૫. તુલસીની કંઠી
પરાગ રોજ સંતનાં દર્શને જતો, એમની કથા-વાર્તા સાંભળતો, પણ સંતે કદી ઇશારે પણ એને કહ્યું નહોતું કે તું મારો ચેલો થા! પરાગે આ પહેલાં ઘણા સાધુઓને જોયા હતા. અંગ પર ચીંથરું વીંટવામાં યે જેને પરિગ્રહ લાગતો હતો, એવા નંગધડંગ બાવાઓને યે એણે જોયા હતા, અને એ બધાઓમાં એક વાત એણે ખાસ જોઈ હતી કે એ લોકોમાં બે વાનાં ખાસ હતાં-- પોતાની પ્રશંસા સાંભળવાની ઝંખના અને ચેલો મૂંડવાની ચટપટી!
પરંતુ સ્વામિનારાયણના આ સંતમાં એ બે વાનાંનો પરાગે સદંતર અભાવ જોયો, ઉપરાંત બીજી પણ ઘણી ઘણી રીતે આ સંત તેને ચડિયાતા લાગ્યા. એમનામાં જેવી વિદ્યા હતી, જેવી આધ્યાત્મિક્તા હતી; તેવું જ નખશિખ નિર્મળ પારદર્શક ચારિત્ર્ય હતું. એવું કે ગમે તેટલી ખણખોદ કરે તો ય કોઈ દુશ્મનને ય તેમનામાં કોઈ દોષનું છિદ્ર શોધ્યું જડે નહિ!
આવા આ સંત પોતાના સાધુધર્મના કામકાજમાં જેવા દૃઢ અને અડગ હતા, બીજાઓની સાથેના વર્તાવમાં તેવા જ સુકોમળ હતા.
પરાગના મનમાં આની ઊંડી અસર થઈ હતી.
તેને ખાતરી થઈ હતી કે જીવનને પ્રભુપ્રેર્યા માર્ગે આગળ લઈ જવું હશે તો કોઈ સમર્થ સંતનું શરણું લીધા વિના ચાલવાનું નથી. એવા સંત મને આજે ઘેર બેઠાં આવી મળ્યા છે, તો એમનો લાભ મારે કેમ ન લેવો?
આવો વિચાર કરી એક વાર તેણે સંતને પ્રણામ કરી કહ્યું: 'ગુરુદેવ!'
સંત ચોંક્યા. તેઓ વિસ્મયથી પરાગની સામે જોઈ રહ્યા. તેમના મનથી કે પોતાને ગુરુદેવ કહેવામાં પરાગની કંઈ ભૂલ થઈ લાગે છે, હમણાં તે સુધારશે.
પણ પરાગે તો ફરી કહ્યું: 'ગુરુદેવ, એક વિનંતી કરવાની છે.'
હવે સંતે સ્વસ્થ થઈ કહ્યું: 'બોલો, શું છે?'
પરાગે કહ્યું: 'ગુરુદેવ, મને આપના શિષ્ય તરીકે સ્વીકારો!'
સંતે પ્રસન્ન થવા જેવી વાત હતી, પણ સંત બિલકુલ સ્વસ્થ રહ્યા. તેમણે કહ્યું: 'પરાગ, તારાં માતાપિતાની રજા લીધી છે?'
પરાગે કહ્યું: 'સીધું પૂછ્યું નથી, પણ તેઓ અપ્રસન્ન નહિ થાય. પહેલેથી જ હું તેમને મારા નાનકડા જીવનની બધી જ વાતો કહેતો આવ્યો છું. પરીક્ષાના બનાવ પછી આપની પાસેથી મને જે માર્ગદર્શન મળ્યું તે તેઓ જાણે છે, હું આપને વખતોવખત મળું છું તે તેઓ જાણે છે અને આપ મને જે કંઈ કહો છો તે બધું જ હું તેમને કહું છું. મારાં માબાપની એવી ઇચ્છા છે કે હું સારો છોકરો બનું અને મને વિશ્વાસ છે કે આપના માર્ગદર્શન હેઠળ હું જરૂર સારો છોકરો બનીશ.'
આ સાંભળી સંત પ્રસન્ન થયા.
તેમણે કહ્યું: 'ઠીક છે, તો આજે ઘેર જઈ તારાં માતાપિતાને આ વાત પણ કરજે. તું આજે ઉપવાસ કરજે અને આવતી કાલે સવારે સ્નાન કરી, માતાપિતાને પગે લાગી તેમના આશીર્વાદ લઈ અહીં આવજે. ગમે તે એક ફૂલ લેતો આવજે!'
ખુશ થઈ પરાગ ઘેર ગયો.
બીજે દિવસે પરાગ માતાપિતાને પગે લાગી, તેમના આશીર્વાદ લઈ હાથમાં મોગરાનું ફૂલ લઈ સંતની પાસે આવ્યો અને સંતના ચરણમાં ફૂલ ધરી તેમને પગે લાગ્યો.
સંતે ફૂલ હાથમાં લઈ કહ્યું: 'પરાગ, આ શું છે, જાણે છે? આ મામૂલી ફૂલ નથી, તારા નિર્મળ જીવનનું, તારા અંતરાત્માનું પ્રતીક છે. તું એ મને સમર્પિત કરે છે અને હું એનો સ્વીકાર કરું છું. આજથી તારા જીવનનું સુકાન મારા હાથમાં આવે છે, મારી જવાબદારી વધે છે.'
પરાગે કહ્યું: 'મારી પણ. હું એ સમજું છું, ગુરુદેવ!'
તે પછી સંતે તેને પંચવર્તમાન ધરાવ્યાં. બેવડી તુલસીની માળા એની ડોકમાં નાખી એને 'સ્વામિનારાયણ મંત્ર' આપ્યો અને કહ્યું: 'આચારશુદ્ધ જીવન જીવી ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિની જ્યોત ઝળહળતી રાખજો!'
પરાગે નીચા નમી સંતચરણમાં પ્રણામ કર્યા.
પછી સંતે કહ્યું: 'પરાગ, આ કંઠી ડોકમાં ધારણ કરવી એટલે શું તેનું એક દૃષ્ટાંત કહું તે સાંભળ!
સુંદરિયાણા કરીને એક ગામમાં હેમરાજશા કરીને એક વણિક રહેતા હતા. પ્રથમ દીકરાઓને અને પાછળથી તેમના પિતાશ્રી હેમરાજશાને સદગુરુ ગોપાળાનંદ સ્વામી થકી સત્સંગ થયો અને સ્વામીના હસ્તે તેમણે ત્રણેયે ડોકમાં તુલસીની માળા ધારણ કરી. ડોકે તુલસીની માળા અને મુખે શ્રીજીમહારાજનું નામ!
હેમરાજશાના નાતીલાઓને આ ગમ્યું નહિ. તેમણે કહ્યું: 'હેમરાજશા, તમારી ને આ તમારા છોકરાઓની કંઠી તોડી નાખો!'
ઘુવડોની સભામાં કોઈ સૂરજના અજવાળાની વાત કરે તો ઘુવડો એને મારવા જ ઊઠશે! કહેશે કે 'અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવાં ડાહ્યાં ક્યાંથી થયાં? જગતમાં પ્રકાશ જેવી કોઈ ચીજ નથી. પ્રકાશ અસત્ય છે, અંધકાર જ એકમાત્ર સત્ય છે.'
પણ હેમરાજશાએ પ્રકાશ જોયો હતો. એટલે એણે કહ્યું: 'કંઠી તો મારો દેહ છૂટ્યા પછી યે નહિ તૂટે. એ તો મારા સ્વામીની કંઠી છે, મારા અખંડ એવાતનની કંઠી છે.'
નાતીલાઓએ ઘણી ઘણી રીતે હેમરાજશાને દબાવ્યા, દબડાવ્યા, સતાવ્યા પણ હેમરાજશાએ મચક આપી નહિ.
હેમરાજશાને ત્રણ દીકરા હતા. ત્રણે દીકરાઓને બોલાવી હેમરાજશાએ કહ્યું: 'હું તો સ્વામિનારાયણને વર્યો છું, પણ તમારું શું છે? મારે લીધે તમે હેરાન થાઓ એ ઠીક નહિ.'
ત્રણે દીકરાઓએ કહ્યું: 'જ્યાં તમે, ત્યાં અમે!'
આમ આખા કુટુંબે મક્કમતાથી નાતનો સામનો કર્યો.
કેટલાક વરસ પછી હેમરાજશા ગુજરી ગયા અને તેમના કારજનો પ્રસંગ આવ્યો.
હવે નાતીલાઓએ હેમરાજશાના ત્રણે દીકરાઓને દમ દીધો: 'સ્વામિનારાયણની કંઠી તોડી નાખો તો જ અમે તમારે ત્યાં જમશું, નહિ તો નહિ!'
દીકરાઓએ સામો જડબાતોડ જવાબ આપ્યો: 'એમ મછરાંની બીકે શું અમે મહેલ છોડી દેશું?'
દીકરાઓની મક્કમતા જોઈ નાતીલા જરા ઢીલા પડ્યા. તેમણે કહ્યું: 'તો એમ કરો! કારજ પતી જતાં સુધી તમે કંઠી ઉતારી મેલો! પછી પહેરી લેજો!'
હેમરાજશાના દીકરાઓએ કહ્યું: 'એ તો ધર્મની મશ્કરી કરી કહેવાય! ખોળિયામાંથી જીવને કાઢીને ટોડલે મૂકીએ ને પાછો ટોડલેથી ઉતારી ખોળિયે મૂકીએ એવું કદાચ બને, પણ ડોકમાંથી કંઠી કાઢીને ટોડલે મૂકીએ અને પાછું મન થાય ત્યારે એને ટોડલેથી ઉતારી ડોકમાં નાખીએ એવું નહિ બને.'
નાતીલાઓ મૂંઝાયા. કોઈ રીતે ટંગડી ઊંચી રાખવા તેમણે કહ્યું: 'તો એમ કરો, દેખ્યાનું ઝેર છે ને! કારજના દિવસોમાં તમારે કોઈએ ઘરમાંથી બહાર પગ દેવો નહિ! કોઈ દેખે કે કરે!'
દીકરાઓ આ સાંભળી છંછેડાયા. તેમણે કહ્યું: 'ભલેને સૌ દેખે! અમે કોઈ ચોરી નથી કરી, સત્સંગ કર્યો છે! મોં સંતાડવા જેવું અમે કંઈ જ કર્યું નથી.'
હવે નાતીલાઓ ગુસ્સે થઈ ગયા. તેમણે તેમની નાતમાં ગામેગામ કાગળો લખી નાખ્યા કે હેમરાજશાના કારજમાં કોઈએ જમવા જવું નહિ. જશે એ નાતબહાર!
તો ય હેમરાજશાના દીકરાઓ ડગ્યા નહિ. તેમણે મસલત કરી નક્કી કર્યું કે આપણી ભેરે સત્સંગ અને સત્સંગની ભેરે શ્રીજીમહારાજ! સત્સંગ આપણી નાત!
તેમણે પત્ર લખી બધી બિના જાહેર કરી શ્રીજીમહારાજને વિનંતી કરી: 'સંતો-હરિભક્તોને લઈને વહેલા પધારજો!'
શ્રીજીમહારાજે આ વિનંતીનો સ્વીકાર કર્યો. સંતો-હરિભક્તો સાથે તેઓ સુંદરિયાણા પધાર્યા અને પૂરા પાંચ દિવસ રોકાયા. મહારાજે પોતે સંતોને પીરસ્યું અને આગ્રહ કરી કરીને સૌને જમાડ્યા. પ્રસંગ રંગેચંગે પાર પડ્યો. હેમરાજશાના દીકરાઓના સુખનો પાર ન રહ્યો.
આમ હેમરાજશાના દીકરાઓએ પિતાની પરંપરા જાળવી, નાતનો ગુસ્સો વહોરીને પણ તેમણે ગુરુદીધી કંઠીનું ગૌરવ જાળવ્યું; જાળવ્યું જ નહિ, વધાર્યું.
કથાનક પૂરું કરી સંતે શિક્ષાપત્રી ઉઘાડી પરાગની સામે ધરી કહ્યું: 'આ એકતાલીસમો શ્લોક વાંચ!'
પરાગે મોટેથી વાંચ્યું:
'ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે અમારા સત્સંગી, તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્ય ધારણ કરવી.' (41)