૧ શ્રદ્ધાવાન, સંતોષી ને નિર્મળ માતા-પિતા
ધ્રાંગધ્રા નામનું સુંદર ગામ. ગામમાં ગીગાભાઈ અને શાકુબા, પતિ-પત્ની રહે. તેઓને ચાર સંતાન-બે પુત્ર અને બે પુત્રી. કડિયાકામ કરી જીવન નિર્વાહ ચલાવે. પવિત્રપણે રહે. આખો દિવસ ભગવાનનું ભજન કરે. કામ કરતા જાય અને ભગવાનનું નામ-સ્મરણ કરતા જાય. વ્યવહાર સાવ દુર્બળ. ખાવાનું માંડ પૂરું થાય એટલી જ આવક. જે આવક થાય તેમાંથી સૌથી પહેલા શ્રીજીમહારાજનો ધર્માદો કાઢે. ઘરમાં બીજી વસ્તુ પછી લાવે. ધર્માદાના પૈસામાંથી બાળકો માટે પણ ન વાપરે. બાળકોને કાંઈ જોઈતું હોય તો કહે, 'બાળકો આ તો ભગવાનના પૈસા છે. તમારે માટે બીજા પૈસા આવશે તેમાંથી વસ્તુ લાવી આપીશું હોં!' બાળકોને એવું પ્રેમથી સમજાવે કે, બાળકો પણ તરત માની જાય ને કહે, 'બાપુજી, અમારે વસ્તુ નથી જોઈતી, ભગવાનના પૈસા ભગવાનને જરૂરથી આપો.' મંદિરના કોઠારી કહે પણ ખરા, 'ગીગાભાઈ, તમે તો સાવ ગરીબ છો, ધર્માદો ઓછો કાઢો તો પણ ચાલે.' ગીગાભાઈ કહે, 'ના રે ના. આ તો શ્રીજીમહારાજના આપેલા જ પૈસા છે. એ પૈસામાંથી હું મહારાજની આજ્ઞા પ્રમાણે ધર્માદો કાઢું છું. ધર્માદો ચોખ્ખો કાઢવો પડે, નહીં તો મહારાજ રાજી ન થાય.' આવી વાતોથી કોઠારી બહુ રાજી થાય. ગીગાભાઈને કહે, 'આ જમાનામાં તમારા જેવા હરિભક્ત મળવા મુશ્કેલ છે. આટલી બધી આર્થિક સંકડામણ છતાંય ધર્માદો કાઢવામાં ક્યારેય ચૂકતા નથી.'
ગીગાભાઈ કહે, 'મહારાજ જેમ રાખે તેમ રાજી થઈ સંતોષથી રહેવું. દુર્બળ વ્યવહાર હોય તો ભગવાન સુખેથી ભજાય. વધુ પૈસે વધારે ઉપાધી હોય.' કોઠારી કહે, 'ગીગાભાઈ થોડું મંદિરનું કામ છે કરશો?' કોઠારીને એમ કે ગીગાભાઈને એ બહાને થોડી મદદ મળે. ગીગાભાઈ કહે, 'હા, મંદિરનું કામ તો જરૂર કરીશ. એ કામ હશે ત્યારે મારા કામે પણ નહીં જાઉં.' કોઠારી કહે, 'આ મંદિરનો આગળનો ભાગ બાંધવાનો છે. તે કામ કરશો?' ગીગાભાઈ કહે, 'હા, જરૂર.' કોઠારી કહે, 'કેટલી મજૂરી લેશો?' ગીગાભાઈ કહે, 'કોઠારી મહારાજ, આ શું કહો છો? આ તો મહારાજનું કામ. મારાથી પૈસા ન લેવાય. આ તો સેવા કહેવાય. સેવાના દામ ન હોય.' કોઠારી કહે, 'ગીગાભાઈ, તમને કામની સાથે થોડા પૈસા પણ મળે એ આશયથી મેં કહ્યું હતું. તમારા જેવા પવિત્ર હરિભક્તને વધારે પૈસા આપીએ તો મહારાજ વધારે રાજી થાય.' ગીગાભાઈ કહે, 'કોઠારી મહારાજ, આ કામ તો હવે હું જ કરીશ. મને મહારાજની સેવા ક્યારે મળે? એના પૈસા લઉં તો એ સેવા ન કહેવાય. સેવા કરવાથી મહારાજ રાજી થાય. બોલો ક્યારથી કામ શરૂ કરવું છે?' ગીગાભાઈના આગ્રહ આગળ કોઠારી કાંઈ બોલી શક્યા નહીં. મનમાં બોલ્યા ધન્ય છે આ દંપતીને આવા દુર્બળ વ્યવહારમાં પણ આવો સંતોષ અને પ્રભુમાં આટલી બધી નિષ્ઠા!! કોઠારી ગીગાભાઈને મનોમન વંદી રહ્યા!
---------
→ આવા પવિત્ર અને સંતોષી દંપતીને જ અનાદિમુક્ત પોતાના માતા-પિતા તરીકે પસંદ કરે છે.
→ શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે પોતાની આવકનો દસમો કે વીસમો ભાગ ધર્માદા પેટે શ્રીજીમહારાજને જરૂરથી અર્પણ કરવો, તો જ શ્રીજીમહારાજ અને મુક્તો રાજી થાય છે.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) ગીગાભાઈ અને શાકુબા ક્યા ગામમાં રહેતા હતા?
(૨) ગીગાભાઈ શેનું કામ કરતા હતા?
(૩) ગીગાભાઈએ મંદિરના કામના પૈસા લેવાની શા માટે ના પાડી?
ખાલી જગ્યા પૂરો.
(૧) ------------ નામનું સુંદર ગામ.
(૨) બાપુજી અમારે------------ નથી જોઈતી------------ ના પૈસા ભગવાનને જરૂરથી આપો.
(૩) ------------ વ્યવહાર હોય તો ભગવાન----------- ભજાય.
(૪) વધુ પૈસે વધારે ----------- હોય.