૫. અષ્ટાક્ષર - મંત્રજપ વિધિ - ૧
‘कृष्ण जप्योऽथाष्टाक्षरो मनुः’ (શિક્ષાપત્રી)
अर्चानन्तरम् कृष्णस्य = निजांगोद्भव महोपुंजात्मकाऽक्षरधाम्नि अविचलत्वेन विराजमानस्य मुक्तनित्यमुक्तैरेव अनुभवज्ञानेन अनुभावित स्वरूपस्य देवशर्मात्प्रेमवत्यां प्रादुर्भावित नरनाटनस्य मुक्तमुनिब्रह्ममुनि- स्तुत-यशस्य श्रीस्वामिनारायणस्य मम ।।
‘પૂજા કર્યા પછી શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો’ એમ કહ્યું, તેમાં શ્રીકૃષ્ણ શ્રીજીમહારાજે પોતાને કહ્યા છે. પોતાના અંગેઅંગમાંથી જ ઉત્પન્ન થયો એવો તેજનો સમૂહ તે જ અક્ષરધામ છે તેમાં અખંડ વિરાજમાન અને મુક્ત ને નિત્યમુક્ત જ જેમના સ્વરૂપને અનુભવ જ્ઞાને કરીને અનુભવે છે એવા દેવશર્મા થકી પ્રેમવતીને વિષે નરનાટકનો પ્રાદુર્ભાવ કર્યો છે, જેમણે અને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ અનંત મુક્ત જેમના ગુણનું અહોનિશ ગાન કરે છે એવા અને માર્કંડેય મુનિએ જેમના હરિ તથા કૃષ્ણ ને હરિકૃષ્ણાદિક નામ કર્યાં છે એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. હવે તે મંત્ર બે પ્રકારે કહેલો છે તે જુઓ. સત્સંગિજીવન - પ્ર. ૧, અ. ૧૧માં :-
श्रीकृष्णेति त्वमादिश्च गतिर्मद्वयमन्ततः ।
मनुराद्य इति प्रोक्तो वैष्णवत्व विधायकः ।। ५ ।।
ब्रह्माहमादि च पदं दान्तं कृष्णेति तत्परम् ।
सोऽस्मीत्युक्तो द्वितीयोऽपि मनुरिष्ट-फलप्रदः ।। ६ ।।
તે અષ્ટાક્ષર મંત્રનું સ્વરૂપ બે શ્લોકે કરીને કહેલ છે : ‘શ્રીકૃષ્ણ’ અને ‘ત્વં’ પદ અનુક્રમથી પ્રથમ આવે છે અને મધ્યમાં ‘ગતિઃ’ પદ આવે છે ને અંતમાં ‘મમ’ એવા બે ‘મ’કાર આવે છે એ આઠ અક્ષરનો નીચેનો મંત્ર છે.
‘श्रीकृष्ण ! त्वं गतिर्मम’
આ આદિ મંત્ર છે. આ મંત્ર વૈષ્ણવપણાને પમાડનારો છે એટલે રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી એવા હરિકૃષ્ણના દૃઢ આશ્રયને કરાવનારો છે. હે શ્રીકૃષ્ણ ! હે સ્વામિનારાયણ ! તમે જ મારી ગતિ છો; તમે જ મારા આધાર છો; હું તમારો શરણાગત છું (૫). આ પ્રથમ મંત્રનો અર્થ છે.
હવે બીજો મંત્ર કિયો, તો જેમાં ‘બ્રહ્માહં’ પદ પ્રથમ આવે છે. પછી ‘દા’ અક્ષર છે અંતમાં જેને એવું ‘કૃષ્ણ’ પદ જેમાં છે; તે પછી ‘સોઽસ્મિ’ પદ જેમાં અંતે છે, એ આઠ અક્ષરનો નીચે લખેલ બીજો મંત્ર છે.
‘ब्रह्माहं कृष्णदासोऽस्मि’
આ બીજો મંત્ર છે. આ મંત્ર આત્મસ્વરૂપને શ્રીકૃષ્ણસ્વરૂપની સાથે અથવા શ્રીકૃષ્ણના પ્રકાશરૂપ બ્રહ્મની સાથે એકાત્મ્ય પમાડનારો છે એટલે આત્માને બ્રહ્મભાવ તથા ભગવદ્ભાવને પમાડનારો છે (૬).
आद्यः शरणमंत्रोऽत्र सामान्य इति कीर्तितः ।
द्वितीयऽस्तु महामंत्रो विशेष इति विद्धि भो ! ।। ७ ।।
આ બેમાં પ્રથમ મંત્ર શરણમંત્ર કહેવાય છે અને તે સામાન્ય મંત્ર છે. બીજો મંત્ર તે મહામંત્ર છે, કહેતાં મહાદીક્ષાના અધિકારી ભક્તને જ આ મંત્ર લેવાનો કહ્યો છે માટે તે વિશેષ છે. હે રાજન ! એમ તમે જાણો. તેમાં એકાંતિક ભક્તે મહામંત્રનો જપ કરવો; સામાન્ય ભક્તે શરૂઆતમાં શરણમંત્રનો જપ કરવો (૭). અને તે મંત્રનો જપ પણ નિયમિત કરવો એ પ્રકારે સત્સંગિજીવન પ્ર. ૪, અ. ૪૬માં દીક્ષાવિધિમાં કહ્યું છે :-
कृष्णमंत्रस्य च जपो नियमाच्छुचिना त्वया ।
निजशक्त्यनुसारेण कार्योऽह्र निशि चान्वहम् ।। ४८ ।।
હે શિષ્ય ! શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે જ પોતાને કૃષ્ણ નામે કહે છે માટે કૃષ્ણ એટલે શ્રી હરિકૃષ્ણનો જ આ મંત્ર છે તેનો જપ તમારે પવિત્ર થઈને નિયમપૂર્વક નિત્યે યથાશક્તિ કરવો (૪૮). તે પણ હૃદયને વિષે મંત્રના અર્થને ચિંતવન કરતા થકા મંત્રનો જપ કરવો, એ હેતુ માટે હવે આ બીજા મંત્રના અર્થને કહે છે.
અહમ્ શબ્દાર્થ :
क्षेत्रं पिण्डं च ब्रह्माण्डं द्विविधं योऽभिम्यन्ते ।
अल्पज्ञः सर्वविच्चासौ क्षेत्रज्ञोऽत्राहमोच्यते१ ।। १९ ।।
‘અહમ્’ કહેતાં જીવ ને ઈશ્વર બંને માયાબદ્ધ છે, તેમને માયાથી પર બ્રહ્મરૂપ થવા જીવનું ને ઈશ્વરનું સ્વરૂપ સમજાવે છે : સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ આ ત્રણ જીવના શરીર તે જીવનું પિંડરૂપ ક્ષેત્ર કહ્યું છે. તે પિંડાભિમાની અલ્પજ્ઞ એવો ક્ષેત્રજ્ઞ જે જીવાત્મા તેને આ મંત્રમાં ‘અહમ્’ શબ્દ કરીને કહ્યો છે. તેમ જ વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત આ ત્રણ ઈશ્વરના શરીરરૂપ અને અષ્ટાવરણે વેષ્ટિત ને ચૌદ લોકાત્મક બ્રહ્માંડરૂપ ક્ષેત્ર તેના ક્ષેત્રજ્ઞ બ્રહ્માંડાભિમાની ઈશ્વર છે તેને આ મંત્રમાં ‘અહમ્’ શબ્દે કરીને કહ્યા છે (૧૯).
બ્રહ્મ શબ્દાર્થ :
‘બ્રહ્મ’ કહેતાં જીવ ને ઈશ્વર એ બેયે પિંડ ને બ્રહ્માંડરૂપ ક્ષેત્રનું અભિમાન મેલીને હું બ્રહ્મસ્વરૂપ છું એમ માનવું. હવે બ્રહ્મનું સ્વરૂપ શ્રીહરિ સમજાવે છે.
अन्वितं द्विविधे चात्र क्षेत्रज्ञे तन्नियंतृ च ।
व्यतिरिक्तं ततो यच्च तद्ब्रह्माक्षरमुच्यते ।। २० ।।
આમાં પ્રથમ જીવ ને ઈશ્વર એ બે પ્રકારના ક્ષેત્રજ્ઞ કહ્યા છે તેને, અને તેથી પર મહામાયાની અંદર રહ્યા એવા પ્રધાનપુરુષાદિક તે સર્વેને પણ જીવ જાણવા અને મહામાયાના પતિ મહાપુરુષને ઈશ્વર જાણવા. તેમાં અને ‘ચ’ શબ્દથી બ્રહ્મકોટિ તથા અક્ષરકોટિ તે સર્વેમાં શ્રીહરિના તેજરૂપ બ્રહ્મ ‘અન્વિતં’ કહેતાં અન્વયપણે રહેલું છે ને ‘તન્નિયંતૃ’ કહેતાં તે સર્વેને નિયમમાં રાખનારું છે; અર્થાત્ શ્રીહરિ જ પોતાના તેજે કરીને સર્વેને નિયમમાં કરે છે. ને ‘તતઃ’ કહેતાં એ સર્વેથી (અક્ષરાદિકથી) વ્યતિરેક છે એટલે પૃથક્પણે કરીને અવિચળ અક્ષરધામરૂપ એવું શ્રી સ્વામિનારાયણના તેજના સમૂહરૂપ અક્ષર તેને આ મંત્રમાં ‘બ્રહ્મ’ કહેલું છે (૨૦). તે હ. સુ. તરંગ ૧૨૭ તથા ત. ૪૫માં કહ્યું છે જે :-
सच्चिदानंदरूपं यद् ब्रह्मनिर्गुण-मक्षरम् ।
अंगप्रकाशस्तत्त्वस्य धाम चेत्युक्तमस्ति हि ।। ११ ।।
सच्चिदानंदरूपं यत्पूर्णं ब्रह्मास्ति सर्वतः ।
तेजस्त्यैव तज्ज्ञेयं निराकार-मनावृतम् ।। ७ ।।
સત્, ચિત્ ને આનંદરૂપ ને નિર્ગુણ એવું અક્ષરબ્રહ્મ તે તો આ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના અંગનો પ્રકાશ છે તેને જ ધામ કહ્યું છે (૧૧). વળી સર્વત્રપૂર્ણ ને સત્, ચિત્ ને આનંદરૂપ એવું જે બ્રહ્મ છે એ શ્રી હરિકૃષ્ણ મહારાજનું તેજ છે, તે નિરાકાર ને સર્વત્ર ગતિવાળું છે (૭). આ ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ છે.
કૃષ્ણ શબ્દાર્થ :
यमाश्रित्य प्रेरयति क्षेत्रज्ञमिदमक्षरम् ।
पुरुषोत्तमसंज्ञोऽसावक्षरातीत उच्यते ।। २१ ।।
स एव श्रेयसे नृणां धृतदिव्य-नराकृतिः ।
स्वाज्ञानं ज्ञानदानेन कर्षन् कृष्ण इतीर्यते ।। २२ ।।
હવે મંત્રમાં ‘કૃષ્ણ’ કહ્યા છે તેમના સ્વરૂપને સમજાવે છે : પ્રથમ જે શ્રી હરિકૃષ્ણ મહારાજના તેજરૂપ અક્ષર કહ્યું તે અક્ષર ‘યં’ જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમને આશરીને રહ્યું થકું જ ‘ક્ષેત્રજ્ઞ’ એટલે જીવને, ઈશ્વરને, અને મહાપુરુષથી સૃષ્ટિકર્તા અક્ષરપર્યંત સર્વને પ્રેરણા કરે છે એટલે તેજરૂપ અક્ષરના કારણ એવા સ્વામિનારાયણ શ્રીહરિ છે, તે પોતે જ પોતાનાં તેજથી સર્વેને પ્રેરણા કરે છે અને તે પુરુષોત્તમ જે શ્રીહરિ તે જ પોતે પોતાના પ્રકાશરૂપ અક્ષરના કારણ ને આધાર છે માટે અક્ષરાતીત કહ્યા છે અને તે તેજરૂપ અક્ષરધામમાં પોતાની પાસે રહ્યા જે મુક્તો તેમના મધ્યે ઉત્તમ છે ને તેમના સ્વામી છે માટે પુરુષોત્તમ કહેવાય છે (૨૧). એ જ પોતે જીવોના આત્યંતિક મોક્ષ કરવા છપૈયાપુરમાં ધર્મભક્તિ થકી પ્રગટ થયા છે અને સ્વાત્મ-સ્વરૂપના જ્ઞાનદાનથી પ્રકાશ કરીને ‘સ્વાજ્ઞાન’ કહેતાં નિજાશ્રિતના અજ્ઞાન જે વિષય સુખમાં આસક્તિ અને સર્વોપરી શ્રી હરિકૃષ્ણ પ્રભુના અનુભવજ્ઞાનનો અભાવ અર્થાત્ અજ્ઞાનપણું તે રૂપ મૂળ અજ્ઞાનને કર્ષે છે કહેતાં નાશ કરે છે, એ માટે જ આ મંત્રમાં સહજાનંદ સ્વામીને ‘કૃષ્ણ’ નામે કહ્યા છે (૨૨).
દાસ શબ્દાર્થ :
प्रेम्णा तत्सेवनेनैव यच्छोभावत्त्वमात्मनः ।
स एव दासशब्दार्थो मंत्रेऽस्मिन् परिकीर्तितः ।। २३ ।।
શ્રીહરિ પોતાના ભક્તને પોતાનું સાધર્મ્યપણું પમાડે છે ત્યારે તે મુક્ત શ્રીજીમહારાજના તુલ્યભાવ જે સજાતીય ભાવને પામે છે અને ભગવાનના ગુણ - ઐશ્વર્યાદિકનો મુક્તમાં આવિર્ભાવ થાય છે તો પણ મુક્તને પોતાના સ્વામી શ્રીહરિને વિષે દાસભાવ જે સ્વામી - સેવકભાવ ને દાતા - ભોક્તાભાવ સદાય રહે છે એમ આ મંત્રમાં ‘દાસ’ શબ્દના અર્થથી સ્પષ્ટ થાય છે :
‘પ્રેમ્ણા’ કહેતાં જે ભક્ત અવરભાવમાં પ્રગટ શ્રીજીમહારાજના મુક્ત મુકુંદવર્ણી ને ઉત્તમ નૃપતિની પેઠે અતિશય પ્રેમે કરીને શ્રીજીમહારાજની સેવા કરે છે, તેને સેવાએ કરીને જ પોતાનું શોભાશાળીત્વ થાય છે અર્થાત્ ભગવાનને લઈને ભગવાનના જેવી તે સેવકની મહત્તા ગવાય છે અને પરભાવમાં એ મુક્ત ‘પ્રેમ્ણા’ અતિશય જ પ્રેમે કરીને ‘તત્સેવનેન’ કહેતાં શ્રીજીમહારાજની સેવા કરે છે. હવે દિવ્યભાવમાં સેવા તે શું, તો અતિશય જ સ્નેહથી મૂર્તિ સામું જોઈ રહેવું અને સુખાનુભવ થાય તે, અથવા શ્રીજીમહારાજ સાથે ઐકાત્મ્ય પામીને શ્રીજીમાં નિમગ્ન થઈ રહેવું અને આનંદ લેવો. તેને જ દિવ્યભાવમાં સેવા કહી છે. એવી સેવાએ કરીને ‘આત્મનઃ શોભાવત્ત્વં’ એટલે તે આત્મા પોતાના સ્વામી શ્રી સ્વામિનારાયણનું સાધર્મ્યપણું જે તુલ્યભાવ કહેતાં સજાતિભાવ તેને પામે છે. આવો શોભાશાળી થાય છે એટલે મુક્તને શ્રીહરિના આનંદનો જેવો અનુભવ છે તેવો અક્ષરપર્યંત કોઈને નથી; તેવી મહત્તા તે પામે છે. અને મુક્તને શ્રીજીમહારાજના આનંદનો અનુભવ અધિક છે તેથી કરીને એમને શ્રીહરિને વિષે દાસભાવ પણ સદાય અતિશય જ દૃઢ રહે છે; મૂર્તિમાં લીન થાય તો પણ દાતા-ભોક્તા ને સ્વામી-સેવકભાવે જ લીન રહે છે (૨૩). આ ‘દાસ’ શબ્દનો અર્થ છે.
‘અસ્મિ’ પદનો અર્થ
अस्मीति पूर्ण कामत्वं ज्ञेये प्राप्येऽपि चात्मनः ।
शेषाभावश्च विज्ञेयो मुक्तत्वाज्जीवतो यतः ।। २४ ।।
‘અસ્મિ’ પદ પૂર્ણકામપણું સૂચવે છે. ‘અસ્મિ’ એટલે શ્રી સ્વામિનારાયણના સાધર્મ્યપણાને પામ્યો અને તેમના સુખનો ભોક્તા થયો એવો જે મુક્ત તેને એવો ભાવ રહે છે જે હું અનાદિમુક્ત જ છું ને શ્રીહરિમાં છું ને મારા સ્વામી શ્રી સ્વામિનારાયણના સળંગ સ્વરૂપનો આનંદ અખંડ અનુભવું છું. પણ અમુક સમયે મુક્ત થયો કે કાંઈ જાણવાનું કે પામવાનું બાકી છે એવો ભાવ રહેતો જ નથી; એવું સંપૂર્ણ પૂર્ણકામપણું મનાય છે, જે કારણપણા માટે આ લોકમાં જ મુક્ત થઈ જાય છે પણ તે મુક્તને શ્રીહરિજીના મહિમાનું ને સુખનું અપારપણું રહે છે એમ જાણવું (૨૪).
वैकुंठेऽथ च गोलोके श्वेतद्वीपे बृहत्पुरे ।
यथा प्राप्त्या भगवतः पूर्णकामाश्च सेवया ।। २५ ।।
भक्ताः सन्ति तथैवात्र हरेः प्रत्यक्ष-लम्भनात् ।
सेवया चास्ति पूर्णत्वमिति मंत्रार्थमाह सः ।। २६ ।।
જેમ વૈકુંઠ, ગોલોક ને શ્વેતદ્વીપમાં રહેલા મુક્તો પોતાના સ્વામી એવા ભગવાનની પ્રાપ્તિથી ને સેવાથી પૂર્ણકામ થઈ વર્તે છે તેમ એ સર્વે ધામથી પર અક્ષરધામમાં શ્રીજીમહારાજના મુક્ત છે તથા શ્રીજીમહારાજે પોતાની મૂર્તિમાં જે મુક્તને રાખ્યા છે તે મુક્ત શ્રીજીમહારાજની પ્રાપ્તિ જે સાક્ષાત્ સંબંધ ને સેવાથી શ્રીહરિજીના સુખનો અનુભવ થવાથી પૂર્ણકામ કહેતાં કૃતાર્થ થયા છે (૨૫). તેમ જ આ લોકમાં નયનગોચર પ્રત્યક્ષ થયેલા અનાદિ શ્રીકૃષ્ણ જેમનું નામ છે એવા શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીની પ્રાપ્તિથી ને પૂર્વોક્ત પ્રકારે સેવાથી ભક્તજનો પૂર્ણકામ કહેતાં કૃતાર્થ થાય છે, તેમાં કેટલાક ભક્તજનને આજ્ઞા-ઉપાસના વડે જ્ઞાન-ધ્યાનની સ્થિતિ થાય છે ને કેટલાકને છતે દેહે જ મૂર્તિનો સાક્ષાત્કાર પણ થાય છે (૨૬). આવી રીતે આ બીજા મંત્રનો અર્થ સમજવો.
મંત્રજપ ફળ
अन्तःकरणवृत्तिनां बहिर्गति – निरोधनम् ।
हृदिप्रकाशः कृष्णेक्षा स्यादित्याह च तत्फलम् ।। २७ ।।
मंत्रार्थं बोधयित्वेत्थं गुरुस्तं पुनरब्रवीत् ।
यावद्देहस्मृतिस्तावद्धर्मं क्वचन न त्यजेः ।। २८ ।।
આ મંત્રજપ કરવાથી વિષયમાં જતી જે અંતઃકરણની વૃત્તિઓ તે પાછી વળીને આત્મા-પરમાત્મામાં જ રહે છે, તેથી તે ભક્તના હૃદયાકાશમાં પરમાત્માનો પ્રકાશ દેખાય છે ને તે પ્રકાશમાં શ્રીજીમહારાજની મૂર્તિ દેખાય છે. અષ્ટાક્ષર મંત્રનો જપ કરવાનું આ ફળ કહ્યું છે (૨૭). આવી રીતે ગુરુરાજ રામાનંદ સ્વામીએ વર્ણીરાજ શ્રીહરિને મંત્રાર્થનો ઉપદેશ કરી ફરીથી એમ કહ્યું કે જ્યાં સુધી આ દેહાવભાવ દૂર ન થાય ત્યાં સુધી ક્યારેય પણ ધર્મસંબંધી નિયમનો ત્યાગ કરવો જ નહિ (૨૮).
રામાનંદ સ્વામીએ શ્રી નીલકંઠવર્ણીને મંત્રોપદેશ કર્યો એમ લખ્યું છે પણ સમજવાનું એમ છે જે નીલકંઠવર્ણી તો જેમનું અનાદિ કૃષ્ણ નામ છે એવા રામકૃષ્ણાદિક અવતારના અવતારી સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે છે. તેમણે રામાનંદ સ્વામીમાં પ્રવેશ કરીને રામાનંદ સ્વામી દ્વારે પોતે જ પોતાને મહામંત્રનો ઉપદેશ કર્યો છે, અથવા ભગવાન મનુષ્યરૂપે હોય ત્યારે ગુરુ કરે, ગુરુથી દીક્ષામંત્ર લે, બીજા અવતારને ઇષ્ટદેવ માને, તેમની ભક્તિ કરે તે પોતાની મનુષ્યલીલા છે ને ભક્તની શિક્ષાને અર્થે છે એમ જાણવું.