૨. વેરો મટી વેરોભાઈ થયા

વેરો કરીને એક ચોર-લૂંટારો હતો. કોઈ ચીજ પર એનું મન ઠર્યું, તો એ હાથ કર્યા વિના રહે જ નહિ. દારૂ, માંસ, હત્યા કશાનો એને બાધ નહિ. નર્યો કાળા કાળનો જ અવતાર જોઈ લ્યો!

આવા આ વેરાને એક વાર સ્વામિનારાયણના સાધુઓનાં દર્શન થયાં. આ પહેલાં એણે જે સાધુબાવાઓ જોયેલા એના કરતાં આ સાધુઓ સાવ જુદા હતા. પેલા તો આંખો કાઢી ચીપિયો પછાડી ગાળાગાળી કરી પાકાં ભોજન જમે, ગાંજો-ચલમ ફૂંકે અને મગરમચ્છની પેઠે પડ્યા રહે. આ સાધુઓને તો નહિ ચલમ, નહિ ગાંજો! ઉઘાડા પગે ફરે અને હર પળે ભગવાનનું નામ જપે! ભિક્ષામાં જે મળે તે પ્રેમથી સ્વીકારે અને બધું ભેગું કરી ગોળો કરી ખાય. ભિક્ષામાં કંઈ ન મળે તો ભૂખે પેટે પણ નામજપ કર્યા કરે --મોં પર એવી ને એવી શાંતિ!

વેરાને નવાઈ લાગી કે આ સાધુ કેવા?

એણે સાધુની વાણી સાંભળી. એમાંથી એને શ્રીજીમહારાજના પ્રાગટ્યની ખબર પડી. તેને થયું કે ભગવાન કરુણા કરી પૃથ્વી પર મનુષ્યરૂપે પ્રગટ પધાર્યા છે, તો હું એમનાં દર્શન કેમ ન કરું?

એણે દર્શન કર્યાં. દર્શન સાથે જ એની પાપગ્રંથિઓ છૂટી ગઈ. એણે ભગવાનની વાણી સાંભળી: 'ચોરી ન કરવી, હિંસા ન કરવી, માંસ ભક્ષણ ન કરવું, ધણીની રજા વગર એના આંગણે પગ દેવો નહિ!'

ભણેલા માણસનું મન દલીલો કરતાં શીખ્યું હોય, એમાં કંઈ કંઈ આટાપાટા હોય; વેરો બાપડો અભણ ને ભોળો! એનું મન સીધું ને સટ! જે સાંભળ્યું તે સીધું જ એણે અંતરમાં ઉતારી દીધું- સંકલ્પ બંધાઈ ગયો.

એક વાર એ શ્રીજીમહારાજનાં દર્શને જતો હતો, ત્યાં એણે રસ્તામાં એક લીલુંછમ બાવળનું ઝાડ જોયું. એને થયું કે આનું દાતણ બહુ સારું થશે. તરત એણે તેમાંથી એક દાતણ કાપી લીધું.

દાતણ તો કાપ્યું, પણ તે જ ઘડીએ એને શ્રીજીમહારાજની આજ્ઞા યાદ આવી કે ધર્માર્થે પણ ચોરી કરવી નહિ, ફૂલ ઈંધણ પણ વગર રજાએ લેવાં નહિ, અને મેં તો ખેતરના ધણીને પૂછ્યા વિના એના ખેતરમાંથી આ દાતણ કાપ્યું! મેં શ્રીજીમહારાજની આજ્ઞાનો ભંગ કર્યો! મેં ભારે પાપ કર્યું!

એને એટલું દુ:ખ થયું કે ગામમાં જઈ ખેતરના ધણીને શોધી કાઢી એણે હાથ જોડી એની માફી માગી. ખેડૂત પણ નવાઈ પામી ગયો કે હજારોને લૂંટી લેનારો આ અઠંગ ચોર આજે એક દાતણ સારુ મારી માફી માગે છે એ શું! આ જોઈ તેના મનમાં પણ શ્રીજીમહારાજનો મહિમા વસ્યો. તેણે કહ્યું: 'વેરાભાઈ, મને ય શ્રીજીમહારાજનાં દર્શન કરાવો! તમારો મનખો સુધર્યો એમ મારો ય સુધરે!

એણે વેરાને વેરોભાઈ કહ્યો. તે પછી શ્રીજીમહારાજના પગમાં પડી રોઈને વેરાએ કહ્યું: 'મેં ધણીની રજા વગર દાતણ લઈ આપની આજ્ઞાનો ભંગ કર્યો, મને એની સજા કરો!'

શ્રીજીમહારાજ તો સૌના મનની વાત જાણનારા. મહા ઉદાર. મહા કૃપાળુ. તેમણે વેરાભાઈની પીઠ થાબડી કહ્યું: 'વેરાભાઈ, ચિંતા ન કરો! તમારાં બધાં બંધન કપાઈ જશે!'

આ પછી વેરાભાઈની એવી વેળા આવી-- જાણે માથે આભ તૂટી પડ્યું. એમનાં બધાં જ કુટુંબીજનો કોઈ ને કોઈ રોગમાં મરણ પામ્યાં. વેરાભાઈ એકલા રહ્યા. તેમણે આ સંકટને પણ ભગવાનની દયા માની. તારે તો યે ભગવાન અને મારે તો યે ભગવાન. હવે સાધુ બની તેઓ શ્રીજીમહારાજના સાન્નિધ્યમાં રહેવા લાગ્યા. રોજ રોજ આત્મનિરીક્ષણ કરે અને પોતાની નાની સરખી પણ ભૂલ થઈ હોય તો શ્રીજીમહારાજ આગળ એની કબૂલાત કરે અને શ્રીજીમહારાજની વાણીમાંથી નવું બળ મેળવે.

વેરાભાઈ જન્મે ક્ષત્રિય અને 'મરું કે મારું' એવા વાતાવરણમાં મોટા થયેલા. એટલે એક વાર ધિંગાણું જોઈને એમનો જુસ્સો ઊછળી આવ્યો અને એ લડવા ઊતરી પડ્યા. પણ પછી તરત તેમને શ્રીજીમહારાજના શબ્દો યાદ આવ્યા:

અમારા સત્સંગીએ કોઈ જીવની હિંસા કરવી નહિ- જૂ, માંકડ, ચાંચડ જેવા જીવની પણ નહિ. (11)

શસ્ત્રાદિકે કરીને કે ક્રોધે કરીને કોઈને ઈજા કરવી નહિ. (16)

સ્ત્રી, ધન કે રાજ્યની પ્રાપ્તિ અર્થે પણ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય ન જ કરવી. (13)

ધિંગાણામાં એમનો કાન કપાઈ ગયો, પણ એમણે કોઈની ઉપર ઘા કર્યો નહિ. સાધુ થઈને તેમણે આટલોય ક્રોધ કર્યો તેથી શ્રીજીમહારાજ તેમના પર અપ્રસન્ન થયા. વેરાભાઈનો સાધુવેશ ઉતારી લેવામાં આવ્યો. વેરાભાઈએ એ સજાને પણ પ્રભુની કૃપા માની.

આ બનાવ પછી વેરાભાઈમાં બહુ ઝડપથી પરિવર્તન થવા લાગ્યું.

અને પરિણામે તેમનામાં લોભ, ક્રોધ, મોહ વગેરે દોષોનો અંશ પણ રહેવા પામ્યો નહિ. તેમનો મનુષ્યજન્મ સાર્થક થઈ ગયો.

કથા પૂરી કરી સાધુએ કહ્યું: 'આવો છે સત્સંગનો અને શ્રીજીમહારાજની વાણીના શ્રવણનો પ્રભાવ!'

પરાગ અને વિપુલ બંને ભાઈ એક ચિત્તે સાંભળી રહ્યા હતા.

પરાગે વિપુલના કાનમાં હળવેથી કહ્યું: 'વાત સાચી છે. મને પણ સત્સંગનો અને શ્રીજીની વાણીનો પ્રભાવ દેખાયો છે.'

'મને પણ.' વિપુલે કહ્યું.