૧૮. યાત્રા અવશ્ય કરવી, પણ કેવી રીતે?

એક દિવસ પરાગે ગઢપુરની યાત્રા કરીને આવેલા કેટલાક યાત્રાળુઓને જોયા. તેમને મળીને તેને ખૂબ આનંદ થયો. ગઢપુર વિષે તેણે પુસ્તકોમાં ઘણું વાંચ્યું હતું. સ્વામિનારાયણ ભગવાન સત્સંગ અર્થે પોતાના દિવ્ય વિચરણ દરમિયાન ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં પોતાનું ઘર માનીને હંમેશાં રહેતા. શ્રીજીમહારાજે ત્યાં મંદિર બંધાવી ત્યાં ગોપીનાથજી નામે પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે તેની તેને ખબર હતી. આવી જે ભૂમિ, જ્યાં ભગવાન સ્વામિનારાયણનાં પગલાં પડ્યાં હતાં તેનાં દર્શન કરવાનું કોને મન ન થાય? પરાગને પણ મન થઈ ગયું.

એણે સંત હરિભક્તદાસજીને કહ્યું: 'સ્વામી, આપની આજ્ઞા હોય તો હું એક વાર ગોપીનાથજીનાં દર્શન કરવા જાઉં!'

સંતે પ્રસન્ન થઈ કહ્યું: 'ખુશીથી જા, ભાઈ! ગઢપુર વગેરે તીર્થોની યાત્રા કરવાનું તો શ્રીજીમહારાજે કહ્યું જ છે. તને મન હોય અને વખત હોય તો બીજાં પણ તીર્થોની યાત્રા તું કરશે તો તને અવશ્ય લાભ થશે.'

પરાગે કહ્યું: 'એ બીજાં તીર્થો વિષે મને કંઈક કહો!'

સંતે કહ્યું: 'શ્રીજીમહારાજના પ્રાગટ્ય પહેલાં સેંકડો વર્ષોથી આપણા દેશમાં શિખરબંધી મંદિરો કોઈ બાંધતું જ નહોતું એમ કહીએ તો ખોટું નથી. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતની આ વાત છે. શ્રીજીમહારાજે પહેલું અમદાવાદમાં શિખરબંધી મંદિર બંધાવ્યું, અને ત્યાં શ્રી નરનારાયણદેવની પ્રતિષ્ઠા કરી. તે પછી તેમણે ભૂજમાં મંદિર બંધાવ્યું ત્યાં પણ શ્રી નરનારાયણદેવની પ્રતિષ્ઠા કરેલી છે. શ્રીજીમહારાજે પોતે કહ્યું છે કે શ્રી નરનારાયણદેવ એ અમારું જ સ્વરૂપ છે. અમારામાં અને શ્રી નરનારાયણદેવમાં કંઈ જ ભેદ સમજવો નહિ.

તે પછી વડતાલનું મંદિર થયું. તે મંદિર બાંધવા માટે શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને માત્ર બાર રૂપિયા આપ્યા હતા. બાર રૂપિયામાં મંદિર બાંધવાનું હતું. આપણને આ મશ્કરી જેવું લાગે, પણ એ બાર રૂપિયા તો એક પ્રતીક હતું. પ્રતીક કોનું? અનંત બ્રહ્માંડોના અધિપતિની ઇચ્છાનું! બ્રહ્માનંદ સ્વામી મોટા મનના, મોટા સાધુ! ભગવાનની ઇચ્છાનું સાર્મથ્ય જાણવાવાળા, એટલે કરકસર શું કરવા કરે? મંદિરનું કામ એમણે મોટા પાયે ઉપાડ્યું. ત્રણ શિખરવાળું ભવ્ય મંદિર બંધાયું અને પેલા બાર રૂપિયા સ્વામીએ જેવા ને તેવા શ્રીજીમહારાજના ચરણમાં પાછાં ધર્યા! કહે: 'વૃત્તાલયધામનું આ મંદિર આપની પ્રસન્નતાર્થે લક્ષ્મીદેવીએ પોતે રાજી થઈ બાંધ્યું છે!'

થોડી વાર અટકી સંતે કહ્યું: 'તે પછી શ્રીજીમહારાજની આજ્ઞાથી અમદાવાદ નજીક જેતલપુરમાં મંદિર બંધાયું, તથા ધોલેરા, ધોળકા અને જૂનાગઢમાં મંદિરો બંધાયાં.

સૌથી છેલ્લે ગઢડામાં મંદિર બંધાયું.

ગઢડામાં તો શ્રીજીમહારાજ સ્વયં બિરાજતા હતા, તેથી પોતે જ મંદિર રૂપ હતા, બીજા મંદિરની તાત્કાલિક જરૂર નહોતી, તેથી એ મોડું બંધાયું. એ મંદિરના પહાણા શ્રીજીમહારાજે પોતે માથે ઊંચક્યા છે, એટલે એ મંદિરનું માહાત્મ્ય અતિ ઘણું છે.

ગઢડામાં શ્રીજીમહારાજનું બિરાજવાનું સ્થાન, એમની અક્ષરઓરડી, આજે પણ એનાં દર્શન કરીએ તો ત્યાં શ્રીજીમહારાજના પ્રભાવનો અનુભવ થયા વિના ન રહે-- એ અનુભવથી રોમરોમ આનંદથી નાચી ઊઠે, રૂંવેરૂંવે મહારાજના તેજનો સ્પર્શ થાય, કાનમાં મહારાજની વાણીનો મિષ્ટમધુર ગુંજારવ ઊઠે અને સંતો હરિભક્તોની હાજરીથી હવા મઘમઘતી લાગે! ત્યાંની રજમાં શ્રીજીમહારાજનાં પગલાં પડ્યાં છે, ત્યાંની હવામાં શ્રીજીમહારાજની વાણીનો મિષ્ટમધુર રવ છે, ત્યાંની ઘેલા નદીનાં નીરમાં શ્રીજીમહારાજની લીલાના તરંગો છે.

'પરાગ, તીર્થયાત્રા કરવી એટલે હળુહળુ કરી જરી જોઈને પાછા ફરી જવું એ નહિ. પણ રોમરોમથી, ચિત્તથી, અંતરથી ત્યાંના ભક્તિભાવભર્યા વાતાવરણને આત્મસાત્ કરવાનું છે. તીર્થમાં જઈને ગૃહસ્થે કંઈક ત્યાગવાનું હોય છે, ધનલોભ છોડવાનો હોય છે, સંસારની મમતા ઓછી કરવાની હોય છે. એ ત્યાગના પ્રતીકરૂપે દાન-દક્ષિણાની પ્રથા ઊભી થઈ છે.

તીર્થદર્શનને આપણે યાત્રા એવું નામ આપેલું છે. 'યા' એટલે જે અને 'ત્રા' એટલે તારે-- ટૂંકમાં જે તારે તે યાત્રા! યાત્રાનો હેતુ તરવાનો છે. યાત્રા તારે છે, પણ જે તરવા માગતો હશે તે તરશે, જેને તરવું નહિ હોય તેને કોઈ તારી નહિ શકે. યાત્રામાં આવી તરવાની ભાવનાથી જવાનું છે, અને પ્રભુસ્મરણમાં લીન રહેવાનું છે.'

થોડી વાર અટકી સંતે આગળ ચલાવ્યું: 'આવી ભગવદ્ભાવના સાથે તીર્થયાત્રા કરવાની છે. એવી ભાવના હશે તો યાત્રિકને અવશ્ય કંઈક ને કંઈક ઊંડો આધ્યાત્મિક લાભ થશે જ. તીર્થમાં પગ દીધા પછી તીર્થના તીર્થ સ્વરૂપની સાથે યાત્રિક કેટલો આત્મસાત થાય છે તેના ઉપર યાત્રાથી તે કેટલો લાભ પામે છે તેનો આધાર છે. તીર્થના પ્રાણ સાથે જો તે જરીકે એકરૂપ ન થઈ શકે તો એનાં પગલાં પારોઠનાં પગલાં બની જાય એવું યે બને! કડવી તુંબડી જેવું-- સો વાર ગંગામાં નહાય, તો ય કડવો સ્વભાવ ન છોડે.

એક દૃષ્ટાંત કહું તે સાંભળ:

શ્રીજીમહારાજના એક સંત હતા. નામ સ્વામી સચ્ચિદાનંદ. તેઓ મહાત્યાગી ને તપસ્વી હતા.

એક વાર શ્રીજીમહારાજે તેમને આજ્ઞા કરી કે દ્વારકા જઈ દ્વારકાધીશનાં દર્શન કરી આવો!'

સ્વામી કહે: 'મહારાજ, મારે તો અડસઠે તીરથ અને તીરથના દેવો અહીં તમારા ચરણમાં છે, પણ તમારી આજ્ઞા છે તો હું જાઉં છું.'

સ્વામી દ્વારકા ગયા. મંદિરમાં દર્શન કરવા જતાં પહેલાં ગોમતીમાં નહાવા ગયા.

પણ પાણીમાં પગ દે એ પહેલાં પંડાઓએ કહ્યું: 'પહેલાં અમને દક્ષિણા આપો, પછી પાણીમાં પગ દો!'

સ્વામી કહે: 'હું સાધુ છું, હું પૈસા રાખતો નથી, પૈસાને સ્પર્શ પણ કરતો નથી.'

આ સાંભળી પંડાઓ હસ્યા. કહે: 'તું કેવો સાધુ છે તેની અમને ખબર છે.'

સાધુઓ પ્રત્યેનો આ અનાદર જોઈ સ્વામીને બહુ દુઃખ થયું. તેમણે મનમાં શ્રીજીમહારાજને સંભાર્યા ને કહ્યું: 'મહારાજ, તમારી આજ્ઞાથી આવ્યો છું, તમે સંભાળજો!'

આમ કહી એ આંખો મીંચી ત્યાં જ બેસી પડ્યા. બેઠા એવા ઊંડા ધ્યાનમાં ડૂબી ગયા, તે બીજે દિવસે જાગ્યા. જાગ્યા એવા ફરી ગોમતીમાં સ્નાન કરવા ગયા, ફરી પંડાઓએ રોક્યા: 'પૈસા આપો, પછી પાણીમાં પગ દો!'

આમ ત્રણ દિવસ વીતી ગયા. સ્વામીને પૂરા ત્રણ ઉપવાસ થયા. ગોમતીમાં સ્નાન કર્યા વિના દ્વારકાધીશનાં દર્શન કેમ કરાય, અને દર્શન કર્યા વિના મોંમાં અન્નનો દાણો કેમ નખાય?

તે જમાનામાં દ્વારકાની જાત્રા કરનારાઓ શરીર પર તપ્ત મુદ્રાથી દ્વારકાની છાપ લેતા. સ્વામીએ તેવી છાપ લેવાનો વિચાર કર્યો, પણ છાપ મારવાવાળા મુદ્રાધિકારીઓ કહે: 'પૈસા લાવો, પછી છાપ!'

સ્વામીએ કહ્યું: 'હું અકિંચન સાધુ છું.'

પણ મુદ્રાધિકારી કહે: 'સાધુઓની પાસે તો પૈસા નહિ, મહોરો હોય છે, દેખ આ!'

આમ કહી તેણે એક જટાધારી બાવાની જટા વીંખી નાખી તો એમાંથી ચાર-પાંચ સોનામહોરો નીકળી પડી.

ત્રણ દિવસ સુધી સ્વામી અહીં લાંઘ્યા પણ એમને તપ્ત મુદ્રા મળી નહિ.

છ દિવસના ઉપવાસ થયા. હવે એ પાછા મંદિરમાં આવ્યા અને અન્નજળનો ત્યાગ કરી 'શ્રીજી તારે ખોળે!' કહી એકાંત સ્થળે આસન વાળીને બેઠા.

મનમાં દૃઢ નિશ્ચય કે શ્રીજીમહારાજે મને દ્વારકાધીશનાં દર્શન કરવા મોકલ્યો છે, દર્શન કર્યા વિના પાછો જાઉં તો મહારાજની આજ્ઞાનો ભંગ થાય, એના કરતાં ઉપવાસ કરી શ્રીજીના ધ્યાનમાં દેહ પાડવો સારો!

બીજા ત્રણ દિવસ વીતી ગયા.

એ દિવસે એકાદશી હતી. સ્વામીના રોમેરોમમાંથી 'શ્રીહરિ! શ્રીહરિ!'નો પોકાર ઊઠતો હતો. મધરાતે સ્વામીના અંતરમાં ભગવાન પ્રગટ થયા. સ્વામીના આનંદનો પાર ન રહ્યો. તેમની ભૂખ-તરસની બધી વેદના અદૃશ્ય થઈ ગઈ.

ભગવાન કહે: 'માગ, માગે તે આપું!'

સ્વામી કહે: 'ભગવાન, આપનાં દર્શને આવનાર કોઈ સાધુને કે ગૃહસ્થને મને પડ્યું એવું કષ્ટ ન પડજો!'

ભગવાને કહ્યું: 'તથાસ્તુ! આજથી મારા સાધુઓની અને હરિભક્તોની દ્વારકાની યાત્રા વડતાલમાં સિદ્ધ થશે!'

સ્વામીની પ્રસન્નતાનો પાર ન રહ્યો. શ્રીજીમહારાજની યાત્રાની આજ્ઞા કેવી અદભુત રીતે પૂર્ણ થઈ?

સ્વામી પાછા ગઢડા આવ્યા. તેમના મુખે આ વૃત્તાંત સાંભળી સંતો અને હરિભક્તો ધન્ય! ધન્ય! પોકારી ઊઠ્યા.

શ્રીજીમહારાજે મંદ મધુર સ્મિત કરી કહ્યું: 'આ વર્ષે ફૂલદોલનો ઉત્સવ આપણે વડતાલમાં કરશું.'

એ વર્ષે વડતાલમાં ફૂલદોલનો ઉત્સવ ખૂબ સુંદર રીતે થયો. આમ શ્રીજીમહારાજે 'તથાસ્તુ'! વચન સાર્થક કર્યું.'

કથા પૂરી કરી સંતે કહ્યું: 'યાત્રિકમાં આ સ્વામી જેવી લગન હોય તો એની યાત્રા સફળ થયા વિના રહે જ નહિ!'

પછી તેમણે 'શિક્ષાપત્રી'નું એક પાનું ઉઘાડી પરાગને કહ્યું: 'આ શ્લોકો વાંચ!'

પરાગે મોટેથી વાંચ્યું:

અને અમારા જે સર્વે સત્સંગી, તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય, તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. (76)

અને તે વિશેષ નિયમ, તે કિયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જાપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનની પ્રદક્ષિણાઓ કરવી તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા-- એ જે આઠ પ્રકારના નિયમ, તે અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ, જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. (77, 78)

અને સર્વ જે એકાદશીઓ, તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્સવ કરવા. અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય, તે દિવસે અતિશય યત્ને કરીને, દિવસની નિદ્રાનો ત્યાગ કરવો, કેમ જે દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. (79, 80)

અને સર્વે જે અમારા આશ્રિત, તેમણે દ્વારિકા* આદિક જે તીર્થ, તેમની યાત્રા જે તે પોતાના સાર્મથ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સાર્મથ્ય પ્રમાણે દીનજનને વિષે દયાવાન થવું. (83)

*દ્વારિકા એટલે મોક્ષનું દ્વાર ઉઘાડે એવા સંત, અને એવા સંતનો જોગ-સમાગમ એટલે દ્વારિકાની યાત્રા.