13

0:000:00

આ દિવ્ય સભાને કોટીકોટી વંદન સહ જય સ્વામિનારાયણ. મહારાજે છૂટી છવાઈ એવી વાતો પ્રસંગો અનુસાર કરીને સર્વોપરી તત્વજ્ઞાન અંદર મુક્યું. આ છૂટી છવાઈ એવી વાતો અને સંવાદોમાંથી ભગવાનનું સર્વોપરીપણું શોધી કાઢવાની વાત આજે સારી થઈ. વિદ્વાનોને એ સ્પષ્ટતા નથી હોતી એટલે ભગવાનના સ્વરૂપ વિશે ગોથાં ખાયા કરે છે. જ્યારે ભગવાનના તત્વજ્ઞાનની સ્પષ્ટતા થાય, પછી આગળ વધવાની સ્થિરતા આવે છે. ભગવાનને સર્વોપરી સમજવા માટે આ જુદી જુદી કક્ષા, જુદી જુદી (ચૈતન્ય) ભૂમિકાઓ મૂકી દેવી જોઈએ. એ માત્ર ચર્ચા અને સંવાદોનો વિષય છે. ચર્ચા કર્યા પછી અનુભવ થાય ત્યારે નાસ્તિકપણું મટે, એટલે કે શંકા-કુશંકા ત્યારે જ ટળે. એટલે શરૂઆતમાં આ સ્પષ્ટતા કરી દીધી.

મહારાજે પહેલું વચનામૃત અખંડ સ્મૃતિનું કહ્યું કે જે છેલ્લું લેવું જોઈતું હતું. આમ કેમ કર્યું? હવે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એમ જણાવે છે કે બસોબોંતેર વચનામૃતની ફળશ્રુતિ અખંડસ્મૃતિ છે. એ બધામાંથી તેનો અભ્યાસ કરતાં કરતાં છેવટે અખંડસ્મૃતિ એ એની ફળશ્રુતિ થવી જોઈએ. એ પહેલું એટલા માટે મૂક્યું કે બાકીના બસોબોંતેર વચનામૃતનો અભ્યાસ કરતાં-કરતાં એમાં રહેલું તત્વજ્ઞાન જીવનમાં વણતાં-વણતાં, જીવનમાં ઊતારતાં-ઊતારતાં મહારાજની સ્મૃતિ રહેવી જોઈએ. આ રીતે વચનામૃતનો અભ્યાસ કરાય તો અભ્યાસ કર્યો કહેવાય. નહિતર કર્યો ન કર્યા જેવું થયું! માટે પહેલા અખંડ સ્મૃતિનું વચનામૃત મૂકી દીધું કે ભગવાનની કથાવાર્તા કરતાં-કરતાં, એનું મનન-ચિંતન કરતાં-કરતાં, એને સમજતાં-સમજતાં સાથે મહારાજની સ્મૃતિ રહેવી અનિવાર્ય છે. આ અખંડ સ્મૃતિ રાખવી એ કઠીનમાં કઠીન સાધન છે. કઠીનમાં કઠીન. શ્રીકૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન (પર્વત) તોળ્યો. રામભક્તરાજ હનુમાનજી પર્વત લઈને ઊડ્યા. આ ઘણું જ કઠીન કામ છે, પણ એથીય કઠીન કામ આ છે. પછી જ્યારે આ બધી જ કોટીઓ (કક્ષાઓ)માં ક્યાંય પ્રલોભન ન થાય અને એક ભગવાનમાં અખંડ સ્મૃતિ રહે એ કઠીનમાં કઠીન સાધન છે. બ્રહ્માનંદ સ્વામી કેટલાય બ્રહ્માંડોને નીચે ઉતારી દે એવા હતા, તો યોગેશ્વર શ્રીકૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન તોળ્યો એમાં શું વિશેષ? કઠીનમાં કઠીન સાધન આ છે કે પરમાત્મામાં અખંડ સ્મૃતિ રહે. બાપાએ એમ કહ્યું છે કે અખંડ સ્મૃતિ રહેતાં રહેતાં માયિક વૃત્તિ દિવ્ય થઈ જાય છે. અને એ અખંડ સ્મૃતિનું દિવ્ય સુખમાં રૂપાંતર થાય છે.

અખંડ સ્મૃતિથી આગળ અધિક કોઈ પ્રાપ્તિ નથી એમ મહારાજે કહ્યું છે. અખંડ સ્મૃતિ એ મોટામાં મોટી પ્રાપ્તિ. અને અખંડ સ્મૃતિનું દિવ્ય સુખમાં રૂપાંતર થઈ જાય એ અનાદિમુક્તની સ્થિતિ. અનાદિમુક્તની સ્થિતિની અધિકતા વર્ણવતા વંદુના પદમાં એક પદ એવું છે, જેની એક લીટી "વહાલા એ રસના ચાખણહાર, છાશ તે નવ પીવે રે લોલ." ત્યારે એમ કહ્યું કે જે શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં ડૂબેલા છે એ જે રસ ચાખે છે, એ રસના ચાખણહાર જે અનાદિમુક્ત છે, એ છાશ શું પીવે? એટલે પરમ એકાંતિકનું સુખ પણ છાશ જેવું Comparatively ગણાય. સરખામણીની દૃષ્ટિએ આ ઉપમા છે. સુખના સમુદ્ર ઉપરની હવા આવે અને સુખના સાગરમાં ડૂબાય, એ તો સ્વાભાવિક એક ને એક બે જેવી વાત છે કે એ ખૂબ અધિક છે. એ સુખને પામવા માટે આ અખંડ સ્મૃતિ છે.

ચાર આશ્રમ - બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ પચીસ-પચીસ લેખે સો વર્ષનું આયુષ્ય મળ્યું છે. તેથી વધારે જીવનારા છે ખરા, પણ અત્યારે સામાન્ય રીતે જોઈએ તો તે આશ્રમમાં સમય મર્યાદા ઓછી થાય. મહારાજ કહે છે કે બાલ્યાવસ્થા પૂરી થાય અને યુવાવસ્થા શરૂ થાય એ દરમ્યાન બ્રહ્મચર્યાશ્રમ, બાળકોનું બ્રહ્મચર્ય વ્રત ખૂબ જળવાય એવી પરિસ્થિતિ ઊભી થવી જોઈએ. પછી ગૃહસ્થાશ્રમનો આદર્શ અ. મુ. પર્વતભાઈએ અને પરમ કૃપાળુ બાપાશ્રીએ શિક્ષા અર્થે આદર્શ ગૃહસ્થાશ્રમ કોને કહેવાય એ બતાવી દીધું. એટલે હવે આદર્શ ગૃહસ્થાશ્રમ કોને કહેવાય એનો ઊંડો અભ્યાસ કરવાની જરૂર નથી. ચરિતાર્થ સામે છે.

આગળ ગયા એટલે વાનપ્રસ્થાશ્રમ આવે. ગૃહસ્થાશ્રમના કર્તવ્યો પૂરા થઈ ચૂક્યા ત્યારે એવી કક્ષા આવે છે કે જ્યારે ભગવાનની સ્મૃતિ તેલધારાવૃત્તિની માફક રહે એમ જીવનયાત્રા શરૂ થવી જોઈએ. ત્યારે સાત્ત્વિક ઉથલધડા (પ્રવૃત્તિઓ) પણ જેમ બને એમ ઓછા થવા જોઈએ. ઉત્સવ, સમૈયા, પારાયણ ને બીજા ઉત્સવો આ બધા સાત્ત્વિક ઉથલધડા કહેવાય. જેમ ભગવાન અનાદિમુક્તના સુખ આગળ પરમ એકાંતિક મુક્તના સુખને છાશ જેવું કહે છે. એમ બધા જ બ્રહ્મયજ્ઞ કરતાં મહારાજની મૂર્તિમાં રહેવાનો બ્રહ્મયજ્ઞ શરૂ કરીએ. આ સાત્ત્વિક ઉથલધડામાંથી બહાર આવવું જોઈએ. તે એટલા માટે કે સાત્ત્વિક ઉથલધડામાં પણ રાગ રહે છે. કાર્યની સ્મૃતિ વધુ થઈ જાય છે, ને ભગવાનની સ્મૃતિ ત્રુટક ત્રુટક બને છે. જ્યારે જીવનયાત્રાનો અમુક ભાગ પૂરો થાય, ત્યારે આ સાત્ત્વિક કાર્યો થોડાક ઓછા થવા જોઈએ. એ પહેલાં ભલે કર્યા હોય, ભગવાનની સ્મૃતિ રાખતાં-રાખતાં. પછી જો એ ચાલુ રહે તો એ કાર્યમાં એવું ગૂંચવાઈ જવાય કે બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય. એનો અતિરેક નહિ થવો જોઈએ. ભગવાને કાર્ય કરતાં કારણ (મૂર્તિ)ની સર્વોપરીતા બતાવી. એક વાર ભગવાને રંગોત્સવ કર્યો. બધાને ખૂબ રંગે રમાડ્યા. એમાં મોટા મોટા સંતો હતા. રેલમછેલ બોલાવી દીધી. એ વખતે અ. મુ. ગોપાળાનંદ સ્વામી પોતાની ઓરડીમાં પોતાના આસને માથે ઓઢીને ધ્યાન કરતા હતા. કોઈને એમ થયું કે ગોપાળાનંદ સ્વામી બધા સંતો સાથે કેમ નથી? તો શોધ કરવા માંડ્યા. સ્વામી તો આસને બેસીને માથે ઓઢીને ધ્યાન કરતા હતા. સ્વામીએ ઓઢેલું ધોતિયું આમ ખસેડીને એક પાર્ષદ હરિભક્તે સ્વામીને જગાડ્યા.

"અરે! સ્વામી, મહારાજે તો આજે સુખની રેલમછેલ બોલાવી દીધી. તમે ત્યાં ન આવ્યા ને માથે ઓઢીને બેસી રહ્યા!" સ્વામી કહે "ભાઈ, મહારાજે જેમ તમને રેલમછેલ બોલાવીને એમ મને ઉત્તમોત્તમ સ્વાદિષ્ટ, મીષ્ટાન્ન ભોજનો જમાડવામાંથી ઊઠવા દે તો ઊઠું ને? તમને શાકભાજી જમાડ્યા ને મને આ જમાડ્યું." "અરે! કે શાકભાજી? મહારાજે અમને આવાં સુખ આપ્યાં એને તમે શાકભાજી કહ્યાં? સ્વામી, આ તો તમે અપમાન કર્યું કહેવાય." સ્વામી હસ્યા. કહે, "રાજી રહેજો, માફ કરજો." સ્વામી તો ક્ષમા માગે એવા પુરુષ હતા. પછી આ ફરિયાદ મહારાજને કરી. પછી મહારાજ કહે, "આનો ઉત્તર સભામાં કરીશ." પછી સભા બેઠી. સભામાં આ પ્રશ્ન નીકળ્યો. ત્યારે મહારાજે એમ કહ્યું કે આ જુદા જુદા ઉત્સવો પાછળ મારી મૂર્તિની સ્મૃતિ રહે એટલે આ ઉત્સવો કર્યા છે. એમાં અમારા પ્રભાવને લીધે તમને સુખ આવે છે. તમારી પાત્રતા વધે છે. અંતરશત્રુઓ પીડતા નથી. એટલે અમારા સુખ તરફ ગતિ થાય એટલે આ બધા કાર્યો અમે ગોઠવ્યા છે. સ્વામી આ કાર્યોથી આગળ વધી ગયા છે. તમે નથી વધ્યા એટલે મેં તમને આવી રીતે સુખ આપીને આગળ વધાર્યા.

હવે સ્વામીને (ગોપાળાનંદ સ્વામીને) કંઈ કરવાનું બાકી નથી રહ્યું, તો હવે આ દિવ્ય ભોજન જ હોય ને? સર્વોપરી સુખના ભોજન જ જમે ને? બીજું શું ખાય? પછી બધા કહે, "મહારાજ અમને..." ત્યારે મહારાજ કહે, "તમે અનંત જન્મો સુધી મારી સ્મૃતિ વગર આ જ ગોખે રાખ્યું છે ને એનો આનંદ માણ્યો છે. એટલે એટલી બધી બહિર્વૃત્તિ થઈ છે કે તમને મારી મૂર્તિમાં અખંડવૃત્તિ રહેતી નથી. થોડો વખત રહે, થોડો વખત ન રહે એમ થયા કરે છે. ત્યારે એટલી બધી બાહ્યવૃત્તિ કાઢવા માટે ગૃહસ્થાશ્રમ પૂરો થયા પછી આ પ્રક્રિયા શરૂ થવી જોઈએ. એમાં ભૂલ નહિ કરવી જોઈએ." મહારાજે એમ પણ કહ્યું છે કે આ અક્ષરધામની સભા છે. ખરેખર, આપણે એ દિવ્ય સુખના ભોક્તા છીએ. ચૈતન્ય મહારાજની મૂર્તિમાં છે, પણ જો મહારાજને ભૂલી જઈએ તો વહાણમાંથી કૂદકો માર્યા જેવું થાય. વળી પાછી સ્મૃતિ રહે અને વહાણમાં આવી જાય. વળી પાછા વહાણમાંથી કૂદે ને પાછા વહાણમાં આવે. આવી ક્રિયા ચાલ્યા જ કરે છે. એમ ન થાય એટલા માટે મહારાજે આશ્રમ કર્યા. એ આશ્રમ પૂરા કર્યા પછી, ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમમાં આવે ત્યારે તો મહારાજ સિવાય કંઈ જ ન રહે ને સુખ ભોગવવાનું. વાનપ્રસ્થાશ્રમમાં અખંડ સ્મૃતિ કરીને પહોંચી ગયા સંન્યાસ આશ્રમમાં. સંન્યાસ એટલે વૈરાગ્ય. બધાથી વૈરાગ્ય. મૂળઅક્ષર કોટી સુધી વૈરાગ્ય. એક મહારાજ સિવાય કોઈ જગ્યાએ ક્યાંય સ્નેહ ન રાખવો. એ સ્થિતિને પામવા માટેના આ છેલ્લા બે આશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ છે.

એ સ્થિતિને પામ્યા પછી નિવૃત્તિ આવે. જગત તો એ બે આશ્રમમાં (બ્રહ્મચર્યાશ્રમ ને ગૃહસ્થાશ્રમમાં) ચાલ્યા જ કરવાનું છે. પછી એમાં આપણી જરૂરિયાત ક્યાં રહે? પછી એ ઉંમરમાં એ બધા (સંતાનો વગેરે) તૈયાર થઈ જાય. એ બે આશ્રમમાં આપણે જે કરીએ તેનો લાભ સૌને મળ્યા કરે જો એ રીતે ચાલીએ તો. પણ આપણે તો સીત્તેર વરસ થાય તો પણ એના એ ઢંગધડા. માટે એક વસ્તુ યાદ રાખીએ કે બે આશ્રમ પૂરા કર્યા પછી ભગવાનની સ્મૃતિ વધુમાં વધુ રહે તેમ કરવું. જો કાર્ય વિક્ષેપ કરે, ઉત્સવો વિક્ષેપ કરે તો એનું પણ ધ્યાન રાખવું. એ વાત અખંડ સ્મૃતિની કરી. ભગવાનના સુખને પામવા માટેની જીવનયાત્રામાં નક્કી કરીને કેમ વર્તન કરવું જોઈએ એ મહારાજે વાત કરીને આપણને શીખવી છે.

બીજી એક વાત એ છે કે ઘણી વાર કેટલાક વારંવાર પૂછે છે, પણ હું જવાબ નથી આપતો. એમાં એમ કહે છે કે મહારાજે 2/3 વચનામૃતમાં દ્રોહ ન કરવો ને અવગુણ ન લેવો એવી વાત કરી છે. આ દ્રોહ શું છે? તો દ્રોહ એટલે મન, કર્મ, વચને પોતાનું કે બીજાનું અશુભ થાય, એને નુકસાન થાય, એના જીવનું બગડે, બગાડવું એનું નામ દ્રોહ. હવે મહારાજે આજના વચનામૃતમાં (સભામાં તે દિવસે વંચાયેલા વચનામૃતમાં) કહી દીધું કે જો અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ અધિકારી કરતો હોય (ઑફિસર્સ સ્ટેજમાં) તો પણ એને દૂર કરવો. તો એ દ્રોહ છે કે અદ્રોહ છે? તો એ અદ્રોહ છે. કેમ? કારણ કે એને ખસેડી મૂકવાથી એને ભાન થાય છે કે આ મેં ખોટું કર્યું. તો એનું સુધર્યું કે બગડ્યું? જો આજ્ઞાલોપ ચલાવો તો જીવનો નાશ થઈ જાય. મહારાજે એમ પણ કહ્યું કે જો (અધિકારી વર્ગ આજ્ઞા લોપ) ચલાવે તો એને ભૂત અને બ્રહ્મરાક્ષસનો દેહ આવે. આ શ્રીહરિના મુખના વચનો છે. તો નહિ ચલાવવું જોઈએ. આપણું ન ઉપજે તો શું કરવું? મહારાજ કહે છે કે ન ઉપજે તો એનો મૌન પ્રતિકાર કરવો અને એનો ત્યાગ કરવો એવું કહી દીધું છે વચનામૃતમાં. ત્યાં નહિ રહેવું જોઈએ, જો પોતાથી ન બની શકે તો મહારાજને પ્રાર્થના કરી માળા ફેરવવી પડે છે. મહારાજ તરત જ એની પ્રાર્થનાનો સ્વીકાર કરીને એને (આજ્ઞા લોપનારને) સુધારે છે. પણ જો એની વચ્ચે રહે તો મહારાજ કહે છે કે એ ઉપાધિ છે. ઉપાધિમાં રહીને મુક્તદશા આવતી નથી. તો એ ઉપાધિમાં રહીને આજ્ઞાલોપ જોયા કરવો એ દ્રોહ કહેવાય.

દ્રોહ એ દ્રોહ છે. એને સુધારવો એ અદ્રોહ છે. સત્સંગને વિશે દિવ્યભાવ રાખવો. આ દ્રોહની વ્યાખ્યા સમજવી ઘટે. એમ નહિ કે કોઈનો અવગુણ, એટલે અવગુણ ન લેવો. ભગવાનના ભક્તનો અવગુણ ન લેવાય. ભગવાનના ભક્તો કેટલા? આચાર્યશ્રી, સંતો અને હરિભક્તો આ ત્રણ સત્સંગના મુખ્ય અંગો છે. એ ત્રણમાં મહારાજે ધર્મકુળને ગાદી ઉપર બેસાડ્યા, ત્યારે કોઈએ પૂછ્યું, "મહારાજ! આચાર્ય કોને કહેવાય?" મહારાજે એટલી બધી વાતો કરી છે કે એમાંથી સંશોધન કરીને લખો તો સમજી શકાય. પણ એ ક્યાં લખવાનો પાર આવે? મહારાજ કહે, "અમારી આજ્ઞા મુજબ જે ધર્મનું આચરણ કરવામાં શ્રેષ્ઠ હોય અને ધર્મનું આચરણ કરાવવામાં સાવધાન હોય તે આચાર્ય." પછી આમ આંગળી કરીને કહે કે આ અયોધ્યાપ્રસાદજી મહારાજ એવા આચાર્ય છે. ત્યારે વિચારો.

પછી એક બીજો દાખલો સ્વામી વિવેકાનંદનો છે. ધર્માચાર્યોની સભામાં જે વિશ્વના ધર્મો વિશે હતી. એ વખતના જમાનામાં સડા પેસેલા. વિશ્વમાં પણ એવું હતું. ત્યારે વિવેકાનંદે ધ્યાન દોર્યું કે આ સડો શેનો છે? એ સડાના મૂળમાં શું છે? તો એમણે એમ કહ્યું કે ધર્મવહીવટ છે. ધર્માચાર્યોને એમ કહ્યું કે તમે ધર્માચાર્યો છો. તમે વહીવટાચાર્યો નથી. તમે તો બેય ભેગું કરો છો. તો બેયમાંથી એકેય સરખું કરી શકતા નથી. અને વહીવટ તમને લજવે છે. તમે ન કરવાનું કરો છો. એટલે ધર્માચાર્યોએ વહીવટથી સદંતર અલગ થઈ જવું જોઈએ. ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે સાચા ધર્માચાર્ય ધર્મનું પાલન કરે ને કરાવે એ આચાર્ય. પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાનની વ્યાખ્યા તો જુઓ! ત્યારે આ બધા ધર્માચાર્યો શ્રીજીમહારાજના વખતમાં ભ્રષ્ટાચારને પંથે જતા રહેલા. મહારાજે એ સડો પોતાના પ્રભાવથી કાઢી નાંખ્યો અને લોકોને જાગૃત કરી દીધા. ત્યારે એનું નામ આચાર્ય. આચાર્ય સર્વોપરી ભગવાનના આચાર્ય અયોધ્યાપ્રસાદજી મહારાજ જેવા હોવા જરૂરી છે, અનિવાર્ય છે. કારણ કે એના હાથમાં આખા સત્સંગની ધૂરા છે.

સંત કોને કહેવાય? શાંતિ પમાડે તે સંત. અને એનો જોગ, સંતસમાગમ કરીએ. શાંતિ કોણ પમાડે? જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તે. શાંતિ શું? તો અંતઃશત્રુઓમાંથી મુક્ત થાય પછી શાંતિ પામે છે. ઘાટ-સંકલ્પ બંધ થઈ જાય, ત્યારે શાંતિ પામે છે. ત્યારે જેને આવી શાંતિ, અખંડ સ્મૃતિ રાખીને ભગવાનની આજ્ઞાનું પાલન કરીને, પાત્રતા કેળવીને, જેણે સુખની પ્રાપ્તિ કરી હોય એને સાચી શાંતિ હોય એવાના સમાગમથી શાંતિ મળે. એવા સંતને મહારાજ કહે છે, "સંત જાણજો મારી મૂર્તિ રે તેમાં ફેર નહિ એક રતિ રે." આટલું બધું! જળ તરંગવત્ એકતા કહી દીધી નિષ્કુળાનંદ સ્વામીએ. જળતરંગવત્! દૂધ અને સાકર જેવું નહિ? તો કહે નહિ. દૂધ અને સાકરમાં દૂધના પોલાણમાં સાકર રહેલી છે. એ રસબસ નથી. દૂધ સાથે સાકર રસબસ નથી. અણું જુદા છે. પણ આ તો જળતરંગવત્ એકતા. એટલે ત્યાગ-ભાગ નહિ. દિવ્ય સેવક દિવ્ય સ્વામી સાથે જળતરંગવત્ એકતા ભોગવે છે. એવી એકતા છે. "એવા સંત તે મારી મૂર્તિ રે, તેમાં ફેર નહિ એક રતિ રે" એમ કહે છે.

હરિભક્ત કોણ? ભક્તિ કોને કહેવાય? મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે - ભગવાન સિવાય ક્યાંય સ્નેહ ન રહે એ ભક્તિની પૂર્ણતા છે. અને હરિનો આવો મહિમા, આવી ભક્તિ સિદ્ધ થઈ ચૂકી છે એ હરિભક્ત કહેવાય. હરિભક્તે એટલે આપણે એ સ્થિતિને પામવાનું છે. જ્યારે બે આશ્રમ (બ્રહ્મચર્યાશ્રમ ને ગૃહસ્થાશ્રમ) પૂરા થઈ જાય પછી પ્રયત્નમાં મંડી પડવાનું. મહારાજના ધ્યાનમાં તો હું છું જ. એ કઠણ તો પડે જ. મહારાજ કહે એ કઠીનમાં કઠીન સાધન છે એમ મેં કહી દીધું છે, હવે શું કામ માથાકૂટ કરવી પડે? કર્યા કરવાનું. કઠીનમાં કઠીન સાધન કર્યા કરવાથી એના બળથી સરળ થઈ જશે. બાપાશ્રી પધાર્યા. સાધન બધા સરળ થઈ જાય એવી કૃપા મહારાજે બાપાશ્રી દ્વારા વરસાવી. એ કૃપાને પાત્ર થવું જોઈએ. અને બાપાએ એમ પણ કહી દીધું કે છતી દેહે અમે મૂર્તિમાં તો રાખ્યા છે. હવે કૂદાકૂદ ન કરશો, મહેરબાની કરીને. એટલે આજ્ઞા મુજબ વર્તજો. અમે કહ્યું તેમ શબ્દોનું મનન કરજો તો આ સુખ તરફ જવાશે. એટલે હરિભક્તોએ એટલે આપણે એ તરફ જવાને માટે બરાબર તૈયારી કરવી, નહિ તો જીવનયાત્રા પૂરી થઈ જાય. જિંદગી પૂરી થઈ જાય બરોબર? આપણું એ બાજુનું કર્તવ્ય (સંસાર સંબંધી) પૂરું થઈ ગયું. હવે આ કરવાનું. બીજું શું કરવાનું? આપણો દેહ જીર્ણ થાય પછી બીજું શું કરી નાખવાના હતા? માટે એ કરવું. આપણી જીવનયાત્રાના ભાગરૂપે જે મૂર્તિ સિદ્ધ કરી હોય એનો નાના હોય એના ઉપર પ્રભાવ પડે, એટલે એ કાર્ય પણ સ્મૃતિ રાખી કરવાનું.

અને આ પ્રક્રિયા તો અનાદિકાળથી ચાલતી આવે છે ને ચાલતી રહેશે. એ મૂર્તિના સુખમાં પહોંચાડશે. ભગવાન જ્યારે જે બ્રહ્માંડમાં પ્રગટ થાય છે, ત્યારે કૃપા વરસાવે છે. અદ્‌ભુત પ્રતાપ જણાવે છે. અને એ કૃપા વરસાવે ત્યારે એ ધામમાં ઘણા મુક્તો, સંખ્યાબંધ મૂર્તિના સુખમાં આવતા હોય છે. ભગવાન અદૃશ્ય થયા પછી, જે બ્રહ્માંડમાં વિચર્યા હતા ત્યાંથી એક બે મુક્તો આવતા હોય છે. એમ અનંત મુક્તો અનંત બ્રહ્માંડમાંથી એક એક આવે તો ય અનંત થાય. પણ પ્રગટનો મહિમા એ રીતે ખૂબ વિશેષ છે. તેમાં ભગવાન અનેક જીવોના સુખને માટે પ્રગટ થાય છે. જો એ પ્રગટ ન થાય તો દેહધારી ભગવાનના ભક્તો ભગવાનને જોઈ કેવી રીતે શકે? એ દિવ્ય સુખને પામે કેવી રીતે? માર્ગ ન બતાવે તો? ભગવાન ચોખ્ખું જણાવે છે. અને એવો રસ્તો સુગમ કરીને આપણી પાસે મૂકી દીધો. એ જ પ્રમાણે જો જગત વર્તે તો પણ સુખી થઈ જાય. એટલે આચાર્ય, સંત ને હરિભક્ત એ સત્સંગ. મહારાજની વ્યાખ્યા પ્રમાણે. જો આ સમૂહ હોય એને સત્સંગ કહેવાય. અને સંત કહેતાં શ્રીહરિના સંબંધવાળા સર્વે, એવા સમૂહને વિશે દિવ્યભાવ રાખવો. એવો સમૂહ ન હોય ને આજ્ઞાલોપ થતો હોય તો દિવ્યભાવ ન રહેતાં દ્રોહ થઈ જશે, અવગુણ આવી જશે એમ ધારીને આંખમિચામણા ન કરાય. એનો પ્રતિકાર શુદ્ધ બુદ્ધિથી કરવો પડે. એ અદ્રોહ છે. નહિતો એના જીવનું બગડી જાય. કેટલાયનું બગડી જાય. આ આજ્ઞા લોપે એટલે બગડે ને? આજ્ઞા એ મહારાજનું સ્વરૂપ છે. આજ્ઞારૂપી સ્વરૂપ આપણને મહારાજની મૂર્તિના સુખમાં રહી શકાય એવા પાત્ર કરે છે. તો પહેલું એ જરૂરી છે. અને ઉપાસના શુદ્ધિની સમજણ જરૂરી છે.

આજ્ઞાનું પાલન કરતાં કરતાં એ આજ્ઞારૂપી સ્વરૂપ મૂર્તિના સુખમાં ઝિલાવશે. એનો અર્થ દિવ્યભાવ છે. ભૂલ કરી? નથી ભૂલ કરી, નહિતર ભૂત-બ્રહ્મરાક્ષસનો દેહ આવે. જો કે મહારાજે કૃપા કરી છે એટલે એવો દેહ ન આવવા દે. પરંતુ પરમાત્માનું વચન અદ્ધરથી ઝીલી અને એ પ્રમાણે જીવનનો માર્ગ ગોઠવી દેવો જોઈએ. અત્યારના સંજોગોમાં શું જરૂરી છે? વિવેકાનંદે વિશ્વમાં વહીવટમાંથી ધર્માચાર્યોને મુક્ત કરી દીધા. ખરા ધર્માચાર્યોની અમૃતદૃષ્ટિથી વહીવટ સારો ચાલે છે. એ એમનો પ્રભાવ છે. ચાલ્યા વગર રહે જ નહિ. એની એને ચિંતા કરવાની જરૂર રહેતી નથી. એને જોઈને જ વહીવટમાં કોઈથી આઘું-પાછું ન થાય.

બીજું ધર્માદો, કઈ જાતનો? દશાંશ-વિશાંશ અને ત્યાંથી શરૂઆત કરીને બીજા ધર્માદામાં આવવાનું. એને બાદ કરીને ધામમાં ન પહોંચાય. દશાંશ-વિશાંશ કાઢ્યા પછી સત્પુરુષનો સમાગમ એ મધ્યમ ધર્માદો. સમાગમ કરતાં કરતાં મહારાજની મૂર્તિમાં અખંડ સ્મૃતિ રહેવા લાગે એ ઉત્તમ ધર્માદો. ત્યારે દશાંશ-વિશાંશ ધર્માદાનો અર્થ છે કે તે પોતાના પાપ કર્મો બાળી નાખવા માટે છે. આ ધનરાશી ભગવાનને અર્થે વપરાય. ત્યારે જે લહેરથી ધર્માદાનો ઉપયોગ કરે ને અંગીકાર કરે તેને કેટલા પાપો વળગે? તે કોઈ દિવસ આજ્ઞા પાળી શકે ખરો? તેને સત્સંગી કહેવાય ખરો? એનો સંગ કરાય ખરો? એની વચ્ચે રહેવાય ખરું? નહિ રહેવાય. હવે મહારાજે આ ધર્માદાનો ઉપયોગ અંગતપણે ન થાય એમ કહ્યું. ધંધામાં રોકે અને પછી જાગરૂકતા રાખવી અને આવક સત્સંગને થાય એમ બી (પણ) નહિ. વેપાર કરતાં વધુ (નુકસાન) જાય તો? એવું કદી ય (ઉપયોગ) ન થાય. ધર્માદાનો ઉપયોગ હરિભક્તોએ કદી ય ન કરવો. દરેક ધર્મમાં આવું જોવામાં આવે છે, બરાબર! ધર્માદો આવ્યો હોય એમાંથી વેપાર કરે. શું જરૂર? એ કરાય નહિ. એ ધર્માદામાંથી તો ભગવાને નિર્દેશેલાં કાર્યો કરવા જોઈએ, કે જે મનુષ્યનું જીવન ઘડતર કરે. ત્યારે, એ ધર્માદાનો એક નવો પૈસો જો ચવાઈ જતો હોય તો આપણા અંતર કકળી ઊઠવા જોઈએ. જે ભગવાનની આજ્ઞાપરાયણ છે, એ આંખમિચામણા કદી ન કરી શકે.

એ મહારાજે આજ્ઞાના વચનામૃતમાં સ્પષ્ટપણે કહ્યું છે. આ વચનામૃત બધે વાંચવું. એની પારાયણ કરવી. એ વચનામૃતથી તો કેટલો બધો દ્રોહ ઓછો થઈ જાય! દ્રોહ એટલે ખરાબ થવું. પોતાનું ખરાબ થવું એટલે પોતે આજ્ઞા લોપે તો પોતાનો દ્રોહ કર્યો કહેવાય. બીજા આજ્ઞા લોપે અને એ આજ્ઞા લોપને દૂર ન કરે તો બીજાનો એટલે પારકો દ્રોહ કર્યો કહેવાય. એટલે પોતાનો કે પારકાનો દ્રોહ ન થાય એ રીતે જીવનનો રાહ ગોઠવી દેવો જોઈએ. આ સ્વામિનારાયણ ભગવાનની ખરી રીત થઈ. શ્રીહરિના આ મુજબના વચનો, એ રૂપ થઈને મૂર્તિમાં જોડાવું.

મુક્તાનંદ સ્વામી પૂર્ણ હતા, તો પણ શિક્ષાર્થે અપૂર્ણતાનો વેશ ધારણ કરવામાં નાનમ માનતા નહિ. પૂર્ણ અપૂર્ણતાનો વેશ ધારણ કરવામાં નાનમ માનતા નથી. અને અપૂર્ણ પૂર્ણ કહેવડાવવામાં આનંદ અનુભવે છે. અધૂરો ઘડો છલકાય. ત્યાં દંભ આવે છે. અપૂર્ણ હોય એ ઐશ્વર્યાર્થી બની જાય છે. કારણ કે તેમાંથી પ્રસિદ્ધિ મળે છે. પ્રસિદ્ધિનો રાગ ભગવાન તરફ લઈ જવા દે નહિ. એ ઐશ્વર્યમાં શક્તિ છે. તેનાથી બધું કામ થાય, પણ એ કામ કરીને શું ફાયદો? સુખ તરફ લઈ જાય તો ફાયદો. આ તો ક્ષણભંગુર છે; ક્ષણિક છે. માટે ક્ષણિક વસ્તુ તરફ નહિ જવું જોઈએ.

બીજો એક પ્રશ્ન એ છે કે આ સત્સંગમાં બધા એમ કહે છે કે ફલાણાને ત્યાં ભગવાન આવીને થાળ જમી ગયા. ભગવાન પગલાં પાડી ગયા. કંકુ આવી ગયું. તો આ વાતમાં શું સમજવું? તો એના માટે એક વસ્તુ સમજવા જેવી છે. અબજીબાપાશ્રીના માતુશ્રી દેવુબાએ 13 વર્ષ સુધી તપ કર્યું. 3 વાગે ઊઠીને સ્નાન કરીને મહારાજની મૂર્તિનું ધ્યાન કરે. અને આજ્ઞા અણિશુદ્ધ પાળે. 13 વર્ષ સુધી મહારાજે દર્શન ન આપ્યાં. અંતરવૃત્તિએ સુખી રાખે. એ સાક્ષાત્કાર બાપાએ કહ્યો હોં? પણ સુખ ન આવે. તો 13 વર્ષ સુધી તપ કરાવીને અખંડ સ્મૃતિનું તપ કરાવ્યું. અખંડવૃત્તિનું સાધન એ તપથી વળી મોટું તપ કયું? એમ કરતાં કરતાં 13 વર્ષે ભગવાન પ્રસન્ન થયા અને દર્શન આપ્યાં કે માગો. તો એમણે મહારાજને રૂપાળા જોઈને માગી લીધું કે મહારાજ! તમ જેવા પુત્ર ખપે. તમે મળો એમ ન બોલ્યા. મહારાજ તમ જેવા પુત્ર ખપે. મહારાજ રાજી થયા ને કહ્યું, "તમારે ત્યાં અમારા અનાદિમુક્ત જે અમારા જેવા જ કહેવાય એ પ્રગટ થશે ને અનેકના કલ્યાણ કરશે." તો ભગવાનના અનાદિમુક્ત પ્રગટ થયા. ભગવાન જ્યારે મનુષ્યરૂપે પ્રગટ ન હોય અને પ્રગટરૂપે દર્શન થાય તેના માટે કેટલું તપ જરૂરી? ગુણાતીતાનંદ સ્વામીની માતાએ ચૌદ વર્ષ સુધી આવું તપ કર્યું ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ થયા.

આવા દર્શન થાય એમાં મોટા ભાગે એવું પણ હોય પ્રસિદ્ધિનો રાગ! જીવનમાં કંઈક નિરાશા આવે તો આવું મન થઈ જાય. એવું પણ બને. થયું ન હોય તો ય કહી દે કે આમ થયું. કોણે જોયું કે ભગવાન આવ્યા છે કે નહિ? બરોબર? ત્યારે એક વસ્તુ એમાંથી શીખીએ કે, કેટલીક વાર પ્રેમી ભક્તો હોય તો એવું પ્રેમનું અંગ હોય એક ક્ષણિક પ્રીતિ આવતાં એનો પ્રેમ ઊભરાઈ જાય તો પ્રભુને સાકાર સ્વરૂપે એકદમ ભાળે. એવું બને, પણ એ સાકાર સ્વરૂપના દર્શન થાય અને એને અતિ આનંદ થાય. એ આનંદ થાય એટલે જીવ એવો છે કે એ બધાને કહેવા લાગે. કહેવા માંડવું એ પ્રસિદ્ધિનો રાગ નહિ તો બીજું શું છે? મહારાજને એમ પૂછવું જોઈએ કે હું બીજાને બોલાવું? બરોબર? તો મહારાજ કહે હા, બોલાવો. નહિ તો બેસી રહેવું. એટલે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ એનો આ રીતે આપણે વિચાર કરી લઈએ તો કાંઈ વાંધો નહિ. પણ આવા દર્શન એ ક્ષણિક છે. એથી શું વિશેષ? એક વાર થઈ ગયા પછી કોઈ દી ન થાય. હવે એ દર્શન નથી થતાં એટલે ઓલી મૂર્તિ (પ્રતિમા) પ્રત્યક્ષ છે ને એમાંથી ચિત્રામણનો ભાવ નથી ગયો એ નક્કી થઈ ગયું ને? અને દિવ્યભાવ આવે ત્યારે એ પ્રગટ્યા આ...હા...હા... એમ થાય ત્યારે સમજીએ કે ચિત્રામણનો ભાવ ગયો અને અનાદિમુક્તનું સુખ આવવા માંડ્યું. એ નથી ગયો તો એ (ભાવ) કાઢવો. એ તો બાપા જેવા અખંડ મૂર્તિમાં રહેલા અનાદિમુક્તનું કામ કે એ ચિત્રામણનો ભાવ કાઢે.

એ ક્ષણિક સુખમાં પણ આ પ્રભુ છે એ સુંદર છે. એના દિવ્ય સંભારણા માટે તો મેં (વાતો દ્વારા જ્ઞાન) લખાવી દીધું છે. આનંદથી એ માર્ગે જઈશ એટલે તું મુક્ત બની જઈશ. (એમ મહારાજ ને બાપા કહે છે)

એક ભક્ત મને કહે - મૂર્તિમાં રાખ્યા હવે શું ધ્યાનની જરૂર છે? કશું કરવાની જરૂર નથી. મેં કહ્યું, "બરોબર, એ વાત તમારી. એ મૂર્તિમાં રહ્યા પછી કંઈ કરવાની જરૂર નથી. બસ. પણ આ તો બે પૈસાનો માલ નહતો અને કૃપાસાધ્ય બની ને ચૈતન્ય ઉપર કૃપા વરસાવીને પકડી રાખ્યા છે. એ મૂર્તિમાં પ્રવેશ છે. મૂર્તિમાં પ્રવેશના અનેક અર્થ છે. તો કૂદાકૂદ નહિ કરવાની. કેટલાક કહે છે ધ્યાન ન કરવું. ધ્યાન શું કરવાનું? પોતાને ધ્યાન ન થાય એટલે બીજાને કહે કે તારે ધ્યાન ન કરવું. આવા વેવલા હોય છે. અરે! ધ્યાન તો કરવું જ જોઈએ. શ્રીહરિનું અખંડ ચિંતન, અખંડ સ્મૃતિ રાખવાનું મહારાજે કહી દીધું છે. બાપા કહે છે - અઠે દ્વારકા કરવું નહિ. નહિ તો રહી જશો. એ (નાવમાંથી) કૂદકો માર્યો કહેવાય. પછી ક્યાં રહ્યું? અમે તો મૂર્તિમાં રાખી દીધો છે. જે વખતે આશીર્વાદ આપ્યા પછી ચૈતન્ય મુક્ત થઈ ગયો. પછી બીજી ક્ષણે એ મનમાં સંકલ્પ કરે છે એ કૂદકો મારે છે. એટલે વારંવાર આશીર્વાદ મેળવવાની જરૂર પડે છે.

તો આ રીતે મહારાજની મૂર્તિમાં રાખ્યા એ આશીર્વાદનો કેફ રાખી ને પ્રસન્નતાના સાધન કરવા. આજ્ઞા આટલી (હાથના ઈશારાથી કહે છે) પણ ન લોપાય. અને મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. બાધિતાનુવૃત્તિવાળાનું માની અને એ મૂર્તિનું ધ્યાન ન કરીએ અને કાર્યમાં ભડાભૂટ કરીએ એ કેમ ચાલે? આપણે સંકલ્પ કરીએ અને સોમચંદબાપા કે પર્વતભાઈ જેવા મુક્ત સંકલ્પ કરે એમાં ફેર નહિ? બાધિતાનુવૃત્તિએ કૃપાપાત્ર અને કૃપામયમાં ફેર નહિ? ઘણો જ ફેર છે. એમના સંકલ્પથી જ કલ્યાણ થઈ જાય અને આપણા સંકલ્પથી એનું શુભ થાય. એમ મોટાના સંકલ્પ એ તો શ્રીહરિનો સંકલ્પ છે. એ સંકલ્પથી કોઈ પણ સંકલ્પ અધિક નથી.

સહજાનંદ સ્વામી મહારાજની જય!

જુઓ વચનામૃત ઉપર વિવેચન કર્યું ત્યારે લાભુભાઈ એમ બોલ્યા કે સમય મર્યાદાથી વધુ થઈ ગયું હોય તો માફ કરજો. તો મારે માફી માગી લેવી જોઈએ ને? નહિતર મે ય સમય મર્યાદા લઈ લીધી. આ સમય મર્યાદા જો હું જ ભૂલીશ તો બીજા કેવી રીતે રાખે? માટે સમય મર્યાદા તો રાખવી જોઈએ. ઘણા દિવસના પ્રશ્નો રોજ મારી પાસે આવીને પૂછતા હતા એટલે ન છૂટકે સમય મર્યાદાનો ભંગ કર્યો. હવે સમય મર્યાદા 10 થી 12 મિનિટથી વધારે ન લેવી. પણ આ એટલા માટે લીધી કે આ ઘણા વખતના પ્રશ્નો હતા.

વચનામૃત રહસ્યાર્થને માન્યતા ન આપનાર, એને અમાન્ય કરનાર કેટલા પાત્ર હશે? વિચાર કરો. એ શું આજ્ઞા પાળતા હશે? એને શું ભગવાનના સુખમાં ગતિ હશે? વિચાર કરીએ. અને આપણે આ ગુરુરૂપ જે ટીકા કે જે વચનામૃતને સમજાવે છે, માર્ગદર્શિકા છે. સર્વોત્તમ માર્ગદર્શિકા છે. એ તરફ બધાને અભિમુખ કરવા જોઈએ. ઉગ્ર બન્યા સિવાય હાથ જોડીને, નમ્ર થઈને કરીએ. કહે છે ને - "વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે... સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે..." અરે! સકળ લોકમાં સૌને વંદે. ચૈતન્ય પવિત્ર છે. ચૈતન્યની અંદર માયા નથી પેસી ગઈ. એ ચૈતન્યને વંદે છે. સકળ લોકમાં સૌનું સારું ઇચ્છે એવા ભગવાનના વહાલા. માટે ભગવાનની આજ્ઞા પળાવવા માટે હાથ જોડીને પણ પળાવવું. પણ એ પ્રેમથી પળાવવું જોઈએ. એ પ્રેમ વેવલો નહિ હોવો જોઈએ. એ પ્રેમમાં એક ઐહિક પ્રેમ, નિર્ગુણ પ્રેમ અને દિવ્ય પ્રેમ. ઐહિક પ્રેમમાં દમ નથી. નિર્ગુણ પ્રેમમાં બળ છે. એથી વિશેષ બળ દિવ્ય પ્રેમમાં છે, અગાધ બળ છે. એ બળ એવા પ્રેમથી કારગત નિવડે કે પ્રેમરૂપી બળ પ્રભાવ પાડે. વેવલો પ્રેમ સત્સંગ ન સુધારી શકે.

આપણે જો વેવલા થઈએ તો સત્સંગ સુધરશે? આપણે ય નહિ સુધરીએ. આપણે સુધરીને સુધારવા જવું. એમ મહારાજે લખ્યું છે. 'પ્રેમ કે પર્યંક પર પ્રભુ કરત સુખ આરામ' પ્રેમરૂપી પર્યંક એટલે પલંગ, એના પર પ્રભુ કરત સુખ આરામ. એટલે મારા મુક્તો મારી મૂર્તિરૂપી પ્રેમ, એમાં દિવ્ય સુખ માણે છે. હું પ્રેમ સ્વરૂપ છું... 'પ્રેમ કે પર્યંક પર પ્રભુ કરત સુખ આરામ, પછી મુક્તાનંદ નીજ ચરન ઢીગ ગુન ગાવત આઠો જામ.' ઓ હો! ત્યારે ગુણગાન કોના કરવાના? શ્રીહરિના ગુણગાન કરવાના, નહિ કે અન્યના ગુણગાન.

અહિંયા નારાયણપુરામાં પ્રતિષ્ઠોત્સવ હતો. એ પારાયણમાં હું હાજર રહ્યો હતો. આચાર્ય મહારાજે મને હાર આપ્યો. મેં મહારાજને પહેરાવ્યો. એ કાર્યક્રમ દરમ્યાન પ્રશંસાના જ પ્રવચનો થયા. ભગવાનના ગુણગાનનું તો નામ ન મળે! એક વાર કોઈકે મહારાજ વિશે બે શબ્દ કીધાં (કહ્યા) તો મારા કાનને ઠીક લાગ્યું. એમ લાગ્યું કે એ બે કલાકનો સમય વ્યર્થ ગયો. પરમાત્માના ગુણગાન કરવાના. બધાના શું કામ ગુણગાન કર કર કરીએ? એવું થાય તો પ્રસિદ્ધિનો રાગ પેસી જાય. પ્રસિદ્ધિનો રાગ પેસી જાય તો 'વખાણી ખીચડી દાંતે ચોંટી' જેવું થઈ જાય. એ તો ઊલટો દ્રોહ કર્યો કહેવાય. માટે પ્રશંસા અન્યની પણ મર્યાદામાં રહીને કરવી. આ તો એવી ચલાવે કે ભગવાનને તો ક્યાંય ભૂલી જાય. જેમ ઓલો મોટો યજ્ઞ થયો એમાં મહારાજ ભૂખ્યા રહ્યા. આખો દી એમાં ને એમાં કાઢી નાંખ્યો. એટલે મહારાજે આ લખી નાંખ્યું. હવે બીજી વાતો પછી. સહજાનંદ સ્વામી મહારાજની જય.

(પછી એક સાધુને બોધના વચન કહે છે)

આપણે બીજાની આજ્ઞા પ્રમાણે નહિ રહેવાનું. મહારાજની આજ્ઞા પ્રમાણે રહેવાનું. મહારાજની આજ્ઞા પ્રમાણે સાદું જીવન ગાળવાનું બરોબર? મહારાજે 11 વસ્તુ રાખવાની કીધી છે એ પ્રમાણે રહેવું. એ તમને સંતો કહેશે. એ આજ્ઞાથી વિશેષ વસ્તુઓ રાખવાની નહિ. ધનનો સ્પર્શ ન કરવો. ધનનો સ્પર્શ નહિ કરવાનો. કોઈક પાર્ષદ હરિભક્ત રાખે એ વાત જુદી, પણ ભગવા વસ્ત્રો ધારણ કર્યા પછી ધનનો સ્પર્શ કરવો નહિ. બરોબર? કારણ કે ધન તો ન કરવાનું કરાવે. હું એક વાત કહું. શ્રીજીમહારાજ સભા કરીને એમાં ગાદી-તકિયા નાંખીને ધનાઢ્ય પ્રતિષ્ઠિત હરિભક્તોને આગળ બેસાડે. પછી એક વાર કોઈ ગાંડાઘેલા હરિભક્તે કહ્યું, "મહારાજ, અમે એવું શું પાપ કર્યું છે કે અમને આગળ બેસવા મળતું જ નથી કોઈ દિ? આ બધા કેટલા ભાગ્યશાળી છે કે તમારા સાંનિધ્યમાં રહે એમ નજીક બેસવા મળે છે." ત્યારે મહારાજ હસવા માંડ્યા. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી પણ એ સાંભળીને મંદ મંદ હસવા માંડ્યા. મહારાજ કહે, "જુઓ ભાઈ, આ અવરભાવની દૃષ્ટિએ આ બધા ધનાઢ્ય પ્રતિષ્ઠિત માણસો છે. એટલે એવી રીત રાખી છે. પણ પરભાવની દૃષ્ટિએ તો તમે વધુ ધનાઢ્ય છો. અનંત કોટી મુક્તોની સભા (ધામમાં) છે, એમાં આગળ પાછળ જેવું કંઈ જ નથી. તમે જેટલા (અમારી) ઢૂકડા છો એટલા આ નથી. આમને તો ગાદી-તકિયા ન આપું તો છંછેડાઈ જાય, રિસાઈ જાય. એટલે આગળ બેસાડી અમારી મૂર્તિ તરફ ખેંચાય એટલે ગાદી-તકિયા આપ્યા છે."

મહારાજ આવું બોલ્યા એટલે આગળ બેઠા હતાને? એમણે ગાદી-તકિયા કાઢી નાખ્યા. "મહારાજ, અમારે ગાદી-તકિયા નથી જોઈતા." પછી પેલા હરિભક્તને કહ્યું, "આવો, બેસો તમે આગળ બેસો. મહારાજ, તમારી વાત સાંભળી એટલે અમને તમારે પ્રતાપે થોડું થોડું જ્ઞાન આવવા માંડ્યું છે." પેલા ભાઈ કહે, "અમારે એ નથી જોઈતા અમે તો આવામાં જ પડ્યા રહીએ છીએ. અમને એ ગાદી-તકિયા ન ફાવે." પછી મહારાજ કહે, "એને ઉપાડીને લઈ જાઓ. બેસો ત્યારે નીચે."

મહારાજે એમ કહ્યું કે મારી મૂર્તિનો સંબંધ રાખી મારી આજ્ઞાનું જે પાલન કરે છે તે (ખરો) ધનાઢ્ય. અને બીજા એમ ન કરે એ ધનાઢ્ય હોય તો ય રાંક છે. એમ તમારે ધનનો સ્પર્શ કરવો નહિ બરાબરને? જો ધનનો સ્પર્શ થઈ જાય તો એક ઉપવાસ કરવો. અડવું જ નહિ. ભલે ગમે ત્યાં પડ્યા રહેવું. કોઈને એમ ન થાય કે સાધુ તીર્થ કરવા જાય છે. ત્યારે કોઈ પાર્ષદ સાથે ન હોય તો તમારે ન જવું. તેમાં પૈસાને અડવું પડેને? એ પાછું ન કરવું. એવા (પાકા) સાધુ થવું હોય તો જ છત્રીએ રહેવું. પછી ભાઈ, શું નામ? જીવરાજભાઈએ કહ્યું, શોભારૂપ સંતો બહુ ઓછા છે. ત્યાં સંખ્યા ઓછી છે. જે સંતો છે એ શોભારૂપ નથી એમ નથી.

છત્રીસ્થાન એવું છે કે જો નિષ્કામધર્મ લોપે ને તો ઉપાડીને ફેંકી દે. ત્યાંના હરિભક્તો એવા છે. એ ત્યાગીધર્મનો લોપ સાંખી શકતા નથી. છત્રીસ્થાનમાં ધર્મલોપ થાય એ પોસાતું નથી. તમારે જ્યાં મન થાય, ત્યાં જાઓ, પણ સ્ત્રીધનનો ત્યાગ સરખો રાખવો. ટી.વી. નહિ જોવાનું. આજકાલ ટી.વી. પેઠા છે. તમારે ટી.વી. ન જોવું કોઈ દિ', બરોબર? એનું કારણ ખબર છે? સાધુ છે તે પોતાની સેક્સ ઇન્સ્ટિંક્ટ (Sex instinct) સંતોષવાને માટે છાનામાના ટી.વી. જુએ છે. એમાં ન જોવાનું જુએ, એ ધર્મ પાળે? એ નિષ્કામ ધર્મ ટકે ખરો? ન ટકે. તો ટી.વી. કે એવું બધું જોવું નહિ. સિનેમા ટી.વી. બધું બંધ કરો તો જ સ્વામિનારાયણના તમે ખરા સંત. નહિતર ધ્યાન-ભજન કરવું જોઈએ. સ્ત્રી-ધનનો ત્યાગ, એની ખામીનો સદંતર ત્યાગ રાખીને આગળ વધવું. એવા સંત બનો કે બીજા જોઈને શરમાય અને એ પોતાનું ટી.વી. લઈને ફેંકી દે. મેલ માથાકૂટ, આ જન્મો જનમ ધરાવે એવું અને હેરાનગતિનો પાર નહિ. ઠીક છે, હરિભક્તો કે બાળકો થોડા શુભ સમાચાર જુએ. સંતોએ તો એ સમગ્ર ત્યાગ કરવો. કારણ કે એમાં ચિત્રામણ તો આવે જ ને?

મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે. આ મૂર્તિ જોવી. એ એને ન ગમે. તો પછી મહાભારત અને રામાયણમાં સ્ત્રી તો હોય જ. અને પાત્રો લીધા હોય એ કોણ હોય? વિષયરાગી અભિનેત્રીઓ, બીજું શું હોય એમાં? નરકની ખાણ સુરદાસે કીધું ને? એવી રૂપવતીમાં મોહ્યા તો નીચું જોયું તો નરકમાં પડ્યા. ઓલી કહે છે કે તું જેમાં પડ્યોને એ જ હું છું. પછી ચર્મચક્ષુ મટીને દિવ્યચક્ષુ ખૂલી ગયા ને ભગવાન મળ્યા. ત્યારે એ સ્ત્રી ખરાબ નથી, પણ એને લીધે જે વિષયરાગ ઉત્પન્ન થાય છે એ નરકની ખાણ છે.

મહારાજ, ભગવાન સ્વામિનારાયણ મળે એને સ્ત્રી કે પુરુષ એવો ભેદભાવ છે જ નહિ. એનો અર્થ, જેમ નાનું બાળક હોય એને ખબર ન પડે કે શું વિષય કે શું ભેદ? એમ આપણે વિષય-ભેદભાવ નહિ એટલે વિષય જેવો વિચાર જ ન આવે એનું નામ ભેદભાવ નહિ. તો એવા સાધુ બનવાનું બરોબર? એકલા જ્ઞાની નહિ. એકલા જ્ઞાની તો હેરાન હેરાન થઈ જાય. જ્ઞાનીને સુખ જ ન હોય. વૃંદાવન સ્વામી કહે - ભગવાન જ્ઞાનીથી તો પચાસ ગાઉ દૂર છે. એવા જ્ઞાની (પંડિત) નહિ બનવું જોઈએ. એવા જ્ઞાની બનવું કે જે ભગવાનની મૂર્તિમાં રહીને ભગવાનને પમાડે એવા થવું. તમે પૂછો છો એટલે આ કીધું (કહ્યું) હોં? રાજી રહેજો. ખુશીથી છત્રીએ જાઓ અને સ્વામિનારાયણ ભગવાનનો આદર્શ જીવનમાં ઉતારો. તમને જોઈને કહે કે આ વર્તનની મૂર્તિ છે. તો મને એમ થશે કે તમે સાચા સાધુ. તમને સંતોષ થયો એ સાચું. રાજી રહેજો હોં? ને અમારા વતી દર્શન કરજો.

આજે ખૂબ મોડું થયું. દૂરથી આવ્યા હોય એનું પાપ મારે ભોગવવાનું રહ્યું. માફ કરજો બધા હો? શું થાય? આ સંત આવ્યા એટલે સંતોષ આપવો પડે ને?

અતિ રાજસી યજ્ઞ છોડો. સાત્ત્વિક યજ્ઞ-મૂર્તિનો સંબંધ રાખે એવા યજ્ઞ કરવા.

જય સ્વામિનારાયણ!


સારાંશ

ભગવાનને સર્વોપરી સમજવા માટે જે જુદી-જુદી કક્ષાઓ છે જે જુદી-જુદી ભૂમિકાઓ છે તે મૂકી દેવી જોઈએ. એ ચર્ચાનો નહિ અનુભવનો વિષય છે.

ભગવાનની સ્મૃતિ અખંડ રાખવી એ કઠીનમાં કઠીન કાર્ય છે. અખંડ સ્મૃતિનું દિવ્ય સુખમાં રૂપાંતર થાય એ અનાદિમુક્તની સ્થિતિ કહેવાય.

બાલ્યકાળમાં બ્રહ્મચર્ય પૂર્ણરૂપે જળવાવું જોઈએ. બાપાશ્રીએ આદર્શ ગૃહસ્થાશ્રમ દર્શાવ્યો. વાનપ્રસ્થમાં સાત્ત્વિક પ્રવૃત્તિ પણ બંધ કરી તેલધારાવૃત્તિ ભગવાનમાં રાખવી અને સંન્યાસાશ્રમમાં પહોંચી જવું. એક મહારાજ સિવાય ક્યાંય સ્નેહ ન રાખવો અને એ સ્થિતિએ પહોંચવા માટે છેલ્લા બે આશ્રમો છે.

દ્રોહ એટલે મન, કર્મ, વચને પોતાનું કે બીજાનું અશુભ થાય, એના જીવનું બગડે કે એના જીવનું બગાડવું એનું નામ દ્રોહ.

આચાર્ય, સંત અને હરિભક્તોની વ્યાખ્યા બરાબર સમજી લઈ એ પ્રમાણે જોગ કરી આપણે ભગવાન ભજવા. સંત એટલે શ્રીહરિના સંબંધવાળા સર્વે.

મહારાજની આજ્ઞા એ મહારાજનું સ્વરૂપ છે. આજ્ઞારૂપી સ્વરૂપ એમની મૂર્તિમાં રહી શકાય એવા પાત્ર કરે છે. દશાંશ-વિશાંશ ધર્માદાથી શરૂઆત કરી, સત્પુરુષના સમાગમ દ્વારા મધ્યમ ધર્માદામાં આવી. તેમના સમાગમથી મૂર્તિમાં અખંડ સ્મૃતિ રહેવા લાગે એ ઉત્તમ ધર્માદામાં પહોંચવાનું.

પ્રસિદ્ધિનો રાગ ભગવાન તરફ લઈ જવા દેતો નથી માટે એ કાઢવો.

મૂર્તિમાં રાખ્યાના આશીર્વાદ મળ્યા પછી સંકલ્પ કરવા નહિ. સંકલ્પ થઈ જાય છે માટે ફરી આશીર્વાદની જરૂર પડે છે.