1
આજે શ્રીજીમહારાજે આ સંત-મુક્તો દ્વારા પોતે ખૂબ સરસ વાત કરી દીધી. મને પણ શબ્દે-શબ્દે આનંદ થતો હતો કે મહારાજે આ વાત કરાવી. એમાં ઘણા બધા રહસ્યો સમાયેલા હતા. એ રહસ્યોની સમજ બધાને આવી ગઈ. આજની આ બધી છેવટની વાતો હતી. એ વાતો જીવમાં વાગોળીએ તો આનંદ જ આવતો જાય. આપણને મહારાજે મૂર્તિમાં રાખ્યાના આશીર્વાદ આપ્યા એ અદ્ધરથી ઝીલીએ તો પાત્રતા જલદી આવી જાય. વાર જ ન લાગે એ જ વખતે આવી જાય, પણ એ અદ્ધરથી ઝીલાતા નથી અંદર થોડો સંદેહ રહે છે કે આમ બનશે કે નહિ? એ ભાવ ન આવે તો પાત્રતા આવી જાય. અને એ ભાવ આવે, અદ્ધરથી ઝીલાય એ જ વખતે દેહભાવ છૂટી જાય.
બાપાશ્રીએ કહ્યું કે પહેલાં અમે કરીએ છીએ અને પછી બોલીએ છીએ. તમારા ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો. તો પહેલાં મુક્ત કરી દીધા અને પછી મૂર્તિમાં રાખી દીધા. કેવડી મોટી વાત થઈ ગઈ! આ વાત કરીને મૂર્તિના સુખના આશીર્વાદ આપ્યા ત્યારે જેને સંદેહ ન થયો તેનું કામ થઈ ગયું, પણ કેટલાકને એમ થયું કે આપણા તો જરાય દોષ ટળ્યા નથી, મુક્ત તો થયા નથી અને બાપાએ કહ્યું તમને મુક્ત કરીને મૂર્તિમાં રાખી દીધા? તો જેને સંદેહ થયો એ મુક્તદશાને ન પામ્યા. એટલે ભગવાનની વાણીમાં ભગવાનના વચનો અદ્ધરથી ઝીલવા, અને મૂર્તિમાં રહીને ઝીલવા. પુરુષોત્તમના કર્ણે કરીને ઝીલવા, સાંભળીને ઝીલવા, પુરુષોત્તમરૂપ થઈને ઝીલવા. હવે પુરુષોત્તમની દૃષ્ટિએ ઝીલવાનું આવું બધું તો એકદમ ક્યાંથી આવડી જાય? તો એ સમજણમાં એટલું જ રાખવાનું કે નિઃસંદેહ. ઊંડે-ઊંડે પણ સંદેહ ન થવો જોઈએ કે ભલે મારામાં બધા દોષો રહ્યા, ભલે મારામાં કલ્યાણકારી ગુણો નથી આવ્યા, પણ મને, મારા ચૈતન્યને મૂર્તિમાં રાખી દીધો એ વાત તો બરાબર? એ વચનો દેહભાવ રહિત થઈને ઝીલવા, નિઃસંદેહ થઈ ઝીલવા. એનો અર્થ એ થયો કે મન, બુદ્ધિ, ઇંદ્રિયો, અંતઃકરણ એ બધું દેહભાવમાં છે. ચૈતન્યને એ બધા વળગેલા છે. હવે બાપાએ ચૈતન્યને પકડીને પોતાની સત્તાએ કરીને એને મુક્ત કરી નાંખ્યો. અને એ ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો. એ વખતે એ ચૈતન્ય મુક્ત થયા પછી દોષ તો જતા રહ્યા, પરંતુ દોષ ગયા પછી પણ પોતાને વધુ પાત્ર થવું પડે છે. એ મૂર્તિનું સુખ જીરવવા માટે. જેણે નિઃસંદેહ ઝીલી લીધા સંશય કોઈ દિવસ થાય જ નહિ, તો વાત પતી જાય. એ દોષો જે છે ને તેની સામે લડાઈ ચાલે એ કોણ કરાવે છે? મહારાજ પોતે કરાવે છે. જેથી ધીમે-ધીમે બળિયો થતો જાય, પાત્ર થતો જાય, પણ એને તો કદીયે સંશય નથી થતો કે હું મૂર્તિમાં નથી. આમ બહુ જ ઝીણવટથી વાત સમજવા જેવી છે. અને અનુભવ થયા પછી તો ખબર જ પડે છે કે વાત તદ્દન સત્ય છે. દેહભાવ ટળાવી નાંખે અને ચૈતન્યને મૂર્તિમાં મુક્ત કરીને રાખ્યો છે એનો અનુભવ કરાવી દે. જીરવી શકે એવો કરે ત્યારે નિઃસંદેહ થાય. જો સંશય થાય તો એટલી ખોટ આવે, તો એટલી કાચપ રહી જાય. એમ હાથ ઝાલ્યો કીધોને એટલે હાથ પકડ્યો છોડે નહિ.
એમ નિઃસંશય થઈને, મહારાજની મૂર્તિરૂપ થઈને મહારાજની આજ્ઞાનું ખૂબ પાલન કરતાં-કરતાં જીવનયાત્રા પૂરી કરી નાંખે. ભલે છતી દેહે સુખ આવે કે ન આવે. એ સુખ જીરવાય તો પાત્ર કરે. નિઃસંશય થાય એટલે ચૈતન્ય પાત્ર થતો જાય છે. અને આ બધા દોષો છે તે બહારના શિંગડા જેવા છે. પ્રયત્ન કરે એટલે ખરી પડે. એટલે એ દોષો તો બહારના શિંગડા જેવા હોય એટલે (હાથના ઈશારાથી કહે છે.) આમ કરીને ખંખેરી નાંખે, પણ અંદર જે શિંગડા રહી ગયા ને, ઉપરથી તો ગયા, પરંતુ અંદર જે રહી ગયા એ ખરવા કઠણ. તો એ જે રહી ગયા તે શું? આ સંશય. કારણ કે વાંચી-વાંચીને જ્ઞાન એટલું બધું ભેગું કર્યું હોયને આમાં આમ કીધું છે ને આમાં આમ કીધું છે બરોબર! એ જ્ઞાન ધ્યાનમાં રાખીને બીજા આગળ બતાવવા જાય. એટલે એ શિંગડા જે અંદર છે એ ખરતા નથી. સંશય જો જતો રહે તો આ...હા... હા... અંદર મજા આવે.
ત્યારે નિઃસંશય થઈ ઝીલે તો સમજણથી પામે. કારણ કે પુરુષોત્તમરૂપ થઈને ઝીલે તો વાત જ જુદી થઈ જાય. એ જ વખતે મહારાજનું સુખ આવવા માંડે, પણ એ વખતે મહારાજનું સુખ ન આવે તો પાત્રતા ઓછી છે. મહારાજ ધીમે-ધીમે ચૈતન્યને પાત્ર કરતા જાય છે. એ રીતે જે શબ્દો નિઃસંશય જો ઝીલે તો અદ્ધરથી ઝીલ્યા કહેવાય. સંશય કોઈ દિવસ ન થાય. સ્વપ્નમાં પણ ન થાય. અનેક શાસ્ત્રો વાંચે તો પણ સંશય ન થાય. ભગવાનની વાણી બરાબર તપાસે. સ્વદાસભાઈએ કહ્યું ને કે પેલા મણિલાલભાઈ પારેખ બહુ વિદ્વાન હતા. જીનીયસ એટલે ખૂબ તેજસ્વી બુદ્ધિવાળા, ઘણીબધી બુદ્ધિ, બુદ્ધિયોગ કહેવાય. એમનો બુદ્ધિઆંક બહુ ઊંચો હતો. એણે ખાસ શાસ્ત્રનો અભ્યાસ પણ કરેલો. વિચાર પણ ખૂબ કરેલો. એમને પણ એમના જીવન સંધ્યાના કાળે એટલું થઈ ગયું કે સ્વામિનારાયણ ભગવાનનું તત્વજ્ઞાન અને સ્વામિનારાયણ ભગવાન એ સત્ય વસ્તુ છે. સત્ય સ્વરૂપ પરમાત્મા જો કોઈ હોય તો એ ભગવાન સ્વામિનારાયણ છે. એમ એમણે આ વાત સ્વદાસભાઈને કરી હતી. આ વાત ગમે-તેવા વિદ્વાન હોય એને પણ ટચ કરે. કારણ કે આ મણિલાલભાઈ પારેખ એ બહુ પ્રસિદ્ધ અને વિશ્વાસપાત્ર ગણાતા વિદ્વાન બોલી ગયા છે. એ વાત આપણે બીજાને પણ કહી શકીએ.
એ વાતના આધારે બાપાએ પણ એમ કહ્યું, "અમને બીજું ન આવડે. અમને મૂર્તિમાં મૂકતાં આવડે." હવે મૂર્તિમાં મૂકતાં કોને આવડે? જેના નર ભેળા નારાયણ બિરાજતા હોય, એવા સમર્થ અનાદિમુક્ત હોય, એ આ કામ કરી શકે મૂર્તિમાં મૂકવાનું. ગાદી ઉપર બેસારવા હોય કે કોઈ ખુરશી ઉપર બેસારવા હોય ત્યારે એનો લાયક જે કોઈ વ્યક્તિ હોય એ કરી શકે આ અશક્ય નથી, પરંતુ મૂર્તિમાં મૂકવાની વાત તો અશક્ય છે. એ તો જેના હૃદયમાં સાક્ષાત્ નારાયણ, પુરુષોત્તમ નારાયણ બિરાજતા હોય એ જ આ કામ કરે. એના અનાદિમાં બિરાજતા પુરુષોત્તમ નારાયણ આ સભામાં પણ છે. એ મહારાજની મૂર્તિમાં સમાવી લે ત્યારે સુખની અવધિ ન રહે. બાપાશ્રીએ કહ્યું, "ખોટું કહેતા હોઈએ તો પૂછો આ ધણીને." એવું કોઈ કહેનારો નીકળે?
બાપાશ્રી કહે, "જા...વ તમારા ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા. તો મૂર્તિમાં રહે એ અનાદિમુક્ત કહેવાય. તો અનાદિમુક્તની પદવી ઉપર બેસાડી દીધા એ કાંઈ થોડી વાત! એ તો મનુષ્યરૂપે જ્યારે પ્રગટ પધારે, ત્યારે આવા કામ કરી નાંખે. ત્યાર પછી ઓટ આવે. તેમની ઇચ્છાથી ઓટ પણ આવે. એ પણ તેઓ જ કરે. ભરતી પછી ઓટ આવે. મહારાજના સંકલ્પથી બાપાશ્રી સાથે થોડી દિવ્ય મુક્તોની સેના પધારી અને સુખની રેલમ-છેલ બોલાવી દીધી. એમાં આપણે બધા આવી ગયા. એ ખંપાળીમાં. એ આપણા મોટા ભાગ્ય. કાંઈ નહોતું આપણામાં. ત્યારે બધું મૂકી દીધું અને પૈસાની, હીરા-માણેકની કૂંચી દઈ દીધી કે જાવ તમે ભગવાનની મૂર્તિમાં. તો હવે મૂર્તિના સુખમાં મૂકી અને આપણને અલૌકિક ધનાઢ્ય બનાવી દીધા. એને ધન શું હિસાબમાં! આ ધનાઢ્ય પાસે. બીજાઓને આ લોકના ધનની કિંમત. અનાદિમુક્તને તો મૂર્તિરૂપી સુખના ધનની કિંમત. તો એ પૈસાનો શું હિસાબ? ત્યારે આજની બધી વાતો કેટલી સરસ છે.
એક બીજી વાત મણિભાઈ બાપુજીની એક વિશિષ્ટતા એ જોવા મળી કે જ્યારે એમણે દેહત્યાગ કર્યો એ પહેલાં ખૂબ હસ્યા. ખડખડાટ હસ્યા. એક પાંચ સેકંડ હસ્યા હશે. આ કેવડી મોટી વાત કહેવાય. ખડખડાટ હસીને દેહોત્સવ કરી દીધો. હવે ખડખડાટ હસ્યા કોણ? અરે મહારાજની દિવ્ય મૂર્તિમાંથી નકરા ધોધ છૂટી પડ્યા, એટલે એ સુખના ધોધનો આનંદ આ દેહના મુખારવિંદ દ્વારા વ્યક્ત કર્યો. અને મહારાજે આપણને ખાતરી કરાવી કે જુઓ મૂર્તિમાં રાખી હું તને ખૂબ સુખ આપીશ. સૌથી વિશેષ વાત એ શિખવાની કે એમણે બાપાની સેવા કરી એની ફળશ્રુતિ કેવી જોવા મળે છે. તો એમની જેમ આપણે પણ નિર્વિકલ્પ થઈ અને આશીર્વાદ ઝીલવા. હવે એકવાર એ આશીર્વાદ ઝીલ્યા પછી મહારાજની આજ્ઞાઓનું પાલન બરાબર કરવું. બાપા કહે છે, "આજ્ઞાઓનું પાલન એ તો સાંસા ગોટીલા કરવા જેવું છે." (છોકરાએ મહારાજને પપૈયું ધરાવ્યું હતું એ વાતના સંદર્ભમાં) પપૈયું અર્પણ કરેને એ પપૈયાનું ફળ એટલું છે. બાપાશ્રી અને શ્રીજીમહારાજની આજ્ઞાઓમાં રહેવું. આજ્ઞાઓ તો સહેજે પાળવી પડે. એ પાળીએ તો જ આનંદ આવે. આજ્ઞા ન પાળીએ તો જીવાય જ ક્યાંથી? એ તો જીવનનું અંગ છે. એના વગર તો ચાલે જ નહિ. એ તો રોજ સુખરૂપ વાનગી જમવા જેવું છે. એવો આજ્ઞા પાળવામાં આનંદ છે. માટે મહારાજની આજ્ઞાનું પાલન કરીએ. આજ્ઞાનું પાલન કરીએ તો મહારાજ પોતે પણ કરાવે. કારણ એને નિઃસંદેહ કીધો છે.
એક બીજી વાત આપણને બરાબર રહેવા માટેની. આપણને એમના આશીર્વાદ મળ્યા તો આપણે પણ ઘણા મોટા સુકૃત કર્યાં હશે. બાપાએ અને મોટામુક્તોએ એમ કહ્યું કે તમને તો પૃથ્વી ઉપર કોઈને ન મળ્યું હોય એટલી બધી પ્રસિદ્ધિ, એટલું બધું માન-સન્માન મળી ચૂક્યું છે. એવું ભોગવીને તમે આવ્યા છો. હવે શું બાકી છે? એટલે એક વસ્તુ હંમેશાં યાદ રાખવાની કે આ લોકના માન-સન્માન, પ્રસિદ્ધિ એ તુચ્છ જેવા છે. આપણને હવે એમાં કોઈ વાતનો રસ પડે નહિ. કોઈ દિવસ એવી લીલા ન કરવી. પ્રસિદ્ધિ, યશ, કીર્તિ એની ઝંખના - પ્રશંસાના રાગ ટાળવા. જ્યાં સુધી મહારાજની મૂર્તિના સુખનો અખંડ અનુભવ ન થાય, ત્યાં સુધી આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. એ રાગ આપણને બીજે ઢસડી જાય. મહારાજની મૂર્તિ પણ ભૂલાવી દે. અને કોઈવાર આ જે રહસ્યાર્થ છે એમાંય શંકા જાગે. બરોબર? એમ સમજવાનું છે કે, આ લોકનો આઈનસ્ટાઈન નામનો મહાન વૈજ્ઞાનિક એને ઘણા સર્ટિફિકેટ મળ્યા હતા. તો એણે એમ કહ્યું કે આ કાગળિયા શું કરવાના છે? બાળી નાખવાના છે. તો એણે દીવાસળી મૂકીને હોળી કરી નાખી. અને બીજા બધાય તો મઢાવીને મૂકે. આ લોકનું અજ્ઞાન. આઈનસ્ટાઈનને એના સર્ટિફિકેટની કિંમત ન થઈ. તો આપણને આ લોકના માન-સન્માન અને પ્રસિદ્ધિની શું કિંમત? મહારાજના અનાદિમુક્તની પદવી મળ્યા પછી કાંઈ એમ થાય કે ભારતનો વડાપ્રધાન બનું? કે એમ થાય કે ન્યાયાધીશ કે મોટો બની જાઉં? એ બધું તુચ્છ લાગે. આઈનસ્ટાઈનને જેમ આ બધું તુચ્છ લાગ્યું ને આ શું કાગળિયાને કરવાનું? કાગળિયા એને અપૂર્ણ લાગ્યા. એમ આપણને પણ એવી પદવી મળી છે કે બીજી કોઈ વસ્તુ નજરમાં આવે નહિ. નહિતર બાપાશ્રીએ એમ કહ્યું છે કે, અંદર જો રાગ પેસી જાય તો મૂર્તિનું સુખ છતી દેહે આવવામાં વિલંબ થઈ જાય. અત્યારે વૈજ્ઞાનિક ઢબે આંકડાઓ, સ્ટેટેસ્ટીક્સ બહાર પડ્યા છે કે ભગવાનના દર્શન થયા હોય તેને બાદ કરીને કોઈ એવો નથી કે જેને થોડામાં થોડો પણ પ્રસિદ્ધિનો રાગ ન હોય. એ રાગ જન્મ-મરણ કરાવે છે. આપણને તો બાપાએ કહી દીધું કે તમને શ્રીજીમહારાજની મૂર્તિરૂપી પદવી ઉપર બેસાડી દીધા છે. હવે તમારે બીજામાં રાગ રહે ક્યાંથી? હોવા કેમ જોઈએ? તો મહારાજની મૂર્તિના સુખમાં મસ્ત થઈ જાવ.
ભગવાનના એક સારા મુક્તે મને પ્રશ્ન કર્યો કે, મહાનુભાવાનંદ સ્વામીના પાર્ષદ હતા. પાર્ષદ એટલે ધોળા કપડામાં સેવકો. એનો એક પ્રસંગ મને કહેલો. એક વખત સ્વામી પાર્ષદને કહે, "નોંધી લે." તો કહે, "શું નોંધી લઉં?" ત્યારે કહે, "અમે આ ગામના આ હરિભક્તના ઘરેથીને (પત્ની) ધામમાં મૂકી દીધા. ટાઈમ લખી લે. આમ કરી નાખ." ત્યારે પાર્ષદ કહે, "ઊભા થવાની પહોંચ નથી ને આમ ધામમાં મૂકી દીધા. આ તમારી બડબડાટ મૂકોને છાના-માના." પછી સ્વામી કહે, "નોંધી તો લે." પરાણે નોંધાવ્યું એટલે લખ્યું. બે-ત્રણ દિવસ પછી પેલા હરિભક્ત આવ્યા સ્વામી પાસે. સ્વામીને કહે, "અમારે ઘરેથીને તમે સ્વામિનારાયણ ભગવાનને લઈને પ્રત્યક્ષ દર્શન આપીને તેડી ગયા. આખા ઘરને તેવા દર્શન થયા. એટલે હું રસોઈ આપવા આવ્યો છું." પછી સ્વામી કહે, "પેલા ધોળા કપડાંવાળા પાર્ષદ દર્શન કરે છે ને એને બોલાવી લાવ. પછી કહે જો દેખ, પૂછી જો આમને. પેલું કાગળિયું કાઢ." પછી બધું જોયું તો એ પ્રમાણે જ હતું. પાર્ષદ કહે, "અત્યારે અવરભાવમાં ઉઠવાની પહોંચ નથી, અમને શું ખબર પડે કે તમે આવાં કામ કરો છો?"
અહીં હવે હું બીજું કહેવા માગું છું કે જે હરિભક્તે મને આ પ્રસંગ કહ્યોને એણે એમ કહ્યું કે, "સ્વામીએ કેમ આત્મશ્લાઘા કરી? એ કહેવાની ક્યાં જરૂર હતી. અને પોતાનો મહિમા વધારવા આટલું બધું શું કામ કર્યું? આવડા મોટા સંતમૂર્તિ હતા. એમને તો ગોપાળાનંદ સ્વામીએ પણ વખાણ્યા હતા. એમણે એમના શિષ્યોને પણ ઘણીવાર એવી વાત કરેલી. ત્યારે આવા મોટા સંતને પણ રાગ થયોને?" મેં કહ્યું, "ભાઈ, રાગ હોય તો મૂર્તિનું સુખ ક્યાંથી આવે?" ત્યારે કહે, "તમારી વાત બરાબર છે. રાગ હોય તો મૂર્તિનું સુખ ન આવે." મેં કહ્યું, "સ્વામી તો સુખિયા હતા બરાબર? તેઓ મૂર્તિના સુખે સુખિયા હતા. એનો અર્થ એ છે કે, મહારાજ અંદર રહીને બોલ્યા. બોલનાર કોણ હતા? મહારાજ. તો મહારાજે પોતાની આત્મશ્લાઘા કરી. એક ભગવાનને જ પોતાની આત્મશ્લાઘા કરવાનો અધિકાર છે. બીજા કોઈને નહિ. શા માટે? કારણ કે એ પૂર્ણ છે. મહારાજ કહે છે કે મારા પ્રશંસાગાન જો તમે નહિ કરો તો મારી સાથે તમને એકતા કેવી રીતે થાય? ગાન કરવા તો એક શ્રીહરિના જ કરવા. બીજાના નહિ. એ પ્રશંસાનો રાગ સ્વામીને નહોતો. એ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એમનામાં રહીને બોલ્યા. કારણ કે એમના શિષ્યોને બહુ જોઈએ એવો મહિમા નહોતો. આશીર્વાદ આપે એને ઘરકી બાત થઈ જાય. એટલે ન સમજાય. આથી આવું બધું ભગવાન સ્વામિનારાયણે કર્યું. સ્વામીને પ્રસિદ્ધિનો રાગ હોય જ નહિ. બાપાએ ન કહ્યું, અમારો કોક દિ ખપ પડશે. જો જૂઠું બોલતા હોઈએ તો પૂછો આ ધણીને? તો એ પ્રશંસા ન થઈ? સર્વશ્રેષ્ઠ પ્રશંસા થઈ, પણ એ પ્રશંસા કોણે કરી? ભગવાન સ્વામિનારાયણે કરી. તો જેમનામાં રહીને ભગવાન આવી પ્રશંસા કરે એ આત્મશ્લાઘા કરી શકે. જ્યાં સુધી આ રીતે ભગવાન કર્તા-હર્તા ન બને, ત્યાં સુધી દેહભાવને આપણે સમજણથી ફેંકી દેવો, જેથી છતે દેહે મૂર્તિના સુખનો અનુભવ થાય.
(હવે મામા પોતાને મિષે વાત કરે છે.) છતે દેહે મૂર્તિના સુખનો અનુભવ થાય અને એવી સ્થિતિ થઈ જાય ત્યારે કંઈ પણ બોલવાનું મન નથી થતું. બધી વાતો જાણે હું મારા મનથી જ વાગોળું છું એવું જ લાગે. મને કાંઈ ખબર ન પડે કે આ વાત હું તમને કહું છું કે બીજી સભામાં કહું છું. એ બધી વાતો હું જ મારે માટે વાગોળતો હોઉં એવું લાગે છે. મને એ પ્રશ્ન કોઈએ પૂછેલો કે તમે એકાંતવાસમાં જ કેમ રહો છો? કેમ કોઈને મુલાકાત આપતા નથી? એ વિચાર ઘણાને આવ્યા કરે. આ પ્રશ્નનો ઉત્તર એટલા માટે કરું છું કે હવે એવું લાગે છે કે એકાંતવાસ મારા અંગને માફક આવે છે. કે થોડીઘણી કાચપ હોય તો એ નિર્મૂળ કરી નાખવા માટે એકાંતવાસ મારા અંગને અનુકૂળ પડે છે. (પોતે પૂર્ણ હોવા છતાં આ વાત પોતાને મિષે બીજાના બોધ માટે કરે છે.) હરિભક્તોના દર્શન તો મને પ્રાણથી પણ વહાલા છે. દેહે કરીને કોઈ મને મળે એ માફક આવતું નથી, ખલેલ પડે છે. મારી પાસે જે બે-ત્રણ છોકરાઓ છે ને એ આવે-જાય એનું મારે ધ્યાન રાખવું પડતું નથી. એ તો કામ કરી ચાલ્યા જાય, પણ બહારના કોઈ આવે તેનું આતિથ્ય કરવું પડે, તેની સાથે બોલવું પડે, બાહ્યવૃત્તિ કરવી પડે, બહારવૃત્તિ કાઢવી પડે ત્યારે એમને સંતોષ થાય. એ હરિભક્ત એમ કહે કે, મારે તો માત્ર દર્શન જ કરવા છે એમ કહેવડાવે. મને એમ થાય કે દર્શન? એક સેકંડની મુલાકાત અને અર્ધી કલાકની મુલાકાત મારે માટે સરખી જ છે. તો હવે દેહે કરીને કોઈ જ ન મળે. અંતર્વૃત્તિએ તો બધાયના દર્શન કરી નાખું. એટલે મારા અંગને એકાંતવાસ મહારાજ રાખે છે. માટે કોઈ હરિભક્તે મને મળવાનો આગ્રહ ન રાખવો. એક આ દિવસે મહારાજ મને અહીં સભામાં લઈ આવે છે. તો જ્યારે અહીં આવો ત્યારે આ મહારાજની મૂર્તિના દર્શન કરવા. આ દર્શનથી કોઈ દર્શન વિશેષ નથી. મારા દર્શન હું પણ માંડ-માંડ ભૂલી ગયો છું ત્યાં વળી મારા દર્શન કરવાની ક્યાં જરૂર છે? હું પણ માંડ-માંડ એમની ઇચ્છાથી ભૂલ્યો છું.
આ મહારાજના દર્શનથી કોઈ દર્શન વિશેષ નથી. એ દર્શનમાં સર્વ દર્શન આવી જાય એવી સમજણ રાખવી અને એવું કરી નાખવું કે જાણે નારાયણભાઈ છે જ નહિ. તો શું વાંધો આવે? મુકેશ પરદેશ જાય અને એ કોઈને ખબર ન પડે તો કોઈ ધોખો કરે? મારે માટે પણ એવું કરી દેવું. અવરભાવની દૃષ્ટિએ સંપૂર્ણ એકાંત, પરંતુ પરભાવની દૃષ્ટિએ તો એકલવાયું કે એકાંતપણું બિલકુલ છે જ નહિ. મુક્તો મૂર્તિમાં નિમગ્ન હોય ત્યાં ક્યાં એકલવાયા જેવો સવાલ જ રહે છે? પણ આ દેહથી હમણાં કાંઈ ગમતું નથી. મહારાજે એવું અંગ બનાવી દીધું છે. માટે કોઈએ મળવાનો આગ્રહ ન રાખવો. ન કોઈ બોલાવે કે ન કાંઈ. જ્યારે કોઈ મળવા આવે ત્યારે એને ખૂબ રાજી કરી દઉં. કોઈને એમ લાગે કે આ છોકરાઓ જ નથી આવવા દેતા. ભાઈએ તો ખૂબ આનંદ આપ્યો. પરંતુ એ તો માત્ર એવો દેખાવ કરું છું, પણ મને મળે એ ગમે નહિ. આ તો મારું અંગ કહું છું હોં. ભગવાનના ભક્તો આવે-જાય માટે એક સંપૂર્ણ એકાંતવાસ મળી શકતો નથી, મળે તો બહુ જ મજા આવે. છતાં પણ કેટલાંક કામો કરવા માટે મહારાજની મૂર્તિમાંથી બહિર્વૃત્તિ કરવી પડે. હવે એક સ્થિતિ એવી કરે ભગવાન કે અંતર્વૃત્તિ અને બહિર્વૃત્તિ બંને સાથે-સાથે થાય. અને ક્યારેક અંતર્વૃત્તિ થાય ત્યારે બહિર્દૃષ્ટિ દૂર થઈ જાય છે. પછી એ અંતર્વૃત્તિમાંથી મૂર્તિ સિવાય વૃત્તિ બહાર કાઢીએ ત્યારે એ બહિર્વૃત્તિ અને અંતર્વૃત્તિ બંને સાથે રહીને કામ ચાલે. એમાં મજા ન આવે. પછી એક સ્થિતિ એવી થાય કે તે ધ્યાન વગરની થઈ જાય. ધ્યાન વગર એટલે? આંખો મીંચવી કે આંખો ઉઘાડવી એ બંને સરખું. આંખો મીંચીએ એટલે ધ્યાન થાય છે એમ નહિ સમજવાનું. આંખો ખૂલી રાખે એટલે ધ્યાન નથી એનો એવો અર્થ નથી. કોઈ આંખો મીંચીને ધ્યાન કરે એટલે તેને ધ્યાની કહેવાય એમ નથી. મૂર્તિમાં રહે એ ખરું ધ્યાન. ધ્યાન વગરનું ધ્યાન એમ ગોપાળાનંદસ્વામી કહેતા. (એટલે ધ્યાનનો પ્રયત્ન ન કરવો પડે.) જેને અંતર્વૃત્તિ ને બહિર્વૃત્તિ કરવાની જરૂર જ નથી એને ભગવાન પોતે કામ કરતા બને છે. પછી સવાલ રહેતો નથી.
એ ધ્યાન વગરની સ્થિતિ એટલે મૂર્તિમાં રહીને સુખ ભોગવે અને કામ પરમાત્મા કરે. ભગવાન (મુક્ત દ્વારા) જુદી-જુદી પ્રકૃતિ અને જુદા-જુદા અંગ શિક્ષા અર્થે બતાવતા હોય છે. એ ઉપયોગી પણ છે. એકાંતવાસથી કૉન્સનટ્રેશન ખૂબ સરસ થાય છે, જો ડીસ્ટરબન્સ ન થાય તો. એ રીતે એને જ્યાં સુધી પાત્રતા ન થાય, ત્યાં સુધી ભગવાનની પ્રસન્નતાના સાધન જે ધર્મ-નિયમ-કથા-વાર્તા એ બધું કરવું પડે. મંદિરે પણ જવું પડે. એમ થવું જોઈએ. ન થાય તો ન ચાલે, જવું જ પડે મંદિરે. પહેલાં તો હું કોઈ દિવસ મંદિર ન જાઉં તો જમતો નહિ. મંદિરે ન જાઉં તો તે દિવસે નહિ જમવાનું. આ બાપા મળ્યા ને મોટા મળ્યા પછી ધીમે-ધીમે નીજ મંદિર જેવું થઈ ગયું. પછી તો અંતર્વૃત્તિએ બધા દર્શન થઈ જાય. તો બીજાની શિક્ષા અર્થે ચાલી-ચાલીને જવું? સંકલ્પ થઈ જાય બધાયને, પણ થઈ જાય તો હું શું કરું? મને આ ગમતું નથી તે કેવી રીતે પડ્યું મૂકું? મંદિરમાંય વિક્ષેપ થાય. ધમા-ધમ ચાલતી હોય. બરોબર? કોઈ હરિભક્ત ન હોય તો કોઈ આપણને ન બોલાવે. તો ઠીક છે, પરંતુ જઈએ ત્યારે કેટલાય ભેગા થાય એટલે મૂર્તિના સુખમાં વિક્ષેપ થાય માટે નથી જતો. બાકી અંતર્વૃત્તિએ મંદિર બરાબર જાઉં છું. બીજા તો સરખું જતા ય ન હોય, મહારાજના દર્શન પણ સરખા ન કરતા હોય. આમ-તેમ કરી, ગમે-તેમ દંડવત્ કરી ને મારી મૂકે. એ કરતાં અંતર્વૃત્તિએ સરસ દર્શન કરીએ એ વિશેષ નહિ? બરાબર? હંમેશાં બધી બાબતનો મારો વાદ ન લેવો. મંદિરે તો જવું. નહિ તો શુષ્ક થઈ જવાય ન જઈએ તો. બધા ધર્મ-નિયમ-કીર્તન ન કરીએ તો શુષ્ક થઈ જવાય. માટે એ બરાબર કરવા.
મારું અંગ લેવા જેવું નહિ. હા, આ ખરું કહું છું. મારું અંતર્વૃત્તિનું અંગ મહારાજે રાખ્યું તો શું થાય? જેને જેમ થવું હોય એમ થાય. કોઈકને સંકલ્પ થાય ને કોઈકને ન પણ થાય. મહારાજ આમ કરે તો શું થાય? એટલે હું કદાચ મળું ન મળું કોઈએ આગ્રહ ન રાખવો. કોઈવાર કોઈ ખૂબ ભાવ બતાવે ત્યારે કોઈકને કહું કે સારું આવીશ. શું કરે? ખૂબ ભાવ બતાવે. આવજો ને આવજો કહે એટલે કહું સારું આવીશ. પછી કહે, "તમે વચન આપ્યું હતું ને કેમ પાળ્યું નહિ?" હું કહું, "હું આવ્યો હતો અંતર્વૃત્તિએ. આવ્યા વગર રહું જ નહિ. મેં કહ્યું હોય અને ન આવું એવું કેમ બને. દેહ માંદો પડે તો ન જાય, પરંતુ અંતર્વૃત્તિએ આવવામાં ક્યાં મંદવાડ આડો આવે? ચોક્કસ જવાય. એ રીતે અંતર્વૃત્તિએ જવામાં એક પણ વચન લોપાતું નથી. વચન આપી દીધા પછી દેહે કરીને જવાય તો જ વચન પાળ્યું કહેવાય? એ અપવાદ છે. એ આખી સમજણ-તત્વજ્ઞાન સમજવાની જરૂર છે એટલે કહી હોં? કહેવાનો મારો ભાવાર્થ એટલો જ કે છેલ્લા એકાદ-બે વર્ષથી ભગવાને મારા અંગને એકાંતવાસ રાખ્યો છે. હવે ક્યાં સુધી રાખશે એ નક્કી નહિ. નહિ રાખે તો તમારી વચ્ચે આખો દહાડો છું જ ને? બરાબર.
આ એક દિવસ તમારા બધાયના દર્શન કરવા આવું છું, સંતોષ થઈ જાય છે તો બધાય રાજી રહેજો. અહીં મહારાજના દર્શન કરી સમજી લેવું કે બધું કામ મહારાજ કરી દેશે. માટે હું બોલું તો જ સરખું થઈ જાય એવો તર્ક છોડો. બરોબર? એવું નથી હોતું. જ્યારે દર્શન કરો ત્યારે બધું મહારાજ કરે છે એવો, એથી અનેક ગણો ભાવ આ મૂર્તિમાં રાખવાનો. આ હૉલ છે એ ધ્યાનખંડ છે તો કોઈ-કોઈ વાર આમ નીકળ્યા હો તો ય આવી અને મહારાજની મૂર્તિનું ધ્યાન ન થાય? થાય. ધ્યાન તો એકાંતમાં કરાય. હવે અવસ્થા થઈ. મૂર્તિમાં સરખું જોડાવાય એટલા માટે એકાંત ખૂબ આવશ્યક છે એવું મને પોતાને લાગે છે. એકાંતવાસથી પોતાનાથી અંદરની આત્મખોજ થાય. ખૂણે-ખાંચરે કોઈ કચરો નથી રહ્યોને? એ એકાંતવાસથી જ જોવા મળે છે. આ રીત કોઈને અનુકૂળ આવે તો વાત જુદી. ન અનુકૂળ આવે તો ન લેવું બરોબર. બધા વચ્ચે ભજન થાય એ સમાસકારી વાત છે, એમ જ કરવું.
આજે આ દિવ્ય સભામાં સ્વામિનારાયણ ભગવાને આપણને સૌને ખૂબ આવકારી કૃપાવર્ષા કરી અને કૃપાવર્ષા વરસાવ્યા જ કરે છે. સભાનો એ પ્રતાપ છે. મહારાજ કહે, આ સત્સંગસભા થાય ત્યારે હું પૂર્ણ સ્વરૂપે ખૂબ લાભ આપું છું. દિલથી કૃપાવર્ષા કરું છું. માટે આવી સત્સંગસભા હોય ત્યારે ખાસ હાજર થઈ જવાનો આગ્રહ રાખવો. તો સભામાં ભગવાન એવી કૃપા વરસાવે છે. અન્યથા નહિ. સત્સંગમાં આપણે ભેગા થવાનો આ લાભ છે. સમુહ પ્રાર્થના પણ ઘણી શક્તિશાળી છે. સમુહમાં ભગવાન જે રાજી થાય એ વાત અલૌકિક છે. તો સત્સંગસભા ગુમાવવી નહિ.
(ત્યાર બાદ એક હરિભક્ત ભૂત વિષે પૂછતાં તેમને સમજાવતાં વાત કરે છે.)
સારંગપુરમાં ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી પધરાવેલા કે જેથી બીજા કોઈ સંતોને ભૂત કાઢવાની ઉપાધી ન રહે. એટલે ગામ સારંગપુરમાં હનુમાનજીની મૂર્તિ પધરાવી અને પોતે તેમાં સામર્થ્ય મૂક્યું. એ હનુમાનજી ભૂત કાઢવાનું કામ કરે છે. તેમાં ગોપાળાનંદ સ્વામીની દિવ્ય શક્તિ કાર્ય કરે છે. એવી જ રીતે છત્રીએ અબજીબાપાશ્રીએ હનુમાનજી પધરાવ્યા અને કહ્યું, આ હનુમાનજી ભૂતની ઉપાધી દૂર કરશે. એટલે ત્યાં પણ હનુમાનજી અબજીબાપાની સંકલ્પશક્તિથી કામ કરે છે ને ભૂત નીકળી જાય છે. હવે મને પોતાને એમ લાગે છે કે ભૂતનો ઉપદ્રવ અશુદ્ધ જગ્યાએ હંમેશાં રહે. ભૂત દેહમાં પ્રવેશ કરે તો અશુદ્ધિ છે. અશુદ્ધિ હોય ત્યાં જ એ રહે. એ અશુદ્ધિ ચાલી જાય તો ભૂત દેહમાં રહી શકે નહિ. એ તો નરકનો કીડો છે. નરકના કીડાને નરકમાં જ ગમે. જો બહાર કાઢે તો મરી જાય. આપણે બરાબર શુદ્ધ થઈ જવું એટલે ભૂત આપોઆપ નીકળી જાય. ભૂત કાઢવાનો આ સરસ રસ્તો છે. અને એમ કરવાથી પાછું ઉત્તમ ભક્ત થવાય. મહારાજની આજ્ઞાઓ બરાબર પાળવી. વસ્તુ શુદ્ધ કરીને મહારાજને ધરાવવી. અંતર્વૃત્તિએ ધરાવીને પછી જમવું બરાબર? મહારાજની પ્રસાદીનું પાણી પીવું. અને મહારાજના જનમંગલના પાઠ કરવા. એ જનમંગલ એ સ્તોત્ર છે. એ સ્તોત્રમાં શતાનંદમુનિએ મહારાજની ઇચ્છાથી શક્તિ મૂકી છે કે આ જનમંગલથી ભૂત-પ્રેતાદિકને ખૂબ તાપ લાગશે અને ભાગવા લાગશે. માટે જનમંગલના પાઠ કરવા. સૌથી સારો રસ્તો એ કે પોતે આજ્ઞા પાળી અને શુદ્ધ થઈ જવું. મહારાજનું પ્રસાદીનું પાણી પીવું, ભગવાનને ધરાવ્યા વગરની કોઈ વસ્તુ મોઢામાં મૂકવી નહિ. મોઢામાં મૂકતાં પહેલાં અંતર્વૃત્તિએ ધરાવવાનું ભૂલવું નહિ. કારણ કે કેટલીક વાર મૂર્તિમાંથી ચિત્રામણનો ભાવ મટતો નથી. એટલે ધરાવવાની બાબત યાંત્રિક થઈ જાય. બ્રહ્મરૂપ થઈ ધરાવે એટલે મૂર્તિ સાથે એકતા થાય.
અક્ષરધામની મૂર્તિ ચૈતન્યમાં દેખાય એ કઈ મૂર્તિ છે? અક્ષરધામની. અક્ષરધામની મૂર્તિ અને ચિત્રમૂર્તિમાં પ્રતિમારૂપે સાક્ષાત્ બિરાજતા ભગવાન એ બેયની એકતા છે. એટલે અંતર્વૃત્તિએ ભગવાનને ધરાવીને જમવું એટલે ભૂત શેનું રહે? ભાગી જ જાય. રહે જ નહિ. આ દેહમાં રહેવા જેવું નથી. એને જ્યાં મજા પડે ત્યાં રહે, જ્યાં મજા ન પડે ત્યાં ન રહે. રહી જ ન શકે. ભાગવા જ માંડે. એટલે ભગવાનના ભક્તને સૌથી સારો માર્ગ એ છે. જો ભૂત પ્રવેશ કરે કે ભૂતની બીક લાગે તો સમજવું કે કાચપ છે. નહિ તો નિર્ભય નહિ? મહારાજની મૂર્તિમાં રહેલા મુક્તને વળી બીક શું? આખું જીવન આમ કરવું છે એવું હોય કોઈ દિવસ? આપણે મહારાજના મુક્તોએ મહારાજની આજ્ઞાઓ બરોબર પાળવી. એ એવી સહેલી છે કે જેમાં કાંઈ મહેનત પડે એવું નથી. એક આજ્ઞા તો બતાવો જેમાં કાંઈ મહેનત પડે? બધું આપણા હાથમાં છે. એક ગોળ મોટો પથ્થર હોય મોટી બધી શીલા, એ આપણે ઊંચકી શકીએ? ન ઊંચકી શકીએ. એ શક્ય નથી. પરંતુ ક્રોધ ન કરવો એ આપણા હાથમાં. ખરું કે નહિ? નથી કરવો. ક્રોધ કરીએ છીએ માટે ક્રોધ થાય છે. હવે જુઓ બહારનું ન ખાવું હાથની વાત. નથી ખાવું. ચોરી ન કરવી તો હાથની વાત નહિ? એમાં ક્યાં પચીસ મણનો પથ્થર ઉપાડવાનો હતો? કોઈ જાતની ચોરી નથી કરવી.
બ્રહ્મચર્ય વ્રત રાખવું. ગૃહસ્થાશ્રમીને ગૃહસ્થાશ્રમનો ધર્મ પાળવાનો અને ત્યાગીને ત્યાગીનો ધર્મ, નિષ્કામ વ્રત પાળવાના એમાં ક્યાં મહેનત છે? વટલવું નહિ અને વટલાવવું નહિ. દારૂ, માટી, ચોરી, અવેરી આ ચારનો જે ત્યાગ ન કરે એવાને અડીએ તો વટલાઈ જઈએ. અને આપણે એવા હોઈએ તો આપણને અડનારો વટલાઈ જાય. દારૂ પીવો છોડે નહિ, માંસ છોડે નહિ, ચોરી કરે, વ્યભિચારનો ત્યાગ કરે નહિ. આ બધું વર્જ્ય છે. એવાને અડે એ વટલાઈ જાય. અને પોતે બીજાને અડે તો એને વટલાવે. તો વટલવું નહિ અને વટલાવવું નહિ. આ ભગવાનના પંચશીલ કીધા. આ પંચ વર્તમાન આખા બ્રહ્માંડમાં જો પાળે તો જગતમાં કોઈ પોલીસ કે કાંઈ રાખવી જ ન પડે. બધો ખર્ચ બચી જાય. બધા મોટરમાં ફરે તો ય વાંધો ન આવે. લહેર કરે લહેર, આ પંચ વર્તમાન આખા જગતને લાગુ પડે છે. માટે આ વિશ્વધર્મ છે. આ પંચ વર્તમાન પાળે તો જગતમાં એકેય જગ્યાએ દુઃખ ન રહે. ભગવાન સ્વામિનારાયણ વરદાન આપે છે કે, મારા આ પંચ વર્તમાન પાળે તો આખા જગતમાં દુઃખ ન આવે. રહે ખરું? માટે આ વિશ્વધર્મ છે નહિ કે મારો. દરેક જણ પાળી શકે. અમુક જણ જ પાળે એવું નથી. કોઈ પણ આ પાંચ વસ્તુ પાળે એ સ્વામિનારાયણ ભગવાનનો. ન પાળે એ સ્વામિનારાયણ ભગવાનનો નહિ.
હું શિક્ષક તરીકે કામ કરતો હતો ત્યાં એક સિંધી સેક્રેટરી હતા. એ મને કહે, "નારાયણભાઈ, તમે અમારો ધર્મ પાળો છો?" મેં કહ્યું, "હું એ કાંઈ ન સમજું. હું એટલું સમજું કે તમે 50 ટકા સ્વામિનારાયણના છો. તમેય સ્વામિનારાયણ અને હું પણ સ્વામિનારાયણ." ત્યારે કહે, "કઈ રીતે?" મેં કહ્યું, "તમે દારૂ પીવો છો? સિંધી છો છતાં માંસ ખાવ છો?" તો કહે, "ના." મેં કહ્યું, "નિશાળમાં પ્રામાણિક છો? ચોરી કરો છો? નથી કરતા. બ્રહ્મચર્ય સારી રીતે પાળો છો કે નહિ?" તો કહે, "હા... હા ખરેખર પાળું છું." મેં કહ્યું, "તો તમે સ્વામિનારાયણના. ભગવાનના પંચશીલ પાળે એ સ્વામિનારાયણના કહેવાય." તો ઘણીવાર એ કહેતા,"હું પણ સ્વામિનારાયણનો છું." દરેક જણ જે આ પંચ વર્તમાન પાળે એ સ્વામિનારાયણના કહેવાય. ત્યારે સ્વામિનારાયણના કહેવા માટે તો આખું વિશ્વ લાયક છે. વિશ્વને આ વાત સમજાવવી જોઈએ. કે ભાઈ, સ્વામિનારાયણના બન્યા વગર તો કોઈને ચાલવાનું જ નથી. મનુષ્ય તરીકે જન્મેલા કોઈ પણ મનુષ્યને સ્વામિનારાયણના બન્યા વગર ચાલવાનું નથી. વાત બરોબર છે ને? તો ભૂતને કાઢવાનો આ માર્ગ. તમારી બહેનને કહેવું કે, શુદ્ધ થઈને ભગવાનની મૂર્તિને ધરાવીને જમવું. ભૂત ભાગી જાય કે નહિ. શું કામ જ્યાં-ત્યાં જવું પડે? ભલે ભૂત રહે. બહેનને કહો તમારે જ તમારું ભૂત કાઢવાનું છે. કોઈની પાસે ન જવું. ભૂત એની મેળે જ ભાગી જશે. એમાં નબળા ન રહેવું. સારંગપુર જવું, હનુમાનજી પાસે બેસવું એ માથાકુટ કરવી એ કરતાં એ ભૂતને આપણે જ ન કાઢીએ. માટે તમારી બહેનને કહેવું. તારે જ તારું ભૂત કાઢી નાખવું, ભગાડી મૂકવું. કહેજો હોં. બળ રાખવાનું. ભલે થોડીવાર ભૂત રહ્યું બીજું શું થવાનું? શુદ્ધ થશે એટલે એની મેળે ભાગી જશે. ઊભું પણ નહિ રહે. ઊલટો કદાચ એનો મોક્ષ પણ થઈ જાય. હવે ચાલો મોડું થશે. રાજી રહેજો.
જય સ્વામિનારાયણ.
સારાંશ
મહારાજે આપેલા આશીર્વાદ નિઃસંદેહ થઈ ઝીલીએ તો પાત્રતા જલદી આવી જાય. દોષો રહ્યા હોવા છતાં પણ આશીર્વાદમાં જરા પણ સંદેહ થવો જોઈએ નહિ. પાત્રતા ન આવે ત્યાં સુધી પ્રસન્નતાના સાધનો કથા-વાર્તા, ધર્મ-નિયમ એ બધું જ કરવું પડે. મોટા કરે એમ ન કરતાં મોટા કહે તેમ કરવું. મોટાની ક્રિયાઓ જોઈ તેમનો વાદ ન લેવાય. તેઓ તો પૂર્ણકામ છે અને આપણે પાત્રતા આવવાની પણ બાકી છે. ધ્યાન સિદ્ધ કરવા, મહારાજની મૂર્તિ મેળવવા એકાંત જરૂરી છે.
અનાદિમુક્ત જીવને મૂર્તિમાં મૂકવાનું કામ કરી શકે, પરંતુ તેમના વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે તો તેઓ જીવને પાત્ર કરે છે. મોટા અનાદિમુક્તની સેવાની ફળશ્રુતિ મહારાજની મૂર્તિનું સુખ છે. પાત્ર થવા મહારાજની આજ્ઞાઓનું યથાર્થ પાલન કરવું જોઈએ. એ આજ્ઞાઓ ખૂબ સરળ અને પૂર્ણ છે. ભગવાનના પંચ વર્તમાન પાળે એને દુઃખ ન આવે.
આ લોકના માન-સન્માન-પ્રસિદ્ધિના રાગ ટાળવા એ રાગ મૂર્તિ ભૂલાવી દે. મહારાજે અને મુક્તે અનાદિમુક્ત થયાના આશીર્વાદ આપ્યા. આપણને અનાદિમુક્તની પદવી મળ્યા પછી આવી તુચ્છ વસ્તુની ઝંખના ન રાખવી. એ પ્રસિદ્ધિના રાગ જન્મ-મરણ કરાવે છે.
અનાદિમુક્તના દેહભાવ જોઈ તેમની સામર્થીને વિશે સંદેહ ન કરવો. અખંડ મૂર્તિના સુખભોક્તા એવા અનાદિમુક્તમાં રહીને મહારાજ તેમની પ્રશંસા કરે છે. એ વખતે સંકલ્પ કરવા મંડી ન જવું કે કેમ હશે? મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેનારને આ લોકના વ્યવહાર જે લોકોને મળવું, વાતો કરવી વગેરેમાં જરા પણ રુચી હોતી નથી. તેમને તો એ મૂર્તિના સુખરૂપી સથવારો જ જોઈએ છીએ.
ફક્ત આંખો મીંચી બેસવું તે ધ્યાન નથી. અંતરમાં મૂર્તિ દેખાય એ ખરું ધ્યાન. એ માટે આંખો બંધ હોયકે ખુલ્લી ફેર પડતો નથી. મૂળ વાત છે અંતરમાં મૂર્તિ દેખાવી.
સત્સંગમાં સભા હોય એ વખતે સમૂહમાં પ્રાર્થનાનો વધુ લાભ છે. સભામાં ભગવાન વિશેષ રાજીપો જણાવે છે. માટે સત્સંગસભામાં અવશ્ય આવવું જોઈએ.