નિવેદન

0:000:00

ભગવાન શ્રી સ્વામિનારાયણની અનંત દિવ્ય લીલાઓ અને સર્વજીવહિતાવહ સામાજિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, આપણને ઉચ્ચ પ્રકારની માનવતા, સેવા, સમાજસુધારણા અને પ્રેમભક્તિના ગુણોનું સિંચન કરનારી, તેમ જ નાસ્તિકતાના ગાઢ તિમિરને ભેદી પરબ્રહ્મ પરમાત્માના પ્રકાશને પમાડે તેવી ચમત્કારી ને સમર્થ છે. તેનું સતત મનન-ચિંતન સમગ્રપણે આપણું રૂપાંતર કરી આપણને સંસ્કારી, સદાચારી અને સાચા અર્થમાં સત્સંગી બનાવશે એ નિર્વિવાદ છે. આ હેતુને લક્ષમાં રાખી અ. મુ. શ્રી નારાયણભાઈ ઠક્કરે આ પુસ્તિકા તૈયાર કરેલ છે.

અંધશ્રધ્ધા, કુરીતિઓ, પ્રલોભનો, વહેમો અને ધર્મમાં પ્રવેશેલી ગેરસમજણથી સમાજનું વાતાવરણ જ્યારે દૂષિત ને કલુષિત થઈ રહ્યું હતું, ત્યારે ક્રાંતિકારી અવતારી મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણે મનુષ્યસ્વરૂપે પ્રગટ થઈ, જીવોને અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર લાવી પ્રકાશમાં આણ્યા. મનુષ્યોમાં સાર-અસાર તથા સાચા-ખોટાનો વિવેક સમજવાની દૃષ્ટિ અને શક્તિ પેદા કરી. આ કાર્ય તેમણે અનેક લોકોના જીવન સાથે એકરૂપ થઈને, કર્યું. લોકો સદાચાર સમજ્યા; ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિનાં મૂલ્યો સમજ્યા ને તેમના વર્તનમાં એ ઉતારીને સાચા માનવ બન્યા.

વર્તમાન સમયે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના સમન્વયકારી, સર્વમાન્ય ધર્મની સ્વચ્છ અને ઉન્નત નીતિરીતિની પાવનકારી જ્યોત વિશ્વભરમાં પ્રકાશિત થઈ રહી છે. સર્વત્ર સ્વામિનારાયણ ભગવાનનો દિવ્ય સંદેશ માનવજાતના આત્માને ઢંઢોળીને જાગ્રત કરી રહ્યો છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન-કવનનો તાત્ત્વિક રીતે અભ્યાસ કરવો એ આધ્યાત્મિક પિપાસાવાળી દરેક વ્યક્તિ માટે આવશ્યક ને અનિવાર્ય છે. દરેક વ્યકિત આમ કરવા પ્રેરાય એ માટે સંક્ષિપ્તમાં સ્વામિનારાયણ ભગવાનના જીવનનાં જુદાં જુદાં સામાજિક ને આધ્યાત્મિક પાસાઓ ઉપસાવીને તેમના અવતારી કાર્યની અનેકવિધ દૃષ્ટિએ આ પુસ્તિકામાં રજૂઆત કરી છે. આ પુસ્તિકા એ દિશામાં સર્વને ઉપયોગી ને ફળદાયી નીવડે એવી મહાપ્રભુને પ્રાર્થના.

સં. 2055

16 ફેબ્રુઆરી 1999

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન અમદાવાદ