૧૬. અહિંસક યજ્ઞ
પરાગના ગામમાં એક માતાજીનું મંદિર હતું. તેમાં એક બાવો રહેતો હતો. લોકો તેને બજરંગ બાવો કહેતા અને તેને મોટો મહાત્મા ગણતા.
આ બજરંગ બાવાએ ગામમાં એક યજ્ઞ કરવાનું જાહેર કર્યું હતું અને તે માટે તેણે ઘણી બધી તૈયારીઓ પણ કરી દીધી હતી, તેમાં એક તૈયારી યજ્ઞમાં પશુનું બલિદાન દેવાની હતી.
સંતના જાણવામાં આ વાત આવી ત્યારે તેમણે પોતાના વાર્તાલાપમાં કહ્યું કે 'સારામાં સારો યજ્ઞ એ જપયજ્ઞ છે. તે સિવાયના જે યજ્ઞો તે પણ અહિંસક યજ્ઞો હોવા જોઈએ. કરવો હોય તો ભગવાન વિષ્ણુ સંબંધી અહિંસક યજ્ઞ કરો. યજ્ઞ પવિત્ર ચીજ છે, તેમાં હિંસા કરાય નહિ. ભગવાનના નામે ભગવાનના સરજેલા જીવતા જાનવરનો વધ કરવો એ ભગવાનનો દ્રોહ કર્યા બરાબર છે. યજ્ઞમાં મૂક નિર્દોષ જીવની આવી હત્યા કરવાથી ભગવાન પ્રસન્ન થશે એવું માનવું એ ભૂલ છે. તમે જ કહો, માબાપની આગળ એમના દીકરાનો વધ કરીએ અને માબાપ ખુશ થાય એવું કદી બને ખરું? ઊલટું, ગુસ્સે થઈ સામો ઘા કરે! માટે આવા હિંસક યજ્ઞો કોઈ કાળે કરવા નહિ, કોઈ કરતો હોય તો એમાં ભાગ લેવો નહિ, એને મદદ કરવી નહિ! એવા હિંસક યજ્ઞમાં જારનો એક દાણો દેવો એ પણ પાપ છે!'
બજરંગ બાવાના કાને આ વાત પહોંચી. એ એકદમ લાલપીળો થઈ ગયો. તે બોલ્યો: 'માતાજીના યજ્ઞમાં પશુનો વધ થવો જ જોઈએ. માતાજીને મદ્ય ને માંસ ધરવાં જ જોઈએ અને ભક્તે એનો પ્રસાદ લેવો જ જોઈએ. તે વિના માતાજી પ્રસન્ન થાય નહિ અને ગામ સુખી થાય નહિ!'
સંતે આ સાંભળ્યું ત્યારે કહ્યું: 'દારૂ પીએ અને રક્તમાંસ ખાય એ માતાજી કેવાં? એને માતાજી નહિ, રાક્ષસી જ કહેવી જોઈએ. એવી રાક્ષસીની પૂજા કરવી એ પાપ છે, પાખંડ છે. હિંસક યજ્ઞ ધર્મવિરુદ્ધ છે, શાસ્ત્રવિરુદ્ધ છે.'
જવાબમાં બજરંગ બાવાએ ગામ ભેગું કરી કહ્યું: 'એ સ્વામિનારાયણિયો બાવલો શાસ્ત્રમાં શું સમજે? હું તો ચારે વેદ અને અઢારે પુરાણ પચાવી ચૂક્યો છું-- વેદપુરાણનો એક એક અક્ષર મારો જાણીતો છે. કહો એ બાવલાને કે આ ગામમાં રહેવું હશે તો તારે આ યજ્ઞનો પ્રસાદ લેવો પડશે, નહિ તો ચીપિયાથી તારું મોઢું ફાડી હું એમાં માતાજીનો પ્રસાદ નાખીશ! માતાજી કોનું નામ!'
લોકો બાવાથી બીતા હતા. બાવો હતો પણ એવો બિહામણો. ઊંચો ને કદાવર. છાતી પર સાંકળો બાંધે. લાંબી જટાની ટોચે ત્રિશૂળ ખોસે! એક હાથમાં ચીપિયો અને બીજા હાથમાં અધમણિયો મગદળ ગદાની પેઠે ફેરવે! એની આંખો અંગારા જેવી લાલચોળ તગતગે! દાંત પણ ભૂંડની પેઠે થોડા બહાર આવેલા-- કડડડ કરી દાંત ભીંસે ત્યારે લોકો ફફડી ઊઠે.
ગામના ડાહ્યા માણસોએ આવી સંતને કહ્યું: 'બાપજી, ગામ છોડી ચાલી જાઓ! આ બાવો ભરાડી છે, તમને કંઈ કરી બેસશે તો અમારા ગામને માથે કાળી ટીલી ચોંટશે.'
સંતે હસીને કહ્યું: 'તમારી લાગણી હું સમજું છું, પણ શ્રીજીમહારાજની એવી સ્પષ્ટ આજ્ઞા છે કે કરવો તો હિંસાએ રહિત એવો વિષ્ણુ સંબંધી યજ્ઞ કરવો, બીજો નહિ. (શિક્ષાપત્રી 155) મારી જાણે હું એ આજ્ઞાનો ભંગ કેમ થવા દઉં?'
લોકોએ કહ્યું: 'પણ અહીં તમારી સલામતી--'
હસીને સંતે કહ્યું: 'સલામતી શ્રીજીના હાથમાં! મહારાજે સ્પષ્ટ કહ્યું છે કે અગવડો દેખો ત્યાં રહેજો! દુ:ખ-સંકટ જોઈને પાછી પાની કરશો નહિ! એટલે બીને ભાગી જવાનું મારાથી નહિ બને!'
એક માણસ જે પોતાને ખૂબ ડાહ્યો સમજતો હતો તેણે કહ્યું: 'તો મહારાજ, બાવાની સાથે સમાધાન કરી લો!'
સંતે કહ્યું: 'એટલે?'
ડાહ્યાએ કહ્યું: 'એટલે એમ કે એ દશ પશુનો વધ કરતો હોય તો એકનો કરે અને પ્રસાદ તમે આરોગો નહિ, માત્ર જરી ચાખો એટલે પત્યું!'
આ સાંભળી સંત હસ્યા. પછી કહે: 'તમારી વાત ખૂબ ડહાપણ ભરેલી છે, ભાઈ! પણ આ કંઈ રૂપિયા-પૈસાનો હિસાબ સમજવાનો નથી, આ તો હિંસા-અહિંસાનો પ્રશ્ન છે, શુભઅશુભનો પ્રશ્ન છે, સત્કર્મ દુષ્કર્મનો પ્રશ્ન છે. આમાં કાં તો સત્ય હોય કે અસત્ય હોય, શુભ હોય કે અશુભ હોય, હિંસા હોય કે અહિંસા હોય-- બેમાંથી એક હોય, બે સાથે ન હોઈ શકે. હિંસા
પણ હોય અને અહિંસા પણ હોય, અંધારું પણ હોય અને અજવાળું પણ હોય, તૃપ્તિ પણ હોય અને ભૂખ પણ હોય એવું ન બની શકે.'
લોકોએ કહ્યું: 'તો શું કરવું?'
સંતે કહ્યું: 'નિશ્ચય કરવો.'
'કેમ કરી નિશ્ચય કરવો?'
સંતે કહ્યું: 'તમે ગામનાં માબાપો બધાં ભેગાં થઈને વિચાર કરો-- જે પિતાઓ છે તેમને પૂછો કે તમારી આગળ તમારા દીકરાનો ભોગ ધરીએ તો તમે ખુશ થશો? તેનાં રક્તમાંસનો પ્રસાદ તમે ખાશો? તેવી રીતે માતાઓને પૂછો કે તમારા દીકરાઓનો ભોગ તમારી આગળ ધરીએ તો તમે રાજી થશો ને? તેનાં રક્તમાંસનો પ્રસાદ તમે ખાશોને?'
જરા અટકી સંતે કહ્યું: 'જો આ પિતાઓ ને માતાઓ હા કહે તો આ હિંસક યજ્ઞ કરો!'
સભામાંથી એક જણે કહ્યું: 'પણ મહારાજ, અમે તો પશુના બલિદાનની વાત કરીએ છીએ, માણસની નહિ! વાતને તમે અવળે પાટે ચડાવો છો!'
સંતે કહ્યું: 'વાતને હું અવળે પાટે નથી ચડાવતો, મારી વાત તો એના પાટા પર જ છે. અવળો પાટો તો બીજે છે, હું તેને સવળા પાટે કરવા કહું છું. હું પશુની કે માણસની નહિ, જીવના બલિદાનની વાત કરું છું. જગતમાં જીવમાત્ર ભગવાનની સૃષ્ટિ છે; ભગવાને તેને જીવન આપ્યું છે તે જીવવા માટે જ આપ્યું છે તે વાત દીવા જેવી સ્પષ્ટ છે. જે જન્મ્યું છે તેને જીવવું ગમે જ છે. ભગવાને પ્રસન્ન થઈ તેને જે આપ્યું તે યજ્ઞના નામે તમારે લઈ લેવું છે. રાજાએ બ્રાહ્મણને દીધેલું ઇનામ કોઈ છેતરીને લઈ લેવાનું કહે તો તમે એનાં વખાણ કરશો કે એને ઠગ, ધૂતારો કહેશો? હિંસક યજ્ઞ કરનારો આવી ઠગાઈ, ધૂતારાઈ કરે છે. એને કોઈ હિસાબે ટેકો અપાય નહિ!'
હવે વાત લોકોના ગળે ઊતરી.
યજ્ઞનો વિરોધ કરવામાં ગામની સ્ત્રીઓએ હવે પહેલ કરી.
સ્ત્રીઓ ભેગી થઈને માતાજીના મંદિરમાં ગઈ. બજરંગ બાવાને તેમણે સાફ શબ્દોમાં કહી દીધું કે યજ્ઞમાં તમને અમારો સાથ નહિ મળે!
છેવટે બજરંગ બાવાએ યજ્ઞની યોજના પડતી મૂકવી પડી.
તે સાંજે ભેગા થયેલા લોકો સમક્ષ સંતે આ દૃષ્ટાંત કહ્યું:
શ્રીજીમહારાજ યજ્ઞના વિરોધી નહોતા. તેમણે પોતે અનેક યજ્ઞો કરાવ્યા છે, અને એ યજ્ઞોમાં સૌને નાનું-મોટું કામ સોંપી પુણ્યના ભાગી કર્યા છે. આ યજ્ઞો શુદ્ધ અહિંસક યજ્ઞો હતા. યજ્ઞ એ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે. યજ્ઞ દ્વારા આપણે ભગવાનને આપણાં તન-મન-ધન સમર્પીએ છીએ. આપણને દેહ પ્રત્યે મમતા છે, દેહને લાડ કરવાં આપણને ગમે છે. આપણને ધન પ્રત્યે મમતા છે, ધન સંઘરવું આપણને ગમે છે. આ લાડ અને આ સંઘરાનો ત્યાગ કરવાનું યજ્ઞ આપણને શીખવે છે. યજ્ઞ કહે છે કે તમે જેને તમારું ગણો છો તે તમારું નથી, પણ પ્રભુનું છે. એ વાત સતત તમારા ચિત્તમાં રહેવી જોઈએ. તેથી શ્રીજીમહારાજ આવા હિંસા રહિત યજ્ઞો કરાવતા.
એક વાર શ્રીજીમહારાજ કચ્છ-ભૂજમાં હતા. ભૂજમાં તે વખતે જગજીવન નામનો રાજાનો એક મંત્રી હતો. તેણે એક યજ્ઞનું મંડાણ કર્યું અને એવી વાત ચલાવી કે આ યજ્ઞથી રાજાનું અને પ્રજાનું બેઉનું કલ્યાણ થશે. યજ્ઞ માટે દેશદેશથી બ્રાહ્મણો આવ્યા અને યજ્ઞમાં વધેરવા માટે ઘણાં પશુઓ ભેગાં કરવામાં આવ્યાં.
જગજીવને આ યજ્ઞમાં પધારવા શ્રીજીમહારાજને નિમંત્રણ આપ્યું. મહારાજ પધાર્યા. ચારે બાજુ યજ્ઞનો ઘોંઘાટ હતો, એ ઘોંઘાટમાં પણ યજ્ઞ માટે રખાયેલાં પશુઓનો ચિત્કાર મહારાજને કાને પડ્યો. તેમણે પૂછ્યું તો ખબર પડી કે યજ્ઞમાં પશુઓની હત્યા થવાની છે.
બ્રાહ્મણો કહે: 'એ હત્યા ન કહેવાય, એ તો બલિદાન કહેવાય! બલિદાનથી માતાજી પ્રસન્ન થાય છે અને બલિ બનેલા પશુનો મોક્ષ થાય છે.'
મહારાજે કહ્યું: 'ઓહોહો, મોક્ષનો રસ્તો આટલો સહેલો છે, તો તમે પોતે બલિ બનીને મોક્ષ કેમ નથી લેતા?'
બ્રાહ્મણો કહે: 'બલિ થવાની અમારે જરૂર નથી. અમારો મોક્ષ નિશ્ચિત છે. અમે માતાજીના ભક્તો છીએ અને માતાજીને ધરાવેલાં માંસમદ્યનો અમે પ્રસાદ લઈએ છીએ અને એથી માતાજી અમારા પર સદા પ્રસન્ન રહે છે. શાસ્ત્રમાં બકરાના બલિદાનનું લખ્યું જ છે.'
શ્રીજીમહારાજે કહ્યું: 'લખ્યું છે પણ એ બકરાનું નહિ, અજનું. અજ એટલે ત્રણ વર્ષ જૂની ડાંગર, જે વાવીએ તો ઊગે નહિ એવી. ઊગે એવી તાજી નહિ, પણ ન ઊગે એવી જૂની ડાંગરને યજ્ઞમાં હોમવાનું કહેલું છે. તમે અજનો અર્થ બકરો કરો છો એ ભૂલ છે.'
પણ બ્રાહ્મણોને માંસમદિરાનો ચસકો અને મોટી દક્ષિણાની લાલચ, એટલે તેમણે માન્યું નહિ. સામેથી તેમણે શ્રીજીમહારાજ પર આક્ષેપ કર્યો કે તમે વળી ભગવાન શાના? તમારું એ પાખંડ છે!
શ્રીજીમહારાજે કહ્યું: 'પાખંડ તો જે જૂઠું બોલે તેનું કહેવાય. રાજા કહે કે હું રાજા છું, તો એ ખોટું બોલ્યો કેમ કહેવાય?'
આટલું કહી શ્રીજીમહારાજ ત્યાંથી ચાલી ગયા.
જગજીવને યજ્ઞ એની ઇચ્છા મુજબ પૂરો કર્યો.
બન્યું એવું કે થોડા વખત પછી રાજાની જગજીવન પર ખફામરજી થઈ અને રાજાના સિપાઈઓએ ભરબજારમાં જગજીવનની હત્યા કરી નાખી! રાજાપ્રજાના કલ્યાણ માટે કરેલા યજ્ઞનું આ ફળ! એથી રાજા-પ્રજાનું કલ્યાણ થયું એની ના નહિ.
શ્રીજીમહારાજનો આવો બીજો પ્રસંગ અમદાવાદ નજીકના ગામ જેતલપુરના યજ્ઞનો છે. તે વખતે અમદાવાદમાં મરાઠા પેશ્વાઓનું રાજ્ય હતું. પેશ્વાનો સૂબો અમદાવાદમાં રહેતો હતો. પેશ્વા બ્રાહ્મણ હતા, આ સૂબો પણ બ્રાહ્મણ હતો.
શ્રીજીમહારાજે જેતલપુરમાં અહિંસક યજ્ઞ કર્યો. તે પછી સૂબાના વૃદ્ધ બાપનું મરણ થયું. એટલે મહારાજના દ્વેષીઓએ સૂબાના કાન ભંભેર્યા કે સહજાનંદ સ્વામીએ બલિદાન વિનાનો યજ્ઞ કર્યો અને તમે એમને રોક્યા નહિ, તેથી મા કાળકા ગુસ્સે થઈ તમારા બાપને ભરખી ગઈ! હજી પણ તમે જો એમને સજા નહિ કરો તો મા કાળકા શું કરશે તે કહેવાય નહિ!
સૂબાના દિમાગમાં આ વાત ચોંટી ગઈ. તેણે છળથી શ્રીજીમહારાજની હત્યા કરવાનું કાવતરું ગોઠવ્યું. તેણે શ્રીજીમહારાજને પોતાને ત્યાં પધારવા વિનંતી કરી. મહારાજ પધાર્યા એટલે એણે એમને એક ભપકાદાર ગાદી પર બિરાજવાનું કહ્યું, પણ શ્રીજીમહારાજે કહ્યું કે 'આવી ગાદી પર તમે શોભો, અમે નહિ! માટે તમે બિરાજો!'
આમ કહી તેમણે પોતાના હાથમાંની છડી વડે એ ગાદી પર દાબ દીધો. ત્યાં તો આખી ગાદી નીચે ઊકળતા તેલના ટાંકામાં જઈને પડી! સૂબાનું કાવતરું ઉઘાડું પડી ગયું, શ્રીજીને સપડાવવા જતાં એ પોતે સપડાઈ ગયો.
આ ઘટના પછી થોડા વખતમાં અમદાવાદમાંથી પેશ્વાઈ ઊખડી ગઈ.
કથા પૂરી કરી સંતે 'શિક્ષાપત્રી'નું એક પાનું ઉઘાડી પરાગને કહ્યું: 'આ વાંચ!'
પરાગે વાંચ્યું:
અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી, તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ, તે કરવા. (155)
સંતે કહ્યું: 'હવે બારમો, પંદરમો અને બાવીસમો શ્લોક વાંચ!'
પરાગે વાંચ્યું:
અને દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માછલા આદિક કોઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. (12)
અને જે માંસ છે તે તો, યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય (દારૂ) તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. (15)
અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય, તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. (22)