10
પરમ પૂજ્ય બાપાશ્રીએ છેલ્લા જન્મના આશીર્વાદ આપણને પાઠવ્યા એથી શું વિશેષ જોઈએ? પરમ કૃપાળુ બાપાશ્રી કેવળ સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી જ માનવજાતના સર્વોત્તમ ઉદ્ધાર માટે પ્રગટ થયા. એમનું પ્રાગટ્ય અન્ય જીવોના કલ્યાણ કરવા માટે જ મુખ્ય હતું. પરંતુ જીવોને ઉત્તરોત્તર વિકસાવી પરમપદના અધિકારી બનાવાય તે પહેલાં તેમણે પોતાના જીવન દ્વારા બતાવ્યું. પોતાના બાળચરિત્રોથી બાળકોને પણ સૂચવ્યું કે કોઈ પણ પ્રવૃત્તિ કરતાં કરતાં ભગવાનનું અનુસંધાન રાખવું. બાપાશ્રી બાળકો સાથે રમતો રમતા ત્યારે તેઓ પ્રથમ આવતા ત્યારે બાળકો એમ પૂછતા કે, "બાપાશ્રી! તમારી જેવું રમતાં અમને નથી આવડતું એનું શું કારણ? તમે બધી જ રમતોમાં પ્રથમ આવો છો." ત્યારે બાપા એમ બોલે કે તમે મહારાજને સાથે રાખીને રમતા નથી એટલા માટે તમે પ્રથમ આવતા નથી. અને અમે ભગવાનને ભેળા રાખીને બધું કામ કરીએ છીએ. ત્યારથી બાળકો પણ 'જય સ્વામિનારાયણ' એમ ભગવાનની સ્મૃતિ કરીને હંમેશાં રમતા. બાપા ખૂબ રાજી થતા. બાપાએ આ રીતે મૂર્તિનું અનુસંધાન બાળપણથી જ બધાને રખાવવા માંડ્યું હતું.
જેમ જેમ બાપાશ્રી વધારે ને વધારે વયમાં વૃદ્ધિ પામવા લાગ્યા, તેમ તેમ વધુ ને વધુ સમાસ કરાવવા માંડ્યો. જે શ્રમજીવીઓ છે તે શ્રમજીવીઓનું કામ બાપાશ્રીએ પોતે જાતે કરી બતાવ્યું અને પોતાના જીવન દ્વારા બતાવ્યું કે કોઈ કામ હલકું-નીચું નથી, બધું જ ભગવાને સોંપેલું કાર્ય છે. એટલે તેમણે જીવનમાં પોતાની રોજી કમાવાને માટે રેંકડો પણ ચલાવ્યો છે. ભગવાન આવું કામ કરે, ભગવાનના અવતારો આવું કામ કરે. કારણ કે તેઓ પોતાના આચરણ દ્વારા જ દરેકને શીખવે છે. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો પણ શ્રમ અને પુરુષાર્થ જોઈએ તે તેમણે કર્યું.
બાપાશ્રીએ મુખ્યત્ત્વે ત્રણ જબરજસ્ત બાબતો વિશ્વ સમક્ષ મૂકી અને સમજાવીઃ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરી આદર્શ તત્વજ્ઞાનઃ બીજું, પરમપદ- પરમ સાધર્મ્યપણું જેનો અનાદિમુક્તો મૂર્તિમાં રહીને અનુભવ કરે છે એ અનાદિમુક્તની સ્થિતિ; ત્રીજું, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીતા.
સર્વોપરી નિશ્ચય એટલે માત્ર એટલું જ નહિ કે ભગવાન સ્વામિનારાયણ સર્વેથી પર છે. તેમણે એમ કહ્યું કે એ ભગવાનને સર્વોપરી ક્યારે માન્યા કહેવાય? કે જ્યારે ભગવાનની દિવ્ય વાણી અનુસાર આપણું જીવન બને, એ પ્રમાણે વર્તન થાય. એના ઉપર ખૂબ ભાર મૂક્યો. ભગવાન સ્વામિનારાયણના પાંચ મહાવ્રતો -પંચ વર્તમાન જેને કહે છે- તેનું પાલન મહાન મોટા સંતો કે ત્યાગીઓ પણ ન કરી શકે એવું અણીશુદ્ધ વર્તન બાપાશ્રીએ પોતાના જીવન દરમ્યાન કરી બતાવ્યું.
અનાદિમુક્તની સ્થિતિનો અર્થ એ છે કે ભગવાન સર્વોપરી પરમાત્માના સ્વરૂપમાં રસબસ જોડાઈ જવાનો જે યોગ છે એને અનાદિમુક્તની સ્થિતિ કહે છે. અનાદિનો અર્થ એ છે કે આમ હતો અને આમ થયો એમ નહિ; સદાય આમ છું, પુરુષોત્તમરૂપ છું એવું લક્ષ્યાર્થ થાય તેનું નામ અનાદિમુક્તની સ્થિતિ. બાપાશ્રીએ પોતાના પ્રભાવથી, પોતાની દિવ્ય શક્તિથી અનેકને એ સ્થિતિના અધિકારી બનાવી દીધા અને મૂર્તિનું સુખ ભોગવતા કરી દીધા. બાળકોને અને વિદ્યાર્થીઓને એમ કહ્યું કે તમે અભ્યાસ ભલે સુખેથી કરો, બધી પ્રવૃત્તિ કરો, પણ એ બધી પ્રવૃત્તિમાં મહારાજનું અનુસંધાન રાખજો. અનુસંધાનનો અર્થ એ છે કે ભગવાનને અંતર્યામીપણે જાણવા કે હું જે કંઈ કરું છું તે ભગવાનની આજ્ઞા મુજબ કરું છું કે કેમ? ભગવાન રાજી થાય તેમ કરું છું કે કેમ? હું એકે એક ક્રિયા કરું એ ભગવાનને ગમશે કે કેમ? એવી સ્મૃતિ સ્વરૂપ સાથે રાખવી એનું નામ અનુસંધાન રાખ્યું કહેવાય. સ્વરૂપ મુખ્ય છે, પણ એ સ્વરૂપ રાખીએ ત્યારે આ વાત નહિ ભૂલવી જોઈએ. માત્ર સ્વરૂપનું અનુસંધાન યાંત્રિક રીતે રાખવાથી એ દિવ્ય સ્થિતિને પમાતું નથી. દિવ્ય સ્થિતિને પામવાને માટે જે ભગવાનની આજ્ઞારૂપ થઈને, ભગવાનના કલ્યાણકારી ગુણો કેળવીને ભગવાનના સ્વરૂપમાં જોડાય છે તેમને જ અનાદિમુક્તની સ્થિતિ થાય છે.
જેમ કોઈ મહાન ચક્રવર્તી રાજા ગાદી ઉપરબેસે અને અનેક કેદીઓને મુક્ત કરી મૂકે એમ શ્રીજીમહારાજના મુક્તાવતાર પરમ પૂજ્ય અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીના આ દિવ્ય પ્રસંગે શ્રીજીમહારાજ ઉપસ્થિત થયેલા સૌ ઉપર તેમજ જેઓ દેહની કોઈ અનિવાર્ય પ્રકૃતિને લીધે નહિ આવી શક્યા હોય, પણ (આવવાની) તાણ રહી હોય એવા સૌ ઉપર છેલ્લા જન્મની જરૂર કૃપા કરશે. આ કૃપાવર્ષાથી આપણા અવયવો કુદરતી રીતે ફરી જાય છે. આપણા સ્વભાવ-કર્મ બદલાઈ જાય છે, સ્વભાવ-કર્મ નાશ થઈ જાય છે. આવા પ્રસંગે હંમેશાં બધું જ માન મૂકીને ગમે તેવા નીચા આસને પણ બેસવું. ગમે ત્યાં રહ્યા થકા આપણે મૂર્તિમાં જ બેઠા છીએ. ઊંચું આસન હોય કે નીચું આસન હોય, બધું જ આસન ઊચું જ છે. કારણ કે મહારાજે આપણને એના સ્વરૂપમાં રાખ્યા એવા આશીર્વાદ આપી દીધા. એથી વિશેષ શું? ત્યારે આનું અનુસંધાન જો સતત રહે તો આવો અભ્યાસ કરતાં કરતાં અને આ આશીર્વાદના પ્રભાવથી અને અનાદિમુક્તના જોગથી અનાદિમુક્તની સ્થિતિ થાય.
અત્યારે ભૌતિકવાદ ખૂબ કૂદકે ને ભૂસકે આગળ વધે છે અને તેમાં પ્રભુની સ્મૃતિ ભૂલાઈ ગઈ છે, લોકો ભૌતિક સિદ્ધિ માટે દોડાદોડ કરે છે, પરંતુ અંતે એને અનુભવ એવો થાય છે કે શાંતિ મળતી નથી. આખું વિશ્વ શાંતિની શોધમાં ફરે છે. તો અનાદિમુક્તના આવા પ્રસંગે શાંતિ મળે.
સચ્ચિદાનંદ સ્વામીએ એમ કહ્યું કે મહારાજ! શાંતિનો ઉપાય બતાવો. તો કહે હું ઉપાય બતાવું તે કરશો? જરૂર, મહારાજ કરીશ. તો કહે જુઓ, અમારા મુક્ત પર્વતભાઈ છે. એમના ઘરના નળિયાનું તમે ધ્યાન કરો. તો સચ્ચિદાનંદ સ્વામી કહે મહારાજ! તમારી મૂર્તિ મૂકીને, તમારું સ્વરૂપ મૂકીને આ નળિયાનું ધ્યાન કરવાનું કેમ કહો છો? મહારાજ કહે કે તો ભલે, અમારા સ્વરૂપનું ધ્યાન કરો. એટલે સ્વામીએ છ મહિના સુધી ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવાનો પ્રયત્ન કર્યો, પણ અંતરમાં શાંતિ ન થઈ. ભગવાનનું સ્વરૂપ જ દેખાય નહિ. ફરીને મહારાજને પૂછયું. ત્યારે મહારાજ બોલ્યા કે સ્વામી! મેં તમને કહ્યું હતુંને કે પર્વતભાઈના નળિયાનું ધ્યાન કરો. ત્યાં જાવ, નળિયા નીરખીને પછી તેનું ધ્યાન કરો તો તમને શાંતિ થઈ જશે.
પછી સચ્ચિદાનંદ સ્વામી અગતરાઈ જાય છે. ત્યાં પર્વતભાઈ તુંબરું જેવા ભક્ત હતા દાસત્વભાવવાળા. ત્યારે પર્વતભાઈએ પૂછયું તો કહે હું આપના દર્શન કરવા માટે આવ્યો છું. પર્વતભાઈ તો દર્શન કરવા લાગ્યા કે તમે તો સંત છો, હું તો તમારો ગૃહસ્થ દાસ છું. તો સ્વામી કહે ના, મને આપના નિવાસસ્થાને લઈ જાવ. નિવાસસ્થાને લઈ ગયા તો સ્વામી તો નળિયા નીરખવા લાગ્યા. જેમ જેમ નિરીક્ષણ કરતા ગયા, તેમ તેમ અંદર ને અંદર ઊતરતા ગયા. પછી આંખો મીંચીને ધ્યાન કર્યું તો શાંતિ થઈ ગઈ. નળિયાને બદલે મહારાજનું સ્વરૂપ દેખાવા લાગ્યું. પછી મહારાજ પાસે જઈને બેઠા. મહારાજે પૂછયું કે શાંતિ થઈ? સ્વામીએ કહ્યું કે મહારાજ! પૂરી શાંતિ થઈ. આનું રહસ્ય તો સમજાવો? મહારાજ કહે, "આ પર્વતભાઈ અમારી મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત છે. તેઓ અમારા સંકલ્પથી અમારી સાથે આવ્યા છે. એમણે અમારી મૂર્તિ સિવાય કંઈ જોયું નથી. એમનું નિવાસસ્થાન એમને લીધે દિવ્ય થઈ ગયું છે. એ દિવ્યતા એમાંથી નીકળે છે." આ રીતે મહિમા સમજાવ્યો કે ભગવાનના આવા મહામુક્તો જ્યાં જ્યાં વિચરે છે ત્યાં બધી જ વસ્તુઓ દિવ્ય થઈ જાય છે અને એ દિવ્ય વસ્તુઓ જ્યારે આપણને સ્પર્શ કરે છે, ત્યારે અંતરના બધા સંકલ્પો શાંત થઈ જાય છે. એ રીતે મહારાજના અનાદિમુક્તનો મહિમા સમજાવ્યો.
આ કચ્છ પ્રદેશ તો ગરીબ હતો, આર્થિક વ્યવહાર દુર્બળ હતો. એ બધાયને ભગવાનની વાણી જીવનમાં ઉતારવા માટે, એ ધર્મને જીવનમાં ઉતારવાને માટે બાપાશ્રીએ ખૂબ દૃઢતા કરાવી. અને અત્યારે જોઈ શકો છો કે આ આખો કચ્છ પ્રદેશ સુખી છે. ભલે એ સૂકો પ્રદેશ છે, પણ આજે બધા સુખી છે એનું કારણ આ અનાદિ મહામુક્તરાજ અબજીબાપાના આશીર્વાદ, એમનો દિવ્ય પ્રભાવ, અહીં બધા ઉપર અમૃત નજર. ભારતે કેટલાં વર્ષ દુકાળ ભોગવ્યો? પરંતુ તમે જોઈ શકો છો કે આ વર્ષે એટલો અનહદ વરસાદ વરસાવ્યો કે હવે બે-ત્રણ વર્ષ સુધી પણ દુકાળની ભીતિ નહિ રહે એટલું પાણી વરસાવ્યું. તે અમુક જ ભાગમાં નહિ, પણ સર્વત્ર સમસ્ત ભારત ઉપર વરસાવી બધાને ભીના કરી મૂક્યા; તે માત્ર વરસાદથી ભીના નહિ, પણ બ્રહ્મભીના પણ કરી દીધા.
પ્લેગ આવ્યો, શું કામ આવ્યો? કે ભારત ગંદુ હતું. એ ગંદકી દૂર કરવાને માટે પ્લેગ મૂક્યો, એ સિવાય કોઈ રસ્તો જ નહિ. અને ગામો ગામ બધાય ગંદકી ઉપાડવા માંડ્યા, દરેકે પ્લેગની બીકને લીધે પોતાના ઘર સ્વચ્છ કરી નાખ્યા. અને જેવું વાતાવરણ શુદ્ધ થયું કે તરત જ પ્લેગ જતો રહ્યો. જુઓ, કેટલી ઝડપથી જતો રહ્યો? આ મહોત્સવ આવ્યા પહેલાં જતો રહ્યો? બધા વિચાર કરતા હતા કે આ પ્લેગને લીધે મહોત્સવમાં કેવી રીતે જઈશું? મને કોઈએ પૂછ્યું કે તમે જશો? મેં કીધું હા, હું તો પહેલો જઈશ, અને જે કોઈ અહીં આવશે એને શ્રીજીમહારાજ પ્લેગ નહિ થવા દે અને આ લાભ ચૂકવો નહિ. ત્યાર પછી જુઓ અત્યારે કચ્છમાં માખીઓ અને મચ્છરનો ત્રાસ હોય, તો અત્યારે અહીં માખી-મચ્છર એકેય જોવા મળે છે? એ માખી મચ્છર ક્યાં ગયા? અહીં ક્યાં દવાઓ છાંટી છે? આ મહોત્સવને લીધે બાપાએ આવડા મોટા આખાય જગતને પ્રતીતિ કરાવવા એવું કર્યું. કચ્છના એ મહાન સંત અબજીબાપાશ્રીનું પ્રાગટ્ય થયું તો બોલ્યા વગર આ બધું જ કામ કરે. ત્યારે બાપાનું જે આ પ્રાગટ્ય ત્રણ બાબતો માટે છે એ વસ્તુ જ્યાં સુધી સિદ્ધ ન કરીએ, ત્યાં સુધી આપણે આપણું કામ પૂરું કર્યું ન કહેવાય.
આપણને છેલ્લા જન્મના આશીર્વાદ મળી ગયા, હવે શા માટે ચિંતા રાખવી? ફરીથી શ્રીજીમહારાજ, તેમના અનાદિમુક્તો અને આ દિવ્ય સભાને કોટાનકોટી વંદન કરી, તેમનો રાજીપો ઇચ્છી વિરમું છું.
સારાંશ
બાપાશ્રી જીવોના કલ્યાણ કરવા પધાર્યા હતા. તેઓએ પોતાના જીવન દ્વારા આપણને જીવન જીવતાં શીખવ્યું. અને મહારાજ ઓળખાવ્યા. અનાદિમુક્ત કોને કહેવાય તે સમજાવ્યું. તેમણે શીખવ્યું કે દરેક ક્રિયામાં, રમતમાં પણ ભગવાનને સદાય સાથે રાખવા. દરેક કામ ભગવાનનું સોંપેલું છે તેમ માની કરવું. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો પણ શ્રમ-પુરુષાર્થ આવશ્યક છે.
ભગવાનને સદાય સાથે રાખી ભગવાનને ગમે તે કરવું, ન ગમે તે ન કરવું. ઉત્સવ-સમૈયામાં મહારાજ તથા તેમના અનાદિમુક્ત રાજી થઈ કૃપાવર્ષા કરે છે. એવા સમૈયામાં આસન માટે કે બીજા કોઈ માટે પણ માન રાખવું નહિ. મહારાજના અનાદિમુક્ત જ્યાં વિચરે તે સર્વે દિવ્ય થઈ જાય છે. તે વસ્તુઓનો આપણે સ્પર્શ કરીએ તો અંતરના બધા સંકલ્પો શાંત થઈ જાય છે.