લેખક તરફથી
નાનપણથી જ મને શ્રી સ્વામિનારાયણના સંતોનું આકર્ષણ રહ્યું છે. મારા ઘડતરમાં શ્રી સ્વામિનારાયણી સાહિત્યનો અને મંદિરનો ફાળો છે. મારા ઘરની પડખે જ શ્રી સ્વામિનારાયણનું મંદિર છે. ત્યાં સાધુ-સંતો આવ્યા કરે અને મારા પિતાશ્રીનું વલણ સાધુ-સંતોનો સત્સંગ કરવા તરફ વિશેષ, એટલે તેમની સાથે ફરતાં મને આ સાધુ-સંતોના નિકટ પરિચયમાં આવવાનો લાભ મળ્યો. આ એક મોટી લબ્ધિ છે. તેનાથી ત્યાગની ભાવના જાગૃત થઈ, બળવત્તર બની, સર્વજીવહિતાવહ પ્રવૃત્તિ મારું જીવન ધ્યેય બની ગઈ. સંત-સાધુઓ પ્રત્યેની મારી આસ્થા સમય જતાં ઢીલી ન પડી, વધારે દૃઢ બનતી રહી.
સંતચરિત્રો અને સંતવાણીનો સમાગમ ચાલુ જ હતો. અને તે આજ પર્યંત ચાલુ છે. એમાં શ્રીજીમહારાજના ચરિત્રનો વિશેષ મહત્ત્વનો ફાળો છે. આમ મારું મન એ સત્સંગમાં રમતું થયું. સ્વભાવે જીવ શિક્ષકનો અને લેખકનો, એટલે જે જાણ્યું, જે દિલને ર્સ્પશ્યું તે બીજા અનેકની જાણમાં લાવવાનું મન થાય. એ ભાવોર્મિને ટેકો સાંપડતો ગયો અને કેટલાંક પુસ્તકો લખાયાં, કાવ્યો પણ લખાયાં.
હું શિક્ષક હતો ત્યારે શાળાના પ્રવેશદ્વાર આગળ મેં એક કાળું પાટિયું મુકાવેલું. દ્વારમાં પેસતાં જ હું દરરોજ એ પાટિયા પર કવિતાની બે લીટીઓ નવી જ બનાવી કાઢીને લખતો-- થૉટ ફોર ધ ડે જેવું! ઘણી વાર એવું બન્યું છે કે હું ખિસ્સામાંથી ચાક કાઢીને પાટિયા પર લખવા જાઉં ત્યાં સુધી શું લખવું છે તેની મને ખબર ન હોય અને પછી ચાકની અણી જ્યાં પાટિયાને અડે ત્યાં પ્રવાહની પેઠે કવિતા લખાવા માંડે-- બે લીટીથી ચાર લીટી સુધી. એક જ કડી, વધારે નહિ! આવી જાતનો અનુભવ મને બીજાં પણ કેટલાંક લખાણો લખતાં થયો છે. ઘણાઓને થતો હશે.
આ દિવ્ય કૃતિ પણ તેવો જ એક અનુભવ છે.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની પાયાની ચીજ છે સત્સંગ અને સત્સંગની પાયાની ચીજ છે શ્રીજીમહારાજનું સ્વરૂપ --શ્રીજીમહારાજની પરાવાણી શિક્ષાપત્રી. જગતભરમાં અવતારી પુરુષે સ્વહસ્તે લખેલો કોઈ ગ્રંથ હોય તો તે આ 'શિક્ષાપત્રી' છે. ગુજરાતનું અને ગુજરાતી ભાષાનું એ સદભાગ્ય છે. રોજબરોજના વ્યવહારમાં 'શિક્ષાપત્રી'નું માર્ગદર્શન તરુણોને કેવું ઉપયોગી થઈ પડે, બાળ સાહિત્યના લેખક તરીકે અને શિક્ષક તરીકે હું એ વિચારતો હતો, પણ કંઈ ગડ બેસતી નહોતી. અચાનક એક વાર એક સંત પુરુષ સાથે વાત કરતાં મને દિશા દેખાઈ. આ પ્રેરણા એવી જોરદાર હતી કે કલમ ચાલી. ચાલી નહિ, વહી. ગ્રંથ પૂરો કરીને જ એ અટકી.
તરુણ વિદ્યાર્થી જીવનના પ્રશ્નો પણ માનવજીવનના જ પ્રશ્નો છે. 'શિક્ષાપત્રી' એ પ્રશ્નોનો ઉકેલ દેખાડે છે, સંતો હરિભક્તોનાં દૃષ્ટાંતો એની પુષ્ટિ કરે છે. ગ્રંથમાં છેલ્લે મહાન હરિભક્ત જોબન ભગતનું ચરિત્ર જરા વિસ્તારથી આપ્યું છે તે એટલા માટે કે જીવન પરની શ્રદ્ધા કદી ખોવી નહિ એ વાત સૌ નાનપણથી જ શીખે. ગમે તેવો પાપનો પહાડ, ગમે તેવો દુરાચારી પણ પ્રભુની કૃપાનો અધિકારી છે. સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપામાત્રથી જોબન સંત બની ગયો.
આ 'શ્રીજી-પ્રસાદ' ગ્રંથ લખાયા પછી તે વહેલો છપાય તેવી મેં ઘણી કોશિશ કરી, પણ હું ફાવ્યો નહિ. ત્યારે 'હરીચ્છા' સમજી મેં વાતને વિસારે પાડી. અચાનક એક દિવસ 'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન' દ્વારા પ્રકાશિત કેટલાક પુસ્તકો જોવા મળ્યા. એ જોઈને મેં આ પુસ્તકની હસ્તપ્રત 'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન'ના પ્રમુખ અ. મુ. પૂ. શ્રી નારાયણભાઈ ઠક્કરને મોકલી. તેમને એ ગમી. આ લધુ ગ્રંથ સંપૂર્ણ સ્વરૂપે 'શ્રીજી પ્રસાદ' બની રહે એને અનુલક્ષીને તેમણે કેટલાક સૂચનો કર્યા જે આવશ્યક જણાતાં એમાં સમાવિષ્ટ કરી દીધા. આમ શ્રીજીકૃપાથી આજે તે છપાઈને પ્રગટ થવા પામે છે. તે માટે પૂ. શ્રી નારાયણભાઈનો અને શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થાનો હું જાહેર આભાર માનું છું અને પરમ કૃપાળુ શ્રીજીમહારાજની પ્રસન્નતા સદાય વાંચ્છુ છું.
- રમણલાલ સોની
સુતરિયા હાઉસ, ત્રીજો માળ
ભાઈકાકા હૉલ પાસે
અમદાવાદ-6
તા.1-7-97