15
પરમ કૃપાળુ શ્રીજીમહારાજ, તેમના અનાદિ મહામુક્તરાજ અબજીબાપા, સદગુરુઓ તથા આ દિવ્ય સભાને કોટાન કોટી વંદન કરું છું.
મહારાજ એમ કહે છે, કે હું તમને ઓળખાયો એ તમારું પરમ ભાગ્ય છે એ વાત તો ચોક્કસ કારણ કે બધા અવતારો પછી અવતારી એવા મહાપ્રભુ પ્રગટ થયા અને એ જેમને ઓળખાય, એમણે પોતે કેટલા સુકૃત કર્યા હોય! ઘણા બધા સુકૃત કર્યા હોય, ત્યારે એ મહાપ્રભુ ઓળખાય. એ ઉપરાંત સારો જોગ મળે, કે જેમાં રહીને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈને લક્ષ્યાર્થ થાય. આપણને જોગ તો સારો મળ્યો છે! એક ફરિયાદ એવી હોય છે કે મહારાજ ને આવા મુક્તો મળ્યા ત્યારે ઘાટ સંકલ્પ બંધ થતા નથી. ધ્યાન કરતા બીજા વિચારો આવે, મૂર્તિ બરોબર દેખાય નહિ અને સુખ આવે નહિ. તેમાંય મહારાજે તો મૂર્તિમાં રાખ્યા છતાંય આવું કેમ બને? મહાપ્રભુ ઓળખાયા, પૂર્વે ઘણા સુકૃત કર્યા હોય, ઘણા પુણ્ય, તપ-જપ કર્યાં હોય, તો જ બને. છતાં, પણ આમ કેમ! ગુણાતીતાનંદ સ્વામી પોતે એમ કહે છે કે, ઘાટ-સંકલ્પનો અભાવ એ જ અક્ષરધામનું સુખ. ભગવાનની મૂર્તિ સંભારતા જો ઘાટ-સંકલ્પ બીલકુલ ન થાય અને મહારાજની તદાકાર મૂર્તિ આપણને અંતર્વૃત્તિએ દેખાય, તો એ અક્ષરધામનું સુખ. હવે વસ્તુ એમ છે કે મહારાજના સ્વરૂપ– અંગ્રેજીમાં “Concept' કહે, ગુજરાતીમાં 'તેનો સ્પષ્ટ ખ્યાલ'. હવે સ્પષ્ટ ખ્યાલ શું? કે મહારાજનું સ્વરૂપ – આપણે ઉપર ઉપરથી આખો આભાસ જોઈએ છીએ, પણ મૂર્તિ જેમ છે એમ નથી ધારતા. આપણને લાગે કે મહારાજ જ હોય, પણ જેમ તમે મને દેખો ને હું તમને જોઈ શકું, એટલી જ સ્પષ્ટ રીતે અંતર્વૃત્તિએ દેખાય, ત્યારે આંખ સામે મૂર્તિ હોય ને આંખ ઉઘાડીને ય મૂર્તિ જ હોય અને પછી આંખ બંધ કરી એ જ મૂર્તિ પ્રતિલોમપણે ચૈતન્યમાં જોઈએ. ચૈતન્ય નિરાકાર છે. ભગવાનનું તેજ જે પ્રકાશ, એ પણ નિરાકાર. તો નિરાકાર ને નિરાકાર એ રીતે સાથે એકતા તો થાય જ ને? આ ટ્યુબલાઈટ સાથે સૂર્યના પ્રકાશની એકતા તો થાય છે, નહિતર તો સૂર્યનો પ્રકાશ એક બાજુ રહે ને ટ્યુબલાઈટનો એક બાજુ! એમ નથી બનતું. ત્યારે આપણાં ચૈતન્યને અક્ષરધામરૂપ બનાવી દઈયે. અક્ષરધામરૂપી એકતા આમ ધ્યાનનો એક પ્રકાર છે, કે આપણે એમ માનીએ કે આપણો ચૈતન્ય પ્રકાશ તેજોમય સ્વરૂપ છે. એ તેજોમય આપણે અક્ષરધામનાં તેજ સાથે વિલીન થઈને મહારાજની મૂર્તિ એ જ તેજમાં ધારવી – દેખાય. કારણ કે ચૈતન્ય નિરાકાર એને વળી આંખો કેવી? ચૈતન્ય! સમગ્ર ચૈતન્ય ભલે નિરાકાર, ચેતના નિરાકાર પણ એ સમગ્ર ચૈતન્ય આંખનું કામ કરે. કાનનું કામ કરે, દસેય ઇંદ્રિયોનું કામ કરે – દિવ્ય સ્વરૂપે! આખો ચૈતન્ય એ નેત્ર છે! હવે એ ચૈતન્યમાં મહારાજની મૂર્તિ જોવાની. ધારો કે આ મૂર્તિ તમે ધારતા હો, બદલ બદલ નહિ કરવાનું. ઘડીકમાં પેલી મૂર્તિ, ઘડીકમાં આ. જુઓ, અહીં કેટલાય સ્વરૂપ છે. એક, બે, ત્રણ, ચાર! ચાર સ્વરૂપ તો છે જ. તો એ ચારેય સ્વરૂપ ભલે રાખ્યા. પણ એ ચારેય સ્વરૂપમાંથી જે સરસ લાગે, અથવા બીજું કોઈ સ્વરૂપ ક્યાંઈ જોયું હોય, એમનો ફોટોગ્રાફ પાડી લેવો. અને પછી એ સ્વરૂપ કેમ જોવું? અક્ષરધામ સાથે પોતાના આત્માને મિલાવીએ, એટલે આ દેહ રહ્યો હવે? ચૈતન્ય તો નિરાકાર છે! આ દેહ તો સાકાર છે! તો દેહને તો ભૂલવો જ પડે કે નહિ, ભૂલવામાં શું? નથી એમ ધારી લઈએ! It is not! એ વિચાર જ બંધ કરી દેવો, બિલકુલ. હવે એમ ધારીએ કે તેજનો સમૂહ છે. એમની સાથે આપણા આત્માની એકતા છે. એ આપણો એ શબ્દ કોણ બોલે છે? આત્મા પોતે જ પોતાને કહે છે! કે આપણા આત્મા – એટલે આપણા આત્માનો અર્થ તો એ થાય ને કે આપણે જુદા ને આત્મા જુદા? એમ નહિ! આત્માને આત્મા પોતે બોલે છે કે આપણા આત્માની ભગવાનના સ્વરૂપ સાથે એકતા કરીએ. અને તેજની અંદર તેજના સમૂહમાં મહારાજની મૂર્તિ ધારીએ. આ એક ધ્યાનનો પ્રકાર. હવે આ ધ્યાનના પ્રકારથી Concentration એ મૂર્તિ ઉપર કરવું પડે ને? તો સન્મુખ ભાવ તો રહ્યો નહિ ને! ચૈતન્ય તેજ સાથે એકરૂપ થઈ ગયો, બરાબર? અચ્છા! તો તેજ સાથે એકરૂપ થઈ ગયો, તો આખા તેજનાં સમૂહની અંદર એ મૂર્તિ, એ ચૈતન્ય એના અણુએ અણુ નેત્ર બનીને જુએ છે અને પછી આંખ ઊઘાડીએ અને તે મૂર્તિ જોઈએ અને પછી તેજના સમૂહમાં મૂર્તિ ચૈતન્યે કરીને જોવાય, બરોબર? હવે આની સાથે બીજી એક વાત કરી દઉં, ધ્યાનની કે એ ચૈતન્ય પ્રકૃતિ અને શ્રીજીમહારાજના પ્રકાશરૂપ ચૈતન્ય પ્રકૃતિ, એ બે જુદી વસ્તુ છે. ટ્યુબલાઈટનો પ્રકાશ અને આ (દિવસનો) પ્રકાશની એકતા છે, પણ તેમાં અલગપણું પણ છે. તો મહારાજની પ્રકાશરૂપ જે ચૈતન્ય પ્રકૃતિ તે આપણા ચૈતન્યને ધીમે-ધીમે-ધીમે સાકાર બનાવી દે છે. જેમ વાયુ તો એ નિરાકાર છે એમાંથી પ્રવાહી બને તેમાંથી બરફરૂપી ઘન પદાર્થ બને. તેમ ભગવાનની દિવ્ય ચૈતન્ય પ્રકૃતિ તે પ્રકાશરૂપ, એ આપણી ચૈતન્ય પ્રકૃતિ જેને આપણે એની સાથે મિલાવી દીધી, એને ધીરે-ધીરે-ધીરે સાકાર બનાવે છે. અને એ સાકાર જગ્યા રોકતી નથી. કારણ કે એ દિવ્ય છે. ભૌતિક પદાર્થના તમામ ગુણધર્મોથી એના ગુણધર્મો તદ્દન અલગ છે. બે વસ્તુ હોય તો આમ ગણીએ તો (બે જુદી-જુદી વસ્તુઓ હાથમાં લઈ સમજાવે છે.) બે અલગ અલગ જગ્યા રોકે છે કે નહિ? અંદર જતી રહે છે? ના, તો એવું નથી! આપણો ચૈતન્ય દિવ્ય સાકાર બને. જો ચૈતન્ય દિવ્ય સાકાર બને તો એક તેજ બીજા તેજ સાથે ભળી જાય છે કે નહિ? એક શક્તિ બીજી શક્તિ સાથે ઓતપ્રોત થઈ જાય છે કે નહિ? હીટ (ઉષ્મા) એક બાજુ, એક બાજુ લાઈટ (પ્રકાશ), એક બાજુ સાઉન્ડ (ઘ્વનિ) એવું કાંઈ અલગ અલગ રહે છે? એ એક બીજા સાથે મર્જ (Merge) થઈ (ભળી) જાય છે, બરોબર? હીટની અંદર લાઈટ, લાઈટની અંદર સાઉન્ડ. અને પછી આપણે અલગ પાડીએ એ વાત જુદી. એવી જ રીતે એ દિવ્ય સાકાર જ્યારે બને, ત્યારે તે ચૈતન્ય કોનું ધ્યાન કરતો' તો? સ્વામિનારાયણ ભગવાનનું !! સર્વોપરી પરમાત્માનું!! એ સર્વોપરી પરમાત્મા એ જ છે. જેની સાથે એ ચૈતન્ય જ્યારે એકરૂપ થતો'તો, ત્યારે એ પ્રભુ જેવો જ દિવ્ય સાકાર થઈ જાય છે, અમુક સમયે. આ ધ્યાન કરો પહેલા. અને જ્યારે એકરૂપ થઈ જાય ત્યારે એની એટલી એકતા થાય છે કે ભગવાનના મસ્તકે મસ્તક ને ચરણે ચરણ, બધું એકરૂપ લાગે! અને પછી ભગવાનની જો કૃપા ઊતરે એમ કરતાં કરતાં તો સુખ આવવા માંડે. જેમ પાણીમાં પડીએ ને ઠંડું લાગે, લાગે ને? પાણીનો હોજ હોય ને અંદર કૂદકો મારીએ તો કેવી મજા પડે ને? તરવૈયો હોય, Swimming (તરવું) કરે, એને મજા નો પડે? તો તે સુખનો અનુભવ થાય ત્યારે એની વાત જુદી થઈ જાય! રોમે રોમ સુખ ભોગવે છે. રોમે રોમ શું? ત્યારે આપણને અત્યારે આંહીં મારે તો થોડુંક ખબર પડે? કે બધેય થોડું થોડું? આ સુખનો અનુભવ એવો છે કે સમગ્ર રીતે જેમ લાડવામાં જુદી જુદી વસ્તુ ના હોય? લાડવો બનાવે તો ખાંડ, ગોળ, ઘી, એલચી એ બધાનો સ્વાદ જેમ ભેગો આવે ને? એમ મહારાજની મૂર્તિનું સુખ વિવિધ હોવા છતાંય એવું સરસ લાગે છે. ત્યારે વિવિધતાનો અનુભવ થાય છે. હવે લાખો વર્ષ થઈ જાય, અનંત જન્મ થઈ જાય, અનંત જન્મથી ચાલે છે હોં! જ્યાં સુધી પરમ પદ ન પમાયને. આ રીતે અક્ષરધામમાં મૂર્તિ ભગવાનના પ્રકાશ સાથે ચૈતન્યને મિલાવીને ધ્યાન કરવું તો સહેલું થઈ ગયું! મહારાજ જ જોઈએ તો કાંઈક લક્ષ્ય inward થાય. અંદર ભીતર તરફ આપણું આખું લક્ષ્ય ચૈતન્ય કેંદ્રિત થાય ત્યારે આ મૂર્તિ ધારતાં હો, તો એ મૂર્તિ તમને પ્રત્યક્ષ લાગે એવી ને એવી દેખાય – વાર લાગે. તમે ભ્રમર ધારો તો બીજા દિવસે પાછો, Concept (સ્પષ્ટ ખ્યાલ) સમજાણો પણ જોવામાં unclear (અસ્પષ્ટ) થઈ જાય - એવું ને એવું ન દેખાય. એવી ને એવી આંખ દેખાવી જોઈએ તો એ આંખ ઉપર (મન) કેંદ્રિત કરવું પડે કે નહિ કો'? આખું સ્વરૂપ પાકું કરવું. સમજો પહેલાં! સુખ તો ત્યારે જ આવે કે નહિ? મજા તો ત્યારે જ પડે ને? તો ભગવાનનું દરેક અંગ એટલું બધું રમણીય છે કે ભગવાન પોતે જ મનુષ્યરૂપે પ્રગટ થાય તો યે એટલું સૌંદર્ય લઈ અને ન પ્રકાશી શકે. જો પ્રકાશે તો જીવો બધાય ખેંચાઈ જાય, બધી પ્રવૃત્તિઓ બંધ, આખું ઠપ્પ-જગત. એક પણ અંગ એવું નથી કે જે અતિ સુંદર ના હોય! એટલું Symmetrical (સમરૂપ) છે! દરેકે દરેક અંગ કેટલું રમણીય લાગે છે! એ કિશોર મૂર્તિ આઠ વર્ષના બાળક જેવી નિર્દોષ હોય છે. એકદમ Innocent (નિર્દોષ) ત્યારે આ ધ્યાન કરતાં કરતાં જ્યારે સાકાર નિશ્ચય કરે, જે સ્વરૂપનું ધ્યાન કરતાં હોય ને! એ સ્વરૂપ અતિ રમણીય એક ઝબકારામાં થઈ જાય (ચપટી વગાડી) આખું પલટાઈ જાય. એ સ્વરૂપ – જે મૂળ સ્વરૂપ છે પ્રભુનું એ અતિ રમણીય છે. એમ પ્રતિલોમ ધ્યાન કરતાં કરતાં મહારાજની મૂર્તિ, નાસિકા જેવી હોય, એવી જ દેખાવી જોઈયે. એક જ મૂર્તિ. જ્યારે મંદિરોમાં જાવ દર્શન કરવા તો એ જ મૂર્તિ સામે જોવી. ખૂબ પાકું કર્યું હોય તો સામું તરે ને! આંખ સામું? આંખ સામે એક આભાસ થાય કે નહિ મૂર્તિનો? બહુ અભ્યાસ થાય ત્યારે આ મૂર્તિ – જોવા જાવને તો આ જ મૂર્તિ સામે આબેહૂબ દેખાય. કારણ કે એ દૃઢ થઈ ગઈ. અભ્યાસ કરજો. આપણે ક્યાં અભ્યાસ કર્યો છે? હજી તો શરૂઆત પણ નથી કરી. અઢાર વર્ષ સુધી અભ્યાસ કર્યો ત્યારે માંડ રોટલો કમાતા થયા. બરાબર? અથાક પરિશ્રમ આખો દિવસ મહેનત કરવાની – સવારથી સાંજ સુધી. આખો મહિનો મજૂરી કરે ત્યારે પાંચ-છ હજાર રૂપિયા હાથમાં મળે, આવી મોંઘવારીમાં.
તમે કેટલો પરિશ્રમ કર્યો? એ પરિશ્રમ કરતાં કંટાળો લાવીએ છીએ? લ્હેરથી કરીએ છીએ. તો પછી આ મહાપ્રભુજીના દર્શન કરવા હોય તો કેટલો આનંદ થવો જોઈએ? તો શરૂઆત કરીએ છીએ. રાતોરાત થઈ જાય? તો પરમપદને પામવું હોય તો થોડોક સમય તો કાઢવો પડે ને? તો મહારાજ કહે છે બ્રાહ્મ મુહૂર્તમાં વહેલા ઊઠી જ જવું. રાત્રે જાગી જાવ તો તે સમયે શાંતિ હોય અથવા જે સમયે સાત્ત્વિક ગુણ પ્રવર્તતો હોય એ વખતે ધ્યાન કરવું કે જેથી બીજા ઘાટ-સંક્લ્પ આવરણ કરે નહિ. બરોબર? ત્યારે મહારાજની મૂર્તિમાં આવરણ કરનાર માયા જતી રહી. તો એક વસ્તુનું ધ્યાન રાખો.
બીજી વસ્તુ એ કે એ પ્રયત્નની સાથે સમજી લ્યો નિશ્ચે, કે આ દેહ તો જેમ પેલામાં (આગળ કહ્યું તેમ) ભૂલી ગયા, તેમ દેહ જ ભૂલી જઈએ. (ખોળામાં પ્રતિમા સ્વરૂપને રાખીને) મહારાજને આમ રાખે છે ને ઘણીવાર – પ્રતિલોમ. તો આપણું કાર્ય નિશ્ચિત છે કે નહિ? ત્યારે આવું ધ્યાન કરતા તે કંઈ ભૂલવું પડતું નથી. ભગવાન – પ્રભુજી Shines in him. (ભગવાનનો પ્રકાશ તેનામાં ઝળકે છે.) બીજાને એ આવિર્ભાવથી કુદરતી, અંદરથી જ અસર થાય છે કે આ માણસ કોઈ જુદી જાતનો છે. આપણે અત્યારે એક સ્થિતિમાં હોઈએ, જ્યારે પરિવર્તન પામીએ ત્યારે જુદી જ કક્ષામાં જઈને ઊભા રહીએ કે નહિ! તો આ પ્રકારનું ધ્યાન એ પૂર્ણ યોગ છે. કેટલું સરળ ભગવાને બતાવ્યું! અષ્ટાંગ યોગ સાધવો, હઠ યોગ સાધવો એ કેટલી માથાકૂટની વાત! અને તે અત્યારના યુગમાં? Is it ever possible? (શું આ શક્ય છે?) એના પુસ્તકો વાંચીને શું કરવાના? જે પુસ્તકની અંદર રહેલું જ્ઞાન આપણા જીવન ઘડતરમાં કામ ન આવે તો તેનો ઉપયોગ ખરો? જે ભોજન ખાવામાં જ કામ ના આવે તો એ ભોજન કામનું ખરું? તો જગત આખું પુસ્તકોના ખડકલાના ખડકલા પડ્યા છે. પણ એ કામના શું? તો કે જીવન ઘડતરમાં ઉપયોગ થાય એ કામનું, તો મને એમ લાગે છે કે બધા પ્રશ્નોનો ઉકેલ શ્રીજીમહારાજની મૂર્તિ. જેમ અનેક રોગની ઔષધિ એક, એના જેવું છે. અનેક પ્રશ્નોનો ઉકેલ એ ભગવાનનું રમણીય સ્વરૂપ.
મહારાજ કે' મને બધાય કરતાં નિ:સ્વાર્થ પ્રાર્થના વધુ ગમે છે. એ selfless (નિ:સ્વાર્થ) પ્રાર્થના ભગવાનના સુખ તરફ દોરી જનારી છે. માટે that selfless prayer is very important. (તે નિ:સ્વાર્થ પ્રાર્થના ખૂબ જ અગત્યની છે.) તો ભગવાનને પ્રાર્થના કરીએ તો જરૂર ભગવાન આપણા ઉપર કૃપા કરે. સૂર્યના પ્રકાશમાં આપણે બેઠા હોઈએ. તો સૂર્યનારાયણને કહેવું પડે કે અમારા ઉપર પ્રકાશ ફેંકો, પણ છતાં કહેવું પડે. કહેવાની જરૂર નથી છતાં પણ કહેવું પડે. એ એટલા માટે (કે) એ તડકાનો – એ દિવ્ય પ્રકાશનો આપણા ચૈતન્યને અનુભવ થતો નથી. એટલે અનુભવ કરવા માટે આવરણ છે, એને ભેદવા માટે Prayer is the powerful weapon. (પ્રાર્થના એ શક્તિશાળી હથિયાર છે.) બરાબર? એટલે મહારાજને ગમતી વસ્તુ. તો મહારાજના સ્વરૂપને પ્રાર્થના selfless (નિ:સ્વાર્થ) કરવી. એ તો સરસ રીતે રોજ કરવી અને મહારાજને કહેવું કે હે મહારાજ! તમારી કૃપા ઊતરે તો જ તમારું સ્વરૂપ મને સરસ દેખાય, બરોબર? બધાય મારા સંકલ્પ-વિકલ્પ દૂર થઈ જાય. તો નખથી શિખા પર્યંત મૂર્તિ પહેલા દૃઢ કરવી. એક જ સ્વરૂપ રાખવું. પ્રયત્ન કરવો. આ એક સૌભાગ્યની વાત તો ખરીને? પછી જુઓ કે આપણને એમ લાગશે કે આપણે કંઈક પહેલાં કરતાં બદલાયેલા છીએ. બરોબર? આગળ વધ્યા છીએ એવું લાગશે. તમે બીજા ગમે એટલા પ્રયત્ન કરો. તો પણ પંદર વર્ષ, વીસ વર્ષના થાઓ, ત્રીસ વર્ષના થાઓ કે ચાલીસ વર્ષના થાઓ, તો તમે છો તેવી ને તેવી સ્થિતિમાં તમને લાગશે. આગળ વધેલા નહિ લાગો. ઉંમરમાં વધેલા લાગશો. આ લોકની વિદ્યામાં આગળ વધેલા... પણ આંતરિક રીતે જ્યાં છો ત્યાં જ જેવા લાગશો. વિચારો! આપણે નાના હતા ત્યારે વધારે innocent (નિર્દોષ) હતા. That means we have gone backward. પાછા પડ્યા! તો હવે આ ધ્યાન – ધ્યાન એટલે ભગવાનનો સંબંધ ખરો કે નહિ? તો પરમાત્માનો સંબંધ એટલે નરી નિર્મળતા. તો આપણને એ સ્વરૂપ બદલી નાખ્યા વગર રહે ખરી? આપણા આવરણ હટાવતી જ જાય અને આપણને આનંદ આવે. તો આપણે બધા હવે (ધ્યાન) શરૂ કરી દઈએ. બરોબર?
એવી એકદમ સ્થિતિ એવી આવે કે તમને ક્યાંય જવાની જરૂર જ ન લાગે. એમ ન થાય કે લાવો હું મંદિર જાઉં. ન પણ જાવ. પરમચૈતન્યાનંદ સ્વામી હતા ને? તેમને જ્યારે ભગવાનનું દર્શન થયું તો તેર વર્ષ સુધી મંદિરમાં ઓરડા હોય, ને જ્યાં એમનું આસન ત્યાં જ પડ્યા રહેતા. મંદિર બહાર જ નહોતા નીકળતા. ત્યારે મહારાજ પ્રત્યક્ષ બીરાજતા હતા. એમના દર્શન કરવા નહોતા જતા. ત્યારે કોઈને એમ થયું કે આ શું? મહારાજના કોઈ દિવસ દર્શન નહિ? તો કોઈકે એમ કહ્યું કે સ્વામી, મહારાજના દર્શન કરવા તો ચાલો. હું તમને લઈ જઉ. તો કહે લઈ જા. તો થોડેક લઈ ગયા ને કોઈકે મશ્કરી કરી કે સ્વામી, હવે શું આટલા વર્ષે નીકળવાનું? તો કહે, ભલે તું કહે એમ. લઈ જા ત્યાં. કોઈકે મહારાજને પૂછ્યું, ત્યારે મહારાજ કહે તેમને આવરણ ને અંતર બધાય દૂર થઈ ગયા છે. એમને ગઢડું, અક્ષરધામ બધું જ હસ્તામળ છે. હવે આંહીં શું આવે? એ નથી આવતા એમ કેમ કહેવાય? તું દૂર છે પણ એ દૂર નથી. તું નજીક છેં છતાંય દૂર છેં. એ દૂર છે છતાંય મારી સાથે એકરૂપ છે. એમ એ ભગવાનનું સ્વરૂપ ખૂબ દૃઢ થઈ જતાં, તમને પછી મંદિર જવું - જાવ તો સમાસ અર્થે. નહિ કે સુખમાં ફરક પડે તમને એમ ન લાગે કે આજ મંદિરમાં ગયા તો મહારાજના દર્શન સરસ થયા. તેમ સુખમાં ફરક નો પડે. અત્યારે જેવું સુખ છે તેવું ગમે ત્યાં જાવ. છપૈયા જાવ તો ય એવું ને એવું લાગે. જેવું અત્યારે છે. એ સ્વરૂપ સાથે એકતા થવી જોઈયે. તો એ સ્વરૂપને નીરખી અને ખૂબ દૃઢ કરવું અને મહારાજને પ્રાર્થના કરવી જોઈએ- નિષ્કામ પ્રાર્થના.
સહજાનંદ સ્વામી મહારાજની જય.
સારાંશ
સુકૃત ઉદય થાય ત્યારે સ્વામિનારાયણ ભગવાન ઓળખાય. અનાદિમુક્તનો જોગ મળે ત્યારે મહારાજનું તત્ત્વજ્ઞાન સમજાય. ચૈતન્ય જ્યારે મહારાજના તેજ સાથે વિલીન થાય, ત્યારે સમગ્ર ચૈતન્ય ઇંદ્રિયોનું કામ કરે. પોતાને ગમતું ભગવાનનું સ્વરૂપ લઈ તેને નીરખવું, દેહભાવ કાઢી નાંખીને નીરખવું. ચૈતન્યનો અણુ-અણુ આંખ બની મહારાજને જુએ છે. આપણી ચૈતન્ય પ્રકૃતિ ભગવાનના તેજ સાથે મળી સાકાર થાય છે, છતાં તે જગ્યા રોકતી નથી. કારણ કે એ દિવ્ય છે. એનો આકાર ભગવાનના જેવો જ થઈ જાય છે અને ભગવાન સાથે એકરૂપ થઈ જાય છે. મસ્તકે-મસ્તક, ચરણે-ચરણ. ત્યારે એ રોમે-રોમ સુખ ભોગવે. પરંતુ પહેલા મૂર્તિ એકદમ સ્પષ્ટ થવી જોઈએ. જ્યાં જોઈએ ત્યાં નજર સમક્ષ એ મૂર્તિ જ દેખાવી જોઈએ. પરિશ્રમ કરવો પડે. સાત્ત્વિક ગુણ પ્રવર્તતો હોય ત્યારે ધ્યાન કરવું. બ્રાહ્મ મુહૂર્તમાં કે રાત્રે ઊંઘ ઊડે ત્યારે પણ ધ્યાન કરાય. ધ્યાન કરવું એ પૂર્ણ યોગ છે. બધા પ્રશ્નોનો ઉકેલ મૂર્તિ છે. નિઃસ્વાર્થ પ્રાર્થનાથી ભગવાન રાજી થાય માટે એ કરવી. આવરણો હટાવવા પ્રાર્થના શક્તિશાળી હથિયાર છે. ધ્યાન ન કરનારની આંતરિક પ્રગતિ અટકી ગયેલી લાગે છે. મૂર્તિ સળંગ દેખાયા પછી મંદિર જવાની આવશ્યકતા ન રહે.