૭. પ્રત્યક્ષ શ્રી હરિકૃષ્ણના નામકીર્તનનું માહાત્મ્ય

यन्नामोच्चारणादेव मलौघाः कलि संभवाः ।

सद्य एव विनश्यंति तमीडे धर्मनंदनम्‌ ।। ३ ।।

જેમનું નામ લેવાથી જ કળિયુગથી થયેલા જે પાપના સમૂહ તે તરત જ નાશ પામે છે, એવા ધર્મસુત શ્રીહરિની હું શતાનંદ સ્વામી સ્તુતિ કરું છું (૩). [સર્વમંગલ]

स्मृति मात्रेण दुखानि पापपुंजानि वै तथा ।

हरंति यस्य नामानि तं वन्दे श्रीहरिं गुरुम्‌ ।।

જેમને સંભારવાથી જ દુઃખ ને પાપ નાશ પામે છે, તેમ જ જેમનાં નામ લેવાથી પણ દુઃખ ને પાપ નાશ પામે છે તે શ્રીહરિને હું નમસ્કાર કરું છું.

(સ. ભૂ. અં. ૩, અ. ૧)

यत्कीर्तनं परम यच्छ्रवणं यदीक्षा, यच्चिंतनं च कथनं

नमनं च यस्य । वत्सख्यमस्य विधुनोति जनस्य

पापं, सद्योऽन्तरारिपटलात्स च पाहि मां त्वम्‌ ।। १ ।।

यत्नामधेयममलं बहुजन्मजातान्‌, उच्चारितं च

शतशो दुरितेंधनानां । अज्ञानतोऽपि निवहान्दहति

प्रकृष्टान्‌, नरेण शुभदापि यथाऽग्निरल्पः१ ।। ३८ ।।

હે પરમ હરે ! તમારા ગુણનું શ્રવણ-કીર્તન કરવાથી તથા તમારાં દર્શન ને ચિંતવનાદિ કરવાથી ભક્તજનનાં પાપ તત્કાળ નાશ પામે છે તે તમે કામાદિક અંતઃશત્રુ થકી મારી રક્ષા કરો (૧). હે શુભદ કહેતાં હે મંગલપ્રદ ! અમલ એવું શુદ્ધ તમારું નામ પુરુષોએ અજ્ઞાનથી પણ ઉચ્ચારણ કર્યું સતું ઘણા જન્મથી થયેલા મોટા પાપરૂપ કાષ્ઠના સોએ સો સમૂહ તેને, જેમ સ્વલ્પ એવો પણ અગ્નિ તુલસમૂહને૧ ભસ્મ કરે છે તેમ ભસ્મ કરે છે એમ ઉત્તર શ્લોકમાં સંબંધ છે (૨).

यन्नाम पुण्यं सकलपाप-दाह्यं, तं स्वामिनारायणवर्णयुक्तं ।

उच्चारितं मोचयतीश्वरांते संत्रस्तपुसा ततो यमेभ्यः ।। ३ ।।

હે ઈશ્વર ! જે તમારું નામ અતિશય પવિત્ર કરનારું છે ને સકલ પાપને ભસ્મ કરે છે અને ‘સ્વામિનારાયણ’ એવા વર્ણે યુક્ત છે તે અંત સમયે યમદૂતથી ત્રાસને પામેલા પુરુષે ઉચ્ચારણને કર્યું સતું યમદૂત થકી મુકાવે છે (૩).

(સ. જી. પ્ર. ૩, અ. ૫૫)

अस्माकं स्खलने क्षुते च पतने व्याधौ तथा जृम्भणे

मूर्च्छाया मरणेऽपि वा विवशतां सम्प्राप्स्यतां नित्यदा ।

त्वन्नामान्यखिलाघ-दुःखनिचय-ध्वंसाति – शौर्याणि वै

बचायां विलसन्तु निश्चलतया भक्तप्रिय ! श्रीहरे ! ।। २८ ।।

સર્વ ભક્તજનો પ્રાર્થના કરે છે : હે ભક્તપ્રિય ! હે શ્રીહરે ! અમો એવી આપની પ્રાર્થના કરીએ છીએ કે, આપના હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નારાયણમુનિ, સહજાનંદ, સ્વામિનારાયણાદિ નામો જે સમગ્ર પાપ-પુંજને તથા દુઃખ-સમૂહને મૂળમાંથી નાશ કરવામાં મહા શૂરવીર ને સર્વ મંગળકારી છે તે અમારી વાણીમાં નિશ્ચયપણે નિવાસ કરો. ઠેસ ખાતાં કે છીંક આવે કે નીચે પડી જતાં કે વ્યાધિમાં કે બગાસું ખાતાં કે મૂર્છા-મરણ સમયે કદાચિત્‌ પરવશપણાને પામી જઈએ તો પણ અમારી વાણીમાં તમારા નામામૃતનો નિત્ય નિશ્ચલ નિવાસ કરો, કહેતાં તમારા સ્વરૂપે સહિત સ્ફુરાયમાન થાઓ (૨૮).

(ભા. સ્કં. ૩, અ. ૩૩ કપિલગીતા)

यन्नामधेय–श्रवणानुकीर्तनात्‌ यत्प्रह्‌वणात्‌ यत्स्मरणादपि क्वचित्‌ ।

श्वादोऽपि सद्यः सवनाय कल्पते कुतःपुनस्ते भगवन्तु दर्शनात्‌ ।। ६ ।।

तेपुस्तपस्ते जुहुवुः सस्नुरार्या ब्रह्मानूचुर्नाम गुणन्ति ते ये ।। ७ ।।

હે ભગવન્‌ ! તમારા નામનું શ્રવણ-કીર્તન કરવાથી તથા તમને નમસ્કાર કરવાથી તથા તમારું સ્મરણ કરવાથી ચંડાલ પણ પવિત્ર થાય છે તો તમારાં પ્રત્યક્ષ દર્શન કરવાથી પવિત્ર થાય તેમાં શું કહેવું; એ તો થાય જ (૬). અને જે કોઈ પુરુષ તમારા નામનું ગાન કરે છે તેને તપ તથા હોમ કરવાનું તે સર્વ તીર્થમાં સ્નાન કરવાનું તથા વેદપાઠ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે (૭).

(શ્રીમદ્‌ ભાગવત)

मंत्रतस्तंत्रतच्छिद्रं देशकालार्ह-वस्तुतः ।

सर्वं करोति निच्छिद्रं नामसंकीर्तनं तव ।। १ ।।

(સ્કંદપુરાણ)

यस्य स्मृत्या च नामोक्त्या जपयज्ञ-क्रियादिषु ।

न्यूनं संपूर्णतां याति सद्यो वंदे तमच्युतम्‌ ।। २ ।।

આ બંને શ્ર્લોક શિ. ભા. ૫૬ના શ્ર્લોકની ટીકામાં.

હે હરિ ! મંત્રજપ કરવામાં તથા પૂજાવિધિ કરવામાં દેશકાળથી યોગ્ય વસ્તુ ન મળે તેથી ન્યૂન રહે, તે તમારા નામની ધૂન કરવાથી સંપૂર્ણતાને પામે છે (૧). મંત્રજપ તથા યજ્ઞની ક્રિયાઓ કરવામાં જે કંઈ અપૂર્ણ રહ્યું હોય તે જેની સ્મૃતિ કરવાથી તે જેનાં નામ લેવાથી પૂર્ણતાને પામે છે તે શ્રીહરિને હું વંદન કરું છું (૨).

અખંડ સ્મૃતિનું માહાત્મ્ય

(નામ કૌમુદી)

स्मर्त्तव्यः सततं विष्णु-र्विस्मर्त्तव्यो न जातुचित्‌ ।

सर्वे विधिनिषेधाः स्यु-रेतयोरेव किंकराः ।। १ ।।

एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः ।

मद्भक्त्या पुण्डरीकाक्षं स्तवैरर्चेन्नरः सदा ।। २ ।।

सा हानिस्तन्महच्छिद्रं स मोहो सा च विक्रिया ।

यन्मुहूर्तं क्षणं वापि वासुदेवं न चिंतयेत्‌२ ।। ३ ।।

આ ત્રણેય શ્ર્લોક શિ. ભા. ૫૮ના શ્ર્લોકની ટીકામાં.

ભગવાનનું અખંડ સ્મરણ કરવું પણ ક્યારેય ભગવાનને વિસારવા નહિ. ભગવાનને સંભારવા એ જ વિધિ છે; મોટો ધર્મ છે. ભગવાનને ભૂલવા તે જ નિષેધ છે; ધર્મવિરુદ્ધ છે (૧). મેં તો સર્વ ધર્મમાં એ જ ધર્મ અધિક માન્યો છે કે ‘નર’ કહેતાં જે ભક્ત પ્રેમપૂર્વક સ્તુતિથી પ્રત્યક્ષ પ્રભુને સદા પૂજે છે (૨). જે મુહૂર્તમાં કે ક્ષણમાં શ્રીહરિને ભૂલી જવાય, તે જ હાનિ-ખોટ્ય છે; તે જ મોટું છિદ્ર કહેતાં ન્યૂનપણું છે; તે જ મોહ કહેતાં વિપરીત બુદ્ધિ છે; તે જ વિક્રિયા કહેતાં અધર્મ છે (૩).

(શ્રીમદ્‌ ભાગવત-સ્કં. ૧૨, અ. ૧૨)

अविस्मृतिः कृष्णपदारविन्दयोः क्षिणोत्यभद्राणि शमं तनोति च ।

सत्त्वस्य शुद्धिं परमात्म–भक्तिं ज्ञानं च विज्ञान–विरागयुक्तम्‌ ।। ५८ ।।

પ્રત્યક્ષ શ્રીકૃષ્ણનારાયણની અખંડ સ્મૃતિ તે ‘અભદ્રાણિ’ જે પાપ ને પાપના કારણ કામ-લોભાદિક હોય તથા દોષનું કારણ અજ્ઞાન તેને ‘ક્ષિણોતિ’ કહેતાં નાશ કરે છે અને ‘શમં’ જે શ્રીહરિમાં ઉપશમ અને અંતઃકરણમાં રહેલી વિષવાસનાની નિવૃત્તિ કરીને અખંડ ભગવાનમાં રહે તેવું અંતઃકરણને શુદ્ધ કરે છે ને શ્રીજીમહારાજમાં પ્રીતિ ને તેમનો સાક્ષાત્કાર અને વૈરાગ્ય તેણે યુક્ત એવા જ્ઞાનની સ્થિતિ પમાડે છે અર્થાત્‌ અનુભવજ્ઞાન પ્રગટ થાય છે (૫૪).

અને જે વનિતાઓ તથા પુરુષો ભગવાનના નામનો કે સ્મરણનો ઓથ લઈને ભગવાને કરેલી ધર્મમર્યાદાનો ભંગ કરે છે તથા ભગવાનના માહાત્મ્યને મિથ્યા માને છે તે ભગવાનના અપરાધી થાય છે તેણે કરીને અધોગતિને પામે છે એમ કહ્યું છે. તે જણાવે છે :-

सर्वोत्तमे हरेर्नाम्नि ह्यर्थवादेति बुद्धयः ।

नाम्नो बलाच्च पापानि ये कुर्युस्तेऽपराधिनः ।। ३ ।।

गुरोरवज्ञा श्रुतिशास्त्रनिंदनं तथाऽर्थवादो हरिनाम्नि कल्पितः ।

नाम्नो बलाद्यस्य च पापबुद्धि-र्न विद्यते तस्य यमैर्विशुद्धिः ।। ४ ।।

સર્વોત્તમ શ્રીહરિનું નામ છે તેનો મહિમા મિથ્યા કહે ને જેઓ નામના બળથી પાપ કરે તે ભગવાનના અપરાધી થાય છે (૩). ગુરુનું અપમાન કરે અને શ્રુતિશાસ્ત્રની નિંદા કરે, ભગવાનના નામનું માહાત્મ્ય સત્ય છે તેને કલ્પિત ને મિથ્યા કહે અને નામના માહાત્મ્યના બળને લઈને જે વનિતા ને પુરુષ પાપ કરવામાં ન બીએ ને પાપ કરે તેઓ યમપુરીનાં દુઃખ ભોગવે છે તો પણ તેનાં પાપ બાકી રહે છે ને તેનું દુઃખ ચોરાસીમાં ભોગવે છે (૪).

જે વનિતાઓ ને પુરુષો પોતાના ધર્મમાં રહીને પોતાના ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણના નામોચ્ચારણ અહર્નિશ કરે છે તેમનો અક્ષરધામમાં શ્રીહરિની પ્રાપ્તિરૂપ આત્યંતિક મોક્ષ થાય છે, એમ સ. ભૂ. અં. ૨, અ. ૩૬માં કહ્યું છે તે જુઓ :-

समाधि धारणा ध्यान कारकस्य च तस्य मे ।

पुंसां स्त्रीणां नीलकंठेति नारायण हरीति ।। २३ ।।

स्वामिनारायण-कृष्ण-हरिकृष्णेति नाम यः

पुमान्‌ कश्चिच्च या का स्त्री ज्ञात्वा वाऽज्ञानतोऽनघाः ।

तयोरुच्चारयत्येति देहांत-समयो यदा ।। २४-२५ ।।

द्वावेतौ येन मायाद्यष्टावरणानि च साशु सः ।

विमिद्य मेऽक्षरधाम प्राप्नुतस्तमसः परम्‌ ।। २६ ।।

શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તજન પ્રત્યે કહે છે : ‘હે અનઘાઃ’ કહેતાં અઘના૧ હેતુ એવા કામ, લોભાદિક દોષ જેમાં નથી માટે અનઘ કહેતાં નિષ્પાપ એવા હે ભક્તજનો ! હું સ્વામિનારાયણ ભગવાન છું તે હું અનેક પુરુષો ને અનેક સ્ત્રીઓને સમાધિઓ કરાવીને ગોલોકાદિક ધામમાં અનંત ઐશ્વર્ય, તેજ, પ્રતાપે સહિત તેમને ધામના અધિપતિનાં દર્શન કરાવું છું. અને સર્વથી પર મારું ધામ છે તેમાં મારી મૂર્તિનાં દર્શન કરાવું છું અને કેટલાક સાધુ-સત્સંગીને અને કેટલીક બાઈઓને સમાધિ-સ્થિતિ કરાવી છે અને કેટલાકને ધ્યાન-ધારણા કરાવીને આત્મા-પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો છે; હું આવો સર્વોપરી શ્રી હરિકૃષ્ણ ભગવાન છું, તે મારા નીલકંઠ અને નારાયણ તથા સ્વામિનારાયણ, કૃષ્ણ, હરિકૃષ્ણ એવાં નામ છે તેને જે કોઈ પુરુષ ને જે કોઈ વનિતા માહાત્મ્ય જાણીને અથવા વિશ્વાસથી ઉચ્ચારણ કરે છે તે પુરુષ ને સ્ત્રી તેમનો જ્યારે અંત સમય આવે છે ત્યારે તે પુરુષ ને વનિતા ‘યેન’ જે મારા નામોચ્ચારણનો પ્રતાપ તેણે કરીને માયાદી અષ્ટ આવરણને ભેદીને માયાના તમથી પર એવું જે મારું અક્ષરધામ તેને પામે છે (૨૩-૨૪-૨૫-૨૬).

આમાં પ્રથમ જે અક્ષરધામની પ્રાપ્તિરૂપ ફળ કહ્યું તે તો જેને સ્વધર્મ અને માહાત્મ્યે સહિત નિશ્ચય દૃઢ હોય તેને જ થાય છે એમ સત્સંગિજીવન - પ્ર. ૪, અ. ૩૫માં કહ્યું છે તે જુઓ :-

हृदये भगवन्मूर्तिं यथा दृष्टा विभावयन्‌ ।

यः कीर्तयति नामानि स नामफलामाप्नुयात्‌ ।। ७ ।।

मनो यस्य तु विभ्रान्तं धाक्त्येव समन्ततः ।

सांसारकपदार्थेषु तस्य किं ? हरिनामभिः ।। ८ ।।

જે ભક્તજને ભગવાનની મૂર્તિને પ્રથમ જેવી દેખી હોય તેવી જ હૃદયાકાશમાં ચિંતવન કરતો થકો ભગવાનનાં નામોનું ઉચ્ચારણ કરે છે તે જ પુરુષ નામોચ્ચારણના ફળને પામે છે (૭). પણ જેનું મન તો વિષય વાસનાથી વિભ્રાંત થઈને માયિક પદાર્થમાં ચોમેર દોડ્યા કરે છે તેને શ્રીહરિનાં નામ-કીર્તન કરવાથી શું ફળ થાય ? કશું ય ન થાય, માટે પોતાના ધર્મમાં રહી નિર્વાસનિક થઈને કથા-કીર્તન કરે છે તેને શ્રીહરિ કૃપા કરીને પોતાની મૂર્તિમાં જોડી દે છે (૮).