૨૩. મંદિરનું કરજ કરવું નહિ
થોડા વખત પછી એક અજબ વાત બહાર આવી.
ત્યાગી બાવાએ પોતાની જગ્યામાં એક ઓરડી એક માણસને વગર ભાડે રહેવા આપી હતી. એ માણસ કોણ છે, ક્યાંનો છે, એનું અસલ નામ શું એની કોઈને જ કંઈ ખબર નહોતી. બાવો એને 'બુવા' કહીને બોલાવતો અને બધા એને એ જ નામે ઓળખતા.
આ બુવો બાવાનો ખાસ વિશ્વાસુ માણસ હતો. જગ્યાની માલિકીની કોઈ પણ ચીજ વાપરવાની એને છૂટ હતી. બાવાની પાસેથી એ ઘણીવાર કંઈ ને કંઈ બહાને પૈસા પણ ઉછીના લઈ જતો અને કદી પાછા આપતો નહિ. બાવો તેની ઉઘરાણી પણ કરતો નહિ.
આ જગ્યા ગામથી દૂર અને સુંદર નદી કિનારે હતી, તેથી ગામમાંથી ઘણા ભાવિકો ઉજાણી, જનોઈ, બાધાઆખડી જેવા પ્રસંગો ઊજવવા અહીં આવતા. તે માટે જગ્યામાં જરૂરી વાસણ વગેરેની સોઈ રાખેલી હતી. આ વહીવટ પણ બુવાના હાથમાં હતો. જે એને મનમાની દક્ષિણા દઈ ખુશ કરે એને એ બધી સગવડ આપતો અને જેના પર એ નારાજ હોય તેનું અપમાન કરતાં યે એને વાર લાગતી નહિ.
હવે બન્યું એવું કે મુંબઈના એક શેઠે અહીં મોટો ઉજાણીનો કાર્યક્રમ ગોઠવ્યો. એ માટે ઘણાં મોટાં મોટાં વાસણોની જરૂર પડી, પણ તપાસ કરતાં એવું એકે મોટું વાસણ હાથ લાગ્યું નહિ. ત્યારે બાવાએ બુવાને કહ્યું: 'બુવા, મોટાં વાસણો તો ઘણાં હતાં, આમ કેમ?'
બુવાએ કહ્યું: 'જે છે તે આ છે.'
બાવાએ કહ્યું: 'તો બીજાં ક્યાં ગયાં? થોડા મહિના પહેલાં તો હતાં.'
બુવાને આમાં પોતાનું અપમાન લાગ્યું. તેણે કહ્યું: 'થોડા મહિના પહેલાં પણ એ હતાં જ નહિ.'
શિવભક્તમંડળે આમાં બાવાને સાથ આપ્યો. તે સૌએ કહ્યું કે, 'વાસણો હતાં જ. તપાસ કરો!'
તપાસ કરતાં તેમને ખબર પડી કે બુવાએ એ વાસણો વેચી માર્યાં હતાં અને એના પૈસામાંથી એક ઘોડો લીધો હતો. છેલ્લા કેટલાક મહિનાથી એ ઘોડા પર બેસી રૂઆબથી બધે હરતોફરતો હતો. તે જોઈ બાવાએ એક વાર એને પૂછ્યું હતું કે તું આ ઘોડો ક્યાંથી લાવ્યો? ત્યારે બુવાએ કહ્યું હતું કે એક ખેડૂત ભગતે મને ભેટ આપ્યો છે.'
બાવાએ નવાઈ પામી પૂછ્યું હતું: 'ખેડૂત ભગત તને શું કરવા આપે?'
બુવાએ સામું કહ્યું હતું: 'તો તમને શું કરવા આપે? જેમ તમને આપે તેમ મને પણ આપે!'
બુવાની બરછટ બોલીથી બાવાએ આગળ પૂછપરછ કરી નહોતી, પણ આજે એ વાતનો ભેદ ખૂલ્યો.
બાવો એના કમરામાં પલંગ પર પોઢ્યો હતો અને દિવાનિદ્રા લેતો હતો. એવામાં બહાર શોરબકોર થતો સાંભળી એ કૂદીને બહાર દોડી આવ્યો.
જોયું તો શિવભક્તમંડળના ભક્તોએ બુવાને બોચીમાંથી પકડ્યો હતો અને એને કહેતા હતા કે તેં જગ્યાનાં વાસણો વેચી માર્યાં છે અને એ પૈસામાંથી ઘોડો લીધો છે. બોલ, સાચું કે નહિ?
હવે બાવાને પણ બધી વાત સમજાઈ ગઈ.
એકદમ ગુસ્સે થઈ તેણે બુવાને એક લાત ઠોકી દઈ કહ્યું: 'બુવા, તેં મારી સાથે ઠગાઈ કરી છે, હું તને છોડવાનો નથી.'
એકાએક બુવાનો પણ સીનો બદલાઈ ગયો. તે બોલ્યો: 'એ વિદ્યા હું તમારી પાસેથી શીખ્યો છું.'
બાવાએ ચીસ પાડી: 'શું હું ઠગ છું?'
બુવાએ કહ્યું: 'એ સવાલ તમે તમને જ પૂછો. તમે જેમ ત્યાગી બાવાની આ જગ્યાના ધણી થયા, તેમ હું જગ્યાનાં થોડાં વાસણોનો અને થોડા રૂપિયાનો ધણી થયો! થોડાં વરસ હેમખેમ ગયાં હોત તો હું જ જગ્યાનો ધણી બની જાત!'
લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું હતું અને આ સાંભળતું હતું.
એ જોઈ બાવો ગિન્નાયો. એણે બુવાને કહ્યું: 'મેં તને અહીં બટકું નાખ્યું ન હોત તો તું ક્યારનો યે મરી ગયો હોત! જેનું ખાય છે એનું ખોદે છે!'
હવે બુવાએ બધી મર્યાદા છોડી દીધી. તેણે કહ્યું: 'એ હું નહિ, તું! તેં જ જગ્યાના મોટા ગુરુને ઝેર દઈ મારી નાખ્યા છે એ કોઈ ન જાણે, પણ હું જાણું છું. તું ઠગ છે, બદમાશ છે, જૂઠ્ઠો છે-- લોકોની નિંદાચુગલી કરવા સિવાય તને કંઈ આવડતું નથી! તારું મોં ગાળોનું ઘર છે!'
બંને હવે તું-તા પર આવી ગયા; જંગલી જાનવરની પેઠે સામસામા ઘૂરકવા લાગ્યા ને ગાળાગાળી કરવા લાગ્યા.
લોકો સ્તબ્ધ બની આ જોઈ રહ્યા. ઘણી વાતો જે અત્યાર સુધી તેમને નહોતી સમજાતી, તે હવે દીવા જેવી સ્પષ્ટ થઈ ગઈ હતી.
ત્યાગી બાવો ખરેખર કોઈ ત્યાગી નહોતો અને બાવો પણ નહોતો. એ ધંધાપા વિના રખડતો ઠગ હતો; વગર મહેનતે વૈભવ ભોગવવા મળે એવો એક જ રસ્તો એને દેખાયો હતો-- બાવા થવાનો, અને એણે એ વેશ અપનાવી આ ટીંબાના બાવાનો વિશ્વાસ જીતી લીધો હતો; તે પછી ટીંબાના બાવાનું અચાનક સમાધિમાં અવસાન થતાં એ પોતે ટીંબાનો બાવો બની ગયો હતો!
ટીંબાના એ બાવાના અકાળ અવસાનની વાત પણ હવે ચગી. 'સમાધિમાં પ્રાણ તાળવે ચડાવી દઈ સ્વેચ્છાએ દેહ છોડી દીધો!' એવું કહી ચેલાએ એમનો એવો મહિમા વધારી દીધો હતો કે કોઈને કશી શંકા કરવાનો વખત જ મળ્યો નહોતો! પણ હવે સૌને જ્ઞાન લાધ્યું કે એ સમાધિ-મરણ નહોતું, એ અકુદરતી મૃત્યુ હતું.
આજે એ વાતને વર્ષો વીતી ગયાં હતાં, તેથી પાછલી વાત ઉખેડવામાં કંઈ સાર નહોતો,પણ લોકોએ બાવાને એવો લબડધક્કે લીધો કે એ ગામ છોડી ભાગી ગયો. બુવો તો એના પહેલાં જ ગાયબ થઈ ગયો હતો.
ત્યાગી બાવાની આ ઘટનાએ ગામમાં ખૂબ ચકચાર ઊભી કરી હતી.
પરાગનું મન ખૂબ વ્યથિત થયું.
સાંજે સંતનાં દર્શને ગયો ત્યારે તેણે કહ્યું: 'સ્વામી, ધર્મસ્થાન પર રહી માણસ જગ્યાનો માલસામાન વેચી ખાય, જગ્યાના પૈસા વાપરી ખાય એવું બને ખરું?'
સંતે કહ્યું: 'ભાઈ, માન્યામાં ન આવે એવું ઘણું જગતમાં બને છે. ભગવાનના પવિત્ર ધામમાં આવી અશુદ્ધિ ન પેસે એટલા માટે તો શ્રીજીમહારાજે ખાસ આજ્ઞાઓ કરી છે. તેમણે કહ્યું છે કે મંદિર પાસેથી કે મહંત પાસેથી, ગુરુ પાસેથી કે આચાર્ય પાસેથી કોઈએ પૈસા ઉછીના લેવા નહિ, કોઈ કાળે કોઈ પણ સંજોગોમાં મંદિરનું કરજ કરવું નહિ. મંદિરનાં વાસણો, વસ્ત્રો કે ઘરેણાં કે એવી કોઈ ચીજ, થોડા વખત માટે ઉપયોગમાં લેવા સારુ પણ માગવી નહિ. વળી શ્રીજીમહારાજે સાધુ માટે ખાસ આજ્ઞા કરી છે કે સાધુએ માંદગી સિવાય ખાટલામાં કદી સૂવું નહિ, અને કદી ગ્રામ્ય એટલે કે અસંસ્કારી વાર્તા કરવી નહિ કે સાંભળવી નહિ. કેટલાક માણસો વાતચીતમાં સભ્યતાને નેવે મૂકી નિંદાકૂથલી કરતા હોય છે. સત્સંગીએ એવી વાતોથી દૂર રહેવાનું છે. એટલું જ નહિ, એવી વાતો કરનારાઓથી પણ દૂર રહેવાનું છે.'
આમ કહી 'શિક્ષાપત્રી' ઉઘાડી તે પરાગના હાથમાં મૂકી સંતે કહ્યું: 'આ વાંચ!' પરાગે મોટેથી વાંચ્યું:
અને પોતાના જે આચાર્ય, તે થકી તથા શ્રીકૃષ્ણ ભગવાનનાં જે મંદિર તે થકી કરજ ન કાઢવું, અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રીકૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવી નહિ. (150)
સાધુએ રોગાદિક આપત્કાળ પડ્યા વિના દિવસે સૂવું નહિ, અને ગ્રામ્ય વાર્તા કરવી નહિ, ને જાણીને સાંભળવી નહિ. (199)