૧૦. અહિંસાનો બોધ
સહજાનંદજીએ શાસ્ત્રોનાં વચનો દ્વારા અહિંસામય યજ્ઞનું પ્રતિપાદન કર્યું. શાસ્ત્રમાં 'अजेन यजेत |' એમ જે કહેલું છે તેનો અર્થ એ નથી કે બકરાની હિંસા યજ્ઞમાં કરવી. 'અજ' એટલે જૂની ડાંગર, તેનો યજ્ઞમાં ઉપયોગ કરવો એમ સાચો અર્થ સમજાવી યજ્ઞોમાં થતી પશુહિંસા અટકાવી અને અહિંસક બ્રહ્મયજ્ઞો શરૂ કરાવીને જીવોને આત્મા-પરમાત્માનો સંબંધ કરાવ્યો.
ધર્મકાર્યમાં હિંસા ન હોઈ શકે; એટલું જ નહિ, પરંતુ સમાજની હર કોઈ પ્રવૃત્તિમાં હિંસાનો આશ્રય લેવાય તે અધર્મ છે એમ ઠરાવી, સહજાનંદજીએ જગતને અહિંસાનો સર્વોત્તમ માર્ગ ચીંધ્યો.
એ વખતના મુંબઈના ગવર્નર સર જોન માલ્કમ સાથે વાતચીત કરીને ગૌવધબંધી કરાવી તથા ઢોરોનું રક્ષણ કર્યું.