20
શ્રીજીમહારાજ, બાપાશ્રી તથા સદ્ગુરુશ્રીઓ સહિત આ દિવ્ય સભાને કોટી કોટી દંડવત્ સહિત પ્રણામ કરું છું. આજની સભામાં મહારાજે બહુ સારી વાતો બધાય દ્વારા કરી. મહારાજને વાતો આવડે એવી કોને આવડે? દિવ્ય સભામાં જે વાત થાય એવી બીજે કરતાં ન આવડે. અહીં બોલનારા મહારાજ થાય. આ બધી વાતોમાંથી છૂટા છવાયા થોડા પ્રસંગો કહું ટૂંકમાં.
એક ભક્તે મહારાજને સંભાર્યા કે "હે મહારાજ, સ્વામિનારાયણ!" તો મહારાજ કહે, "શું કામ છે?" "મહારાજ, મેં તમને નથી બોલાવ્યા, મેં તો તમને સંભાર્યા." ત્યારે મહારાજ કહે, "મારો એવો સ્વભાવ છે કે મને સંભારે એટલે હું તરત આવું." એમ શ્રીજીમહારાજ એવા હતા. તો ભગવાનના મુક્તમાં પણ એવા કલ્યાણકારી ગુણ હોય કે આપણે સંભારીએ ને એ તરત આવે.
બીજું કે એક વાર ગોપાળાનંદ સ્વામી સભામાં બેઠા હતા. એમનામાં અનંત કલ્યાણકારી ગુણો શ્રીજીમહારાજના હતા. એમાં કોઈએ પ્રભાવિત થઈને ખૂબ પ્રશંસા કરી. એ પ્રશંસા કરતા હતા ત્યારે સ્વામી મરક મરક હસતા હતા. પછી એક વિદ્વાન સ્વામી સામું જોતા હતા. કારણ કે મહારાજની સભામાં તો બધાય આવતા. પછી એમને સંકલ્પ થયો કે આ સાધુને પ્રશંસા કેવી ગમે છે! જુઓ મરક મરક હસે છે. એમ મનમાં વિચારે. એને એમ કે એનું ભાષણ પૂરું થાય ને પછી હું કહું. પછી પહેલા સાધુએ ગુણગાન ખૂબ કર્યા. ત્યાર પછી કોઈક મહંત સંત હતા એણે કહ્યું કે "સ્વામી, તમે મરક મરક કેમ હસતા હતા?" પેલાએ કહેવાને બદલે આ સંતે જ કહી દીધું કે તમારી પ્રશંસા કરતા હતા ત્યારે તમે મરક મરક કેમ હસતા હતા? તો પછી એ સાંભળીને પેલા વિદ્વાન સ્વામીશ્રી પાસે આવ્યા. સ્વામીએ એનો ઉત્તર કર્યો કે "બધા કલ્યાણકારી ગુણોનું જે વર્ણન કર્યું એ તો શ્રીજીમહારાજના હતા. એટલે મને ખૂબ આનંદ થતો હતો. એ શ્રીજીમહારાજના ગુણોની પ્રશંસા સાંભળી મને બહુ જ આનંદ આવતો હતો. એટલે હું હસતો હતો. મહારાજના એમણે જે કલ્યાણકારી ગુણો દેખાડ્યા એ મારા ક્યાં હતા? એ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના હતા. એમના ગુણગાન કર્યા છે, પણ મારા ગુણગાન તો કર્યા જ નહિ." પછી કહે, "મારામાં ગુણગાન કરવા જેવું છે શું? તો તે બિચારા મારા ગુણગાન કરે!" ત્યારે પેલા સંત કહે, "સ્વામી, તમારા ગુણગાન કરવા જેવું તમારામાં કાંઈ પણ ન લાગ્યું?" તો કહે, "હા, એક વસ્તુ લાગી." તો કહે, "શું લાગી?" કહે, "બધાયની સેવા કરી. બધાયમાં દિવ્યભાવ રાખી અને મહારાજની પ્રસન્નતા મેળવી. એ પ્રસન્નતા એ મારી. કંઈ પણ ગુણગાન કરવા જેવું હોય તો એ છે પ્રસન્નતા. મહારાજની પ્રસન્નતા મેળવી તો મહારાજ રાજી થયા. તો એમના ગુણો આ ચૈતન્યમાં આવ્યા. અને એ ગુણો પ્રકાશ્યા. એના આ બધાય ગુણગાન ગાય તો મને કેટલો આનંદ થાય? એ ગુણગાન શ્રીજીમહારાજના હતા. હું તો માત્ર નિમિત્ત બન્યો. એટલે મને હસવું આવી ગયું ભાઈ!"
એટલે આપણે મહારાજની પ્રસન્નતા મેળવીએ એવું કરીએ એ આપણું કહેવાય. મહારાજની પ્રસન્નતા મળે એટલે દિવ્ય સુખની પ્રાપ્તિ થાય. ત્યારે, આપણામાં કલ્યાણકારી ગુણો શ્રીજીમહારાજના છે. અને એ કલ્યાણકારી ગુણોના દર્શન થાય એ તો સ્વાભાવિક છે. એ તો બધું ભગવાનનું છે. આપણી તો એક જ વસ્તુ કે શ્રીજીમહારાજની પ્રસન્નતા. એ જો આપણે મેળવી શકીએ તો. આપણામાં કાંઈ પણ વખાણવા જેવું હોય તો તે એક પ્રસન્નતા છે. આ પ્રસન્નતા ક્યારે આવે? તો મહારાજ રાજી થાય એમ કરીએ તો. મહારાજને ન ગમે એવું ન કરવું, ગમે એવું કરવું. પણ પછી મહારાજને ગમ્યું ન ગમ્યું તે શી રીતે ખબર પડે? તો આપણને એમ આપણા અંદર પડદે ગમે કે નહિ એ ખબર પડે જ. હું આ કરું છું તે મહારાજ આનાથી રાજી થશે કે નહિ? ન રાજી થાય એવું કરીએ તો ય ખબર પડે છે. છતાંય થઈ જાય છે. ન ગમે એવું થઈ જાય છે, સ્વભાવને લીધે.
એક વાર એક જણ મહાનુભાવાનંદ સ્વામી પાસે આવ્યો. તે કહે, "સ્વામી, મને તમે કંઠી પહેરાવો." એટલે સ્વામી કહે, "હું તને કંઠી નહિ પહેરાવું." તો કહે, "સ્વામી, શો અપરાધ થયો? એવું મેં શું કર્યું કે તમે મને કંઠી પહેરાવવાની ના પાડો છો?" પછી સ્વામી કહે, "હું એટલા માટે ના પાડું છું કે આ કંઠી તું પહેરે પછી એ કંઠી પાછળનો હેતુ તું ન જાળવે તો? તો મને ય અપરાધ લાગે. એની શી ખાતરી કે હું તને કંઠી બાંધું તો કંઠી પાછળનો હેતુ તું બરોબર જાળવીશ." પછી તો એ ય વિચારમાં પડ્યો. થોડી વાર તો ન ખબર પડી. પછી કહે, "સ્વામી, તમે કંઠી પહેરવાનો હેતુ કહો ને જો હું જાળવી શકીશ તો હું તેમ કરીશ." પછી સ્વામી કહે, "તું નહિ જાળવી શકે." તો તે કહે, "હું શું કરું?" સ્વામી અંતર્યામી હતા એટલે સ્વામીએ કહ્યું, "તું નહિ જાળવી શકે. એટલે મારે તને કંઠી પહેરાવવી નથી." તો પછી તે કહે, "સ્વામી, મારું સારું કેવી રીતે થાય? તમે કહો તેમ ન પાળું તો કંઠી નો પહેરાવતા. મારું સારું જ નહિ થાય?"
પછી સ્વામી કહે, "તું એમ કર, બાર મહિના પછી તું આવજે. પછી હું કંઠી પહેરાવીશ." તે કહે, "હવે બાર મહિના સુધી મારે શું કરવું?" તો સ્વામી કહે, "તારે બાર મહિના સુધી હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, સ્વામિનારાયણ-સ્વામિનારાયણ કરવાનું અને એ વખતે મહારાજની મૂર્તિ જેવી સાંભરે એવી સંભારવી. બાર મહિના પછી તું આવજે અને પછી હું તને કંઠી પહેરાવીશ. ત્યાં સુધી નહિ પહેરાવું." પછી એવું ભજન એણે શરૂ કર્યું. મનમાં સ્વામિનારાયણ-સ્વામિનારાયણ ભજન કરે, મહારાજની મૂર્તિ સંભારે, બધું જ કરે. પણ પછી એને થયું કે રોજ (ભગવાન) સંભારું છું આખો દહાડો, પણ એથી મને શું થવાનું? એ અભ્યાસનો એને આનંદ ન આવે. ભલે ન આવે, પણ સ્વામીએ કીધું એટલે હવે મૂકાય કેવી રીતે? ભલે કષ્ટ પડે ભગવાન સંભારવામાં. કષ્ટ પડે તો ય પણ એણે ચાલુ રાખ્યું. એ છોકરો એકદમ ઊંચો ને ગોરો હતો એટલે કહે કોઈ વાંધો નહિ, કષ્ટ પડે કે ન પડે. સ્વામીએ કહ્યું હતું કે તારે ભગવાનની મૂર્તિ ધારવી. પછી કોઈ વાર યાદ આવે, કોઈ વાર ન આવે. કામ કરતાં કરતાં યાદ કર્યા કરે. કામમાં પરોવાય તો ભૂલી પણ જાય. પાછું યાદ આવે એટલે ભજન ચાલુ કરી દે. એમ પ્રયત્ન કરતાં કરતાં બાર મહિના સુધી એણે એમ કર્યા કર્યું. તો એ સાવ શુષ્ક જેવો થઈ ગયો બરોબર? પછી એને એમ થયું કે હવે બાર મહિના પૂરા થવાને થોડા દિવસ છે, તો સ્વામી પાસે જઈને કહું કે મારું વર્ષ પૂરું થયું સ્વામી.
પછી થોડા દિવસ બાકી રહ્યા તો મહારાજની પ્રસન્નતા ઊતરી. પ્રસન્નતા ઊતરી એટલે સવારમાં મહારાજને સંભારતાં ઊઠ્યો ને મહારાજને સંભાર્યા. કારણ કે ટેવ પડી ગયેલી. સ્વામીનું વચન સાંભરે એટલે તુરત સંભારવા માંડે. હાલતાં-ચાલતાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા માંડે. સવારમાં ઊઠીને એણે મહારાજને સંભાર્યા. મહારાજને સંભાર્યા એટલે મહારાજની મૂર્તિ એક કલાક સુધી એને દેખાઈ. એ સ્વરૂપ દેખાયું એ ભેગો જ એને આનંદ આનંદ થઈ ગયો. એને રસ પડવા માંડ્યો. મહારાજનું નામ બોલે એટલે આત્મામાં આનંદ થવા લાગ્યો. આટલા દિવસ ન થયો, પણ હવે વર્ષ પૂરું થવા આવ્યું એટલે ખૂબ આનંદ આવે છે. મહારાજની મૂર્તિનું સ્મરણ કરું એટલે આનંદ આવે છે એમ એને મનમાં થવા લાગ્યું. પછી એ આનંદમાં ને આનંદમાં સ્વામી પાસે આવ્યો. સ્વામીને કહે, "કંઠી લઈને જ આવ્યો છું. સ્વામી! મારા બાર મહિના પૂરા થઈ ગયા." સ્વામી કહે, "તેં ભજન કર્યું?" તો કહે, "હા." તો કહે, "શું કર્યું?"
"સ્વામી, પહેલા તો સારું લાગ્યું. પછી થયું કે આવું કંઈ આખો દહાડો સ્વામિનારાયણ-સ્વામિનારાયણ કરવાનું? પછી એ છોડી દેવાનું મન થતું હતું, પણ તમે બળ આપ્યું એટલે (ભજન) ચાલુ જ રાખ્યું. તો થોડા દિવસથી ખૂબ આનંદ આવે છે. હવે તમે કંઠી પહેરાવો. કંઠી પહેરતાં આનંદ ન આવે તો શું કામનું?" પછી એણે કંઠી ધારણ કરી. જુઓ ત્યારે, ભગવાન અને ભગવાન જેવા સંત આનંદિત થાય. કંઠી ધારણ કરાવી ત્યારે સ્વામી કહે, "મહારાજને ગમે એ જ કરવાનું. મહારાજને ન ગમે એ ન કરવું. એવો જ દૃઢાવ રાખીને કંઠી પહેરવાની, શું કહ્યું? મહારાજને ગમે એ જ કરવાનું. મહારાજને ન ગમે એ ન જ કરવું. પછી ભલે પોતાને બીજી રીતે એ સરખું ન લાગતું હોય! પોતાપણું મૂકી મહારાજને ગમે એ જ કરવાનું બરોબર?" એટલે આ રીતે પેલાને કંઠી પહેરાવતી વખતે મહાનુભાવાનંદ સ્વામીએ કહેલું. પછી તો પંચ વર્તમાનની સમજણ આપી.
(કોઈ મામાને હાર પહેરાવવા જાય છે અને ના પાડ્યા પછી સમજાવતાં કહે છે.)
બે હરિભક્ત આફ્રિકા જતાં પહેલાં બાપા પાસે આશીર્વાદ લેવા માટે આવ્યા. બાપાને નમન કર્યું, દંડવત્ કર્યા. રાજી થઈને બાપા કહે, "બચ્ચા મહારાજને ન ભૂલશો." બાપાએ હંમેશાં એક વસ્તુ કીધેલી કે, અમે તમને મૂર્તિમાં રાખ્યા, આપણે મૂર્તિમાં ભેળા જ છીએ. મૂર્તિ એટલે ભગવાનનું સ્વરૂપ. જતી વખતે એક જણ કહે, "બાપા, એવા આશીર્વાદ આપો કે હું ભગવાનને ભૂલી ન શકું." બાપા કહે, "સારું, મહારાજ સદાય ભેળા છે. મહારાજ નહિ ભુલાવા દે." બીજાએ પણ એમ જ આશીર્વાદ મેળવેલા હતા. એ કહે, "બાપા તમે કહો છો, તમને મૂર્તિમાં રાખ્યા અને મહારાજ ભેળા છે. તો મહારાજ તો ભેળા જ હોય ને!" પછી બાપા કહે, "એ તો ભેળા જ છે, પરંતુ એનું અખંડ અનુસંધાન રાખવાનું. ઉન્મત નહિ થઈ જવાનું." તો જાણે બાપાને જ્ઞાન કરવા મંડી ગયો, "બાપા, તમે મૂર્તિમાં રાખ્યા છે અને તમે કહો છો મહારાજ ભેળા છે તો હવે ક્યાં કહેવાની જરૂર રહી?" બાપા કહે, "એમ ન બોલાય. ઉન્મત થઈ જવાય. શાણપણ રાખવાનું." પછી થયું એવું કે જેણે બાપાને એમ કહ્યું હતું કે મહારાજ ન ભૂલું એવું કરજો. એના ભેળા મહારાજ-બાપા જ્યાં જાય ત્યાં અખંડ રહેવા મંડ્યા. અને બીજાને થોડો અહંકાર આવી ગયો એટલે એને સુખ જ ન આવ્યું. અને અંતે હેરાન થઈને પાછો આવ્યો. બાપાને કહે, "બાપા, તમે મને સરખા આશીર્વાદ ન આપ્યા." બાપા કહે, "તું ઉન્મત થઈ ગયો એટલે મહારાજે ન આપ્યા." માટે જ્ઞાનનું અજીર્ણપણું ન થવું જોઈએ બરાબર? બાપા કહે મહારાજ ભેળા રહેશે. તો કે ભેળા નથી અને હવે ભેળા રહેશે એવો અર્થ ન સમજવો. પણ એમ કહેવા માંગે છે કે ભેળા છે ને એ સમક્ષ લાગે એને (સદાય સાથે લાગે એટલા માટે કહે છે) એટલે ઊંધું ન સમજવું.
એક વાર એક હરિભક્ત મને પગે અડ્યા. મેં એ હરિભક્તને પ્રાર્થના કરી કે ભાઈ, તમે મને પગે ન અડશો. પગે અડવાથી શું વિશેષ છે? જે કંઈ છે તે મૂર્તિમાં સત્ત્વ છે. તો તે મને કહે, "મૂર્તિ ને પગ જુદા ક્યાં છે?" મેં કહ્યું, "મૂર્તિ ને પગ જુદા નથી તો પછી બીજા અંગોની અવગણના શું કામ કરવી ને પગની વિશેષતા કરવી? બધા અંગો સરખા ન કહેવાય? મહારાજની આંગળી કરતાં પગનો અંગૂઠો વિશેષ છે એમ નથી. મહારાજના દરેક અંગમાં વિવિધ રીતે દિવ્ય સુખ છે. હંમેશાં જે રહસ્ય હોય એનો અર્થ સમજતાં શીખવું. ઊંધું ન સમજવું. નહિતર કેટલીક વાર ઊંધું સમજે છે. એટલી ખબર ન પડે કે પગ અને મૂર્તિ જુદા નથી. એટલે એમ સમજવાનું. અવરભાવની રીત રાખવી જોઈએ. જો અવરભાવની રીત ન જળવાય તો એમાંથી અસમાસ ઊભો થાય. મને પગે અડો કે ન અડો બધું સરખું છે. પગને અડી જાય તો મને કાંઈ નુકસાન થઈ જવાનું નથી. મને એનો અહંભાવ વધી જવાનો નથી. પણ અવરભાવની રીત ન જળવાય તો એમાંથી અસમાસ થાય. ભગવાનને પડ્યા મૂકીને મુક્તને વળગવા માંડે એવું ય ઊંધું થઈ જાય. કેટલીક વાર ખોટી વસ્તુ ઊભી થઈ જાય બરાબર? અવરભાવની કેટલીક રીતની જે મર્યાદા છે તે જાળવવી જોઈએ."
એક સંત ચારિત્ર્ય વગરના હતા. ભગવું વસ્ત્ર, પણ ચારિત્ર્યવાન ન હતા. એક હરિભક્ત બહુ જ ભગદીય અને ખૂબ સારા હતા. બધી સમજણવાળા. તે પેલા સંતના પગે અડ્યા. ત્યારે એક હરિભક્તે એને પૂછ્યું કે તમે આ સંત ચારિત્ર્ય વગરના છે એમાં એટલું બધું શું છે કે એના પગે અડીને ચરણસ્પર્શ કર્યો? એમ કરાતા હશે? ત્યારે પેલા હરિભક્ત કહે, "ભાઈ, જો મને ખબર હોત કે એ ચારિત્ર્યહિન છે તો એનો ચરણસ્પર્શ ન કરત." એ ભાઈની જગ્યાએ હું હોત અને મને ખબર હોત છતાં પણ હું ચરણસ્પર્શ કરી નાંખત. મારા ઉપર એવી કૃપા છે કે હું જેને સ્પર્શ કરું એમાં મને શ્રીજીમહારાજ જ દેખાય છે. તો શ્રીજીમહારાજને સ્પર્શ ન કરું? આ છોટાભાઈ બેઠા છે જો એ જગ્યાએ મને મહારાજ દેખાય તો હું તેને દંડવત્ કરું, ચરણસ્પર્શ કરું તો મને કાંઈ નુકસાન? એમ જો આપણને એવું થઈ જાય તો પછી કોઈ સવાલ રહેતો નથી બરાબર? હવે અવરભાવની મર્યાદા હોય તો એનું પાલન કરવું જોઈએ. એ નહિ ભૂલવું જોઈએ. કે જેથી સમાસ થાય.
એક વાર બહેચરભાઈએ મને વાત કરી કે, જગતમાં કોઈએ સ્વામિનારાયણ ભગવાન સિવાય નિરાકાર ચૈતન્યને સાકાર મૂર્તિમાન બનાવવાનો એકે ય દાખલો છે? નિરાકારને સાકાર બનાવવાનો. તો આપણો જીવ ચૈતન્ય નિરાકાર છે એમાં બે મત નથી. એ ચૈતન્ય ઉપર ભગવાન સ્વામિનારાયણની સીધી કૃપા ઊતરે, ત્યારે એ નિરાકાર સ્વરૂપ સાકાર દિવ્ય સ્વરૂપ થાય છે. બરાબર શ્રીજીમહારાજ જેવું જ. નખ-શિખાંત બધું એવું. એ રીતનો એ તેજનો આકાર બને છે અને નિયંતાપણું કુદરતી રીતે જ ખબર પડી જાય. એ સ્વરૂપ મને સમજાયું છે. તો ભગવાનરૂપ આત્માનું તેજ એ મહારાજના તેજની પાછળ-પાછળ અંદર વિલીન થઈ જાય છે. અને સ્વરૂપ એક જ. એ સ્વરૂપ જીરવાય એવી રીતે દેખાય તો ખબર ન પડે કે શ્રીજીમહારાજ કોણ? આમાં ભગવાન કોણ? એમ ખબર ન પડે. માટે એ બધી અક્ષરધામની દિવ્ય મૂર્તિઓ એ અનાદિમુક્તની એ શ્રીજીમહારાજના જેવા જ સ્વરૂપ છે, પણ એ સેવક છે. એમાં એટલું બધું દાસપણું છે કે વાત જ મૂકી દો. કારણ કે એ અપારપણું અનુભવે છે.
આપણામાં થોડું દાસપણું ઓછું દેખાય છે. એનું કારણ એ છે કે આપણને એ જોવામાં આવતું નથી. એટલે એવું થઈ જાય છે. એક વાર જોવામાં આવે પછી કોઈ દિવસ દાસપણાનું અનુસંધાન ન રાખવું પડે. એ તો સહેજે દાસપણું રહ્યા જ કરે. એ એની વિશેષતા છે. તો આપણે બાપાના વચનો અદ્ધરથી ઝીલી અને એ પાત્રતા કેળવતા રહેવું. સદાબાએ જો પેલા ભક્તની રક્ષા કરીને બરોબર? ભૂંડો દેશકાળ જોઈને એ ભક્તની મદદ કરી. ભૂંડો દેશકાળ છોડીને જવાનું કોને કહ્યું? જેને પરિપક્વ નિશ્ચય ન હોય એને છોડવાનું કહ્યું. પરિપક્વ નિશ્ચય હોય એને છોડવાની કાંઈ જરૂર નથી. એને દેશકાળ ગમે-તેવો હોય, પણ મહારાજ ભેળા હોય તો ભૂંડો દેશકાળ એને કાંઈ કરી શકે નહિ. છતાં એવું બળ ન રહે અને એ ભૂંડા દેશકાળથી પોતાને ભગવાન ભજવામાં કોઈ ક્ષતિ આવી જાય, નિર્બળતા આવે તો ભૂંડો દેશકાળ છોડી સારા દેશકાળ હોય એવી જગ્યાએ જરૂર જવું. અને પછી પરિપક્વ સમજણ અને પરિપક્વ પાત્રતા કેળવતા રહેવાની. જેથી ગમે તે થઈ જાય તો પણ એની અસર થાય નહિ. શું બીજી વસ્તુ થઈ જવાની હતી? બહુ-બહુ તો શું થાય કહો? તો આ દેહ પડી જાય એટલું જ ને? અને એ દેહ અમથોય પડવાનો. એની ચિંતા ન કરવી. દેહ જાળવવાની ચિંતા ન કરવી. હા, મહારાજનું દેહ મંદિર છે એમ માની એની માવજત કરવી. એમાં દેહબુદ્ધિ રાખીને ન કરવું બરોબર? એ તો જાળવવું પડે ને? નહિ તો મહારાજ રાજી ન થાય. આપણે અહીં આ જુઓ બધા છોકરાઓએ ભેગા થઈને હૉલ કેવો સરસ રાખ્યો. મહારાજ રાજી થાય એવું કર્યું ને? ત્યારે આપણે મહારાજનું દિવ્ય સ્થાન સમજીને મંદિર જેવું બનાવવું. આપણા ચૈતન્યને ભગવાન બિરાજે એવો મંદિર જેવો બનાવી દેવાનો.
હવે દેહમંદિર બીજાના કલ્યાણ કરવામાં ઉપયોગી ખરું કે નહિ? આ દેહ અદૃશ્ય થઈ જાય એટલે મહારાજના મુક્ત કેવી રીતે વાત કરે કહો? પછી દિવ્ય સ્વરૂપમાં એકે ય અવયવ કે શક્તિ ત્યાં પહોંચતી નથી. તો અદૃશ્ય થઈ ગયા પછી ગતિ ન હોય તો શું કરો તમે? એ વાત કેવી રીતે સાંભળો? ગોપાળાનંદ સ્વામી હતા ત્યારે વાત કરે, બે જણ ભેટે એ તો બધું ન થાય ને? એ ક્યારે થાય? કે જ્યારે એ સ્થિતિ થઈ જાય ત્યાર પછી વાત છોડી મૂકો. મનુષ્યરૂપમાં ભેટતા એના કરતાં ઔર આલિંગન થાય બરોબર? એ તો વાત જ મૂકી દો. જ્યાં સુધી ભગવાનના મુક્ત હોય, ત્યાં સુધી આપણને લાભ લેવાનું કહ્યું. બાપા બિરાજતા હતા ત્યારે બધાએ લાભ લીધો. મોટા-મોટા એ જોગમાં રહી સુખિયા થઈ ગયા. એમ આપણે પણ એ સદ્ગુરુઓ, એ બાપાને યાદ કરી એમના વચનોનું સ્મરણ કરતા રહેવું. જેથી આપણામાં બળ આવે. ભગવાનની મૂર્તિ સાંભરે અને સ્વપ્ન અવસ્થા ટળી જાય, સુષુપ્તિએ ટળી જાય અને જાગૃત અવસ્થાએ ટળી જાય, પરંતુ જાગૃત અવસ્થા ટળી જાય તો પછી રહ્યું શું ભાઈ? જાગૃત અવસ્થામાં અનુસંધાન રાખવું પડે. સ્વપ્ન અવસ્થામાં હેરાનગતિ થાય. સ્વપ્ન અવસ્થા એટલે સૂક્ષ્મ સૃષ્ટિમાં ચૈતન્યની ગતિ થઈ જાય છે બરાબર? એના લીધે જાત-જાતના દૃશ્યો પૂર્વ જન્મમાં થયા હોય એ અને પોતાની નબળાઈઓ બધાય દૃશ્યનું એ અવસ્થામાં અંદર દર્શન થાય. ત્યારે જાગૃત રહે તો ન થાય.
જાગૃત અવસ્થામાં અનુસંધાન રાખવું પડે કે હું મહારાજની મૂર્તિમાં છું અને હું અનાદિમુક્ત છું. એવું અનુસંધાન રાખ્યા જ કરવું પડે. પણ એવું ને એવું ચાલે ને? તો એ જાગૃત અવસ્થા પણ ટળવી જોઈએ. એટલે અનુસંધાન માત્ર નીકળી જવું જોઈએ. પાણી ભર્યું હોય અને આપણે કાંઠે બેઠા હોઈએ ને હવા આવે એનું અનુસંધાન રહ્યા કરે, પણ આપણે એમાં ડૂબકી મારી દઈએ તો? તો હું પાણીમાં છું, પાણીમાં છું એવું અનુસંધાન રાખવું પડે? ના રે ના એ તો પાણીનું સુખ અનુભવવાથી ખબર પડે. ત્યાર પછી અનુસંધાનની વાત ગઈ. અનુસંધાન રહે ત્યાં સુધી સાધન દશા. અનુસંધાન સમૂળગું નીકળી જાય. સતત ભજન કરવાનું, મહારાજની મૂર્તિ સંભારવી. એટલે સ્વપ્ન અવસ્થા જાય. પછી જાગૃત અવસ્થા ય જાય અને સુષુપ્તિ અંધ-ધંધ અવસ્થા ય જાય એમ. પણ એ બધું શેના લીધે થાય? મહારાજની મૂર્તિને લીધે. બધાયને રાજી કરીએ એટલે મહારાજનું બળ મળે. બધાને રાજી કરવા. કોઈના સ્વભાવ સારા ન હોય તો એનું વર્ણન ન કરવું. કોઈના સ્વભાવનું વર્ણન ન કરવું. મહારાજને પ્રાર્થના કરવી. પછી જ્યારે ટળવા હોય ત્યારે ટળે બરોબર? ઘાટ-સંકલ્પ જલદી ન પણ જાય. મહારાજને પ્રાર્થના કરવી કે હે મહારાજ, તમે દયા કરીને એના ઘાટ-સંકલ્પ દૂર કરજો. પંચ વર્તમાનથી વિરુદ્ધ હોય, સરખા ન લાગે કે કાંઈ બીજું હોય તો પણ એના સંસર્ગમાં ન રહેવું. મહારાજે ના પાડી દીધી. ગઢડા પ્રથમનું 18મું વચનામૃત વાંચો. સંસર્ગમાં રહેવાની ના પાડી. એના સંસર્ગમાં રહીએ તો કેટલીક વાર એની અસર આપણને અડે અને એના લીધે મૂર્તિનું સુખ ન આવે. એટલે એને ખબરેય ન પડે એમ તેનો સંસર્ગ છોડી દેવો. એને છંછેડવો નહિ, પણ પ્રાર્થના કરવી. આપણે પ્રાર્થના કરીએ એટલે મહારાજની નજરમાં તો એ આવી ગયો. પછી ધીમે-ધીમે સુધરીને સારો થઈ જાય.
(મહારાજના વખતની વાત કરે છે.)
હવે ઓલા શક્તિ પંથીઓ છે ને? એ એવું કરે કે આ શક્તિનો પ્રસાદ ખવડાવીને જ રહું. એનો ઠરાવ રહ્યો? મહારાજનો ઠરાવ રહે. કેટલાક ભક્તો દાસભાવમાં રહ્યા તો મહારાજે રક્ષા કરી. અને જો દાસભાવ નીકળી જાય તો રક્ષા ન કરે. દાસભાવ તો છોડવો જ નહિ. એ વખતે એક બીજી વસ્તુ યાદ રાખવી કે તુલસીદાસે કહ્યું છે કે, શ્રીકૃષ્ણનો અવતાર રામથી મોટો અવતાર તો પણ કહ્યું કે હું તમને મસ્તક નહિ નમાવું. તમે આ રીતે રામની જેમ ધનુષબાણ હાથમાં લો તો જ તમને મસ્તક નમે નહિતર નહિ નમે. એ એને યાદ અપાવ્યું કે આ કંઠ, આ બધી ઇંદ્રિયો સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરી છે. એટલે એનો પ્રસાદ મેળવ્યા વગર અમારાથી ન ખવાય. તમારે તમારી શક્તિનો પ્રસાદ શક્તિને (માતાજીને) ધરાવ્યા વગર ન ખાવો. હું તને આપું અને તારે ન જમવું હોય તો હું તને આગ્રહ નહિ કરું બરોબર? તું શું કામ આગ્રહ કરે છે? તારો શક્તિનો પ્રસાદ તું જમ. હું સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદ જમું. શા માટે ઊંધો ઠરાવ રાખવો? તો તું જ જમને ભગવાનનો પ્રસાદ. એ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. એને આ ખ્યાલ આપવો. જેથી એને ખ્યાલ આવે કે રામના ભક્ત તુલસીદાસજી પણ આમ બોલ્યા હતા. અને આ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. શક્તિનું ધરેલું ન જમવું. શક્તિને માનનારાને તો થોડુંક છમક લાગે. (અપમાન લાગે) એ લગાડવું જોઈએ નહિ. આપણે અભિમાનથી ન બોલવું. ગર્વ રાખીને ન બોલવું, પણ આપણે એ ભગવાનના સત્યના બળથી, ઉપાસનાના બળથી એ સત્યનું જોર અને જોમ છે આપણામાં એ દાસત્વભાવે બોલે છે. તો ભગવાનને ધરાવ્યા વગર અમારાથી કોઈ વસ્તુ ન ખવાય. અને તમારી શક્તિનો પ્રસાદ જો મને આપો તો મારે ભગવાનને ધરાવવો પડે. જે સર્વોપરી હોય, જે મોટા હોય એ શક્તિનું ધરેલું કેમ જમે? આવું તેને દાસભાવે કહેવું તો એને ગુણ આવે, પરંતુ એ પડે એવું કરવું નહિ. એનું સારું કરવું. ટૂંકમાં આપણે બધાયનું સારું કરવું. મગજથી વિચારવું. એકદમ ઉતાવળા થવું નહિ. એ ભક્તે દાસપણું રાખ્યું તો ભગવાન ભળ્યા. અને જો એ પણ જેમ-તેમ બોલ્યો હોત તો મહારાજ શું કહેત? કે એ જેવો છે તેવો તું થયો હવે જા ત્યારે. તો સ્વભાવ નડે તો ઉપદ્રવ પામે. દાસપણું જે ઘડીએ જાય એ વખતે ભગવાન હાથ જોડીને દૂર ખસી જાય કે મારા ભક્તે દાસપણું છોડી દીધું.
ટાઈમ ખૂબ થઈ ગયો અને ઘણું બધું કહ્યું. મારો એક સ્વભાવ શું છે કે, જ્યારે હું વાત કરુંને ત્યારે મને ખબર રહેતી નથી. (મહારાજની મૂર્તિમાં ગુલતાન થવાથી.)
સારાંશ
ભગવાનના મુક્તમાં ભગવાનના કલ્યાણકારી ગુણો હોય છે આથી જેમ સંભારવાથી ભગવાન આવે છે, તેમ સંભારવાથી મુક્ત પણ તરત આવે છે. આપણે એવું કરીએ કે મહારાજની પ્રસન્નતા મેળવી શકીએ. જો એ મેળવી શકીએ તો એ જે પ્રસન્નતા મેળવી છે એના વખાણના આપણે હક્કદાર. બાકી કોઈ વસ્તુના નહિ. ભગવાનને ગમે એવી ક્રિયા કરવી; ન ગમે એવી ન કરવી.
અખંડ ભગવાન સંભારવામાં શરૂઆતમાં કષ્ટ પડે, આનંદ ન આવે છતાં સંભારવાનું મૂકીએ નહિ તો મોટાની કૃપા થાય અને પછી ભજનમાં આનંદ આવવા લાગે. ચૈતન્ય ઉપર ભગવાનની સીધી કૃપા ઊતરે ત્યારે નિરાકાર ચૈતન્ય સાકાર દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે. એ સ્વરૂપ નખશિખાંત મહારાજ જેવું જ હોય છે. છતાં એ દાસભાવે રહે છે. એ સેવક છે. પાત્રતા કેળવવા માટે પરિપક્વ નિશ્ચય અને પરિપક્વ સમજણ કેળવવી જરૂરી છે. દેહમાં દેહબુદ્ધિ ન રાખવી. દેહ એ મહારાજને રહેવાનું મંદિર છે એમ વિચારી તેને જાળવવો. આ દેહે કરીને મુક્તનો જોગ-સમાગમ થાય, તેમની વાણી સંભળાય, બળ મેળવી શકાય એ બધું આ દેહે કરીને થાય છે. માટે મોટા બિરાજતા હોય ત્યાં સુધી તેમનો જોગ બરાબર કરી લેવો. અને એમના વચનોનું સ્મરણ કરવું જેથી ત્રણેય અવસ્થા ટળી જાય. મોટા મુક્ત કાંઈ કહે ત્યારે તેમાં વિશ્વાસ રાખવો. તેમના વચન સામે ચર્ચા કરવી નહિ. નહિ તો આશીર્વાદનું સુખ ન આવે. અવરભાવની મર્યાદા પ્રમાણે રહેવું. નહિ તો મહારાજ કરતાં મુક્તને અધિક માની તેમને પૂજવા મંડે જે અસમાસ કરે છે.
કોઈનો સ્વભાવ બરાબર ન હોય તો તેને જાહેરમાં ન કહેવું, પણ તેના સંગથી દૂર રહેવું. અને બધાનું સારું થાય તેવી ભગવાનને પ્રાર્થના કરવી. દાસભાવે તેની સાથે વર્તવું. તો એને આપણો ગુણ આવે અને તેનું સારું થાય. દાસપણું જાય ત્યારે ભગવાન પણ દૂર ખસી જાય છે.