૬. જીભને તો જીતવી જ
પરાગે એના જૂના દોસ્ત ભટાને મળવાનું બંધ કરી દીધું હતું, પણ ભટો એને ભૂલ્યો નહોતો.
ભટાનો એક સાથીદાર હતો. નામ એનું જટાશંકર, પણ બધા એને જટો કહેતા.
એક વાર ભટો અને જટો ભેગા થયા. અરસપરસ વિચાર કરી તેમણે નક્કી કર્યું કે પરાગ આપણી મંડળીમાંથી છૂટી જાય એ ન ચાલે. કોઈ રીતે એને પાછો આપણા ટોળામાં લેવો જોઈએ-- સીધી રીતે ન આવે તો યુક્તિથી.
તે માટે તેમણે એક ઉજાણીની યોજના કરી.
પછી બંને જણા પરાગને મળવા ગયા અને એને ઉજાણીનું નિમંત્રણ આપતાં કહ્યું: 'ચાલ દોસ્ત, આજે નદી પર ફાફડા-ચટણીની ઉજાણી રાખી છે, મજા આવશે.'
પરાગે કહ્યું: 'હું લસણ-ડુંગળી ખાતો નથી, એટલે મારે માટે એ નકામી છે.'
હવે જટાએ કહ્યું: 'તે લસણ-ડુંગળીએ તારું શું બગાડ્યું છે, ભાઈ?'
પરાગે કહ્યું: 'મારા શરીરમાં એને ઘૂસવા દઉં તો બગાડે ને?'
હવે વાતનો દોર જટાએ હાથમાં લીધો. તેણે કહ્યું: 'લસણ-ડુંગળીને તું મામૂલી ચીજ સમજે છે એ તારી ભૂલ છે. એ મામૂલી ચીજ નથી. એ તો ભગવાનની પ્યારી ચીજ છે. એક વાર વાંસળી અને ડુંગળી વચ્ચે વાદ થયો કે આપણા બેમાં ભગવાનને વધારે વહાલું કોણ? તે માટે તેમણે એવું નક્કી કર્યું કે આપણે બંને સાથે ભગવાનની પાસે જઈએ અને ભગવાન જેને પહેલું હાથમાં લે તે ભગવાનને વધારે વહાલું છે એમ સમજવું. ભગવાન તે વખતે ગોવાળિયાઓ સાથે વનભોજન માટે ગયા હતા. ત્યાં ભગવાનના ભાણામાં બે વાનાં મૂકવામાં આવ્યાં-- એક વાંસળી અને બીજી ડુંગળી! ભગવાન જેવા ભાણા પર બેઠા એવા 'વાહ!' કહી એમણે ડુંગળીનો દડો હાથમાં લઈને રમાડવા માંડ્યો. પછી કહે: જો, હું દડો કેટલે દૂર ફેંકી શકું છું! આમ કહી એમણે ડુંગળીનો દડો ફેંક્યો તે જમનાજીમાં જઈને પડ્યો! બસ, સાબિત થઈ ગયું કે ભગવાનને ડુંગળી વધારે વહાલી છે. શરતમાં હારી ગઈ એટલે વાંસળી તો કાંઈ રડે, કાંઈ રડે! એને કોઈએ આશ્વાસન પણ આપ્યું નહિ. પણ પછી ભગવાનને દયા આવી. એટલે છેક મધરાતે, ગામ આખું ઊંઘતું હતું ત્યારે ભગવાને એને હાથમાં લઈ એના કાનમાં ફૂંક મારી-- ત્યારે બાપડીના જીવમાં જીવ આવ્યો! આવું છે ડુંગળીનું માહાત્મ્ય! આપણા એક કવિએ તો 'ધન્ય ડુંગળી રાણી! રાજાની પટરાણી!' કહી ડુંગળીને બિરદાવતી કવિતા લખી છે. વાંચી છે તેં એ? ન વાંચી હોય તો કાલે હું તને વંચાવીશ.'
પરાગ માત્ર સાંભળી રહ્યો, એ કંઈ બોલ્યો નહિ.
એટલે ભટાએ હસીને કહ્યું: 'આવે છે ને અમારી જોડે ઉજાણીમાં?'
પરાગે દૃઢ સ્વરે કહ્યું: 'ના.'
જટાએ કહ્યું: 'કેમ, ના?'
પરાગે કહ્યું: 'ભગવાને લસણ-ડુંગળીને અભક્ષ્ય વસ્તુ ગણી ખાવાની ના કહી છે.'
જટાએ કહ્યું: 'એવા કેવા ભગવાન છે તારા? નવાઈના આકાશમાંથી ઊતરી આવ્યા છે કે શું?'
પરાગે કહ્યું: 'મારા ભગવાન છે શ્રીજીમહારાજ સહજાનંદ સ્વામી. સ્વામિનારાયણ નામે તેઓ જગપ્રસિદ્ધ છે. તેમણે 'શિક્ષાપત્રી' નામે એક ગ્રંથ સ્વહસ્તે લખ્યો છે. તેમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે લસણ-ડુંગળી આદિ અભક્ષ્ય વસ્તુ ખાવી નહિ, બ્રાહ્મણે તો કદાપિ નહિ!'
આ સાંભળી જટો-ભટો જોરથી હસી પડ્યા. કહે: 'કાલે તો તારા ભગવાન કહેશે કે જન્માષ્ટમી પર જુગાર રમાય છે તે ન રમવો, શિવરાત્રિ પર ભાંગ પીવાય છે તે ન પીવી, પત્તાં રમવાં નહિ, બીડી-સિગરેટ પીવી નહિ, હોકો-તમાકુને અડવું નહિ! હા હા હા હા!'
પરાગે તરત કહ્યું: 'કાલે કહેશે એમ નહિ, એ પણ કહેલું જ છે. ભગવાને સ્પષ્ટ આજ્ઞા કરી છે કે જુગટું તથા વ્યસન માત્રનો ત્યાગ કરવો. ભાંગ, માજમ, ગાંજો વગેરે કેફ કરનારી વસ્તુ ખાવી નહિ અને પીવી પણ નહિ. પત્તાં, પાન, બીડી, તમાકુ, હોકો-- આ બધાં વ્યસનો છે. એક વાર એની લતમાં પડેલો માણસ સહેલાઈથી એમાંથી છૂટી શકતો નથી અને અંતે ખુવાર થાય છે.'
'ઓહોહો! તું તો જાણે મોટો પંડિત થઈ ગયો!'
પરાગે કહ્યું: 'પંડિત શાનો વળી? હું તો માત્ર એક સાધારણ વિદ્યાર્થી છું. વિદ્યાર્થી તરીકે મને વિદ્યામાં રસ છે, સંસ્કારમાં રસ છે, તેથી જે કંઈ મારા જાણવામાં આવે છે તે અનાયાસે તમને કહેવાઈ જાય છે.'
ભટા-જટાએ કહ્યું: 'તારું એ જ્ઞાન તારી પાસે રાખ, અમારે એની જરૂર નથી. અમને વિદ્યામાં રસ છે, તે કરતાં મોજથી જીવવામાં વધારે રસ છે. મોજથી જીવવું એ જ મહત્ત્વનું છે. વિદ્યા પણ મોજથી જીવવા માટે જ પ્રાપ્ત કરવાની છે. ખાવું-પીવું ને મોજ કરવી એ જીવનનો હેતુ છે અને વિદ્યાનો પણ એ જ હેતુ છે. આ તને કહી દીધું. સમજાય તો સમજ. મોટા મોટા માણસો પણ આ જ કહે છે. બસ, તબિયતથી ખાઓ, પીઓ ને મોજ કરો! માટે વેવલાવેડા છોડ અને અમારી સાથે ખાઈ-પી મોજ કર! આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે?'
પરાગે કહ્યું: 'જે માત્ર આજને જ જુએ છે તે ટૂંકી દૃષ્ટિવાળો છે. પગ નીચેની ભોંયને જરૂર જુઓ, પણ નવું ડગલું માંડવાનું છે તે ભોંય પણ જુઓ, નહિ તો કઈ ઘડીએ ખાડામાં જઈ પડશો તે કહેવાય નહિ.'
'વેદિયો! બોચિયો!' કહી ભટો-જટો ખી ખી ખી કરી હસતા હસતા ચાલી ગયા.
* * *
તે દિવસે સાંજે પરાગ સંતનાં દર્શન કરવા ગયો, ત્યારે તેની વાત સાંભળી સંતે કહ્યું: 'ભાઈ, જીભના સ્વાદે કરીને માણસે કેટકેટલું ગુમાવ્યું છે! શ્રીજીમહારાજે સાધુજીવન ઇચ્છનારાને ખાસ આજ્ઞા કરી છે કે રસના ઇંદ્રિયને તો જીતવી જ. (શિક્ષાપત્રી, 189) શ્રીજીમહારાજે જ્યારે ધર્મ સ્થાપનની ઘોષણા કરી ત્યારે તેમણે સંતોને ખૂબ કડક નિયમો આપ્યા હતા અને ભિક્ષામાં જે કંઈ મળે તે બધું ભેગું કરી તેનો ગોળો વાળી જમવાની આજ્ઞા કરી હતી. આજે પણ આપણા સંતો આવું નિઃસ્વાદ વ્રત પાળે છે. ઈશ્વરે મનુષ્યને જે અંગો આપ્યાં છે તેમાં જીભ અદભુત અંગ છે. તે બેવડું કામ કરે છે-- સ્વાદ લેવાનું અને બોલવાનું. એ બંને કામમાં વિવેકની જરૂર છે. બોલવામાં જો વિવેક ન રહે તો જીભ પાણીમાં આગ લગાડી દે અને સ્વાદ પર અંકુશ ન રહે તો શરીરને અનેક રોગદોગનું ઘર બનાવી દે!'
થોડી વાર અટકી તેમણે આગળ ચલાવ્યું:
'શ્રીજીમહારાજના સંતો ખૂબ ચીવટથી આ આજ્ઞા પાળતા. અજ્ઞાની લોકો આપણા સાધુઓને ખૂબ સતાવતા. સાધુઓ ભિક્ષા માગવા જાય ત્યારે અનાડી લોકો તેમની ઝોળીમાં ધૂળઢેફાં નાખે અને જે કંઈ થોડી ભિક્ષા મળી હોય તેને નકામી કરી નાખે. દુષ્ટો સાધુને મારેપીટે પણ ખરા, પણ સાધુ બચાવ માટે પણ હાથ ઊંચો ન કરે. અસહ્ય ત્રાસ પણ સહન કરી લે અને મોટેથી બોલે: 'મહારાજ, અમને હેરાન કરનારનું કલ્યાણ કરજો!'
'એવા પણ અનેક પ્રસંગો બન્યા છે જ્યારે મહારાજના સાધુઓને કોઈ દિવસ પાશેર અન્ન ખાવા મળ્યું, તો કોઈ વાર એટલું યે ન મળ્યું! એક વાર સાધુઓએ મહારાજને લખ્યું કે આના કરતાં તો સદંતર ઉપવાસ કરવા સારા! અમને ઉપવાસની રજા આપો!'
જવાબમાં શ્રીજીમહારાજે લખ્યું: 'અન્ન ત્યાગ કરતા નહિ, હતાશ થતા નહિ! હજી તો અમારે તમારી પાસે ઘણાં કામ કરાવવાં છે!'
સંતોને ખ્યાલ આવી ગયો કે જગતના કલ્યાણ અર્થે ભગવાને અવતાર ધર્યો છે તેમાં અમારે ય કંઈ વિશિષ્ટ ભાગ ભજવવાનો છે. શું ભાગ ભજવવાનો છે તેની અમને ભલે ખબર ન હોય, પણ શ્રીજીમહારાજ એ જાણે છે અને એ પ્રમાણે અમને દોરે છે! માટે જેને કલ્યાણનો ખપ છે તેણે તો પ્રાણ હોડમાં મૂકીને પણ એમની આજ્ઞાને અનુસરવું.
આ વિષે શ્રીજીમહારાજે એક વાર સાધુઓને એક દૃષ્ટાંત કહ્યું હતું તે જાણવા જેવું છે.
એક સદગુરુ હતા. તેમને રોજ મૂઠી ચોખા મળતા. તે ખાઈને એ રહેતા, અને ભગવાનનું ધ્યાન-ભજન કરતા.
એક વાર એક માણસ એમનો શિષ્ય થવા આવ્યો. કહે: 'મને આપની સેવામાં રાખો!'
ગુરુએ કહ્યું: 'જો ભાઈ, મારું માંડ પૂરું થાય છે, તું અહીં શું ખાઈને રહેશે?'
શિષ્યે કહ્યું: 'ભાતનું ઓસામણ પીને હું રહીશ.'
ગુરુએ કહ્યું: 'ભલે, તો રહે!'
થોડા દિવસ પછી બીજો માણસ આવ્યો. કહે: 'મને આપની સેવામાં રાખો!'
ગુરુએ કહ્યું: 'તું અહીં શું ખાઈને રહેશે?'
બીજા શિષ્યે કહ્યું: 'રાંધતા પહેલાં જે પાણીથી ચોખા ધોવાય છે તે પાણી પીને હું રહીશ.'
ગુરુએ કહ્યું: 'ભલે, તો રહે!'
થોડા વખત પછી ત્રીજો માણસ આવ્યો. કહે: 'મને આપની સેવામાં રાખો!'
ગુરુ કહે: 'તું અહીં શું ખાઈને રહેશે?'
ત્રીજો જણ કહે: 'આપ જમી રહેશો ત્યારે આપની પતરાળી ધોઈ હું મારું પેટ ભરીશ. મારે તો કોઈ રીતે આપનો સત્સંગ જોઈએ છે.'
ગુરુ કહે: 'ઠીક, તો રહે!'
કથાનક પૂરું કરી શ્રીજીમહારાજ કહે છે કે સત્સંગનો ખપ હોય, જ્ઞાનનો ખપ હોય, જીવના ઉદ્ધારનો ખપ હોય તેનામાં આવી દૃઢતા જોઈએ.
શ્રીજીમહારાજની પ્રત્યેક આજ્ઞા સંતો જીવ સાટે પાળતા. આ સંતો નદી-તળાવમાં ધોવાતાં શાકભાજીનાં પાંદડાં વીણી લાવી ભિક્ષા ભેગાં ચોળીને ખાતા, કોઈ વાર નદી-તળાવની લીલી લીલી શેવાળ ખાઈ ચલાવ્યું છે. શ્રીજીમહારાજમાં તેમને એવી અચળ આસ્થા કે જેમ વધારે તકલીફો પડે, જેમ વધારે દુ:ખ પડે તેમ તેમની દૃઢતા વધે. મહારાજની આજ્ઞા હતી કે અગવડો દેખો ત્યાં રહેજો! આવી આજ્ઞાનું તાત્પર્ય એ કે જ્યાં વધુ અગવડો ત્યાં સમજવું કે અજ્ઞાન વધારે છે અને જ્યાં અજ્ઞાન વધારે ત્યાં તમારી વધારે જરૂર છે એમ સમજવું. ઔષધની જરૂર માંદાને હોય છે, સાજાને નહિ, તેવી રીતે જ્યાં અજ્ઞાન છે, વહેમ છે, દુષ્ટતા છે, દુરાચાર છે ત્યાં સંતોની હાજરીની અને સત્સંગની વધારે જરૂર છે તેમ સમજવું. શ્રીજીમહારાજના સાધુ-સંતોનું આવું અનોખું વ્યક્તિત્વ હતું.'
વાત પૂરી કરી સંતે શિક્ષાપત્રીનું એક પાનું ઉઘાડી પરાગને કહ્યું: 'આ વાંચ!'
પરાગે મોટેથી વાંચ્યું:
જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ, મફર, માજમ, ગાંજો આદિક જે જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહિ અને પીવી પણ નહિ! (18)
હવે સંતે બીજું પાનું બતાવી કહ્યું: 'હવે આ વાંચ!'
પરાગે મોટેથી વાંચ્યું:
ડુંગળી અને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઈ પ્રકારે ન ખાવું. (186)
અંત: શત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક તેમને જીતવા, અને સર્વે જે ઇંદ્રિયો તે જીતવી અને રસના (જીભ) ઇંદ્રિયને તો વિશેષે કરીને જીતવી. (188-189)