૪૧ સાચી રાશિ

સાતથી આઠ વર્ષનો બાળક પરદેશમાં રહે. ત્યાંથી મામાના દર્શને આવ્યો. મામાને પગે લાગ્યો. મામાએ આશીર્વાદ આપ્યા. મામાએ પૂછ્યું, 'તું એકલો જ આવ્યો છે? માતા-પિતા નથી આવ્યા?' છોકરો કહે, 'મામા, હું એકલો જ આવ્યો છું. માતા-પિતા ઘરે છે. અહીં મારા સગાવહાલાને ત્યાં ઉતર્યો છું.' મામા કહે, 'હિંમતવાન છે. પરદેશથી એકલો આવ્યો!' આ બાળકને બધાની સનસાઈન પૂછવાની ટેવ. મામાને પણ તેણે પૂછ્યું, 'મામા, તમારી સનસાઈન શું છે?' મામા કહે, 'તું જાણીને શું કરીશ?' બાળક કહે, 'સનસાઈન પરથી વ્યક્તિનું વ્યક્તિત્વ ખબર પડે. લાક્ષણિકતાઓ જાણી શકાય. ગુણ-દોષ બધા વિષે થોડું - થોડું ખબર પડે.'

મામા હસવા લાગ્યા. આ બાળકને મારી રાશિ જાણવી છે. તેના પરથી મારું વ્યક્તિત્વ જાણવું છે! સારું. મામા કહે, 'મારી સનસાઈન ડિવાઇન પાવર છે.' બાળક અચરજમાં પડી ગયો. કહે, 'એ કઈ સાઈન? એવી તો કોઈ સાઈન હોતી નથી.' મામા કહે, 'મારી તો એ જ સાઈન છે. મારી પાસે ડિવાઇન પાવર છે.' બાળક મૂંઝાઈ ગયો. કહે, 'મામા, ડિવાઇન પાવર એટલે શું?' મામા કહે. 'ડિવાઇન પાવર એટલે ભગવાનની દિવ્ય શક્તિ. આ શક્તિ મારી સાથે સદાય હોય છે.' બાળકે પૂછ્યું, 'મામા, એ શક્તિથી શું થાય?' મામા કહે, 'હું તને સમજાય તેવી રીતે કહું છું. જેની પાસે આ પાવર હોય તેનામાં સંપૂર્ણ કોન્ફીડન્સ (આત્મવિશ્વાસ) હોય. તેનાથી દરેક કાર્યો સરસ રીતે થાય. તેનામાં પોઝીટીવ એટીટ્યુડ (હકારાત્મક વલણ) હોય. ભગવાન તેની બધી પ્રાર્થના સાંભળે. તેને કોઈની બીક ન રહે. કોઈ કાર્યમાં તેઓ પાછા ન પડે. ભગવાન તેની સાથે અખંડ હોય.' બાળક કહે, 'મામા, હું તો બહુ પ્રશ્નો પૂછીશ. આપને કંટાળો નહીં આવેને?' મામા કહે, 'ના. બાળકો પ્રશ્નો પૂછે તે મને બહુ ગમે. હું તને બરાબર સમજાવીશ. બધાના સંતોષકારક ઉત્તર આપીશ. તારે જેટલા પ્રશ્નો પૂછવા હોય તેટલા પૂછજે.'

બાળક ખુશ થઈ ગયો. કહે, 'ભગવાન અખંડ સાથે હોય એટલે શું?' મામા કહે, 'અખંડ એટલે કાયમ. ભગવાન એક સેકંડ પણ દૂર નહીં. સેકંડના કરોડ ભાગ કરીએ એટલી વાર પણ ભગવાન દૂર ન હોય તેને અખંડ ભેળા કહેવાય. ભગવાનને અખંડ રાખે તેની પાસે ડિવાઇન પાવર આવે.' બાળક કહે, 'ડિવાઇન પાવર ફક્ત તમારી પાસે જ હોય? બીજા કોઈને આ પાવર મળે?' મામા કહે, 'કેમ નહીં? ચોક્કસ મળે.' બાળકે જોશમાં આવી જઈ પૂછ્યું, 'તો મને પણ ડિવાઇન પાવર મળી શકે?' મામા કહે, 'જરૂરથી.' બાળક કહે, 'મારે ડિવાઇન પાવર મેળવવા શું કરવું પડે?' મામા કહે, 'ભગવાનને અખંડ સંભારવા પડે. ભગવાનના નામનો અખંડ જપ કરવો પડે.' બાળક કહે, 'અખંડ એટલે હંમેશાં. તો પછી ભણવાનું કેવી રીતે? બીજા કામ કેવી રીતે થાય?' મામા કહે, 'આ તો છેલ્લા સ્ટેજની વાત છે. તારે તો કોઈ પણ કામ કરતાં પહેલાં ભગવાનને યાદ કરવાના. ભગવાનને કહેવાનું, ભગવાન, તમે મારા કાર્યમાં સાથે રહો. સાથે રહી કામ પાર પાડો. ખરા ભાવથી પ્રાર્થના કરવાની. પાણી પીએ તો પણ યાદ કરવાના. એમ દરેક કામમાં યાદ કરવાના. ખાલી સમયમાં ભગવાનના નામનો જપ કરવાનો. એમ કરતા ધીરે ધીરે આગળ વધાય.'

બાળક કહે, 'કેટલા વખતમાં ભગવાન અખંડ ભેળા રહે?' મામા કહે, 'ભગવાન તો સાથે જ છે. આપણો ભાવ ન હોય એટલે ખબર ન પડે.' બાળક કહે, 'ભગવાન સાથે છે તો ડિવાઇન પાવર ક્યાં આવે છે?' મામા કહે, 'ભગવાનને અખંડ સંભારીએ એટલે ધીરે ધીરે ભગવાન આપે.' બાળક કહે, 'ધીરે ધીરે એટલે ક્યારે?' મામા હસવા લાગ્યા. કહે, 'જો સાંભળ. તારે ભણવામાં કોઈ સારી ડિગ્રી લેવી હોય તો કેટલા વરસ ભણવું પડે? તું અત્યારથી ભણે છે બરાબર. હજી ઘણો મોટો થઈશ ત્યાં સુધી ભણીશ.' બાળક કહે, 'હા, પંદરથી સત્તર વર્ષ ભણવું પડે.' મામા કહે, 'સત્તર વર્ષ સુધી ભણે ત્યારે આ લોકની ડિગ્રી મળે. તો પછી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તો કેવા મહાન છે. ડિવાઇન છે. તેમની ડિવિનીટી (દિવ્યતા) પ્રાપ્ત કરવા થોડા વરસ તો મહેનત કરવી પડે ને? તેના માટે ભગવાન વિષેનું જ્ઞાન હોવું જોઈએ. જેમ ભણવામાં ટીચરની જરૂર પડે છે, તેમ આમાં પણ સાચા ગાઈડની જરૂર પડે. સાચા ગાઈડન્સથી (માર્ગદર્શન) જ આ રસ્તા પર આગળ વધી શકાય.' બાળક કહે, 'મામા, મારે ભગવાનને રાજી કરવા છે. ડિવાઇન પાવર જોઈએ છીએ. તમે મને માર્ગદર્શન આપશો.' મામા કહે, 'જરૂરથી બેટા! બધાને માર્ગદર્શન આપવા માટે જ ભગવાને મને મોકલ્યો છે.' બાળક ખુશ થઈ મામાને પગે લાગ્યો. મામાએ તેને આશીર્વાદ આપ્યા.

---------

→ શ્રીજીમહારાજનું જ્ઞાન જીવો સુધી પહોંચાડવા અને તે માર્ગે જીવોને લઈ જવા જ અનાદિમુક્તનું અવતરણ હોય છે.

→ અનાદિમુક્તમાં એ ખાસિયત છે કે, વ્યક્તિના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર તેમની પાસે હોય છે.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) બાળક કેટલા વર્ષનો હતો?

(૨) બાળકે મામાને શું પૂછ્યું?

(૩) મામાએ પોતાની સનસાઈન કઈ કહી?

(૪) મહારાજની દિવ્ય શક્તિ જેમની પાસે હોય તેમનાથી શું શું થઈ શકે?

(૫) ભગવાન અખંડ ભેળા કઈ રીતે રહે?

(૬) બાળકોએ મહારાજને અખંડ ભેળા કઈ રીતે રાખવા?

(૭) ભગવાનની દિવ્યશક્તિ પ્રાપ્ત કરવા કોની જરૂર પડે છે?

વાક્ય પૂર્તિ કરો.

(૧) ડિવાઇન પાવર એટલે...... સાથે સદાય હોય.

(૨) અખંડ એટલે........ તેને અખંડ ભેળા કહેવાય.

(૩) પૂર્ણ પુરુષોત્તમ ભગવાન......... મહેનત કરવી પડે.