૨૨. સાધુએ દ્રવ્ય સંઘરવું-સંઘરાવવું નહિ
ગામથી દૂર નદી કિનારે સ્મશાનની નજીક 'ત્યાગી બાવાનો ટીંબો' નામે એક જગા હતી. તેમાં એક પ્રાચીન શિવાલય હતું. ત્યાગી બાવા તરીકે ઓળખાતો એક સાધુ અહીં રહેતો, તે શિવજીની પૂજા-આરતી કરતો અને ભજનો ગાતો. ગામનું એક શિવભક્તમંડળ પણ હતું. તે પણ પૂજા-આરતી ભજન વગેરેમાં ભાગ લેતું.
શિવરાત્રિ પર અહીં મોટો ઉત્સવ થતો અને આજુબાજુનાં ગામડાંમાંથી પણ લોકો એ ઉત્સવમાં ભાગ લેવા માટે આવતા. આવે વખતે ત્યાગી બાવાને ભેટમાં ઘણું દ્રવ્ય મળતું. બાવો એ દ્રવ્યનો પોતાની ઇચ્છા પ્રમાણે ઉપયોગ કરતો.
એવા એક ઉત્સવ વખતે લોકોએ ભેટ ધરેલી રકમોનો મોટો ઢગલો થઈ ગયો.
શિવભક્તમંડળે કહ્યું: 'આ ધનમાંથી અમે અહીં એક ચોતરો બંધાવીશું.'
બાવાએ કહ્યું: 'આ ધન પર તમારો કોઈ અધિકાર નથી, અધિકાર મારો છે. ચોતરો બંધાવવો હશે તો હું બંધાવીશ.'
ભક્તોએ કહ્યું: 'ભલે તમે બંધાવજો! ક્યારે બંધાવશો?'
બાવાએ કહ્યું: 'મારી ઇચ્છા થશે ત્યારે! મને આ રકમ પૂરતી નથી લાગતી, એટલે હાલ તો હું તે વ્યાજે મૂકી વધારવા માગું છું. રકમ બમણી-તમણી થશે પછી વાત!'
ભક્તોએ કહ્યું: 'અગાઉનાં વર્ષોની રકમો પણ એવી રીતે તમે વ્યાજે મૂક્યાનું કહેલું જેનો આજે પત્તો નથી. આ તો ભક્તોની ભેટ છે, એ વ્યાજ ઉપજાવવા માટે નથી.'
પણ બાવાએ મચક આપી નહિ. એણે એ રકમ પોતાના મળતિયા લોકો મારફત ક્યાંક વ્યાજે મૂકી દીધી.
આથી શિવભક્તમંડળે અદાલતનો આશરો લીધો. તેમની મુખ્ય દલીલ એ હતી કે એ રકમ ભક્તોની છે અને ભક્તો માટે વાપરવી જોઈએ, વ્યાજે મુકાવી ન જોઈએ.'
બાવાએ બચાવમાં વકીલ કર્યો ને સામી દલીલ કરી કે રકમ મને ભેટ મળેલી છે, માટે મારી છે.'
આખા ગામમાં ઘેર ઘેર આની ચર્ચા થવા લાગી. આમાંથી બે મોટા પક્ષ પડી ગયા. બાવાએ શિવભક્તમંડળનો પૂજા-આરતી કરવાનો હક્ક લઈ લીધો અને પોતાના જ માણસોને તે કામે ગોઠવી દીધા, પણ મંડળે એની પરવા ન કરતાં પૂજા-આરતી ચાલુ રાખી. આમાંથી ઘણીવાર બોલાચાલી થતી, ગાળાગાળી થતી અને ગાળાગાળીમાંથી મારામારી પણ થઈ જતી. બંને પક્ષે સામા પક્ષ પર કોર્ટમાં મારામારીની ફરિયાદ નોંધાવી. મામલો વધારે બિચક્યો. બંને પક્ષને વકીલો મળી રહ્યા અને બંને પક્ષના વકીલો પોતાનો જ અસીલ જીતશે એવું છાતી ઠોકીને કહેવા લાગ્યા.
પરાગના ઘરમાં પણ આ બાબત ચર્ચાતી હતી. પરાગને નવાઈ લાગતી હતી કે જેને ભસ્મનું ભૂષણ, સર્પનું આભૂષણ અને સ્મશાનમાં વાસ એ શિવજીના નામે ધનનો આવો કજિયો? આ જગ્યા જેના નામે ઓળખાય છે એ અસલ ત્યાગી બાવો તો ખરેખર ત્યાગી બાવો જ હતો. એક તૂંબડી અને બે લંગોટી સિવાય એની બીજી કોઈ મિલકત નહોતી. એના મરણ પછી એનો ચેલો ગાદીપતિ બની ગયો અને પછી ઠાઠ વધતો ગયો; અને ત્યાગની જગાએ વૈભવ આવી ગયો!
પરાગને મનમાં ખૂબ કલેશ થયો.
એ સાંજે એ સંતનાં દર્શને ગયો. ત્યારે સંતે જ એને પૂછ્યું: 'આજે તું ખિન્ન કેમ દેખાય છે?'
પરાગે સંતને ત્યાગી બાવાનો આ કિસ્સો કહ્યો.
એ સાંભળી સંત પણ વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું: 'ભાઈ, શ્રીજીમહારાજે સાધુનાં લક્ષણ કહ્યાં છે તેમાં એક આજ્ઞા એવી છે કે સાધુ તો અકિંચન જ હોય!'
આમ કહી તેમણે 'શિક્ષાપત્રી'નું એક પાનું ઉઘાડી તે પરાગના હાથમાં આપી કહ્યું: 'આ વાંચ!'
પરાગે વાંચ્યું:
'અને સાધુએ દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ અને બીજા કોઈ પાસે પણ કરાવવો નહિ.' (189)
પરાગથી બોલાઈ ગયું: 'શ્રીજીમહારાજની આટલી એક આજ્ઞા પળાય તો દેવમંદિરોના આવા કેટકેટલા કજિયા પતી જાય અને સાધુજીવનનું સાચું ખમીર પ્રગટ થાય!'