૭. સાક્ષીએ સહિત વ્યવહાર

પરાગે રમતગમતમાં પોતાનું અને શાળાનું નામ રોશન કર્યું હતું. તેથી શાળામાં સૌ તેના પ્રત્યે માનની દૃષ્ટિથી જોતા. તેની સાથે ઊઠ-બેસ રાખવામાં વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠા મળતી હતી. આ પ્રતિષ્ઠાના લોભે ભટો તેના પ્રત્યે આકર્ષાયો હતો અને તેની સાથેનો સંબંધ તેણે વધાર્યો હતો, પણ પરીક્ષાની ચોરીનો પેલો પ્રસંગ બન્યા પછી પરાગને લાગ્યું કે ભટો 'કીમિયાગર' છે અને એવાની દોસ્તી રાખવામાં જોખમ છે, તેથી તે તેનાથી બને એટલું દૂર રહેતો હતો.

ભટો પરાગની સાથે હરતો-ફરતો હતો ત્યાં લગી તેને પોતાના સ્વચ્છંદી આચારવિચારમાં મર્યાદા રાખવી પડતી હતી, પણ પરીક્ષાના બનાવ પછી પરાગે તેની સાથેનો સંબંધ કાપી નાખ્યો હતો, તેથી હવે ભટાએ પણ મર્યાદાને વહેતી મૂકી હતી, અને ફાવે તેમ વર્તવા માંડ્યું હતું.

બીડી-સિગરેટના શોખમાંથી તેને પત્તાબાજીનો શોખ જાગ્યો હતો અને પત્તામાંથી તે જુગારમાં ઊતરી પડ્યો હતો. જુગારની શરૂઆતમાં એને રમાડનારાઓએ એને જાણી જોઈને જીતવા દીધો હતો-- એમ કરવામાં એમનો ઇરાદો એને ઊંડા પાણીમાં ખેંચવાનો હતો. ભટાને એનું ભાન નહોતું. એ સમજતો હતો કે હું મારી હોંશિયારીથી જીતું છું. આવી જીતને લીધે ભટાને થઈ ગયું કે આ તો ખૂબ સરસ! વગર મહેનતે પૈસા જ પૈસા!

પરિણામ એ આવ્યું કે એને જુગારનો બરાબર ચસકો લાગી ગયો. હવે એ જીતવા કરતાં વધારે હારતો હતો અને જેમ હારતો તેમ વધારે જુસ્સાથી રમતો અને વધારે હારતો. કોઈ વાર તો ઘણી મોટી રકમો હારી જતો. જુગારમાં એને દેવું પણ થઈ ગયું હતું. તે માટે તેને તત્કાળ પૈસાની જરૂર હતી. એ માટે એણે બરાબર મોકો જોઈને પરાગનો સંપર્ક સાધ્યો.

એણે કહ્યું: 'દોસ્ત, ગમે તેમ કર, મને પચીસ રૂપિયા ઉછીના આપ!'

પરાગ તે વખતે શાળાના સ્ટોરમાં કેટલાંક પુસ્તકો ખરીદવા જતો હતો, એટલે તેની પાસે પૈસા હતા. તેણે કહ્યું: 'લાચાર! આજે મારે કેટલાંક પુસ્તકો ખરીદ્યા વિના ચાલે તેમ નથી.'

ભટાએ કહ્યું: 'હું એ સમજું છું, છતાં વિનંતી કરું છું-- કાલે તો તને હું તારા પૈસા પાછા આપી જ દઈશ. મારી ખાતર પુસ્તકો એક દિવસ મોડાં ખરીદજે, એટલી મહેરબાની કર!'

કોઈ કરગરે તે પરાગને ગમતું નહિ. બીજાની તકલીફ જોઈ તેને લાગી આવતું. તેણે કહ્યું: 'કાલે પૈસા ચોક્કસ પાછા આપશે?'

હસીને ભટાએ કહ્યું: 'એક વાર મારા મોંમાંથી વચન નીકળી ગયું, પછી એમાં મીનમેખ નહિ!'

તે જ વખતે પરાગે ખિસ્સામાંથી પૈસા કાઢીને ભટાને દઈ દીધા.

'વાહ દોસ્ત!' કહી પરાગનો ખભો થાબડી ભટો ચાલતો થયો.

ક્યાં?

સીધો જુગારના અડ્ડામાં!

જુગારમાં જીતી એને પચીસના પાંચસો કરવા હતા.

પણ અડધા કલાકમાં જ એ પચીસે રૂપિયા જુગારમાં ખોઈ બેઠો.

બીજે દિવસે પરાગે ભટાને બહુ ખોળ્યો, પણ એ દેખાયો જ નહિ.

ત્રીજે દિવસે પણ દેખાયો નહિ.

તેણે જટાને પૂછ્યું: 'જટા, ભટો કેમ દેખાતો નથી?'

જટાએ કહ્યું: 'એનું કોઈ સગું અચાનક બિમાર થઈ ગયું છે, એટલે એ બહારગામ ગયો છે!'

પરાગે પૂછ્યું: 'ક્યારે આવશે?'

જટાએ કહ્યું: 'બિમારી મટે ત્યારે! અને બિમારી ક્યારે મટશે તે હું કેમ કહી શકું? હું કંઈ જોષી નથી કે વૈદ નથી.'

પરાગને આ જવાબ ગમ્યો નહિ, પણ તે ચૂપ રહ્યો.

વળી કેટલાક દિવસ વીતી ગયા. ભટો દેખાયો નહિ.

પરાગે તપાસ કરી તો એને ખબર પડી કે ભટો ગામમાં જ હતો અને કંઈ ને કંઈ બહાને શાળામાં આવવાનું ટાળતો હતો. જટો જાણી જોઈને એને ખોટા જવાબ આપતો હતો.

એણે હવે ભટાની બરાબર તલાશ કરવા માંડી. એણે જોયું તો ભટો અમુક ચોક્કસ સમયે ચોક્કસ જગાએ જતો હતો. એક દિવસ અચાનક એણે એને પકડી પાડ્યો. એકદમ એની સામે ધસી જઈને એણે કહ્યું: 'ભટા, મારા પચીસ રૂપિયાનું શું?'

ભટાએ નવાઈ દેખાડી કહ્યું: 'તારા પચીસ રૂપિયાનું શું તે તું જાણે કે હું જાણું?'

પરાગે કહ્યું: 'પેલે દિવસે તારે જરૂર હતી ને તેં મારી પાસેથી પચીસ રૂપિયા બીજે દિવસે પાછા આપવાનું કહીને ઉછીના લીધેલા અને હજી મને પાછા આપ્યા નથી તેની હું વાત કરું છું.'

જાણે કોઈ અદભુત વાત સાંભળતો હોય તેમ ચમકવાનો દેખાવ કરી ભટો બોલ્યો: 'શું કહે છે? મેં તારી પાસે પચીસ રૂપિયા ઊછીના માગેલા? અને તેં મને આપેલા? સ્વપ્નું તો નથી આવ્યું ને? ભાંગબાંગ તો નથી પીધી ને? કે પછી પેલા બાવા પાસેથી કોઈને ગળે પડવાની વિદ્યા શીખ્યો છે? વાહ રે, હું તો તને પ્રામાણિક છોકરો સમજતો હતો!'

પરાગને જાણે કોઈએ છાતી પર સાંગ મારી હોય તેવો આઘાત થયો.

તેણે કહ્યું: 'તેં કરગરીને માગ્યા અને પુસ્તકો ખરીદવાનું મોકૂફ રાખી મેં તને પચીસ રૂપિયા આપ્યા-- મારા પૈસાની હું ઉઘરાણી ન કરું?'

ભટાએ કહ્યું: 'તે કરને, જેને તેં ધીર્યા હોય તેની પાસે કર! મને એની સાથે શું લાગેવળગે?'

'પણ મેં પૈસા તને આપ્યા છે.' પરાગે 'તને' પર ભાર દઈને કહ્યું.

'મને? ક્યારે આપ્યા? કોઈ સાક્ષી?'

'સાક્ષી તું ને હું!'

'વાહ, સાક્ષી તું ને હું! તું ને હું! આટલું જ કહેવાથી જો રૂપિયા મળી જતા હોય તો હું યે કહું છું કે મેં તને પેલા દિવસે બસો રૂપિયા ઉછીના આપ્યા છે અને તેં હજી તે પાછા વાળ્યા નથી, તો આજે આપ!' ભટાએ કહ્યું.

પરાગે મરણિયા બની કહ્યું: 'મેં તને રૂપિયા આપ્યા છે ને હું માગું છું.'

ભટો કહે: 'હું પણ એમ જ કહું છું-- મેં તને રૂપિયા આપ્યા છે ને હું માગું છું. તારા પચીસ કાપીને મારા પોણા બસો અબઘડી દઈ દે. અત્યારે તારી પાસે ન હોય તો કાલે આપજે. મને તારો વિશ્વાસ છે. અત્યારે હું બહુ કામમાં છું. વધારે રોકાવાનો મને વખત નથી.'

આમ કહી પરાગને મૂંઝાયેલો મૂકી હસતો હસતો એ ચાલી ગયો.

પરાગ જડસડ થઈ ગયો. આવી વાત કહેવી કોને તે ય તેને સૂઝ્યું નહિ. એ પૈસાથી જે પુસ્તકો ખરીદવાનાં હતાં તે હવે નહિ ખરીદાય, અને પુસ્તકો બીજાની પાસેથી કે ગ્રંથાલયમાંથી લાવીને વાંચવાં પડશે. તેનું યે દુ:ખ નહોતું, દુ:ખ હતું ભટાએ એને જૂઠો અને અપ્રામાણિક કહ્યો તેનું.

આ દુ:ખથી એની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં.

એ સીધો સંત હરિભક્તદાસની પાસે ગયો અને વાત કરતાં રડી પડ્યો.

સંતે તેના મસ્તક ઉપર હાથ મૂકી તેને આશ્વાસન આપ્યું. પછી કહ્યું: 'શ્રીજીમહારાજે સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં સદાચાર અને સદાચરણની એવી ભરતી આણી હતી કે તે વખતની અંગ્રેજ સરકાર પણ તેમના આ પ્રભાવથી પ્રભાવિત થઈ ગઈ હતી. અમદાવાદના અંગ્રેજ હાકેમે સામે ચાલીને શ્રીજીમહારાજનું સામૈયું કર્યું હતું. શ્રીજીમહારાજની ઇચ્છા અમદાવાદમાં મંદિર બાંધવાની હતી એ જાણ્યા પછી અમદાવાદના ગોરા હાકેમે તેમને જમીન આપવાનું કહ્યું, ત્યારે શ્રીજીમહારાજે લખત કરીને જ તે જમીન સત્સંગ માટે લીધી હતી. શ્રીજીમહારાજની સ્પષ્ટ આજ્ઞા હતી કે પિતા-પુત્ર વચ્ચેનો કે મિત્ર-મિત્ર વચ્ચેનો પૈસાટકા કે માલમિલકતને લગતો વ્યવહાર હોય તો એમાં બેઉ પક્ષે અવશ્ય લખત કરવું જોઈએ અને એ લખતના સાક્ષીઓ પણ હોવા જોઈએ. વેવિશાળ અને લગ્ન વ્યવહારમાં પણ આવું લખત હોવું જોઈએ. કોઈનું આપણે કંઈ દેવું કર્યું હોય અને તે ચૂકતે કર્યું હોય તો તે ચૂક્તે કર્યાની વાત પણ છાની ન રાખવી. દેવું કરીએ તે ય છાનું ન રાખવું અને દેવું ચૂક્તે કરીએ તે ય છાનું ન રાખવું.

'શ્રીજીમહારાજ માત્ર અગિયાર વર્ષની બાળવયે ઘર છોડી નીકળી ગયા હતા. તેમને સંસાર વ્યવહારની આ આંટીઘૂંટીઓની કેમ કરી સમજ પડી હશે? એવો પ્રશ્ન થાય, પણ જેને હસ્તક આખી સૃષ્ટિનો વ્યવહાર છે તેને કશું અજાણ્યું નથી, તેને કશું શીખવું પડતું નથી.'

આમ કહી સંતે 'શિક્ષાપત્રી' ઉઘાડી કહ્યું: 'આમાંથી આ ત્રણ શ્લોકો વાંચ-- 143, 144, 152.'

પરાગે મોટેથી વાંચ્યું:

સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી અને ધનનાં લેણદેણે કરીને વ્યવહાર, જે તે ક્યારેય ન કરવો. (143)

અને પોતાનું અથવા બીજાનું જે વિવાહસંબંધી કાર્ય, તેને વિષે આપવા યોગ્ય જે ધન, તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. (144)

અને પોતા પાસે કોઈ કરજ માગતો હોય અને તે કરજ દઈ ચૂક્યા હોઈએ, તે વાતને છાની ન રાખવી, તથા પોતાનો વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું; અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. (152)