25
આજનો વિષય તો સા...રાય જગતને માટે છે. જગતમાં જન્મેલા કોઈ પણ જીવને છેવટે મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ કરીને સમાપ્ત થવાનું છે. જીવન વિકસાવીને છેવટે અંતસમયે જો આ થઈ જાય તો જ આખું જીવન સાર્થક થયું ગણાય. બાપાશ્રીને મહારાજે આ કરવા માટે જ મોકલ્યા હતા કે બસ મૂર્તિ, મૂર્તિ, મૂર્તિ. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીતા, એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહેવાની અનાદિમુક્તની સ્થિતિ અને ભગવાન સ્વામિનારાયણના ગૂઢ રહસ્યો ઉકેલવાને માટે બાપાશ્રીને શ્રીજીમહારાજે મોકલ્યા અને તે તેમણે બસ મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ વડે જ કર્યું. બાપાશ્રીને કંઈ કરવાનું બાકી રહ્યું નહોતું. સ્વામિનારાયણ ભગવાને પોતાની મૂર્તિના સુખમાંથી તેમને અહીં પૃથ્વી ઉપર પ્રગટ કર્યા. તે તેમના આદર્શ તત્ત્વજ્ઞાનના ગૂઢ રહસ્યોની સમજ આપવા માટે, તેમનું દિવ્ય સર્વોપરી સ્વરૂપ સમજાવવા માટે. અહીંયા આ પૃથ્વી ઉપર સર્વ જીવોને બસ મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ તેનું એવું મનન કરાવ્યું કે ભગવાન સ્વામિનારાયણના ઉત્તમોત્તમ વિશ્વ વ્યાપક સત્સંગની દૃઢતા કરાવી.
સમગ્ર તત્વજ્ઞાન જો સમાયેલું હોય તો બસ મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિમાં જ છે. મૂર્તિ કોની? ભગવાન સર્વોપરી સ્વામિનારાયણની. જેણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ રાખી એથી શું વિશેષ? કોઈ વિશેષ નથી. જપ-તપ, ધ્યાન-ધારણા બધું જ કરીએ; ત્યાગ-વૈરાગ્ય બધું જ હોય; પણ જો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું અનુસંધાન ન હોય, તો એનું ફળ જોઈએ તેવું ન મળે. ફળ તો મળે, પણ ભૌતિક. હવે એ તો અમથુંય મળેલું છે ને મળવાનું જ છે અને ન મળે તો ય શું? છેવટે તો આ દિવ્ય સુખમાં અનંતકાળ સુધી અનંત અનાદિમુક્તો રમે છે એમાં રમવાનું છે.
અહીંયા આ દિવ્ય સભામાં પરમ કૃપાળુ પરમ દયાળુ શ્રીજીમહારાજે તેમના દિવ્ય સ્વરૂપમાં રહેનાર અનાદિ મુક્તરાજ બાપાશ્રી દ્વારા સૌને મૂર્તિમાં રાખ્યા! એમણે પાત્ર-અપાત્ર જોયું નહિ! જેને ભાવ થયો, જે શરણે આવ્યા એમને મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા! જેમ ભગવાન સ્વામિનારાયણે વરદાન માગી લીધા. સૌને છેવટના આશીર્વાદ આપ્યા! તો અત્યાર સુધીના શાસ્ત્રોમાં મૂર્તિમાં રાખ્યા અને બસ મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ એવું ભગવાન સ્વામિનારાયણ કોઈ મુક્તના મુખે બોલ્યા છે ખરા? નથી બોલ્યા. બોલ્યા છે, પણ બહુ જ મર્મમાં બોલ્યા છે કે કોઈ સમજી શક્યા નથી. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન સમર્થ સદ્ગુરુઓ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીતા ઓળખાવવા ઘણું બોલ્યા છે. બાપાશ્રી કહે છે કે બસ મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ રાખો તો બધું જ મળી જશે. બાપા એમ નથી કહેતા કે કર્મયોગ ન કરવો. બધી જ પ્રવૃત્તિ કરવાનું કહ્યું છે. તમે બધી જ ક્રિયા કરતાં કરતાં મૂર્તિ રાખો એટલું કહ્યું છે. અને મૂર્તિ રાખો તો બધી જ પ્રવૃત્તિ સરસ થઈ જાય. એનો અભ્યાસ કરવો જોઈએ. આપણને આવા સુંદર આશીર્વાદ આપ્યા, ભગવાને હાથ પકડ્યો છે તો આપણે છોડાવશુંને તો ય નહિ છોડે એવા એ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ને અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીએ આપેલા આશીર્વાદ છે.
આ આશીર્વાદ આપણે ત્યારે જ ઝીલ્યા કહેવાય કે જ્યારે આપણે તમામ ક્રિયાઓ મૂર્તિ દ્વારા જ કરીએ. બાપાશ્રીએ એમ કહ્યું કે બાળ-અવસ્થામાંથી સીધા જ વૃદ્ધાવસ્થામાં જવું. મનુષ્ય બાળપણ, યુવાવસ્થા વટાવીને વૃદ્ધાવસ્થામાં જાય છે ત્યારે એને ભાન થાય છે કે કરવાનું હતું એ રહી ગયું અને ન કરવાનું કર્યું. મહાન સમર્થ નેપોલિયન કે જેણે જગતને સર કરવા માટે અગાધ પ્રયત્નો કર્યા એ છેવટે એમ બોલ્યો કે મેં બધું જ કર્યું, પણ અંતરનું તો કાંઈ ન કર્યું. મારું જીવન નિરર્થક ગયું. ત્યારે જુઓ, સૌને એમ ભાન થાય છે કે અંતે તો બસ મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ એ જ કરવાનું છે. આમાં કયું તત્ત્વજ્ઞાન રહી જાય છે?
જેને મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ થયું હોય એ ભગવાનનું સ્વરૂપ કે એની વાણી કોઈ દિવસ ભૂલે? એની વાણીનું અનુકરણ ભૂલે? એ વાણી તો એને આત્મસાત થઈ જાય. ભગવાનની વાણી સાથે ભગવાનનું સ્વરૂપ- બંને એકમેક થવું જોઈએ. માત્ર મૂર્તિનું સ્વરૂપ યાંત્રિક રીતે ધારીએ તો એ દિવ્ય સ્થિતિ છતે દેહે પ્રાપ્ત ન થાય. ભગવાને પોતાના માની મૂર્તિમાં રાખ્યા છે તો એ અંતે તો જરૂર પૂરું કરી દેશે, પણ જરૂર આપણને કહેશે કે મેં કહ્યું એમ કર્યું નહિ, પણ હું મારું બિરદ સમજીને તમને તેડવા આવીશ ને મારી મૂર્તિના સુખમાં રાખીશ. તો આપણે બધા આજે એવો નિશ્ચય કરીએ કે બાપાએ બસ મૂર્તિ, મૂર્તિ જ કહ્યું એવું આપણે પણ કરીએ. બાપાશ્રીને તો મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ હતી. તે તો પ્રગટ્યા પહેલાંય હતી, અનાદિકાળથી હતી. જ્યારથી શ્રીજીમહારાજ મળ્યા ત્યારથી અનાદિમુક્તો મૂર્તિમાં રહ્યા છે. મહારાજ કદીયે એકલા નથી. મહારાજ અને મુક્ત સાથે જ હોય છે. ભગવાન સ્વામિનારાયણ દાતા-નિયંતા અને તમામ અનાદિમુક્તો એમના સેવક છે. બાપાશ્રીએ આ દૃઢતા આપણને કરાવી. આપણે આ મહોત્સવમાં પણ ચારે કોર જે સૂત્રો મૂક્યા છે એમાં મૂર્તિ, મૂર્તિ, મૂર્તિ જ છે જુઓ. કેવું મનન કરાવી દે છે!
બાપાશ્રીએ બાળ-અવસ્થામાંથી પ્રૌઢાવસ્થામાં જવાનું કહ્યું એ આચરણથી બતાવ્યું કે જો હું આચરણ નહિ કરું તો આ શબ્દોનો સ્પર્શ નહિ થાય. બાપાશ્રી નાનપણમાં રમતો રમતા તો સૌથી પહેલા આવે અને બાળકો એમ પૂછે કે બાપા! આવી રમત તમે કોની પાસે શીખ્યા? તો કહે કે મહારાજ ભગવાન સ્વામિનારાયણે મને શીખવી અને એને લીધે એમને હું ભેળા રાખું છું તો બધી જ ક્રિયાઓમાં મારો પ્રથમ નંબર આવે છે. જો તમે પણ મહારાજની મૂર્તિને ભેળી રાખો તો તમે પણ મારા જેવા જ પ્રથમ થઈ જાવ. તો બાળપણથી માંડીને એમણે શું શીખવી દીધું? મહારાજની મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ. આ મૂર્તિ જો એકવાર પ્રાપ્ત થઈ જાય, એ મૂર્તિના દિવ્ય દર્શનની ઝાંખી થઈ જાય તો સારા ય જગતોના સુખ એક ક્ષણવારમાં ખારાં થઈ જાય. આપણે બધાએ આ મૂર્તિના આશીર્વાદ ઝીલ્યા છે, સૌ એ મૂર્તિનું અનુસંધાન રાખે છે, છતાં પણ આપણે મહારાજને અને બાપાશ્રીને પ્રાર્થના કરીએ કે આપણને જે શીખવ્યું તેવું નિરંતર પળેપળ મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ રહે.
બાપાશ્રીએ આ મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ રહે એટલા માટે બે ગ્રંથ આપ્યા. બાપાને મોકલનાર ભગવાન સ્વામિનારાયણ હતા. એમણે જોયું કે ભગવાન સ્વામિનારાયણની વાણી સમજાવવા માટે નહિ-ભણેલાં, ઓછું-ભણેલાં બધા જ સમજી શકે એવી ભાષા જો હું વાપરીશ તો જ આ ભગવાન સ્વામિનારાયણનું આદર્શ તત્વજ્ઞાન ખૂણે ખૂણે પહોંચશે. વિદ્વતાથી ભરેલાં ગ્રંથો જો નહિ-ભણેલાં આપણા ભારતવાસીઓ પાસે મૂકીએ તો લેટીન ને ગ્રીક જેવું લાગે અને બાપાશ્રીની વાણી મૂકો તો પુસ્તક હેઠુંય નહિ મૂકે. વચનામૃત રહસ્યાર્થ વાંચે તો ભગવાન સ્વામિનારાયણના ગૂઢ રહસ્યો ઉકેલાય. કેટલી સરળ ભાષામાં! ભારતની તમામ લાઈબ્રેરીઓમાં બતાવો કે એકે ય પુસ્તક એવું છે કે જેમાં આટલી સરળ ભાષામાં સર્વોપરી આદર્શ તત્વજ્ઞાન સમજાવ્યું હોય. નથી સમજાવ્યું.
સ્વામિનારાયણ ભગવાનનું આ આદર્શ તત્વજ્ઞાન જે દિવ્યસ્વરૂપ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીએ મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ વડે સમજાવ્યું તે જો આપણે દરેકને દાસભાવે, ખૂબ વિનમ્ર થઈને, સાચી વિનમ્રતા કેળવીને, અંદરની મોટાઈ કેળવીને, મૂર્તિમાં રાખ્યા છે એવું સતત અનુસંધાન રાખીને જો એ સમજાવશું, તો દરેકને સ્પર્શ કરશે. પણ ખાલી વિદ્વતાથી કે બોલવાથી કોઈ વાત જીવને સ્પર્શ કરતી નથી. બાપાશ્રીના જીવનમાં બાપાશ્રીએ પોતાના જીવન દ્વારા બતાવ્યું કે ભાઈ! વાણી અને વર્તનનો સુમેળ હોવો જોઈએ. સાદાઈ તે માત્ર બાહ્ય સાદાઈ નહિ, બાહ્ય સાદાઈ સાથે આંતરિક સાદાઈ કેળવો. સાદાઈ શું? સ્વચ્છતા. જેમાં તમોગુણ અને રજોગુણના ભાવ નથી એ સાદાઈ. ત્યારે અંતરની સાદાઈ ક્યારે કહેવાય? કે જ્યારે અંતરના તમામ ઘાટ-સંકલ્પો અને અંતઃશત્રુઓ નાશ પામી જાય ત્યારે.
બાપાશ્રીનું સાર્મથ્ય તો સહુ કોઈ જાણતું થઈ ગયું છે. પુસ્તકોમાં પણ લખ્યું છે. ભૂજના મંદિરમાં જાઓ કે વડતાલના મંદિરમાં જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં એમ કહ્યું છે કે બાપાનું સાર્મથ્ય આવડું મોટું હતું- ભલે બાપાશ્રીએ સમજાવેલી વાત એમને ત્યાં પહોંચી ન હોય એવું બને. પણ સારુંયે જગત બસ મૂર્તિ, મૂર્તિ અને મૂર્તિ જ કરશે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે હજી તો પાંદડે પાંદડે ભજન થશે સ્વામિનારાયણ ભગવાનનું. બાપાશ્રીએ કહ્યું કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, મૂર્તિ, મૂર્તિ જ દરેકના હૃદયમાં થશે ત્યારે બધા ખરી શાંતિ પામશે. અને આપણે આ મૂર્તિ, મૂર્તિ અને મૂર્તિ વડે જ સુખિયા છીએ.
તેમાં જુઓને વિદેશથી લાખો રૂપિયા ખર્ચીને આ મહામુક્તો અહીં લાભ લેવા પધાર્યા. નહિતર આવી શકાય? બાવીસ-બાવીસ કલાકની મુસાફરી. ધન્યવાદ છે એ વિદેશી મહાનુભાવોને. અરે! ગામડાના હરિભક્તો જેને માન-અપમાનની કોઈ પડી નથી અને જેને દિવ્ય સુખ જ જોઈએ છે એને સૌથી પ્રથમ ધન્યવાદ અને અભિનંદન ઘટે છે, અને મસ્તક નમી પડે છે. જુઓ, એ ધૂળમાં પણ સૂઈ રહે, ગમે ત્યાં સૂઈ રહે, એને કોઈ બોલાવે કે ન બોલાવે. એ મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિનું પદ અંતરમાં ઝીલવા માટે પધાર્યા છે. એમ બીજા જે મુક્તો છે એ પણ આ જ દૃષ્ટિથી પધાર્યા છે. એમના હૈયામાં પણ ભગવાન સ્વામિનારાયણની જ મૂર્તિ છે. અહીંયા સૌ એકાંતિક બ્રહ્મનિષ્ઠ સંતો છે એમાં પણ સાક્ષાત્ ભગવાન બિરાજે છે.
મૂર્તિ ઉપર તો હજી કલાક બોલી શકાય તો ય ઓછું. એનો મનન ને નિદિધ્યાસ કરીને વિરામ કરીએ. આપણને બધાયને મહારાજે મૂર્તિમાં રાખ્યા છે એ હકીકત છે. એવો દિવ્ય ભાવ જેણે સત્સંગને ને ભગવાન સ્વામિનારાયણને ઓળખ્યા હોય એને વિષે તો થવો જોઈએને? ભલે એમને સ્થિતિ ન હોય. કલ્યાણ તો ભગવાન સ્વામિનારાયણને કરવાનું છે તે એ જરૂર કરશે. એના શરણે આવ્યા એને, જેનો હાથ ઝાલ્યો એને એ મૂકવાના છે? બધાયને એકસરખા સુખમાં રાખી અને આનંદ-કિલ્લોલ કરાવશે. આપણે બધાએ બાપાશ્રીનો જે આદેશ ઝીલ્યો છે એ સર્વત્ર ફેલાવાનું કામ કરવાનું. ખૂણે ખૂણે પહોંચી જઈએ. મહારાજના વખતમાં એકેએક જણને નિયમ આપવામાં આવ્યું હતું કે તમારે પાંચ જણને વર્તમાનની દીક્ષા આપવી. તો આપણે પાંચ જણ ન શોધી શકીએ કે જેને બાપાશ્રીનું જ્ઞાન હૈયામાં ઊતરી જાય? આપણે એવા જ બળીયા છીએ. તો શા માટે બાપાશ્રીની વાણી બીજાને પહોંચે એવું ન કરવું? આટલું બોલી અને આ દિવ્ય સભાનો રાજીપો ઇચ્છીને અને બાપાશ્રીનો આ સંદેશ બસ મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ એવું અખંડ વર્તે એવા રૂડા આશીર્વાદ યાચી વિરમું છું.
સારાંશ
ભગવાન સ્વામિનારાયણના આદર્શ તત્વજ્ઞાનના ગૂઢ રહસ્યો સમજાવવા મહારાજે બાપાશ્રીને મોકલ્યા હતા. દરેક જીવે છેલ્લે મૂર્તિમાં સમાવાનું છે. જપ-તપ-ધ્યાન-ધારણા બધું કરતા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અનુસંધાન સળંગ રહે તે વિશેષ છે. બધી ક્રિયામાં મહારાજની મૂર્તિ સંભારવી તો ક્રિયા બધી સરસ થાય. એવી રીતે ક્રિયા કરવાનો અભ્યાસ કરવો જોઈએ. એ કરીએ ત્યારે આશીર્વાદ ઝીલ્યા કહેવાય.
મહારાજ અને તેમના અનાદિમુક્ત સદાય સાથે જ છે. અનાદિમુક્ત પોતાના વર્તન દ્વારા જીવોને શીખવે છે. મહારાજના દિવ્ય સુખના દર્શનની એક વાર ઝાંખી થઈ જાય તો જગતના બધા સુખ ક્ષણવારમાં ખારા થઈ જાય.
મહારાજે બાપાને પૃથ્વી ઉપર મોકલ્યા અને બાપાએ મહારાજના ગૂઢ રહસ્યસમ વચનામૃતોને સાવ સરળ ભાષામાં મૂક્યા. જેથી ઓછું ભણેલા પણ તરત સમજી શકે એટલી સરળ ભાષા.
બાપાએ શીખવ્યું કે વાણી અને વર્તનનો સુમેળ હોવો જોઈએ.
ધીમે-ધીમે પાંદડે-પાંદડે સ્વામિનારાયણ નામ ગુંજશે. મહારાજે આપણને બધાને મૂર્તિમાં રાખ્યા છે તે વાત હંમેશાં યાદ રાખવી. અત્યારે સ્થિતિ ન હોય, પણ અંતે ભગવાન દરેકનું કલ્યાણ કરશે જ એમ ધારી દરેક પ્રત્યે ભાવ રાખવો. બાપાશ્રીએ સમજાવેલ જ્ઞાન બને તેટલા વધારે જણ સમજી શકે તેવા આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ.