19
શ્રીકૃષ્ણ ભગવાને તુલસીદાસજીને દર્શન આપ્યા ત્યારે તુલસીદાસજી કહે, "મારા વાણી-વર્તન તો રામને અર્પણ થઈ ગયા છે." તો ભગવાન કૃષ્ણને કહે, "ધનુષબાણ હાથમાં લઈને રામ બનો પછી મસ્તક નમાવીશ." એ રામ કરતાં શ્રીકૃષ્ણનો અવતાર મોટો હતો, એટલે તેઓ એ સ્વરૂપ ધારણ કરી શક્યા. પછી એમણે મસ્તક નમાવ્યું. તુલસીદાસજીને મન એક જ રામ સર્વસ્વ હતા. તો આ તો વાસ્તવિક વસ્તુ છે કે બધી ભૂમિકાથી આગળ ઉપર સ્વામિનારાયણ છે જ. એનો ભક્ત જ્યાં-ત્યાં મસ્તક નમાવતો ફરે તો કેવું કહેવાય? એ વિચારો. આ હકીકત છે. અરવિંદ (ઘોષ), રમણ મહર્ષિ જેવા પોતાના શિષ્યોને એમ કહેતા કે, શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન તને થાય, એ ભૂમિકાએ તું પહોંચી જાય, પછી પણ અટકતો નહિ. આગળ જજે. આગળ હજી ઘણું બધું છે. અપારપણું છે. શા માટે કહ્યું છે? એણે અનુભવે કહ્યું. હવે એ બતાવે છે કે એમનાથી આગળ ભૂમિકા છે ખરી. ભગવાન બુદ્ધે પણ કહ્યું કે, નિર્વાણ સ્થિતિને પામ્યા પછી એમણે દૃષ્ટિ કરીને તો બીજું મહાનિર્વાણ દેખાયું. અરે! આ તો નિર્વાણથી પણ કંઈક આગળ છે. આ નિર્વાણ કંઈ છેલ્લું નથી. ભાઈ, મહાનિર્વાણ છે અને એનાથીય આગળ મહાનિર્વાણ છે. અને એમ કહ્યું, "આગળ જાઓ - આગળ જાઓ." આગળ જઈને ભગવાન સ્વામિનારાયણ પાસે આવીને થશે કે હવે આગળ નથી જવાનું. આ હકીકત કહું છું.
ભગવાનના અનાદિમુક્ત અને બાપાશ્રી કહે છે બધી ભૂમિકાઓના દર્શન પછી થાય છે. હું પહેલા આકર્ષિત કરું એટલે બધું ભૂલાઈ જાય અને કોઈ ભૂમિકા જોવાની ઇચ્છા ન રહે. પછી જ્યારે એક મહારાજરૂપ થઈ જાય, પોતાનારૂપ પોતે બનાવી દે ત્યારે પોતાની ઇચ્છાથી બધી ભૂમિકાઓના દર્શન કરાવે, ત્યારે એમ લાગે કે ક્યાં મારા ધણી અને ક્યાં આ બધા. બોલો. હવે જો પહેલા એમાંથી પસાર કરેને તો ત્યાં જ બેસી જાય. એટલે મહારાજને મુક્તોએ કહ્યું, "કે કોઈ તમારા ધામમાં કેમ નથી આવી શકતું? કેમ આટલા થોડા જ આવે છે ને બાકી ક્યાં રહી ગયા?" અટવાઈ ગયા વચમાં. વચમાં પ્રલોભન થઈ ગયું તો ત્યાં રહી ગયા. આવશે ફરી પાછા. પણ એમાં ઘણો સમય જતો રહે. એ કરતાં સહિસલામત બાબત આ કે, તુલસીદાસજીને જેવી રામમાં હતી એવી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન વિશે આવી સ્થિતિ કરવી. એમાં રંચ માત્ર ફેરફાર ન થવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં. આભ તૂટી પડે કે ગમે તે થાય તો પણ ન થવો જોઈએ. ત્યારે આ કીર્તનમાં છે ને, 'હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો ને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતાં લેવું નામ.' ભગવાનને સર્વોપરી માન્યા પછી સંજોગો પલટે. ભગવાન પોતે સંજોગોનું સર્જન કરે છે. ભક્ત કેટલામાં છે એ જોવા માટે. એ વખતે એવું દુઃખ મૂકે કે એમ જ થાય કે આ રહેવાશે નહિ. અને કોઈક એમ કહે કે આ (વ્યક્તિ) દુઃખ કાઢે છે તો એમ થાય કે હું પણ ત્યાં જાઉં. આ દુઃખને કાઢતો હોય તો હું પણ એની પાસે જાઉં. એ વખતે આ નિર્વિકલ્પ નિશ્ચય રહેતો નથી. ત્યારે કોઈ પણ સંજોગોમાં કદી પણ ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈના વિશે એક લેશમાત્ર કર્તાપણું રાખવું નહિ. તો જ ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થાય, નહિ તો કેવી રીતે થાય?
બીજી એક વાત કે જો તમે બધા આખી દિવ્ય સભા સંમત થતી હોય તો ચોમાસાના ચાર માસ આપણે આ દિવ્ય સભા બંધ રાખીએ તો? એ ચાર ચતુર્માસ પૂરતું વચનામૃત ખૂબ વાંચવું તો પારાયણ થઈ જાય. ચોમાસાના ચાર મહિનામાં અષાઢ સુદી એકાદશીને દિવસે નિયમ લેવા. મહારાજે નિયમ લખ્યા છે એમાંથી એકાદ લેવું. નિયમમાં પ્રતિલોમ ધ્યાનનું નિયમ પણ લેવું. એ તો કાયમ લેવું. એ નિયમ કાયમ રાખે અને છોડે જ નહિ તો આપણને આપણો દેહ દેખાતો જ બંધ થઈ જાય. ત્યારે ચતુર્માસમાં આ દિવ્ય સભા સાથે રાખવી અને અંતર્વૃત્તિ કરવી. વરસાદના દિવસોમાં ઘરે ધ્યાન કરીએ તો વાંધો ખરો? આપણે ઘરે બેસીને પ્રસન્નતાના સાધન કરી અને મૂર્તિમાં જોડાવાનું. મુખ્ય મુદ્દો તો મૂર્તિમાં જોડાવાનો જ છે ને. મૂર્તિ સિવાય ક્યાંઈ પ્રતીતિ ન આવવી જોઈએ. તો એ સ્થિરતા કહેવાય.
બાહ્યવૃત્તિ અને અંતર્વૃત્તિ બેય દુશ્મન છે. અંતર્વૃત્તિ સામે બાહ્યવૃત્તિ માયા છે. અત્યાર સુધી આપણે જન્મો-જન્મથી બાહ્યવૃત્તિ કરતા આવ્યા છીએ. એટલે જલદી અંતર્વૃત્તિ થવા નથી દેતી. એની સામે અંતર્વૃત્તિ બળવાન છે હોં. બાહ્યવૃત્તિ એ ઘણા બધા વખતથી કંઈક બળવાનપણું દેખાડે છે, પણ અંતર્વૃત્તિ એ સર્વોપરી બળ છે. એટલે કોઈ વાર બાહ્યવૃત્તિને હટાવી નાંખે છે. તો એ બાહ્યવૃત્તિને હટાવી નાખવાની. કામ-કાજ બધું કરવાનું. મહારાજ ક્યાં કહે છે કે કામ ન કરો. બધું કરો. બધા પ્રત્યે ફરજ બજાવવાની. પણ પ્રતિલોમ ધ્યાનથી. મહારાજ કહે છે એવા ધ્યાનની સ્થિતિ થઈ એટલે બધું પતી ગયું. મહારાજ બધું જ કરે. અને પછી એવી સ્થિતિ થાય કે દોષો ક્યાં આવવાના? ઊભા રહે ખરા? જાય ભાયગા. માટે ચાર માસ આપણે આવું કરીએ તો? બધા રાજી હો તો આપણે નક્કી કરીએ કે નવેમ્બરની 26 તારીખે મળવું. આ સભામાં આવવું. આવી દિવ્ય સભા ભેગી રાખવી. જુઓ તો ખરા ચાર મહિના કેવી મજા આવે છે! મૂર્તિમાં, ધ્યાનમાં જોડાઈ જવાનું તો જ થાય ને ભાઈ! બ્રાહ્મમુહૂર્તમાં ધ્યાન કરવું. ઘણી વાર ચાર વાગે ઊઠી ગયા હોઈએ ને કેટલીક વાર ત્રણ વાગે ઊઠીએ ત્યારે પછી વિચારમાં ન પડવું. ત્રણ વાગે ઊઠીને અર્ધો કલાક કે કલાક ધ્યાન કરવું પછી નિદ્રા કરવી. ત્રણ વાગે ઊઠીને ધ્યાન કરવું. પછી નિદ્રા ન આવે તો પડી મૂકવી. પણ એક વાર ઊઠી ગયા પછી તરત નિદ્રામાં ન જવું, યોગ નિદ્રામાં જવું. યોગ નિદ્રા એટલે મૂર્તિનું ધ્યાન. મૂર્તિમાં રહીને દેહને ભૂલો એ નિદ્રા. આ રીતે યોગ નિદ્રા કરવી. આપણે મહારાજની મૂર્તિનું ધ્યાન કરી અને સુખિયા રહીએ. હું પણ તમારી સાથે ભજન કરીશ. મને પણ આનંદ આવેને. આ જે દિવ્ય સભા થઈ તો હું જે કહું છું તે બાપાશ્રીના શબ્દો કહું છું. મારા ઘરના શબ્દો નથી કહેતો. મારા શબ્દોનું શું કરવાનું? મહારાજના એ શબ્દોનું મનન કરું છું. આ દિવ્ય સભામાં મનન થાય એ ઝટ ચોંટી જાય. એટલે આપણને આ બધું દિવ્ય સભામાં મનન થયું. મૂર્તિનું મનન ખૂબ કરીએ તો જુઓ કેવી મજા આવે છે. અંતર્વૃત્તિવાળાને ધ્યાન-ભજનની એ મજા છે. ત્યારે મહારાજને સંભારી મહારાજનું સ્મરણ કરવું. તો બધા સંમત થતા હોય તો જાહેર કરી દઉં. આપણે આ સારીયે સભા મહારાજની મૂર્તિમાં રહેલા મુક્ત છે બરાબર? મુક્તના દર્શન મહારાજથી નોખા ક્યાં છે? આપણા ઘરે મહારાજની દિવ્ય મૂર્તિ છે. જુઓ આપણે રોજ થાળ ધરાવીએ છીએ તે અમથો-અમથો ધરાવીએ છીએ? કહો? મહારાજ જમે છે એ વાત ચોક્કસ છે. જો ન જમતા હોય તો ધરાવવાની ક્યાં જરૂર છે? પરંતુ મહારાજ જમે છે. (થોડું મોડું થાય તો મૂંઝાશો નહિ હોં) એક છોકરો હતો. આ વાત તમને બધાને ખબર છે. એ છોકરાનો બાપ રોજ ભગવાનને થાળ ધરાવે. એને બહારગામ જવાનું થયું. એના છોકરાને કહ્યું, "ભગવાનને જમાડ્યા વિના જમતો નહિ હોં." છોકરો કહે, "હા, બાપુજી. ભગવાનને જમાડીને જ જમીશ." બાપા ગયા ગામ. પાછળથી છોકરાની માએ થાળ તૈયાર કરી આપ્યો. થાળ લઈને છોકરો ભગવાનની મૂર્તિ પાસે જઈ ભગવાનને કહે, "ભગવાન જમો." એના બાપુજી આડો પડદો રાખતા તેથી એણે પણ પડદો રાખ્યો, કે ભગવાન શરમાય છે એટલે પડદો રાખો, તો જમે. પછી ભગવાનને કહે, "ભગવાન, શરમાતા નહિ હોં? ખૂબ સારી રીતે જમજો. કાંઈ જોઈએ તો માંગજો." એમ પાછો કહે. એને એમ કે ભગવાન સાક્ષાત્ જ છે. એટલે ફરી પડદામાંથી જુએ ને કહે, "ભગવાન, કાંઈ જોઈએ છીએ?" ભગવાન બોલે નહિ એટલે એને એમ થાય કે ભગવાન જમે છે. પછી જોયું તો થાળ એમનો એમ હતો એટલે કહે, "ભગવાન કેમ ન જમ્યા? મારા બાપા જમાડતા હતા ત્યારે જમતા હતા અને આજે જમ્યા નહિ? ન કેમ જમો?" ભગવાન પ્રતિમાભાવે વર્તતા હતા. એવી રીતે રહેવાનો સંકલ્પ કર્યા પછી એ દૃષ્ટાંત પૂરું પાડવા માટે ભગવાન પ્રતિમારૂપે વર્તે છે, પરંતુ સાક્ષાત્ અંદર બિરાજે છે. પછી એ છોકરાએ વાત લીધી કે તમે ન જમો તો હું ન જમું. એ બે દિવસ સાવ ભૂખ્યો રહ્યો. પછી કંટાળ્યો. પછી લાકડી લીધી આજ તો મારીશ. ન જમો તો સોટીએ-સોટીએ હું ઢીબી નાંખીશ. પછી તો મૂર્તિ હાથમાં બરાબર લીધી. ભગવાનને એમ થયું કે હવે લીલા કરીશું અને મારી મૂર્તિને મારે તો એને અપરાધ થઈ જાય. અને આ છોકરાને તો કાંઈ ખબર નથી. એટલે મહારાજ કહે, "એલા છોકરા જમું છું તું લાકડી હેઠી મૂકી દે." છોકરો કહે, "લો ત્યારે સારું હોં ભગવાન લાકડી હેઠી મૂકી. જમો." જેમ બાપ છે એ દીકરાને જમાડ્યા વગર જમે? ત્યારે મહારાજ કહે, "તું પણ મારી પડખે બેસ." એને પણ થાળીમાં ભગવાને બધું આપ્યું. અને કહે, "જમ તું." છોકરો કહે, "ભગવાન, તમે જમો મારા બાપાએ કહ્યું છે કે, ભગવાનને જમાડીને જમજે." મહારાજ કહે, "ભલે લે હું જમું છું હવે તું પણ જમ." બંને જમ્યા. પછી છોકરાનો બાપ આવ્યો એટલે બંધ થઈ ગયું. પછી છોકરો કહે, "બાપા, ભગવાન તો મને પણ જમાડતા હતા. તમને જમાડતા હતા?" બાપા કહે, "ના ભાઈ, મને તો કોઈ દિવસ જમાડતા નહોતા." છોકરો કહે, "તમે એમને જમાડતા ત્યારે તમારું નહોતા જમતા?" બાપા કહે, "મારી સાથે જમતા નથી. તારી ભેગા જમતા હતા?" છોકરો કહે, "અત્યાર સુધી જમતા હતા. આજે જ જમતા બંધ થઈ ગયા."
ભગવાન કહે છે કે, એમ ન સમજો કે આ ચિત્રામણ છે. હું સાક્ષાત્ પુરુષોત્તમ મહારાજ બિરાજું છું. એમ પ્રતિમાભાવ ધારી વર્તું છું. જો એમ ન વર્તું તો મારું સુખ લોકો ભૂલી જાય. ભૂલવા માંડે તો પાત્રતા વગર ક્યાંય પાર ન આવે. તો ભગવાન એમ પુરવાર કરે છે કે, આ મૂર્તિમાં હું નિરંતર છું. એ પ્રત્યક્ષ ભાવ લાવવો. એટલે આગળ વધો એમ વધતા-વધતા-વધતા મારી મૂર્તિના સુખમાં આવશો. એટલો દાખડો કરવો. બાપા કહે છે કે, દાખડો કરીને મેળવ્યું હોય તો એ કાયમ ટકે. ઈશ્વરચરણદાસજી સ્વામી કહે, "બાપા, કંસારો ટીપી-ટીપીને પાત્ર કરે છે. તમે ટીપી-ટીપીને પાત્ર કરો." બાપા કહે, "અમે તો ટીપી-ટીપીને પાત્ર કરીએ તો પણ દુઃખ નથી આપતા. કંસારો તો ટીપે ખરો પણ ઘા મારે છે. અમારે એવા ટીપી-ટીપીને નથી કરવા. પરંતુ અમારે તો તમને સુખમય દૃષ્ટિથી પાત્ર કરી મૂકવા છે." એટલે બાપા કહે, "એટલે ટીપવાનો અર્થ એ છે કે થોડો ઘણો દાખડો કરવો પડશે." એ દાખડો કરે એટલે ભગવાન તરત સુખનો અનુભવ કરાવી દે છે. માટે દાખડો તો કરવો જોઈએ. નહિતર અમે ભગવાન ન્યાયી કેવી રીતે કહેવાઈએ? એવું ન ચાલે. સુખમાં રાખી દીધા. હવે તમારે જન્મ નહિ લેવો પડે. અત્યારથી જ દિવ્ય દૃષ્ટિ થઈ જાય. શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો. એમાં ફેરફાર ન કરવો. હું શ્રદ્ધાનો અર્થ સમજાવું. શ્રદ્ધા તૂટી જાય છે હોં! એમ થાય તો ભગવાન સાથેનો સંબંધ તૂટી જાય. જેમ એક નદી ઉપર પૂલ બાંધ્યો હોય, નદી જોરથી વહી જતી હોય, એ પૂલ ઉપર ગાડી - બસ જે કાંઈ જતું હોય ને પૂલ તૂટી જાય તો સામે દિશાએ પહોંચે ખરો? શી રીતે પહોંચે? ન પહોંચે. એમ શ્રદ્ધામાં લગારેય ફેર ન પાડવો. ગમે તેવા સંજોગો આવશે. મહારાજે કહ્યું, સત્સંગ લૌકિક લાભ થાય છે એટલા ખાતર ન કરવો, પરંતુ મહારાજનું સુખ મળે એ ખાતર કરવો. સૃષ્ટિની રચના છે તો એ પ્રમાણે થયા જ કરે.
ભગવાન કોઈક વાર ન કરે તો એમ થાય કે ન કર્યું. ભગવાન કહે, એ તો મારા નિયમ મુજબ બધું થયા કરે. હું તને સુખમાં લઈ જાઉં એ થોડી વાત છે? અનેક જન્મો માફ કરીને મારી મૂર્તિના સુખમાં રાખું એની તારે ગણતરી જ નહિ? અને મારી પાસે કામ જ કરાવ્યા કરવાનું અને ન કરું તો શ્રદ્ધા તોડી નાંખવી? ભગવાન ન કરે ત્યારે મૂકો પડ્યા ભગવાનને. કંઈ કામના નથી હેરાન કરીને મારી નાંખશે આવું બોલે. શ્રદ્ધા જો તૂટી જાય તો ભગવાન સાથેનો સંબંધ જેમ આ પૂલ તૂટી જાય તેવું થાય. શ્રદ્ધા તો ડગવા જ ન દેવી. એવી શ્રદ્ધા રાખવી કે બાપાશ્રી કહે છે ને કે પૃથ્વી ચળે, તારા ચળે, પરંતુ શ્રદ્ધા ચળવી જોઈએ નહિ. તો મહારાજની મૂર્તિ સિદ્ધ થાય. મહારાજ એવા રાજી થાય કે તું ખરો. તારી શ્રદ્ધાને પણ ધન્ય છે. ઊલટું ભગવાન એને ધન્યવાદ આપે. ત્યારે આપણે એવા થઈ ભગવાન ભજવા, મહારાજની મૂર્તિ સંભારવી. ડરવું નહિ. જ્યોતિષીઓ પાસે જવું નહિ. ભૂવા પાસે ન જવું, દેવ-દેવલા પાસે ન જવું. ક્યાંય જવાની જરૂર નથી. શું જવાની જરૂર છે? કશું ના વળે. ઊલટા જન્મ વધી પડે. તો પેલા ભૂવા ભેગા આપણે પણ ભૂવા થઈ જઈએ. જેમ જડભરત ભગવાનના પુત્ર બહુ જ્ઞાની હતા. છતાં પેલી મૃગલીમાં આસક્તિ થઈ ગઈ. તેમનો સ્વભાવ બહુ દયાળુ હતો. અતિ દયાળુ, તો મૃગલીમાં બંધાઈ ગયા. એટલે ભગવાને જનમ આપ્યો. એ જનમ કેવો આપ્યો ખબર છે? જડભરતનો. ભરતજી નહિ, જડભરત ભમ્યા જ કરે, બધું ભૂલી ગયા. ભગવાને એ શિક્ષા કરી. પછી મૃગલી તો શું? મૃગલી કે ગમે તે આવે તો પણ ભગવાન સિવાય ક્યાંય બંધાય નહિ. પછી જડભરતજીની શિક્ષા પૂરી થઈ એટલે ભગવાનના સુખમાં પહોંચી ગયા. માટે ભગવાન સિવાય ક્યાંય આસક્તિ ન રાખવી. શ્રદ્ધા ડગવા દેવી નહિ.
ભગવાન સર્વોપરી છે, કર્તા-હર્તા છે એમાં ફેર નથી એ ધ્યાન રાખવાનું. ક્યાંય ભગવાન સિવાય વૃત્તિ રાખવી નહિ. ભગવાન સિવાય કોઈ કર્તા નથી. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. મહારાજે કહ્યું મારું સુખ આવી જાય હોં! મહારાજ કહે, મારો માર્ગ જો લેવા માંડે તો હું ય ખરો છું કે તરત કસોટી મૂકું. કસોટીમાંથી પાર ઊતરી જાય તો પહોંચી ગયો. ભગવાનનું એ અંગ જ છે. કે મારા માર્ગે આવે ત્યારે કસોટી થાય. 'હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ.' કાયર થઈને મને મૂકીને ભાગી જાય તો? આપણે ભક્તિ કરીએ એટલે ભગવાન કસોટી કરે. ન પણ કરે, કરે જ એવું નથી. પણ એમનું આ એવું અંગ છે. કસોટી કરે ત્યારે પાર ઊતરી જવું. બીજું શું થવાનું હતું કહો? આ દેહ પડી જાય. એથી કોઈ મોટી સજા છે? ભલે પડી જાય. પડવા દેવાનો, પણ ડગવાનું નહિ. શ્રદ્ધા રાખવી તો ભગવાન સુખિયા કરી નાંખે આ લોકમાં પણ સુખિયા કરી મૂકે.
આ વાત એવી સાદી છે. એમાં કહે છે ને સ્વામિનારાયણનો માર્ગ સાવ સરળ છતાં પૂર્ણ છે. આવું હોય કોઈ દિવસ? સાદો-સરળ, સાવ સરળ છતાં પૂર્ણ માર્ગ? થઈ રહ્યું! ધામમાં લઈ જઈશું એમ કોઈ કહેનારો નીકળે છે બીજો? એ તો એવું પુરુષોત્તમ નારાયણ જ કહી શકે. એમના અનાદિમુક્તમાં રહી પોતે કહી શકે. આ વખતે ભગવાને આપણને ખૂબ માનદ્ (પદવી) આપી છે. એ માનદ્ આપણને કેટલા પુણ્ય-સુકૃત કર્યાં હશે, કેટલાં સંતોના આશીર્વાદ મેળવ્યા હશે, ત્યારે આપણને ભગવાન સ્વામિનારાયણ ઓળખાયા. એક દરબાર હતા. (લોકો એમ કહેતા) એલા કે શું છે? તો કહે સ્વામિનારાયણ. ભગવાન કોણ? સ્વામિનારાયણ. લે સ્વામિનારાયણ જોઈએ છીએ? મહારાજના સંતો એમ જ કહેતા હતા ને? લે સ્વામિનારાયણ, પરંતુ લે નહિ એવા જીવ હતા. લાડવા આપે તો ન લે પણ સૂકા રોટલા, છાશ, ગોળ આપે એટલે લે. ભિક્ષા માંગવા જાય ત્યારે દૂધપાક પૂરી, માલપૂવા આપે તો કહે અમારે નથી જોઈતા આવા જીવ હતા. એ જીવને આપણે માફ કરવાના. સેવા કરવાની. એ સેવા કરીએ તો બાપા કહે, "એક જીવને ઉગારે તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ મળે." ભગવાનની જીવો ઉપર કેટલી દયા છે એમ જુઓ! ગમે-એમ કરીને પાર પાડીને સુખિયા કરવા છે. કેટલા નિઃસ્વાર્થ હતા. તો આપણે પણ એમના જેવા થવું. થોડો સાધારણ દાખડો કરીએ તો મહારાજ રાજી થાય.
સારાંશ
સર્વોપરી ભગવાન મળ્યા પછી બીજે શ્રદ્ધા ન રાખવી. મહારાજમાં સંપૂર્ણ શ્રદ્ધા અને અડગ નિષ્ઠા રાખવી.
બાહ્યવૃત્તિ અને અંતર્વૃત્તિ દુશ્મન છે, છતાં અંતર્વૃત્તિ કરીએ ત્યારે બાહ્યવૃત્તિ હટી જાય છે.
ચાતુર્માસમાં પ્રતિલોમ ધ્યાનનું નિયમ લીધા પછી એ કાયમ માટેનું બનાવી દેવું. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને ધ્યાન કરવું. ભગવાન પ્રતિમાસ્વરૂપમાં સાક્ષાત્ બિરાજે છે. તેમાં ચિતરામણનો ભાવ ન લાવવો. અને ભગવાનને પામવાનો દાખડો કર્યા કરવો. શ્રદ્ધા જરા પણ ડગવા દેવી નહિ. ભગવાનનું સુખ મેળવવા સત્સંગ કરવો. ભગવાન સર્વોપરી, સર્વ કર્તા-હર્તા છે એ યાદ રાખવું. ભગવાનનો માર્ગ સાવ સરળ છતાં પૂર્ણ છે.
અનાદિમુક્તમાં રહી ભગવાન પોતે આશીર્વાદ આપે છે.