૨૫. આત્મહત્યા ન કરવી

ધોરણ બારમાની પરીક્ષાનું પરિણામ બહાર પડ્યું. હર્ષદ અને પરાગ ખૂબ સારા ગુણે પાસ થયા હતા. તેમનો મિત્ર જટો પણ ઠીક ઠીક સારા ગુણ મેળવી શક્યો હતો.

પરાગના ઘરનાં ખૂબ આનંદમાં હતાં. સંતુ દાદાએ એને પાસે બોલાવીને આશીર્વાદ આપ્યા હતા. સૌએ આ પ્રસંગ ઉજવવા પરાગના મિત્રોની મંડળીને આમંત્રી હતી. બધાં ખૂબ આનંદ ઉલ્લાસમાં હતાં.

તેવામાં પોસ્ટમેન તાર લઈને આવ્યો. તાર પરાગના નામનો હતો. અભિનંદનનો તાર સમજી પરાગે તે હોંશે હોંશે હાથમાં લીધો ને ફોડ્યો.

પણ તારના શબ્દો પર નજર પડતાં જ તે ચમક્યો. તાર મુંબઈથી જિમુતના પિતાએ કર્યો હતો, અને એમાં માત્ર આટલા શબ્દો હતા: 'પરાગ, તું એકદમ આવ!'

પરાગે તાર પોતાના પિતાના હાથમાં મૂક્યો. પિતાને કંઈક અનિષ્ટની આશંકા થઈ, પણ શું અનિષ્ટ હશે તે તેમની કલ્પનામાં આવ્યું નહિ. તેમણે કહ્યું: 'ભાઈ, વહેલી તકે જા, તારા કાકા કંઈ તકલીફમાં લાગે છે ને તને ખાસ બોલાવે છે એટલે જિમુતને લગતી જ કંઈ વાત હશે.'

એ જ દિવસે નીકળીને પરાગ મુંબઈ પહોંચી ગયો. કાકાને ઘેર પહોંચ્યો ત્યારે તેનું હૃદય અજાણ્યા ભયે ફફડતું હતું. જોયું તો કાકા એની જ રાહ જોતા બેઠા હતા. પરાગને જોઈ તે ખુશ થયા. તેઓ તરત જ પરાગને પોતાના ખાસ કમરામાં લઈ ગયા.

પરાગને ખેંચીને તેમણે પોતાની જોડે જ સોફા પર બેસાડી દીધો અને એ સાથે જ એમનો સંયમનો બંધ તૂટી ગયો: 'પરાગ, આ જિમુત--' કહેતાં કહેતાં એ રડી પડ્યા.

પરાગ વિહ્વળ બની ગયો. તે બોલ્યો: 'કાકા, શું છે જિમુતનું? વળી પાછું એણે કંઈ દેવું કર્યું છે? હજી કુસંગમાંથી એ છૂટ્યો નથી?'

કાકાએ આંખો લૂછી નાખી સ્વસ્થ થઈ કહ્યું: 'પૈસા બગડ્યા તે તો બીજા કમાઈ લેશું. નહિ તો ઓછું ખાશું-પીશું, ઓછું પહેરશું-ઓઢશું, પણ જીવતર બગડ્યું એ કેમ સુધરશે...? જિમુત પરીક્ષામાં નાપાસ થયો, તે તો થવાનો જ હતો, પણ એ જાણે જિંદગી હારી બેઠો છે! કહે છે કે આપઘાત કરીને મરી જઈશ. હું કોઈને મારું મોં દેખાડવા માગતો નથી. બે વાર ઝેરી દવા પી મરી જવાનો એણે પ્રયાસ કર્યો અને અમે એને ઉગાર્યો. અમે એને ઘરમાંથી ક્યાંય બહાર જવા દેતા નથી-- વખતે દરિયામાં જઈને પડે કે કોઈ ઊંચા મકાન પર ચડીને ભૂસકો મારે તો? ઘરનાં બધાં એની ચિંતામાં બહાવરાં રહે છે.'

આમ કાકા સાથે વાતચીત કરી લઈ પરાગે ધીમેથી જિમુતવાળા કમરામાં પ્રવેશ કર્યો. જિમુત મેજ પર માથું ઢાળી ખુરશીમાં કોકડું વળી બેઠો હતો.

પરાગે દાખલ થતાં જ કહ્યું: 'અરે, દોસ્ત જિમુત! આજે આવો ફક્કડ દિવસ છે, ને તું આમ ઘરમાં કેમ ભરાઈ રહ્યો છે? ચાલ, જરા બહાર ફરી આવીએ.'

જિમુત બાઘાની જેમ પરાગની સામે જોઈ રહ્યો.

પરાગે વહાલનો ધબ્બો મારી કહ્યું: 'ભાઈ, કેમ કંઈ બોલતો નથી?'

'મારે કોઈની સાથે બોલવું નથી. બધાં મારાં દુશ્મનો છે. દુશ્મનોની દુનિયામાં મારે રહેવું નથી. હું ચાલી જઈશ, ભાગી જઈશ, મરી જઈશ!' જિમુત બરાડ્યો.

એકદમ પરાગ હસી પડ્યો. તેણે કહ્યું: 'દુશ્મનોની દુનિયામાં તો હું પણ રહેવા નથી ઇચ્છતો.'

'તું?'

'હા, હું!'

'પણ તું મારો દુશ્મન છે, તું મને ફોસલાવવા આવ્યો છું, પણ હું એમ ફોસલાવાનો નથી. હું બધું સમજું છું, હું મૂર્ખ નથી.'

પરાગે કહ્યું: 'કોણે તને મૂર્ખ કહ્યો? તને મૂર્ખ કહેનારો જ મૂર્ખ હોવો જોઈએ! બીજાના સુખનો વિચાર કરનારો કદી મૂર્ખ હોઈ જ શકે નહિ. મેં તને હંમેશાં બીજાના સુખનો વિચાર કરતો જોયો છે. તારી પાસે પૈસા નહોતા ત્યારે પણ મેં જોયું છે કે તું બીજાના સુખ ખાતર પૈસા ઉછીના લેતો હતો. સાધારણ માણસથી આ ન બને. બીજો માણસ ત્યાં સ્વાર્થનો જ વિચાર કરે. તું એવો ક્ષુદ્ર સ્વાર્થી નથી, નથી જ, હું જાણું છું.'

'જાણે છે? એને લીધે જ તો હું આ મુસીબતમાં આવી પડ્યો છું એ તું જાણે છે?'

'જાણું છું અને એ પણ જાણું છું કે તારે તારા એ ગુણનું ગળુ ઘોંટી દેવાનું નથી, પણ એ ગુણને વિકસાવવાનો છે. તારા જેવા મોટા મનવાળો માણસ જ મોટાં કામ કરી શકે છે. તું જરૂર મોટું કામ કરશે અને જગતમાં નામ કાઢશે.'

'હું?'

'હા, તું! તું મોટાં કામ કરશે અને મોટો માણસ થશે. તારે માત્ર એવો નિર્ધાર કરવાનો છે!'

જિમુત વિચારમાં પડી ગયો. આ પહેલાં કોઈએ તેને આવી વાત કરી નહોતી.

થોડી વાર રહી જિમુતે કહ્યું: 'પરાગ, તું તો સારા ગુણે પાસ થયો છે ને? હું તો સાવ નાપાસ છું.'

એના કંઠસ્વરમાં હતાશા હતી.

પરાગે કહ્યું: 'નાપાસ ક્યાં છે? શાળાની પરીક્ષામાં ને? એ જ શું છેવટની પરીક્ષા છે? એ જ શું તારું સમગ્ર સ્વરૂપ છે? એ જ શું તારું સંપૂર્ણ કૌવત છે? અરે, આ તો દરિયામાં તરતા બરફના પહાડ જેવું છે, બહાર તો એનો જરીક જ ભાગ દેખાય. માત્ર ટોચ! આખો પહાડ તો અદૃશ્ય રહે છે. તારું કૌવત અદૃશ્ય છે, એ તું ચાહીને બહાર પ્રગટ કરશે ત્યારે જ પ્રગટ થશે. હું કહું છું, તું તારું કૌવત છુપાવીને બેઠો છે, હવે એ પ્રગટ કર! શાળાની આ પરીક્ષામાં એ ન પ્રગટ થયું તો શું થઈ ગયું? એથી શું તું આખો માણસ નંદવાઈ ગયો?'

જિમુતે કહ્યું: 'કોણ એ માનશે?'

પરાગે કહ્યું: 'કોણ નહિ માને? દુનિયા હંમેશાં કૌવતની સરાહના કરતી આવી છે, ને કરશે. તું સંકલ્પ કર કે તારે તારું કૌવત પ્રગટ કરવું છે અને એની આડે જે કંઈ વિઘ્ન આવે તેને ઓળંગી જવું છે.'

'મારામાં એટલું બળ નથી.' પરાણે બોલતો હોય તેમ જિમુતે કહ્યું.

'કોણે કહ્યું નથી? તું કંઈ સાધારણ જીવ નથી, પરમાત્માનો અંશ છે. પરમાત્માની શક્તિ એ તારી શક્તિ છે. તું એ શક્તિનો આશ્રય લે!'

જિમુતે અધીર બની કહ્યું: 'તું મારી પડખે રહેશે?'

'હું શું, પરમાત્મા તારી પડખે રહેશે!'

'તો મને તારી સાથે લઈ જા! મને અહીં ગોઠતું નથી. હું અહીંની હવાથી અકળાઈ ગયો છું.'

'ખુશીથી! એના આનંદમાં, ચાલ, આપણે બેઉ આજે સાથે જમીએ!'

એ દિવસે પરાગ ને જિમુત સાથે જમ્યા.

કાકાની રજા લઈ બીજા દિવસે પરાગ જિમુતને લઈને પોતાના ગામમાં પાછો આવી ગયો.

ફરી પાછાં પરાગના મિત્રો ને સગાંવહાલાં ઉત્સાહમાં આવી ગયાં! તેમણે પરાગના સન્માનમાં એક ઉત્સવનું આયોજન કર્યું. પરાગને તેની ખબર પડતાં તેણે તેનો વિરોધ કર્યો. તેણે કહ્યું: 'હું પાસ થયો તેનો આવો ઉત્સવ થાય તેથી જિમુતને એનું નાપાસ થયાનું દુ:ખ ઊભરી આવે અને એને શરમાવા જેવું લાગે. આજે એ મારો અતિથિ છે, અતિથિના મનમાં જરા પણ કલેશ થાય એ ઠીક નહિ. માટે તમારે આવું કંઈ કરવું નહિ!'

પણ જિમુતે જ્યારે આ જાણ્યું ત્યારે તેણે સામેથી કહ્યું કે: 'આનંદ ઉલ્લાસ કરવો જ જોઈએ. પરાગે પરીક્ષામાં મેળવેલી સિદ્ધિ અસાધારણ છે અને અસાધારણ ઘટનાને અસાધારણ ઉત્સાહથી વધાવી લેવી જોઈએ.'

એણે પોતે જ તેની આગેવાની લીધી અને ખૂબ ઉમંગ ઉત્સાહથી સૌએ આ પ્રસંગ માણ્યો.

સૌએ જોયું કે જિમુત હવે બિલકુલ સ્વાભાવિક ભાવે વર્તતો હતો.

એકવાર એને આવા ખુશ મિજાજમાં જોઈ પરાગે કહ્યું: 'ભાઈ, આવશે આજે મારી સાથે સંતનાં દર્શન કરવા?'

જિમુતે હસીને કહ્યું: 'કેમ નહિ? કુસંગનો મહિમા જોયો, હવે થોડો સત્સંગનો જોઈએ.'

બંને જણ સાંજે સંતનાં દર્શને ગયા.

સંતને પગે લાગ્યા પછી જિમુતે જ પહેલો પ્રશ્ન કર્યો: 'સ્વામી, અમારા મુંબઈમાં એક વાર વિજ્ઞાનીઓની પરિષદ થઈ હતી. તેમાં દેશ-પરદેશથી ઘણા જાણીતા વિજ્ઞાનીઓ આવ્યા હતા. તેમાં ઘણાં જોરદાર ભાષણો થયાં હતાં. તેમાં અમેરિકાથી આવેલા એક વિજ્ઞાનીએ ભારે ઊહાપોહ મચાવ્યો હતો!'

સંતે કહ્યું: 'એવું એણે શું કહ્યું હતું?'

જિમુતે કહ્યું: 'કહે કે માણસના શરીર પર માણસનો પોતાનો જ હક છે, એ શરીરને જીવતું રાખવું કે મારી નાખવું એ એની મુનસફીની વાત છે. બીજાં જાનવરો આત્મહત્યા કરી શકતાં નથી, વાઘ-સિંહ ગમે એટલા જોરાવર હોય, પણ પોતે પોતાને મારી શકતા નથી, પણ માણસ પોતાને મારી શકે છે, માટે જ એ સૃષ્ટિનાં બધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે!'

સંતે કહ્યું: 'વાહ, શી ફક્કડ દલીલ છે. જિવાડી શકે તે શ્રેષ્ઠ નહિ, પણ મારી શકે તે શ્રેષ્ઠ અને તેમાં યે જે પોતાને મારી શકે તે સર્વશ્રેષ્ઠ!'

જિમુતે કહ્યું: 'આ વિષે છાપામાં પણ લાંબી ચર્ચાઓ ચાલી હતી. કેટલાકોએ તો લેખો લખ્યા હતા કે માંદગીના કારણે કે બીજા કારણે માણસને જીવવાની ઇચ્છા ન હોય તો એને ખુશીથી આપઘાત કરવા દેવો જોઈએ; તે માટે કાયદો સુધારી માણસના જન્મજાત અધિકારોમાં આપઘાત કરવાના તેના અધિકારનો પણ સમાવેશ કરવો જોઈએ. હું જ્યારે પરીક્ષામાં નાપાસ થયો ત્યારે આવા બધા વિચારોએ મારો કબજો લીધો હતો, તેથી મારો દોષ મને દેખાયો નહિ-- મેં ભણવામાં ધ્યાન આપ્યું નહિ, અને કુસંગમાં પડી બાપના પૈસે મોજ કરતો રહ્યો એ મારો દોષ મને દેખાયો નહિ, પણ મને એ જ દેખાયું કે માબાપ મને ખોટી રીતે અપરાધી ગણે છે અને દુષ્ટ દુનિયા ખોટી રીતે મને વગોવે છે. બસ, આમાંથી છૂટવાનો એક જ ઉપાય છે-- મરી જવું. સારું થયું કે માબાપે અને ભાઈબહેને મારા પર ચાંપતી નજર રાખી--' બોલતાં બોલતાં એની આંખોમાં આંસુ આવી ગયાં.

આંસુ લૂછી નાખી એણે કહ્યું: 'અને મારા સારા નસીબે મને પરાગ જેવો ભાઈ મળ્યો. એણે મારા મરેલા ખોળિયામાં નવો પ્રાણ પૂર્યો છે.'

હવે સંતે જિમુતના મસ્તક પર હાથ મૂકી કહ્યું: 'ભાઈ, સન્મિત્રનો સંગ અને સદગ્રંથોનો સંગ એ પણ સત્સંગ છે. કુસંગ ડુબાડે છે, પણ સત્સંગ ડૂબતાને તરણું બનીને તારે છે. જે માણસ બીજાની હત્યા કરે છે તે આતતાયી છે, તે દુષ્ટ છે, પણ જે પોતાની હત્યા કરે છે તે તો મહાદુષ્ટ છે. માણસને પોતાનો જીવ સૌથી વધારે વહાલો હોય છે, તેવા સૌથી વહાલા જીવને જે હણે તે કેવો દુષ્ટ કહેવાય?

આપણે ત્યાં કેટલાક માણસો એવું માનતા હોય છે કે ભૈરવના પહાડ પરથી ભૂસકો મારી પડીએ ને મરીએ તો આપણો મોક્ષ થઈ જાય! કાશીએ જઈને બોચી પર કરવત મુકાવી મરીએ તો રાજાને ઘેર જન્મવા મળે; કાશી જેવા તીર્થ સ્થળે જઈ આત્મહત્યા કરીએ તો સીધું ભગવાનનાં ધામમાં જવાય-- આવી બધી માન્યતાઓ ખોટી છે. માણસને જે કંઈ પ્રાપ્ત થવાનું છે, તે સદાચારથી જ, ધર્મથી જ પ્રાપ્ત થવાનું છે. પારકાની હત્યા કરવી એ જેમ પાપ છે, તેમ આત્મહત્યા પણ પાપ છે-- પછી તે તીર્થમાં કરો કે બીજે કરો, કૂવે પડીને મરો કે છાપરા પરથી પડીને મરો, ઝેર ખાઈને મરો કે ફાંસો ખાઈને મરો, પેટમાં છૂરી ખાઈને મરો કે બંદૂકની ગોળી ખાઈને મરો! માણસથી ભૂલ થાય, દોષ થાય, કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તો એને જાત ઉપર એવો ક્રોધ ચડે, પણ દુરાચરણ કર્યું ન કર્યું થતું નથી, ઊલટું વધારે પાકું થાય છે. એ દોષ કે દુરાચરણ મિટાવવાનો રસ્તો સદાચાર કે સત્સંગ છે. માણસ ગમે તેવો દુષ્ટ હોય, દુરાચારી હોય, પણ એક વાર જો એ સંકલ્પ કરે અને સત્પુરુષનો આશ્રય લે તો અવશ્ય એમાંથી છૂટી શકે છે. આથી તો શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે ગમે તેવો અધમ જીવ હોય, પણ જો તે 'શિક્ષાપત્રી' પ્રમાણે વર્તે તો એને સદાચારી થયો જ સમજવો!'

આટલું કહી સંતે 'શિક્ષાપત્રી'નું એક પાનું ઉઘાડી તે પરાગના હાથમાં આપી કહ્યું: 'આ વાંચ!'

પરાગે મોટેથી વાંચ્યું:

અને સ્ત્રી, ધન અને રાજ્ય-- તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય ન જ કરવી. (13)

અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો, અને ક્રોધે કરીને ન કરવો. અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો, અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો દઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો. (14)

વંચાઈ રહ્યા પછી સંતે કહ્યું: 'તેરમા શ્લોકમાં શ્રીજીમહારાજે શબ્દે શબ્દ પર કેવો ભાર દીધો છે એ જુઓ: 'કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી.'