૧૪. સેવારૂપી મુક્તિ
શિક્ષાપત્રી શ્લોક ૧૨૧માં શ્રીહરિએ કહ્યું છે :
"तत्र ब्रह्मात्मना कृष्णसेवा मुक्तिश्च गम्यताम् ।"
‘तत्र’ તે ગોલોકનામક તેજના સમૂહરૂપ અક્ષરધામમાં; ‘ब्रह्मात्मना’ - આ સ્થળે ‘બ્રહ્મ’ શબ્દથી પરબ્રહ્મને કહ્યા છે, તેથી ‘પરબ્રહ્મરૂપ’ એટલે પરબ્રહ્મના સાધર્મ્યને પામેલા મુક્તો તેમણે; ‘कृष्ण’ કહેતાં, મુક્તોએ તથા નિત્યમુક્તોએ સેવન કરાતા, ને સર્વથી અધિક આનંદરૂપ - એવા શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની; ‘सेवा’ જે અનુભવજ્ઞાનથી ને નિરવધિ સ્નેહથી, દિવ્ય શ્રીહરિનાં દર્શન - સ્પર્શ - સુગંધાદિકનું સેવન કરવું; ‘એ જ’ અર્થાત્ શ્રીજીના સ્વરૂપસંબંધી આનંદનો અખંડ અનુભવ કર્યા કરવો; એ જ અમે ‘મુક્તિ’ કહેતાં, આત્યંતિક મોક્ષ માન્યો છે; અવરભાવમાં મુકુંદવર્ણીની માફક, મનુષ્યરૂપ એવા શ્રીજીમહારાજની સેવા-પરિચર્યા કરવી તે પણ, ‘મુક્તિ’ એટલે આત્યંતિક મોક્ષ માનેલ છે.
તે શ્રીહરિએ કારિયાણીના ૭મા વચનામૃતમાં કહ્યું છે : ‘પ્રત્યક્ષ પુરુષોત્તમને વિષે જે દૃઢ નિષ્ઠા, તેને આત્યંતિક કલ્યાણ કહીએ; ... અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે તે મૂર્તિને ... સાક્ષાત્કાર દેખે, ને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહિ - એ સિદ્ધદશાનું લક્ષણ છે.
સારંગપુરના ૧૧મા વચનામૃતમાં - ‘निरंजनः परमं साम्यमुपैति’ એ શ્રુતિનો એ અર્થ છે કે, ‘અંજન જે માયા તે થકી જે રહિત થયો તે, ભગવાનના તુલ્યપણાને પામે છે.’ અર્થાત્ ભગવાનના જેવો દિવ્યસાકાર થાય છે.
ગઢડા પ્રથમ પ્રકરણ ૬૩મા વચનામૃતમાં - ‘અક્ષરધામને વિષે પોતાના સાધર્મ્યને પામ્યા એવા જે અનંતકોટિ મુક્ત, તે એ ભગવાનની સેવાને વિષે રહે છે.’
ભાવાર્થ - સેવા તે શું ? તો, દાસભાવે મૂર્તિના આનંદનો અનુભવ કરવો તે. અને સાધર્મ્ય તે શું ? તો, સ્વામિત્વ, સુખદાતાપણું ને નિયંતાપણું - એ સિવાયનાં બીજાં રૂપ - ગુણ ઇત્યાદિકે કરીને સજાતિ ને દિવ્યસાકાર થાય તે.
ગઢડા પ્રથમ પ્ર.ના ૩૭મા વચનામૃતમાં - ‘અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને, ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને, ભગવાનની હજૂરમાં રહે છે.’
વચનામૃત ગઢડા મધ્ય પ્ર.ના ૬૬નો ભાવાર્થ - ‘જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માયિક ત્રણ દેહનો સંગ છૂટી જાય છે, ને એ જીવ કેવળ ચૈતન્ય સત્તામાત્ર રહે છે. પછી એ જીવને ‘ચૈતન્ય પ્રકૃતિ’નો એટલે ‘બ્રહ્મરૂપ જીવાત્મા’નો ભગવાનની ઇચ્છાએ કરીને દેહ બંધાય છે; અર્થાત્ દેહદેહીભાવ નહિ, પરંતુ જીવાત્મા પોતે જ સાકાર થઈ ભાગવતીતનુ પ્રાપ્ત કરી ભગવાનના અક્ષરધામને વિષે રહે છે.’
ભગવદ્ગીતાના ચોથા અધ્યાયમાં પણ કહ્યું છે :-
... । वहवो ज्ञानतपसापूता मद्भावमागताः ।। ३० ।।
જ્ઞાન ને તપથી માયાના રાગે રહિત થયેલા-એવા ઘણાક ભક્તો, ‘મારા ભાવને’ અર્થાત્ મારું સાધર્મ્ય જે સ્વરૂપ, ગુણ ને સ્વભાવે કરીને સજાતિભાવને પામેલા છે ૩૦.
શ્રીમદ્ ભાગવત સપ્તમ્ સ્કંધ, અ. ૧૦માં પણ ભગવાન પ્રત્યે પ્રહ્લાદજીનું વચન છે :-
विमुंचति यदा कामान् मानवो मनसि स्थितान् ।
तर्ह्येव पुंडरिकाक्ष ! भगवत्त्याय कल्पते ।। ३१ ।।
હે કમળ જેવા નેત્રવાળા શ્રીહરે ! તમારો ભક્ત, જ્યારે મનમાં રહેલા વિષયભોગની વાસનાઓનો ત્યાગ કરે છે ત્યારે જ ભગવદ્ભાવને અર્થે કલ્પાય છે; અર્થાત્ તમારા સાધર્મ્યને પામે છે ૩૧.
વળી હરિલીલાકલ્પતરુ સ્કં. ૭, અ. ૬૩માં પણ કહ્યું છે :-
तव त्वेकांतिकभक्ता विना त्वत् पादसेवनम् ।
नेच्छंत्येवाऽक्षरसुखं तथा मुक्तिं चतुर्विधाम् ।। ३२ ।।
હે શ્રીહરે ! તમારા એકાંતિક ભક્ત છે તે તમારા ચરણની સેવા વિના, અક્ષરનું સુખ ઇચ્છતા નથી ને ચાર પ્રકારની મુક્તિને પણ ઇચ્છતા નથી ૩૨. વળી એ જ ગ્રંથના સપ્તમ સ્કંધ અ. ૪૪માં કહ્યું છે :-
श्रीवासुदेवसन्मूर्तिं विना क्वाप्येव तत्त्ववित् ।
आसक्तो नाक्षरसुखे यः स मुक्ततमो मतः ।। ३३ ।।
શ્રીજીની મૂર્તિના સુખભોક્તા એવા જે મુક્તો છે તે, શ્રીજીની મૂર્તિ વિના અક્ષરના સુખમાં આસક્ત થતા નથી; શ્રીજીની મૂર્તિમાં જ સંલગ્ન રહે છે; અર્થાત્ અક્ષરનું સાધર્મ્ય પ્રાપ્ત કરતા નથી; પુરુષોત્તમના જ સાધર્મ્યને પ્રાપ્ત કરે છે - તે ઉત્તમ મુક્ત છે ૩૩.
શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધ અ. ૨૯માં પણ કહ્યું છે :-
मर्त्यो यदा त्यक्तसमस्तकर्मा निवेदितात्मा विचिकीर्षितो मे !
तदाऽमृतत्वं प्रतिपद्यमानो मयात्मभूयाय च कल्पते वै ।। ३४ ।।
મનુષ્ય, જ્યારે સર્વ કર્મનો ત્યાગ કરે; કહેતાં, નિર્મૂળ વાસનાવાળો થાય અને પોતાનો આત્મા મને અર્પણ કરે; અર્થાત્ મારામાં એકાત્મભાવે જોડાઈ રહે ત્યારે, તેના ઉપર મારી વિશેષ કૃપા થાય છે. તે પછી મારા સ્વરૂપ સંબંધી સુખનો ભોક્તા થઈને ‘मयात्मभूयाय’ મારા તુલ્યભાવને અર્થે કલ્પાય છે; અર્થાત્ મારા પરમ સાધર્મ્યને પામી, અનાદિમુક્ત થાય છે ૩૪. આવી રીતે શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ ભોગવવું’ - એ જ પરભાવમાં ‘સેવા’ કહેતાં મુક્તિ છે. ઇતિ શ્લો. ૧૨૧.
[શિક્ષાપત્રીનો મૂળ શ્લોક ૧૨૧મો છે, તેના વિવેચનમાં ઉપર કહેલા શ્લોક ૩૪ છે.]