૨. શ્રી સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ

0:000:00

જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે દરેક યુગમાં પરમાત્મા અધર્મના વિનાશાર્થે અને ધર્મનું સ્થાપન કરવા અવતાર ધારણ કરે છે. શ્રી સ્વામિનારાયણના પ્રાદુર્ભાવ પૂર્વે લાંબા સમયથી ધર્મનો લોપ થતો આવ્યો હતો. દેશભરમાં અંધાધૂંધી, અરાજકતા, ધાડો, લૂંટફાટો, ખૂનરેજી વગેરે થતાં હતાં. તામસ યજ્ઞોનું સેવન કરાતું હતું. કુંડાપન્થ, કૌલ, શાક્ત, વામમાર્ગ, શુષ્કવેદાંત પ્રચલિત હતાં. આસુરી સંપત્તિને પોષણ મળે એવું આચરણ ચારેકોર નજરે પડતું હતું. વૈષ્ણવ સંપ્રદાય કેટલેક અંશે શિથિલતાને પામ્યો હતો.

આવા વિષમકાળમાં સંવત 1837ના ચૈત્ર માસની શુકલ નોમ, તા. 2-4-1781ને દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે અયોધ્યા પાસે આવેલા ગામ છપૈયાપુરને વિષે, શ્રી ધર્મદેવ તથા ભક્તિમાતાને ત્યાં અવતાર ધારણ કર્યો. તેમના પિતાનું મૂળ નામ તો હરિપ્રસાદ હતું; પરંતુ તેમનામાં ધર્મના ગુણો વિશેષ હોવાથી તે 'ધર્મદેવ' તરીકે ઓળખાતા. તેમનાં માતાનું નામ પ્રેમવતી હતું. તેમનામાં પ્રધાનતઃ ભક્તિના ગુણો હોવાથી સૌ તેમને 'ભક્તિમાતા'ના નામથી સંબોધતા.

શ્રી સ્વામિનારાયણ પ્રગટ થયા તે અગાઉ કેટલાક મુક્ત પુરુષો અવતરી ચૂક્યા હતા, જેમણે પાછળથી શ્રી સ્વામિનારાયણના આશ્રિત થઈ તેમની સામાજિક ને ધાર્મિક ક્રાંતિના કાર્યમાં બહુ મોટો ફાળો આપ્યો હતો. સૂર્યોદય થતાં જેમ દિશાઓ પ્રકાશવા લાગે, તેમ પ્રભુના પ્રાકટ્યથી એ બધાંમાં અલૌકિક પ્રભા ખીલી ઊઠી; કોઈને દિવ્ય સ્વરૂપનાં દર્શન થવા લાગ્યાં; કેટલાંકની સંસારની વાસનાઓ તૂટી જઈ, વૈરાગ્યવૃત્તિ ઉત્પન્ન થઈ; સામાન્ય જનોમાં મુમુક્ષુતા જાગ્રત થવા લાગી. પ્રભુના પ્રાદુર્ભાવની આવી વિલક્ષણતા જણાવા લાગી.

શ્રી સ્વામિનારાયણનું અવતારી પ્રાકટ્ય મહાન સંક્રાંતિને સમયે જ થયું. ઇસુ ખ્રિસ્તની આ અઢારમી સદીમાં બીજી મહાન વ્યક્તિઓ પણ પ્રગટ થઈ. ગુજરાત, કચ્છ તથા કાઠિયાવાડમાં ધીરો, ભોજો, રણછોડ, લાલો વગેરે ભક્તો આ સમયે હતા. દયારામ કવિ તથા રાજા રામમોહનરૉય જેવા કવિ અને સમર્થ ચિંતકો પણ આ સમયમાં થયા. આ એ જ સદી હતી કે જેમાં હિંદભરમાં મોટામાં મોટી સામાજિક, ધાર્મિક અને રાજકીય ક્રાંતિનો ઇતિહાસ સજાર્યો. એ ક્રાંતિનો ઇતિહાસ સર્જવામાં શ્રી સ્વામિનારાયણનો ફાળો સૌથી મોટો હતો.