૨૯. શ્રીજીની સર્વોપરીતા

જય ઘોષ શમ્યા બાદ પરાગે વિનમ્ર ભાવે કહ્યું: 'સ્વામી, મારા મનમાં કેટલાક પ્રશ્નો જાગે છે. આજ્ઞા હોય તો પૂછું'

સંતે હસીને કહ્યું: 'ખુશીથી પૂછ. પ્રશ્નો પૂછવા એ જ્ઞાન પ્રાપ્તિનું પ્રથમ પગથિયું છે.'

પરાગે પૂછ્યું: 'સ્વામી, ભક્તિ શું? વૈરાગ્ય શું? જ્ઞાન શું? જીવ શું ને માયા શું? હું કંઈ સમજતો નથી.'

સંતે પ્રસન્નતા જણાવી કહ્યું: 'પરાગ, સદાચાર તે ધર્મ અને ભગવાન પ્રત્યે માહાત્મ્યજ્ઞાનપૂર્વકનો ગાઢ સ્નેહ તે ભક્તિ. ભગવાન સિવાય બીજા કોઈ પદાર્થ પ્રતિ પ્રીતિ નહિ તે વૈરાગ્ય! જીવ, માયા ને ઈશ્વરના સ્વરૂપને રૂડી રીતે જાણવું તે જ્ઞાન! જે નખથી શિખા પર્યંત દેહમાં વ્યાપીને રહેલો છે અને જે નથી ઘવાતો, કપાતો કે નથી ઘરડો થતો કે નથી મરતો એ જીવ, અને સત્ત્વ, રજસ ને તમસ એવા ત્રણ ગુણવાળી અને દેહનું મમત્વ કરાવનારી ભગવાનની જે શક્તિ તે માયા!'

પરાગે પૂછ્યું: 'સ્વામી! ઈશ્વર કોણ, આપણા ઇષ્ટદેવ કોણ?'

સંતે કહ્યું: 'જે ઈશ્વર છે તે જેમ હૃદયને વિષે જીવ રહ્યો છે તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળને આપનારા છે. તે ઈશ્વર ક્યા તો પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન. તે જ આપણા ઇષ્ટદેવ. તે જ સર્વ અવતારનું કારણ. તે ભગવાનની ભક્તિ જેવું બીજું કોઈ કલ્યાણનું સાધન નથી.'

પરાગે આગળ પૂછ્યું: 'સ્વામી, 'શિક્ષાપત્રી' મને રહસ્યગર્ભ ગ્રંથ લાગે છે. મને એનું રહસ્ય કહો.'

સંતે કહ્યું: 'તો સાવધાન થઈ સાંભળ:

'शिक्षार्थी पत्रीति शिक्षापत्री'

'શિક્ષા' એટલે શ્રીજીમહારાજનાં વચનરૂપી હિતોપદેશ અને 'પત્રી' કહેતાં પોતાનો અભિપ્રેત અર્થ જેમાં સમાયેલો છે તે-- સર્વજનોનું હિત કરવા માટે લખેલ ઉપદેશામૃતરૂપી પત્રી. मद्रुपमिति मद्वाणी मान्येयं परमादरात् ।'

'શિક્ષાપત્રીરૂપ આ જે મારી વાણી છે તે મારું સ્વરૂપ છે એ રીતે પરમ આદરથકી માનવી.' આ ઉપરથી એવું ફલિત થાય છે કે 'શિક્ષાપત્રી' એ શ્રીજીના તેજરૂપ પરાવાણી હોઈ એનું પાલન કરનારના 'કર્મની રેખ પર મેખ' વાગી, તેનું પ્રારબ્ધ પણ અન્યથા થાય છે; એ વાણીને ધારણ કરનારનું પ્રારબ્ધ પણ શ્રીજીમહારાજ પોતે સ્વીકારી લે છે. તેથી શ્રીહરિએ પોતાના આશ્રિત માત્રને સર્વજીવહિતાવહ 'શિક્ષાપત્રી'નું પાલન સાવધાનપણે, પ્રીતિપૂર્વક કરવાનું કહ્યું છે. જેમ શ્રીજીમહારાજે પોતાના સર્વોપરી પુરુષોત્તમ સ્વરૂપની ઉપાસના પ્રવર્તાવી છે તેમ 'શિક્ષાપત્રી' સ્વયં લખીને પોતાના વાણી સ્વરૂપની પણ ઉપાસના પ્રવર્તાવી છે. શ્રીજી તો કહે છે:

શિક્ષાપત્રી માંહિ અમે રેશું રે;

રહી એમાં સહુને સુખ દેશું રે.'

પરાગે જિજ્ઞાસાવૃત્તિથી વળી પ્રશ્ન પૂછ્યો: 'સ્વામી, 'શિક્ષાપત્રી'માં શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા-સેવા-ભક્તિ કરવાનું કહ્યું છે અને આપણે તો શ્રીજીમહારાજની જ પૂજા-સેવા-ભક્તિ કરીએ છીએ, એમ કેમ?'

સંતે હસીને કહ્યું: 'ઓહ, સુંદર પ્રશ્ન! આ વિશે મારે જરા વિસ્તારથી કહેવું પડશે, પણ હું કંઈ કહું એ કરતાં શ્રીજીમહારાજના બીજા એક સમર્થ સંત શું કહે છે તે તું જો.' આમ કહી એમણે સ. ગુ. મુનિ સ્વામી શ્રી કેશવપ્રિયદાસજી કૃત 'શિક્ષાપત્રી રહસ્યાર્થ'* ગ્રંથ ઉઘાડી કહ્યું: 'હું મોટેથી વાંચું છું, તું એકચિત્તે સાંભળ.

*પ્રસ્તુત ગ્રંથને પ્રકાશક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશને બે ભાગમાં પ્રસિદ્ધ કરેલ છે એ વાંચવા વિનંતી.

શ્રીજીમહારાજે શિક્ષાપત્રીના મંગળાચરણમાં જ: જેના ડાબા પડખાને વિશે રાધિકાજી અને વક્ષઃસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યાં છે એવા વૃંદાવન વિહારી શ્રીકૃષ્ણ ભગવાનનું હું ધ્યાન ધરું છું --એમ કહ્યું છે. શ્રીજીમહારાજની આ નિગૂઢ ભાષા છે. શબ્દોના બાહ્ય લૌકિક અર્થની પાછળ બીજો ગૂઢ અલૌકિક અર્થ રહેલો છે. જેમ કે, શ્રીકૃષ્ણ, નરનારાયણાદિ સકળ નામો સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં છે, પણ એ સર્વે અવતારોને વિશે શ્રીજીમહારાજના ગુણ-ઐશ્વર્યનો આવિર્ભાવ થાય છે એટલે તેમને શ્રીકૃષ્ણાદિક નામની ઉપમા દેવાઈ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તો શ્રી રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી, પરબ્રહ્મ પુરુષોત્તમ એવા અનાદિ શ્રીકૃષ્ણ પરમાત્મા છે. પરમાત્મા હંમેશાં ભક્ત/સેવક સહિત જ હોય છે. એ રીતે રાધિકાજી એટલે શ્રીજીમહારાજના દિવ્ય સ્વરૂપની ચારે તરફ દાસભાવે દિવ્યાનંદ અનુભવી રહેલ પરમ એકાંતિક મુક્તમંડળ અને લક્ષ્મીજી એટલે શ્રીજીના દિવ્ય સ્વરૂપમાં રસબસ ભાવે લીન રહી સુખ ભોગવતા અનંત અનાદિમુક્તો. વૃંદાવન એટલે છપૈયા, ગઢપુર (ગઢડા), હરિતીર્થ (વડતાલ), નારાયણક્ષેત્ર (જેતલપુર) વગેરે તીર્થસ્થળ જ્યાં શ્રીજીમહારાજે પોતાના સંતહરિભક્તોને પોતાના દિવ્ય લીલાચરિત્ર દ્વારા નિઃસીમ સુખ આપ્યાં છે તે. વૃંદ એટલે મુક્તોનો સમૂહ, એ રૂપ 'વૃંદાવન'માં વિહાર કરનારા તે શ્રીજીમહારાજ. શિક્ષાપત્રીમાં જ્યાં શ્રીકૃષ્ણના નામનો ઉલ્લેખ આવે છે ત્યાં કૃષ્ણ શબ્દ પરાત્પર પરબ્રહ્મ શ્રીજીમહારાજને જ લાગુ પડે છે; તે દેવકીનંદન શ્રીકૃષ્ણના અર્થમાં વપરાયેલ નથી.

આના અનુસંધાનમાં સ. ગુ. શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિચિંતામણિમાં ગાયું છે કે :

"અલૌકિક મૂર્તિ આજની, ધરી ધર્મકુમાર;

જોતા ના'વે જોડ્યમાં, આ સમ અન્ય અવતાર.

સમર્થ મૂર્તિ સુખભરી, ધરી ન ધરશે કોઈ;

સર્વોપરી છે શ્રીહરિ, સહજાનંદ પ્રભુ સોય.

કોટી અવતારના કારણ કહી, કોટી કૃષ્ણ કરજોડ;

નિષ્કુળાનંદ રહે ચરણમેં, મેરે ઇષ્ટકી હજૂર."

આ સાંભળી પરાગ બોલ્યો: 'હવે મને સમજાયું કે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું શ્રીકૃષ્ણ નામ અનાદિનું છે તે યથાર્થ છે. તેમાં લેશ પણ શંકા રહી નહિ. પણ સ્વામી, જેમ ગોલોકાદિ ધામને વિષે સ્ત્રી આકારે રાધિકા તથા રમા આદિ મુક્ત છે તેમ અક્ષરધામને વિષે સ્ત્રી આકારે કોઈ મુક્ત હશે?

સંત બોલ્યા: 'અક્ષરધામને વિષે સ્ત્રી આકારે કોઈ મુક્ત નથી; સર્વે મુક્ત પુરુષાકાર જ છે અને તે સર્વે મુક્ત ભગવાનના સાર્ધમ્યને પામેલા છે. તે મુક્ત અતિ પ્રકાશમય છે ને દાસભાવે નિરતિશય આનંદસ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા જે શ્રીજીમહારાજ તેમના સુખનો આનંદ અનુભવે છે.'

'સ્વામી, સાર્ધમ્ય એટલે શું?' પરાગે આગળ પૂછ્યું.

સંતે કહ્યું: 'ભગવાનનું સ્વામીપણું, સુખદાતાપણું ને નિયંતાપણું તે વિના તેમના અન્ય રૂપ, ગુણ, ઐશ્વર્ય, પ્રતાપ, સાર્મથ્ય ઇત્યાદિ દિવ્ય ને કલ્યાણકારી ગુણે કરીને સરખાપણું એવા તુલ્યભાવને મુક્ત પામે છે તેને સાર્ધમ્ય કહેવાય. જેના ગુણ-રૂપ ભગવાનના સમાન છે એવા મુક્તો પરબ્રહ્મ પરમાત્માની સેવામાં રહ્યા થકા પરબ્રહ્મનું સુખ અનુભવે છે. ક્યારેક અતિ પ્રેમે કરીને પરબ્રહ્મમાં લીન થઈ એકાત્મપણે પરબ્રહ્મના સુખને ભોગવે છે.'

જિજ્ઞાસુ પરાગે વિનમ્રપણે છેલ્લો પ્રશ્ન પૂછ્યો: 'સ્વામી, આપણાં મંદિરોમાં શ્રી નરનારાયણ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી ગોપીનાથ આદિક અવતારોની મૂર્તિઓ પધરાવી છે તે પધરાવવાનું શું કારણ હશે?'

સંત બોલ્યા: 'શ્રીજીમહારાજે માંગરોળ આદિક ગામોમાં મતવાદીઓને તથા બીજા અવતારોના ઉપાસકોને એમના ઇષ્ટદેવરૂપે દર્શન આપેલાં તથા શ્રી વ્યાપકાનંદ સ્વામીને ચોવીસ અવતારરૂપે દેખાયા હતા તે પોતાનાં સ્વરૂપોને જ આપણાં મંદિરોમાં પધરાવ્યાં છે. બીજા અવતારો જે વૈકુંઠ, ગોલોક, બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ આદિક ધામોમાં રહ્યા છે તેમની કોઈની પ્રતિષ્ઠા કરી નથી, માટે બીજા અવતારોની મૂર્તિઓ છે એમ ન સમજવું. આપણાં મંદિરોમાં તો શ્રીજીમહારાજ પોતે ઘણા જીવોના સમાસ અર્થે વેષાન્તર કરીને દર્શન આપે છે.

પરાગ બોલી ઊઠ્યો: 'વાહ, ખૂબ સરસ! હવે મને શ્રીજીમહારાજના સર્વોપરીપણાની વાત બરાબર સમજાઈ. આજથી હું આ 'શિક્ષાપત્રી રહસ્યાર્થ' ગ્રંથ મેળવીને તેનો અભ્યાસ શરૂ કરી દઈશ ને મને ન સમજાય તેવી બાબતો આપની પાસે આવીને પૂછતો રહીશ.

સંતે સહર્ષ કહ્યું: 'પરાગ, જરૂર આવજે. તું શ્રીજી-પ્રસાદ જમ્યો તે તારા સંપર્કમાં આવે તે સૌને જમાડી, શ્રીજીમહારાજની પ્રસન્નતા સદાય મેળવતો રહેજે.

જય શ્રી સ્વામિનારાયણ...