૧૧. અત્યંતિક મોક્ષનું સાધન
निजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणम् ।
विभाव्य ते न कर्त्तव्या भक्तिः कृष्णस्य सर्वदा ।। शि. श्लो. ११६ ।।
સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ સર્વકાળને વિષે કરવી (૧૧૬).
બ્રહ્મરૂપ એટલે શું ?
ત્રણ દેહથી વિલક્ષણ ને તેના પ્રકાશકપણે કરીને ભિન્ન, કહેતાં ત્રણ દેહની ભાવનાએ રહિત શુદ્ધ એવો પોતાનો આત્મા જે પોતે તે પોતાને બ્રહ્મરૂપ એટલે શિતળ, શાંત, ઘન, સુખરૂપ ને શ્વેત એવો શ્રીજીમહારાજના તેજનો સમૂહ છે, જે બ્રહ્મ તથા અક્ષરધામ કહેવાય છે, તે બ્રહ્મની સાથે આત્માનું ઐક્યપણું કરવું; અર્થાત્ તે બ્રહ્મને વિષે પોતાના આત્માને મ. વ. ૫૦ પ્રમાણે લીન કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે સહિત ભક્તિ-ઉપાસના કરવી.
આવી રીતે પોતે બ્રહ્મરૂપ થઈને અનંતકોટિ મુક્ત ને નિત્યમુક્તના સ્વામી, સુખપ્રદાતા, નિયંતા ને સકલાવતારનાં ઐશ્વર્ય - પ્રકાશના પ્રકાશક, અનંત જીવના આત્યંતિક મોક્ષ કરવાને અર્થે છપૈયાપુરમાં ધર્માવતાર શ્રી ધર્મદેવથી પ્રેમવતી ભક્તિદેવીને વિષે પ્રગટ થયેલા, એવા અનાદિ કૃષ્ણનામક શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ ગાઢ પ્રેમપૂર્વક સર્વ કાળને વિષે કરવી. તે ભક્તિનું સ્વરૂપ શિ. શ્લો. ૧૦૩માં શ્રીજીએ કહ્યું છે; તો તે થકી ભક્તિનું સ્વરૂપ જાણવું.
બ્રહ્મરૂપા ભક્તિનું ફળ
બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરતા એવા જે ભક્ત તે પરબ્રહ્મની પ્રસન્નતાથી પરબ્રહ્મરૂપ થાય છે તે હરિવાક્ય સુધાસિંધુ તરંગ ૮૯માં શ્રીહરિએ કહ્યું છે જે :-
‘साम्यं साधर्म्यमित्युक्तं प्राप्नोति परमं स तत् ।’ ...
જે ભક્ત ઉપર હું કૃપા કરું છું તે ભક્ત મારા પરમ સાધર્મ્યને પામે છે. તે સાધર્મ્ય તે શું ? તો સર્વ મુક્તનું સ્વામીપણું, સુખદાતાપણું ને નિયંતાપણું - તે સિવાય બીજા રૂપ, ગુણ, ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય ઇત્યાદિ દિવ્ય ને કલ્યાણકારી ગુણે કરીને સરખાપણું જે તુલ્યભાવ; તેને સાધર્મ્ય કહે છે.
જુઓ સા. વ. ૧૧માં - પાંચ સાધન સિદ્ધ કરે ત્યારે તેના ઉપર ભગવાનની કૃપા થાય છે ને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે તે ભગવાનના તુલ્યપણાને પામે છે. અર્થાત્ શ્રીજીમહારાજરૂપ શ્રીજીમહારાજ જેવો દિવ્ય સાકાર મુક્ત થાય છે અને શ્રીજીમહારાજની સેવામાં રહે છે, - આવો ભાવાર્થ છે.
એકરસ, શિતળ, શાંત, ઘન ને શ્વેત એવો, શ્રીજીમહારાજની મૂર્તિના તેજનો સમૂહ છે તેને જ બ્રહ્મ ને અક્ષરધામ કહ્યું છે. તેમાં વિરાજમાન દિવ્ય અદભુત મંગળમૂર્તિ એવા શ્રીજીમહારાજ, તેમને વિષે માહાત્મ્ય જ્ઞાનપૂર્વક અતિશય સ્નેહ કરવો ને મૂર્તિ સામું જોઈ રહેવું અથવા અતિ સ્નેહે કરીને શ્રીજીની સાથે એકાત્માપણું પ્રાપ્ત કરીને, દાસભાવે સમગ્ર મૂર્તિના આનંદના ભોક્તા રહેવું. આવો શ્રીજીમહારાજનો અભિપ્રાય છે. તે સ. ભૂ. અં. ૪, અ. ૨૫માં કહ્યું છે જે :-
शुभ्रं यज्जोतिषां ज्योतिः यद्यदात्मविदः विदुः ।
श्रुत्योक्तं सच्चिदानंदं ब्रह्माद्वयं त्वमेव तत् ।। ६ ।।
क्षेत्रज्ञोऽस्मि त्वमेवाहं क्षेत्रक्षेत्रज्ञयोस्तव ।
શ્રીહરિ જતનબા પ્રત્યે બોલ્યા - ‘શ્રુતિઓ જેને સચ્ચિદાનંદ, બ્રહ્મ ને અદ્વિતીય કહે છે ને ‘આત્મવિદઃ’ કહેતાં આત્મા જે બ્રહ્મ (અક્ષરધામ) તેને જાણનારા મુક્ત છે તે, જેને ‘જોતિષાં જ્યોતિઃ’ કહેતાં પ્રકાશક જે અક્ષરબ્રહ્માદિક તેમનું પ્રકાશક જાણે છે ને ‘શુભ્ર’ કહેતાં અતિશય તેજોમય એવું જે બ્રહ્મ તે તમે છો (૬). અને તમારું ક્ષેત્ર જે શરીર તથા ક્ષેત્રજ્ઞ જે આત્મા એ બંનેનો ક્ષેત્રજ્ઞ એવો હું છું અને ‘ત્વમેવાઽહં’ કહેતાં તમે મારા રૂપ છો અર્થાત્ મારું સાધર્મ્યપણું પામેલા મુક્ત છો અને હું તમારામાં રહ્યો છું અને તમે મારામાં રહ્યાં છો એટલે મારી સાથે એકાત્મતાને પ્રાપ્ત કરી મારો આનંદ અનુભવો છો’ (૨).
હવે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી એમ સત્સંગિજીવન - પ્ર. ૪, અ. ૭૨માં કહ્યું છે :-
एतेन सांख्यज्ञानेन कारणादिवपुस्त्रयात् ।
स्वात्मा ज्ञेयः पृथक् चेशोऽव्याकृतादिवपुस्त्रयात् ।। १ ।।
तादात्म्येन ततश्चैक्यं ब्रह्मणा स्वस्य भावयेत् ।
ब्रह्मभूतस्ततो भक्त्या वासुदेवं भजेत्पुमान् ।। २ ।।
वर्णाश्रमोचितं धर्मं स्वाधिकारानुसारिणम् ।
यावद्देहस्मृतिस्तावत् पालयस्तं भजेत्सदा ।। ३ ।।
જે સાંખ્યજ્ઞાન તેણે કરીને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ - એ ત્રણ દેહ થકી પોતાનો આત્મા પૃથક્ જાણવો, અને વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ ત્રણ દેહથકી ઈશ્વરને પૃથક્ જાણવા (૧). ત્યાર બાદ બ્રહ્મની સાથે પોતાના આત્માની તાદાત્મ્ય સંબંધે કરીને એકપણાની ભાવના કરવી. પછી બ્રહ્મભૂત એવો જે મુમુક્ષુ ભક્તજન તે, શ્રીજીમહારાજને ભક્તિએ કરીને ભજે (૨). અને તે ભક્ત જ્યાં સુધી પોતાને દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી, વર્ણાશ્રમને ઘટિત અને પોતાના અધિકારને ઉચિત એવો જે ધર્મ, તેને પાળતો થકો જ શ્રીજીને ભજે પણ આત્મનિષ્ઠાના કે મહિમાના અભિમાને કરીને ધર્મનો ત્યાગ ન કરે; ધર્મમાં રહીને જ શ્રીહરિને ભજે (૩).
વળી પોતાને બ્રહ્મરૂપ માનીને શ્રીજીની મૂર્તિ સાથે સ્વામી - સેવકભાવે પોતાના આત્માનું ઐક્ય કરીને શ્રીહરિને ભજે છે તેની સ્થિતિ, સ. ભૂ. અંશ ૨, અ. ૪૦માં અનાદિમુક્ત સદ્. વાસુદેવાનંદ સ્વામીએ આ પ્રમાણે વર્ણવેલી છે :-
પ્રાંતિજના તુલજારામ ભક્તને જેતલપુરમાં શ્રીહરિએ પૂછ્યું, તમે જ્ઞાતિએ કોણ છો ને કોના પુત્ર છો ? તેના ઉત્તરમાં તુલજારામે કહ્યું :-
कस्यापि तनयो नास्ति संबंधी कस्य चाप्याहं ।
न कस्यापि रिपुर्मित्रं न केनापि समोऽसमः ।। १३ ।।
न बाल्यत्वं च तारुण्यं वृद्धत्वं मयि चास्ति वै ।
कश्चिद्देशो न मे कृष्णो ! जात्यादित्वं न मय्यपि ।। १४ ।।
હે પ્રભો ! હું કોઈનો પણ પુત્ર નથી, કોઈનો પણ હું સંબંધી નથી અને કોઈનો શત્રુ કે મિત્ર નથી. હું કોઈનો સમ કે વિષમ નથી (૧૩). મારામાં બાલપણું, તરુણતા કે વૃદ્ધત્વ નથી. હે શ્રીહરે ! મારો કોઈ દેશ પણ નથી. મારાં કોઈ જાતિ કે આશ્રમ નથી (૧૪). વળી તે પછી શ્લો. ૨૭ તથા ૨૮માં કહ્યું છે :-
सच्चिदानंदरूपोऽस्मि कूटस्थोऽहं सदा प्रभो ।
प्रत्यग्धामा स्वयंज्योतिर्ज्ञाता सूक्ष्मतरोऽक्षरः ।। १५ ।।
अछेदोऽहमदाहोऽस्म्यक्लेदोऽशोषः सनातनः ।
नित्यो दासोऽस्मि ते देहेऽप्यनाशोऽनष्टतां गतेः ।। १६ ।।
હે પ્રભો ! હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું અને હું સદા કૂટસ્થ-નિર્વિકારી છું. પ્રતિલોમ સ્ફૂર્તિવાળો, સ્વયંપ્રકાશ, જ્ઞાતા, અતિ સૂક્ષ્મ તથા ‘અક્ષરસ્વરૂપ’ એટલે ભગવાનથી ક્ષણકાળ પણ જુદો ન પડું એવો હું છું (૧૫). અને અછેદ્ય, અદાહ્ય, અકલેદ્ય, અશોષ્ય, સનાતન, નિત્ય ને નાશ રહિત એવો હું તમારો દાસ છું (૧૬). વળી શ્લો. ૨૯માં કહ્યું છે :-
सुखं दुखं मृतिर्जन्म शीतं चोष्णं क्षुधा तृषा ।
मानं चैतन्न देहादेः सर्वं मेऽस्यास्ति चेद्धरे ! ।। १७ ।।
હે શ્રીહરે ! સુખ-દુઃખ, મૃત્યુ-જન્મ, શીત-ઉષ્ણ, ક્ષુધા-તૃષા અને માન - આ સર્વ તો, દેહાભિમાની, મનુષ્યને છે; હું તો તમારો દાસ છું; એટલે આ બધું મને કંઈ નથી (૧૭).
આ પ્રમાણે પોતાને અસંગી માનીને શ્રીજીની મૂર્તિનું સુખ ભોગવવું તે બ્રહ્મરૂપા ભક્તિનું ફળ છે.
વળી આવી રીતની બ્રહ્મરૂપપણાની ભક્તિનું ફળ અમુકને જ પ્રાપ્ત થાય એવો નિયમ નથી; ધર્મે સહિત ભક્તિ કરનાર સર્વ કોઈ ભક્તને તે પ્રાપ્ત થાય છે. તે સ. જી. પ્ર. ૨, અ. ૫૧માં સ્વયં શ્રીહરિએ કહ્યું છે :-
नहि केवलमीदृशाः पुमांसो भुवि भक्ताः श्रुतवेदिनो भवेयुः ।
अबला अपि चात्मधर्मसंस्था भगवत्स्नेहभरेण देववन्द्याः ।।
પૃથ્વી પર આવો ભક્તિનો ઉત્કર્ષ કેવળ પુરુષોને જ થાય, કે શાસ્ત્રના પરિશીલનવાળીને જ થાય એવો નિયમ નથી; પરંતુ સ્વધર્મમાં સ્થિતિવાળી વનિતાઓ પણ ભગવાન એવો હું, તે મારામાં અતિશય સ્નેહભારથી ઇંદ્રાદિક દેવતાઓને પણ વંદન કરવા યોગ્ય થાય છે. શ્રીહરિ સ. જી. પ્ર. ૪, અ. ૭૨માં ભક્તિના નવ પ્રકાર બતાવે છે :-
श्रवणं कीर्तनं चैव स्मरणं पादसेवनं ।
अर्चनं वंदनं दास्यं सख्यमात्मनिवेदनं ।। १४ ।।
एतैः प्रकारैर्नवभिः सेवते यस्तमादरात् ।
तस्य गाढं भवेत्प्रेम तस्मिन्नारायणे विभौ ।। १५ ।।
तस्य पुंसो भगवति प्राणेन्द्रियमनोधियाम् ।
निरोधो जायतेऽथाऽसौ सर्वत्रापि तमीक्षते।। १६ ।।
भक्त्याऽनयैव परया गुणातीतास्थितिर्भवेत् ।
शान्तिश्च सर्वथा पुंसस्तस्मादेतां श्रयेत्सुधीः।। २३ ।।
૧. પોતાના સ્વામી શ્રીજીમહારાજના કથા-કીર્તનનું શ્રવણ કરવું. ૨. શ્રીજીની કથા-કીર્તન બોલવાં. ૩. શ્રીજીની મૂર્તિનું ધ્યાન-સ્મરણ કરવું. ૪. શ્રીજી અને તેમના ભક્તની સેવા કરવી. ૫. તેમનું અર્ચન-પૂજન કરવું. ૬. તેમને વંદન કરવા. ૭. તેમના દાસ થઈને રહેવું - વર્તવું. ૮. તેમની સાથે સખાભાવ રાખવો. ૯. દેહાદિક સર્વ તેમને અર્પણ કરી દેવું અથવા ‘આત્મનિવેદન’ કહેતાં પોતાનો આત્મા શ્રીજીને નિવેદન એટલે અર્પણ કરવો અર્થાત્ મૂર્તિમાં જોડી રાખવો ૧૪. જે ભક્ત આ નવ પ્રકારે શ્રીજીને શ્રદ્ધા-માહાત્મ્યથી સેવે છે તે ભક્તને સમર્થ એવા શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીને વિષે ગાઢ પ્રેમ થાય છે ૧૫. ત્યાર બાદ તે ભક્તના પ્રાણ, ઇંદ્રિયો, મન ને બુદ્ધિનો શ્રીજીના સ્વરૂપમાં ‘નિરોધ’ કહેતાં લય થાય છે ત્યારે એ ભક્ત શ્રીજીની મૂર્તિને જ સર્વત્ર દેખે છે; બીજું કાંઈ દેખતો નથી ૧૬. ભગવાનના ભક્તને આવી પ્રેમલક્ષણા ભક્તિએ કરીને જ ભગવદ્ભાવની સ્થિતિ થાય છે અને સર્વે પ્રકારે શ્રીજીની મૂર્તિનું સુખ આવે છે. માટે જ્ઞાની ભક્ત હોય તે આવી રીતે (બ્રહ્મરૂપ થઈને) માહાત્મયજ્ઞાને સહિત ભક્તને આશરે, એ જ આત્યંતિક મોક્ષનું સાધન છે (૨૩).