૧૯. ક્ષુદ્ર દેવોનો આશ્રય લેવો નહિ
પરાગ એક દિવસ ગામની સીમમાં ફરતો હતો, ત્યાં અચાનક એક પીપળાના ઝાડ હેઠળ એણે સિંદૂર ચોપડેલો એક મોટો પથરો જોયો. એને નવાઈ લાગી, કારણ કે એ આ રસ્તે થઈને ઘણી વાર જતો-આવતો હતો, ગઈ કાલે પણ એ રસ્તે થઈને એ ગયો હતો અને ત્યારે ત્યાં આવો કોઈ સિંદુરિયો પથ્થર એના જોવામાં આવ્યો નહોતો.
એક માણસ એ પથ્થર આગળ બેઠો હતો. પરાગે તેને પૂછ્યું: 'આ શાનો પહાણો છે?'
પેલાએ આશ્ચર્યથી આંખો પહોળી કરી કહ્યું: 'ભણેલા લાગો છો, એટલે આવો અક્કલ વગરનો સવાલ કરો છો! આ ઘૈડિયા માતાજી છે, ઘૈડિયા માતાજીનું આ થાનક છે અને હું માતાજીનો પૂજારી છું.'
પરાગે કહ્યું: 'પણ કાલે તો અહીં કશું નહોતું!'
પેલાએ કહ્યું: 'ક્યાંથી હોય! માતાજીએ આજે રાતે મને શમણું દીધું અને શમણામાં કહ્યું કે હું અહીં છું. અહીં મારું થાનક કરી મારું પૂજન કર! જે ભાવથી મારી પૂજા-ભક્તિ કરશે તેના સકળ મનોરથ હું પૂરા કરીશ. એટલે મેં અહીં માતાજીની સ્થાપના કરી છે. જે આ ઘૈડિયા માતાજીની પૂજા-પ્રાર્થના કરશે તેના બધા કોડ માતાજી પૂરા કરશે.'
'બધા એટલે?'
'બધા એટલે બધા-- લાડીના, ગાડીના ને વાડીના! વિદ્યાર્થી જો માતાજીની બાધા રાખશે તો પરીક્ષામાં પાસ થશે, કન્યા નથી મળતી એવો વાંઢો જો માતાજીની બાધા રાખશે તો એને કન્યા મળશે, અને વર નથી મળતો એવી કન્યા બાધા રાખશે તો એને વર મળશે, સંતાન વિનાનાને સંતાન મળશે અને ધન વિનાનાને ધન મળશે, નોકરી વિનાનાને નોકરી મળશે અને કોરટે ચડેલાને કેસમાં જીત મળશે.... માતાજીની કૃપા થતાં રંક હશે તે રાય થશે અને રાય હશે તે મહારાય થશે. સમજ પડી?'
પરાગે કહ્યું: 'વાહ, અને તમે આમાં કયા વર્ગમાં છો? તમે માતાજીના પહેલા નંબરના ભગત છો, એટલે માતાજી તરફથી તમારી કઈ ઇચ્છા પૂરી થવાની તમે આશા રાખો છો?'
પૂજારીએ કહ્યું: 'હું તો માનો સેવક છું. માનો સેવક માત્ર એક જ ઇચ્છા રાખે કે સૌ માની સેવાપૂજા કરે ને સુખી થાય!'
પરાગે કહ્યું: 'માની સેવા પૂજામાં કંઈ ધરવાનું ખરું?'
'એ તો જેવી જેની શ્રદ્ધા! કોઈ પાઈપૈસો ધરે ને કોઈ લાખ રૂપિયા ધરે-- માને મન બધું સરખું! હું તો એટલું જાણું કે માને ભજશે તે ન્યાલ થઈ જશે!'
પરાગે કહ્યું: 'તમને આ બધું જ્ઞાન સ્વપ્નમાં થઈ ગયું?'
પૂજારીએ કહ્યું: 'સ્વપ્નમાં માએ પોતે દર્શન દઈને મને જ્ઞાન આપ્યું! માને પગે લાગો, માને ભેટ ધરો, માની બાધાઆખડી રાખો ને પછી જુઓ માનો પરચો!'
વાતચીત અહીં પૂરી થઈ ગઈ.
સાંજે પરાગ સંત હરિભક્તદાસજીનાં દર્શને ગયો ત્યારે એને વિચારવશ જોઈ સંતે જ સામેથી પૂછ્યું: 'કેમ, આજે તું કંઈ વિચારમાં લાગે છે!'
પરાગે બનેલો પ્રસંગ કહી સંભળાવ્યો.
એ સાંભળી સંત હસ્યા. પછી કહે: 'રોજ અંતરીક્ષમાંથી એક ગાય આવી એ પથરા પર દૂધની ધારા કરી જતી એવું ન કહ્યું એણે? એટલો એ કાચો! એટલું એનું શમણું કાચું!'
પછી કહે: 'શ્રીજીમહારાજનો આવો એક પ્રસંગ મને અત્યારે યાદ આવે છે.
કચ્છમાં માનપુરા નામે ગામમાં લવજી કરીને એક બ્રાહ્મણ રહેતો હતો. એ માતાજીનો અઠંગ પૂજારી હતો. માથે લાંબા વાળ રાખે અને કપાળમાં સિંદૂરનો મોટો ચાંલ્લો કરે! ઘરમાં લાકડાનાં અને લોઢાનાં અનેક દેવદેવીઓ! બધાને હારબંધ ઊભાં રાખેલાં! બધાંની ડોકમાં લાલ ફૂલની માળાઓ પહેરાવેલી અને હાથે-કપાળે સિંદૂર ચોપડેલું!
હવે બન્યું એવું કે શ્રીજીમહારાજની એ ગામમાં પધરામણી થઈ.
ગામનાં સત્સંગી નરનારીઓ જોડે આ લવજીની પત્ની પણ શ્રીજીમહારાજનાં દર્શને ગઈ.
ગામનાં બીજાં સ્ત્રીપુરુષો શ્રીજીમહારાજને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ આપે, એ જોઈને લવજીની પત્નીએ પણ મહારાજને પોતાને ત્યાં પધારવા વિનંતી કરી.
નવાઈની વાત કે મહારાજે એ વિનંતીનો સ્વીકાર કર્યો.
ઘેર જઈ લવજીની પત્નીએ શ્રીજીમહારાજના સત્કારની અને પ્રસાદની વ્યવસ્થા કરી.
લવજીને એનો વાંધો નહોતો, કારણ શ્રીજીમહારાજ એને ઘેર પધારે તો એની પ્રતિષ્ઠામાં વધારો જ થવાનો હતો એ વિશે શંકા નહોતી. એણે ખૂબ ભાવથી એમનો સત્કાર કર્યો.
મહારાજ ઢોલિયા પર બિરાજ્યા.
શ્રીજીમહારાજે લવજીને જોયો, એના લાંબા વાળ અને સિંદૂરનું તિલક જોયું.
ઢોલિયા પર બેઠાં બેઠાં ઘરમાં નજર કરી તો ત્યાં હારબંધ ઊભાં કરેલાં લાકડા લોઢાનાં દેવલાં જોયા. દેવલાંની ડોકમાં લાલ ફૂલની માળાઓ જોઈ અને કપાળે સિંદૂર જોયું.
મહારાજ સમજી ગયા કે લવજી જંતરમંતર કરતો હશે અને ધૂણતો ધુણાવતો પણ હશે. તેમણે પૂછ્યું: 'લવજી, આ શું છે?'
લવજીએ હસીને કહ્યું: 'એ મારાં દેવલાં છે, મહારાજ! એમની કૃપાએ મારું નભે છે.'
મહારાજે ગંભીર સ્વરે કહ્યું: 'લવજી, તમારે પસંદગી કરવી પડશે - કાં આ દેવલાં, કાં અમે! જ્યાં આવાં જંતરમંતર, ઢોંગધતૂરા અને પાખંડ હોય ત્યાં અમે ઊભા રહેતા નથી. અમે આ ચાલ્યા!'
લવજીને જિંદગીમાં પહેલી જ વાર આવો અનુભવ થતો હતો. જે આવે તે એના ઘરનાં દેવલાંને પગે લાગે ને ભેટ ધરે; શ્રીજીમહારાજે તો એ દેવલાંની સામે યે જોયું નહિ-- કહી દીધું કે કાં એ નહિ, કાં હું નહિ!
મહારાજે ઊભા થઈ ચાલવા માંડ્યું.
શ્રીજીમહારાજના અલૌકિક પ્રભાવથી એકાએક લવજીનો અંતરાત્મા જાગી ગયો. તે બોલી ઊઠ્યો: 'ન જશો, મહારાજ! મારો ત્યાગ ન કરશો, મહારાજ! તમારા આશરે છું.'
મહારાજે કહ્યું: 'તો તમારે આ દેવલાંનો ત્યાગ કરવો પડશે.'
તરત લવજી બોલ્યો: 'તે કરીશ, પણ તમારો ત્યાગ મારાથી નહિ ખમાય.'
મહારાજે કહ્યું: 'તો આ બધાં દેવલાંનું પોટલું કરી નદીના ઊંડા ધરામાં નાંખી આવો!'
'હમણાં જ!' કહી લવજીએ બધાં દેવલાંને એક પછેડીમાં બાંધ્યાં, અને દોડતો ગામની નદીના ઊંડા ધરામાં એ બધાને નાખી આવ્યો.
પછી કહે: 'કરો આજ્ઞા, મહારાજ!'
મહારાજે કહ્યું: 'હવે આ સિંદૂરનો લેપ ભૂંસી નાખો અને લાંબા વાળ કાપી નાખો!'
લવજીએ એ પણ કર્યું. પછી કહે: 'કરો આજ્ઞા, મહારાજ!'
મહારાજે કહ્યું: 'હવે હાથમાં લો આ માળા અને બોલો 'જય સ્વામિનારાયણ!'
લવજીએ હાથમાં માળા લઈ સ્વામિનારાયણ મંત્રનો જાપ શરૂ કરી દીધો.
થોડી વાર પછી મહારાજે કહ્યું: 'બોલો, હવે કેમ લાગે છે?'
લવજીએ કહ્યું: 'મહારાજ, ટાઢું! કોઈ ઉચાટ નહિ, કોઈ ભય નહિ!'
બોલતાં બોલતાં તેણે મહારાજના પગમાં માથું મૂક્યું. તેની આંખો ભરાઈ આવી.
શ્રીજીમહારાજે તેના મસ્તક પર હાથ મૂકી કહ્યું: 'લવજી, સાંભળો. ધર્મ-નિયમે યુક્ત અને પ્રકટ શ્રી હરિકૃષ્ણ મહાપ્રભુના દૃઢ આશ્રયવાળા ભક્તજનોને ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મરાક્ષસ આદિ કોઈ કાંઈ પણ ઉપદ્રવ કરી શકતા નથી; પણ જેને આશ્રયમાં પોલ હોય તથા 'શિક્ષાપત્રી'ના નિયમ પ્રમાણે વર્તવામાં-પાળવામાં શિથિલતા રહેલી હોય તેવાને ભૂત બ્રહ્મરાક્ષસાદિ વળગે છે. તેમણે ભૂતપ્રેતાદિકની નિવૃત્તિ માટે વિશેષ દૈવતવાળા અમારા નંદ સંતોએ રચેલાં 'જનમંગલ', 'સર્વમંગલ', 'પુરુષોત્તમ કવચ' વગેરે સ્તોત્રોનો પાઠ કરવો, ભૂત-પ્રેત ભાગી જશે. આ સિવાય બીજા ક્ષુદ્ર દેવોનો કદી આશ્રય લેવો નહિ. તમે બ્રાહ્મણ છો, માન-અભિમાન છોડી લોકોને ધર્મને રસ્તે, નીતિને રસ્તે દોરવાનું તમારું કામ છે. તમે એ કરો!'
લવજી હાથ જોડી ભક્તિભાવે સાંભળી રહ્યો. તેણે કહ્યું: 'મહારાજ, આજ્ઞા!'
મહારાજે કહ્યું: 'તમે બ્રાહ્મણ છો. સત્શાસ્ત્ર ભણવું- ભણાવવું એ તમારો બ્રાહ્મણનો ધર્મ છે. તમે એ ધર્મનું પાલન કરો. લ્યો આ 'શિક્ષાપત્રી'. તે અનુસાર સદાય વર્તજો-વર્તાવજો.