ એકાંતિક મુક્તનો સમૂહ ‘સ અયનં’ આશ્રયભૂત છે જેને, અર્થાત્ જેમનો નિવાસ મુક્ત-સમૂહના મધ્યે છે તે મુક્ત-સમૂહ નિવાસી એ નારાયણ કહેવાય. સ્વામી=‘એક એવ હરિઃ સ્વામી શબ્દ વાચ્યોઽસ્તિ સર્વથા’ એવી સ્મૃતિ છે. માટે સર્વ મુક્તના સ્વામી અને તે સ્વામી એવા નારાયણ માટે સ્વામિનારાયણ. હવે તે નામનો બીજો અર્થ કહીએ છીએ.
(બીજો અર્થ)
न नये धातोः पयाद्यच । नयंति=प्रापयंति स्वात्मानं श्रीहरिं इति नराः, नराणां=अनादिमुक्तानाम् समूहः नारं, नारस्य = मुक्तसमुहस्य, अयनं=निवासस्वरूपं।
અનાદિમુક્તોને પોતાના સ્વરૂપમાં નિવાસ આપનારા તે નારાયણ. હેમકોશમાં ‘અયન’ શબ્દ ઘરવાચક છે. (અયનં પથિ ગેહેઽર્કસ્યોદગ્ દક્ષિણ ગતૌ) ‘નાર’ એવું મુક્તના સમૂહનું નામ છે ને ‘અયન’ શબ્દ નિવાસસ્થાન તથા ઘરનું નામ છે. અનાદિમુક્તને પોતાના સ્વરૂપમાં રાખનારા તે નારાયણ.
‘स्वामीपदपूर्वकश्चासौ नारायणश्च स्वामिनारायणः, स एव आख्या नाम यस्य तुथोक्तः स्वामिनारायणाख्यः’।।
સ્વામી પદ છે પૂર્વમાં જેને એવા જે નારાયણ તે જ સ્વામિનારાયણ. (અહીં સ્વામી પદ નિયંતા વાચક જાણવું)
‘સ્વામી’ નામનો અર્થ
स्वं ऐश्वर्यम् अस्त्यस्येति स्वामी, स्वामी आख्या नाम यस्य सः तथोक्तः स्वाम्याख्यः ।
સર્વ અવતારના અને સર્વ મુક્તના પણ નિયંતા છે. આનંદ, ઐશ્વર્ય, તેજ આદિના દાતા છે માટે સ્વામી. અને મૂળ શ્લોકમાં વિરાજતે એવું પદ છે ‘વિરાજતે=શોભતે’ કહેતાં ઈશ્વર, બ્રહ્મ, અક્ષર ને મુક્ત તે થકી પણ વિશેષપણે શોભે છે, માટે સ્વામી એવું શ્રીજીમહારાજનું નામ છે.
‘હરિ’ નામનો અર્થ
हरति = नाश्यति निजाश्रितानां सफलापदः हरिः, यद्वा निजाश्रितानां स्वस्वरूपे कर्षतीति हरिः ।
પોતાના ભક્તની આપદા હરે તે હરિ કહેવાય, અથવા પોતાના પ્રેમીભક્તને પોતાની મૂર્તિમાં આકર્ષણ કરે તે પણ હરિ કહેવાય.
‘કૃષ્ણ’ તથા ‘હરિકૃષ્ણ’ નામનો અર્થ
कर्षति = उन्मूलयति स्वभक्तानामविद्याजनित-दोषान् ।
ભક્તના કામાદિક દોષને જીવમાંથી નાશ કરે તે તથા ભક્તને પોતાના સ્વરૂપમાં આકર્ષણ કરીને રાખે તે કૃષ્ણ કહેવાય. હરિ એવા કૃષ્ણ તે હરિકૃષ્ણ કહેવાય.
(કૃષ્ણ નામનો બીજો અર્થ)
‘कृष्ण = सर्वतोऽधिकानंदघन मूर्तित्वात् तथाहि ।
कृषिर्भूवाचकः शब्दो णश्च निर्वृत्तिवाचकः ।
तयोरैक्यं परंब्रह्म कृष्ण इत्यभिधीयते ।। १ ।।
निर्दोषपूर्णगुणविग्रह आत्मतंत्रो निश्चेतनात्मक – शरीरगुणैश्च हीनः ।
आनंदमात्र-करपाद-मुखोदरादिः सर्वत्र च स्वगतभेद-विवर्जीतात्मा ।। २ ।।
‘કૃષ્ણ’ એ શબ્દમાં બે ભાગ છે. એક ‘કૃષ’ કહેતાં ભૂમિ જે સ્થાન અને બીજો ‘ન’ કહેતાં નિવૃત્તિ જે પરમાનંદ. આ બંનેનો એકીભાવ થતાં કૃષ્ણ કહેવાય છે, તેનો અર્થ પરમ આનંદનું સ્થાન, એટલે પરબ્રહ્મ એવો થાય છે. કૃષ્ણ એવું આનંદઘન મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અનાદિ નામ છે (૧). શ્રીહરિનું સ્વરૂપ દોષે રહિત છે. દિવ્ય ગુણથી પૂર્ણ છે, સ્વતંત્ર છે, માયામય દેહ અને ગુણે રહિત છે, આનંદરૂપ છે; હાથ, પગ, મુખ, ઉદર આદિથી યુક્ત છે, તત્ત્વના ભેદ રહિત કૈવલ્ય સ્વરૂપ છે (૨).
सर्वज्ञता तुप्तिरनादिबोधः स्वतंत्रता नित्यमलुप्तदृष्टिः ।
अनंतशक्ति-र्विभोविभूज्ञाः षडाहुरंगानि महेश्वरस्य ।। ३ ।।
સર્વજ્ઞપણું, નિત્ય તૃપ્તિપણું, અનાદિ જ્ઞાનથી પૂર્ણપણું, સ્વતંત્રપણું, અલુપ્તદૃષ્ટિપણું, અનંત શક્તિપણું. આ સર્વજ્ઞત્વ વગેરે છ તથા બીજાં અનંત ઐશ્વર્ય ભગવાનમાં રહ્યાં છે (૩).
‘નીલકંઠ’ નામનો અર્થ
नीलकंठ = ‘नीलः’ नितरां शोभायुक्तः श्यामः कंठो यस्य सः’ જેમનો કંઠ અતિશય શોભાયમાન છે તેથી નીલકંઠ કહેવાય છે. આ રીતે આઠે નામના અર્થ જાણવા.
માર્કંડેયમુનિએ પાડેલાં નામ
હવે હરિ તથા કૃષ્ણ અને હરિકૃષ્ણ ને નીલકંઠ આ ચાર નામ, નામકરણ સમયે માર્કંડેયમુનિએ કર્યાં છે એમ સત્સંગિજીવન-પ્ર. ૧, અ. ૨૪માં કહ્યું છે :-
ततोऽस्य विदधन्नाम मुनिरन्वर्थमब्रवीत् ।
अन्तर्दृष्ट्यैव कृष्णस्य जानन्सर्वं चिकीर्षितम् ।। २४ ।।
युवयोश्च स्वकीयानां हर्ताऽसावापदो द्विज ! ।
हरिसंज्ञोऽस्त्वतः कर्कराशिस्थेन्दोश्च जन्मनि ।। २५ ।।
कृष्णाख्यः कृष्णवर्णत्वात् स्वस्मिंश्चाकर्षणाद् हृदः ।
मधुमासजनेश्चासौ सुतो भवति ते भुवि ।। २६ ।।
एतन्नामद्वयं विप्र ! पुत्रस्य तव यन्मया ।
कथितं व्यस्तमपि तत् समस्तं च भविष्यति ।। २७ ।।
त्यागज्ञान – तपोधर्मैः पार्वतीपतिना समः ।
एष भावी च योगेन नीलकंठाभिधोऽस्त्वतः ।। २८ ।।
एवं विधान्यनेकानि गुणकर्मानुसारतः ।
नामान्यस्य भविष्यन्ति त्वसूनो-र्द्विजसत्तम् ! ।। २९ ।।
ત્યાર પછી માર્કંડેયમુનિ બાળસ્વરૂપ શ્રીહરિનું અર્થવાળું નામ કરવાની ઇચ્છા કરીને, ભગવાને પોતે કરવા ધારેલું કાર્ય અંતર્દૃષ્ટિથી જાણીને એમ બોલ્યા કે (૨૪). હે દ્વિજ ! આ પુત્ર તમારી અને આશ્રિતજનની અખિલ આપદાને હરનારા થશે. વળી જન્મસમયે ્ચંદ્રમા કર્કરાશિમાં વર્તે છે માટે ‘હરિ’ એવું જ નામ યુક્ત છે (૨૫). હે ધર્મદેવ ! આ તમારા પુત્રનો કૃષ્ણ (શ્યામ) વર્ણ છે, વળી આશ્રિતોના અંતઃકરણને સ્વસ્વરૂપમાં સમાકર્ષણ કરે છે, વળી ચૈત્રમાસમાં જન્મ છે. આ ત્રણ હેતુથી પૃથ્વી ઉપર ‘કૃષ્ણ’ એવા નામથી કહેવાશે.
कृषिर्भूवाचकः शब्दो णश्च निर्वृत्तिवाचकः ।
कृष्णस्तद्भावयोगाच्च कृष्णो भवति सात्वतः ।।
‘કૃષ્ણ’ એટલે આનંદઘન સ્વરૂપ એવા કૃષ્ણ નામે શ્રી સ્વામિનારાયણ ભગવાનને જ કહ્યા છે (૨૬). હે વિપ્ર ! મેં તમારા પુત્રનાં જે આ બે નામ કહ્યાં તે જોકે જુદાં જુદાં છે તો પણ તે બંને મળીને એક ‘હરિકૃષ્ણ’ એવું ભેગું નામ થશે (૨૭). વળી તમારા પુત્ર ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ ને યોગ આ પાંચ ગુણોથી શિવથી સમર્થ થશે માટે ‘નીલકંઠ’ નામે પણ કહેવાશે (૨૮). હે દ્વિજ સત્તમ ! આ તમારા સુતનાં આવાં અનેક નામો ગુણ-કર્મ-વ્રતને અનુસારે થશે (૨૯).
રામાનંદ સ્વામીએ પાડેલાં નામો
હવે નારાયણમુનિ તથા સહજાનંદ સ્વામી આ બે નામ રામાનંદ સ્વામીએ શ્રીહરિને દીક્ષા આપી ત્યારે કર્યાં છે, જુઓ સત્સંગિજીવન - પ્ર. ૧, અ. ૫૮માં :-
एवं धर्मानुपादिश्य रामानंदमुनि-र्नृप ! ।
तस्य शिष्यस्याभिधानं चक्रेऽन्वर्थं विचार्य च ।। ३६ ।।
सहजानंद इत्याह प्रथमं नाम तस्य सः ।
ततो नारायणमुनि-रिति चक्रेऽभिधां स्वयम् ।। ३७ ।।
હે નૃપ ! રામાનંદમુનિએ આ રીતે ધર્મનો ઉપદેશ આપ્યો ને શ્રીહરિનું માહાત્મ્ય જાણ્યું જે મારા સ્વામી છે પણ મારા શિષ્યભાવનું અનુકરણ કરે છે તો મારે તેમની ઇચ્છાનુસારે કરવું, એમ વિચારીને સાર્થક નામ કર્યું (૩૬). તેને બે શ્લોકથી કહે છે : તેમાં શ્રીહરિનું પ્રથમ ‘સહજાનંદ’ એવું નામ પાડ્યું, કેમ જે એમનામાં આનંદ સહજસ્વભાવ સિદ્ધ છે. તે પછી બીજું નામ ‘નારાયણમુનિ’ એવું પાડ્યું. આ બંને નામનો અર્થ પ્રથમ કર્યો છે (૩૭). અને ‘સ્વામી’ એવું નામ પોતાના ભક્તોએ પાડેલું છે, કારણ કે જે સર્વના ઉપરી હોય તેને સ્વામી કહેવાય. અને ‘સ્વામિનારાયણ’ એવું પોતાનું નામ શ્રીજીમહારાજે પોતે જ સ્વમુખે પાડેલું છે, તે નિષ્કુળાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે :-
‘સ્વામિનારાયણ નામનો રે, સિક્કો બેસારિયો આપ;
પુરુષોત્તમ પ્રગટી રે ।’
‘એ નામને જે આશર્યા રે, તેના તે ટાળિયા તાપ;
પુરુષોત્તમ પ્રગટી રે ।। ૧૧ ।।
‘સ્વામિનારાયણ નામનું મુખ્યપણું’
गौणनामेभ्यः एतदृष्टनाम्नां प्रधानत्वं कथितम्, तत्रापि स्वामिनारायण नाम्नः अत्यधिक प्रधानतमम्, तत् ब्रह्मसंहितादि प्रवंधेष्वुक्तम् ।
नाम्नां मुख्यतमं नाम स्वामिनारायणेति मे ।
मदाश्रितानां सर्वेषां शांत्यानंदप्रदं सदा ।। १ ।।
स्वामिनारायणनाम मुख्य ज्ञेयं मदाश्रितैः ।
प्रायश्चित्त-मशेषाणां पापानां मोचक परम् ।। २ ।।
શ્રીજીમહારાજનાં ગૌણ નામો થકી આ આઠ નામ(નારાયણમુનિ, સહજાનંદ, સ્વમિનારાયણ, સ્વામી, હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ ને નીલકંઠ) મુખ્યપણે કહ્યાં છે તેમાં પણ સ્વામિનારાયણ નામ સૌથી અતિ અધિક પ્રધાન છે એમ બ્રહ્મસંહિતાદિમાં કહ્યું છે; :-
શ્રીજીમહારાજ કહે છે : મારું સ્વામિનારાયણ નામ સર્વે નામમાં પ્રધાન છે. મારા આશ્રિતને ઉપશમ ને આનંદ આપનારું છે (૧). મારા આશ્રિત હોય તેમણે મારા બીજાં નામથી ‘સ્વામિનારાયણ’ નામ મુખ્ય જાણવું; એ નામ સર્વ પાપથી મુક્ત કરવામાં પ્રાયશ્ચિત્તરૂપ છે (૨).
पुण्यनाम्नां सहस्राणां दशावृत्या तु यत्फलम् ।
स्वामिनारायणेत्येक-नाम्ना तत्फलमाप्नुयात् ।। ३ ।।
अन्य प्रयुतनाम्नाम् हि दशावृत्या तु यत्फलम् ।
एका-वृत्या भवेत् स्वामिनारायणेति तद् ध्रुवम् ।। ४ ।
બીજાં નામથી ‘સ્વામિનારાયણ’ નામનું માહાત્મ્ય અતિશય અધિક છે, કેમ જે હજારો પવિત્ર નામની દશ આવૃત્તિ કરવાથી જે ફળ થાય છે તેટલું જ ફળ તો સ્વામિનારાયણ નામની એક આવૃત્તિ કરવાથી થાય છે (૩). તેમ જ બીજા ભગવાનનાં દશ હજાર નામની દશ આવૃત્તિ કરવાથી જે ફળ થાય છે તે ફળ સ્વામિનારાયણ નામની એક આવૃત્તિ કરવાથી થાય છે તે સત્ય છે (૪). તેમ જ કાવ્યકીર્તનમાં પણ એ નામનું માહાત્મ્ય બહુ કહ્યું છે તે જુઓ :-
નિષ્કુળાનંદસ્વામી(કીર્તન ૧૫૭૮)
સ્વામિનારાયણ નામ રે, વ્હાલું લાગે સ્વામિનારાયણ નામ રે.
રાતદિવસ મારા રુદિયા ભીતર, જપીશ આઠું જામ રે. વ્હાલું૦
બ્રહ્માનંદ સ્વામી(કીર્તન ૧૫૩૪)
સહજાનંદ જગ શ્યામ, મનોહર સહજાનંદ જગ શ્યામ.
સકલ સુહાવન ભાવન મનકે, સંતનકે વિશ્રામ. મનો ૦
કીર્તન ૧૩૪૭
ભલાવે સહજાનંદકો મેં ઉપાસી, ચરણ કમલકો નિવાસી.
માતા પિતા બંધુ સહજાનંદ, સહજાનંદ સુખ રાશિ.
પ્રેમાનંદસ્વામી(કીર્તન ૯૫૨)
પદ ૧
સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજ રે;
કર રે મન ચરણ વાસ, જક્ત આશ તજ રે. સ્વામિ૦
પદ ૨
હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે,
હમારે મન સ્વામિનારાયણ દુસરા ન ભાવે. હમ૦
પદ ૩
હમ તો એક સહજાનંદ ચરનકે ઉપાસી, ટેક૦
પુરુષોત્તમ સહજાનંદ જાને સુખરાશિ,
પ્રેમાનંદ આયો શરન ચરનકો નિવાસી હમ૦
પુરુષોત્તમપ્રકાશ(પ્રકાર ૨૩)
એવો નામનો છે પરતાપ રે,
ધન્ય જે જન જપે આપ રે; ।
પૂર્ણ પુરુષોત્તમ સુખધામ રે,
તેણે ધર્યું સહજાનંદ નામ રે. ।। ૫ ।।
સહજાનંદ સહજાનંદ ગાય રે,
તે તો અક્ષરધામમાં જાય રે; ।
સહજાનંદ નામ જેને મુખે રે,
તે તો બ્રહ્મપુર જાશે સુખે રે. ।। ૬ ।।
સહજાનંદ એ નામ સાંભરી રે,
જાય પાપ પૂરવના બળી રે; ।
સૂણી સ્વામિનારાયણ નામ રે,
સર્યાં કંઈક જીવનાં કામ રે. ।। ૧૧ ।।
કાને એ નામની ભણક પડી રે,
તેને અક્ષરપોળ ઊઘડી રે; ।
સ્વામિનારાયણની કીરતિ રે,
સુણી રહે નહીં પાપ રતિ રે. ।। ૧૨ ।।