૨૧ પૈસા કરતાં સિદ્ધાંતો વહાલા

નિત્યક્રમ પ્રમાણે ભાઈ અમદાવાદના મંદિરે દર્શન કરવા ગયા. મંદિરના કારભારી ભાઈ પાસે આવ્યા. ભાઈએ જય સ્વામિનારાયણ કહ્યા. કારભારી કહે, 'ભાઈ એક કામ છે.' ભાઈ કહે, 'કહો.' કારભારી કહે, 'કેલીકો મિલના માલિક છે, તેમના પત્નીને ક્ષય રોગ થયો છે.' ભાઈ કહે, 'તેમાં હું શું કરી શકું? સારા ડૉક્ટરની દવા કરાવે.' કારભારી કહે, 'ભાઈ મને તમારી ખબર છે. તમે મહારાજના મોટા મુક્ત છો. ભાઈ આ કામ બીજા કોઈથી થાય તેમ નથી. તમારે આવવું પડશે.' કારભારીના આગ્રહને વશ થઈ ભાઈ કારભારી સાથે ગયા. ભાઈની પ્રાર્થનાથી બહેનને ક્ષય રોગ મટી ગયો. શેઠ બહુ ખુશ થઈ ગયા. ભાઈને પોતાની મિલમાં ડાઈંગ આસિસ્ટન્ટની નોકરી આપી. પગાર રૂ. ૩૫૦ નક્કી કર્યો. (એ જમાનામાં આટલો પગાર પણ ઘણો સારો કહેવાતો.)

એક દિવસ ભાઈએ જોયું કે, તેમના સિનિયર ઑૅફિસર ડાઈંગના કલર પસંદ કરતા હતા. આથી ભાઈ ત્યાં ગયા. ભાઈએ કઈ કંપનીના કલર છે તે જોયું. ઑૅફિસરને કહ્યું, 'સાહેબ, આ કંપનીના કલર ખરીદશો નહીં. મેં કલર તપાસ્યા છે. આ કંપનીના કલર હલકી ગુણવત્તાના છે.' સિનિયર ઑૅફિસર કહે, 'ભાઈ, તમને એમાં ખબર ન પડે. તમે હજી નવા છો.' ભાઈ કહે, 'નવો છું તો શું થયું? મને ખબર પડે છે. આ કલર બરાબર નથી. આનાથી કપડાંને નુકશાન થશે.' ઑૅફિસર થોડો મૂંઝાયો. ભાઈને એક બાજુ લઈ ગયો. ભાઈને કહે, 'ભાઈ, મને પણ ખબર છે કે આ કલર બરાબર નથી. કંપની પોતાના આવા કલર માટે કમિશન આપે છે. હું તમને પણ ભાગ આપીશ. તમે શેઠને આ વિશે વાત કરશો નહીં.' ભાઈને આ ગમ્યું નહીં. કહે, 'સાહેબ, મારે તો એક પણ પૈસો જોઈતો નથી. જેને ત્યાં નોકરી કરીએ તેમનો જ વિશ્વાસઘાત ન કરાય. શેઠ આપણને પૂરો પગાર આપે છે. પછી આમ વધારાના પૈસા શા માટે લેવા? તે પણ આમ ખોટી રીતે? આપણે સંપૂર્ણ નીતિથી નોકરી કરવી જોઈએ.' ઑૅફિસર કહે, 'આ ક્યાં ચોરી છે? આમાં ક્યાં કાંઈ નુકસાન છે. કાંઈ જોખમ પણ નથી. શેઠને થોડું નુકસાન થશે. તે ભલે થાય. તમારે વધારે પૈસા જોઈતા હશે તો હું આપવા તૈયાર છું.' ભાઈ અકળાઈ ગયા. કહે, 'આ તો મારા સિદ્ધાંતની એકદમ વિરુદ્ધ છે. આ પૈસાને તો હાથ પણ ન લગાડાય. આ પૈસા લેવાનો વિચાર પણ મારાથી ન થાય.' ઑૅફિસર કહે, 'પ....ણ ભાઈ.' ઑૅફિસરની વાત સાંભળ્યા વગર જ ભાઈ ત્યાંથી ચાલ્યા ગયા. ભાઈ વિહ્વળ થઈ ગયા હતા. વિચારવા લાગ્યા. આ તો અનીતિ કહેવાય. આવા વાતાવરણમાં મારાથી કામ ન થાય. હું અહીં રહિ નહીં શકું. અને ભાઈએ નિર્ણય લઈ લીધો.' શેઠ પાસે રાજીનામું લઈ પહોંચી ગયા.

શેઠને નવાઈ લાગી. આવા સારા માણસ મિલમાંથી જાય તે તેમને ગમતું નહોતું. ભાઈને કહે, 'તમને શું વાંધો છે? તમારે પગાર વધારે જોઈતો હોય તો આપું.' ભાઈ કહે, 'ના શેઠ. તમે પગાર બરાબર આપો છો, પરંતુ મારા સિદ્ધાંતોનું અહીં પાલન થઈ શકે તેમ નથી.' શેઠ દિલગીર થઈ ગયા. તેમના પત્નીને ભાઈની પ્રાર્થનાથી સારું થયું હોવાથી ભાઈ પ્રત્યે તેમને આદર હતો. ભાઈને પોતાના પુત્રની જેમ જ માનતા. શેઠે છેલ્લો પ્રયત્ન કરી જોયો. કહે, 'ભાઈ, મારે એક પણ સંતાન નથી. તમે મારા સંતાન બની રહો. આ આખી મિલ તમે સંભાળો.' ભાઈ કહે, 'મારાથી તે નહીં બની શકે.' શેઠ નિરાશ થઈ ગયા. ભાઈ ઑૅફિસરનું નામ આપ્યા વગર ત્યાંથી ચાલી નીકળ્યા.

---------

→ મુક્તરાજ શીખવે છે પૈસા કરતાં જીવનમાં નીતિનાં સિદ્ધાંતો વધુ અગત્યના છે. પૈસાની લાલચમાં અનીતિ ન કરવી.

→ મુક્તરાજ એ પણ શીખવે છે, બીજાની ચુગલી કરવી નહીં.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) મંદિરના કારભારી ભાઈને ક્યાં લઈ ગયા? શા માટે?

(૨) સિનિયર ઑૅફિસર કેવા કલર પસંદ કરતા હતા? શા માટે?

(૩) કમિશન બાબત ભાઈએ ઑૅફિસરને શું કહ્યું?

(૪) શેઠે ભાઈને નોકરી ન છોડવા ક્યા-ક્યા પ્રલોભનો આપ્યા?

(૫) ભાઈએ શા માટે નોકરી છોડી દીધી?