૭ ભગવાન સાથે ગોષ્ઠિ

રવિવારની રજા હતી. નારાયણ સવારે વહેલા નાહી-ધોઈ મંદિરે ગયા. મંદિરના ઘનશ્યામ મહારાજ નારાયણને ખૂબ ગમે. નારાયણે ઘનશ્યામ મહારાજને દંડવત્ પ્રણામ કર્યા. અને ત્યાં બેસી ગયા. ઘનશ્યામ મહારાજે ખડખડાટ હસી નારાયણને મીઠો આવકાર આપ્યો. નારાયણ ભાવ-વિભોર થઈ ગયા. ભગવાનનું સુંદર કીર્તન ગાવા લાગ્યા. મધુર અવાજ અને મહારાજમાં જ વૃત્તિ. મહારાજ રાજી થઈ ડોલવા લાગ્યા. નારાયણને કહે, 'વાહ! નારાયણ, તારી કીર્તનભક્તિ અદ્ભુત છે. હું બહુ રાજી થયો. બીજાં ભક્તો કીર્તન ગાય છે, પણ તેમનું ચિત્ત ક્યાંય ભમતું હોય છે. એવું ગાયું તે ન ગાયા બરાબર છે. દર્શન મારા કરે અને વિચારો બીજા ચાલતા હોય. તું તો મારામાં અખંડ વૃત્તિ રાખી કીર્તન ગાય છે. દર્શન કરે છે.' નારાયણ કહે, 'બધી આપની કૃપા છે.'

મહારાજ કહે, 'બેટા નારાયણ! તને વઢવાણમાં ગમે તો છે ને?' નારાયણ કહે, 'મહારાજ! મારે તો બધી જગ્યા સરખી. જ્યાં રહું ત્યાં આપનું અખંડ દર્શન-સુખ હોય છે. મને તો બધે સરખો આનંદ રહે છે.' મહારાજ કહે, 'હા નારાયણ, સારું-નરસું તો આ લોકના જીવો માટે છે. તારા જેવા અનાદિમુક્તને અમારે પ્રતાપે સદાય બધું સરખું અને આનંદમય જ હોય. નારાયણ કહે, 'મહારાજ બધી આપની દયા છે.'

મંદિરમાં સ્વામી ભક્તિજીવનદાસજી રહે. તેઓ ખૂબ જ પવિત્ર અને નિર્મળ સંત. તેમણે દૂરથી જોયું કે, આ બાળક મહારાજ પાસે એકલા બેઠા-બેઠા ક્યારના કાંઈક બોલે છે. લાવ જોવા દે. તેઓ ધીમેથી નારાયણની પાછળ આવી ઊભા રહ્યા. ત્યાં તો તેમને મહારાજનો અવાજ સંભળાયો. તેમણે મહારાજ સામે જોયું. મહારાજ હાથના લટકા કરતા હતા. નારાયણના માથે હાથ ફેરવતા હતા. મહારાજ કહે, 'નારાયણ, તેં ઘરના ભૂતોનો મોક્ષ કર્યો. મને ઘણો આનંદ થયો. એ બિચારા અવગતે ગયા હતા. તેં તેઓને સગદતિ આપી.' નારાયણ હસીને કહે, 'મહારાજ એ બધો આપનો પ્રતાપ છે. હું તો ફક્ત નિમિત્ત બની આપની આજ્ઞાનું પાલન કરું છું. આપે મને પૃથ્વી પર જીવોના કલ્યાણ કરવા મોકલ્યો છે. તે હું આપને સાથે રાખી કરું છું.'

મહારાજ કહે, 'હું ઘણો જ રાજી થયો.' નારાયણ કહે, 'મહારાજ! મને આશીર્વાદ આપી કૃપા વરસાવો.' નારાયણ મહારાજને પગે લાગ્યા. મહારાજ કહે, 'નારાયણ તું તો મારો લાડીલો અનાદિમુક્ત છે. તારા પર તો મારો અતિશય, અખંડ રાજીપો છે.' મહારાજે રાજી થઈ નારાયણના માથે હાથ ફેરવ્યો.

ભક્તિજીવનદાસજીને મહારાજ અને મુક્તના પહેલી વખત આવા દર્શન થયા. તેઓ ભાવવિભોર થઈ ગયા. થોડીવાર તો સ્થિર થઈ ગયા. વિચારવા લાગ્યા ઓ હો! બાળકરૂપે આ ગામમાં અનાદિમુક્ત પધાર્યા છે. સ્વામી ગદગદભાવે નારાયણને વંદન કરવા લાગ્યા. નારાયણ કહે, 'સ્વામી, આ શું કરો છો? હું તો બાળક છું. તમે મને શા માટે વંદન કરો છો?' સ્વામી કહે, 'તમે કેવા બાળક છો તે મને આજે ખબર પડી ગઈ છે.' નારાયણ કહે, 'શું ખબર પડી ગઈ?' સ્વામી કહે, 'હવે મારાથી કાંઈ છુપાવશો નહીં. તમે મહારાજના અનાદિમુક્ત છો, ને જીવોના કલ્યાણ કરવા પધાર્યા છો. હું ઘણાં વર્ષોથી સાધના કરું છું, છતાં મહારાજના દર્શન નથી થયા. આજે આપના પ્રતાપે મહારાજના દિવ્ય દર્શન થયા અને દિવ્ય સ્વર સાંભળવાનો લ્હાવો પ્રાપ્ત થયો. હું તો ધન્ય બની ગયો. આ બધું આપને પ્રતાપે થયું છે.' નારાયણને થયું હવે કાંઈ બોલી શકાશે નહીં. સ્વામીને કહે, 'સ્વામી, મહારાજ મારી સાથે દરરોજ વાતો કરે છે, પણ આજે મહારાજના પ્રતાપે જ આપને તેમના દિવ્ય દર્શન થયા, પણ આ વાત કોઈને કહેવી નહીં.'

નારાયણને પ્રતાપે પોતાને મહારાજના દર્શન થયા છે તેવું સ્વામી માનતા હતા. સ્વામી પોતાને ધન્ય માનવા લાગ્યા.

---------

અઘરા શબ્દો

નરસું = ખરાબ

લ્હાવો = લાભ

→ મહારાજના અનાદિમુક્ત અખંડ મહારાજનું દિવ્ય સુખ ભોગવતા હોય છે. કોઈક વખત તેમના પ્રતાપે બીજાને પણ મહારાજના દિવ્ય દર્શનનો લાભ મળી જાય છે.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) નારાયણ ક્યા દિવસે અને ક્યારે મંદિરમાં ગયા હતા?

(૨) નારાયણ ભગવાન પાસે બેસી શું કરતા હતા?

(૩) બીજા ભક્તો માટે ભગવાને શું કહ્યું?

(૪) ભક્તિજીવનદાસજી સ્વામીને કયો લ્હાવો પ્રાપ્ત થયો?

ખાલી જગ્યા પૂરો.

(૧) તારી ---------- ભક્તિ અદ્ભુત છે.

(૨) તેમનું ---------- ક્યાંય ભમતું હોય છે.

(૩) આવું ---------- તે ન ગાયા બરોબર છે.

(૪) જ્યાં રહું ત્યાં આપનું અખંડ ---------- હોય છે.

(૫) હું તો ફક્ત ---------- બની આપની---------- નું પાલન કરું છું.

(૬) આપે મને પૃથ્વી પર----------ના----------કરવા મોકલ્યો છે.

(૭) હું ઘણા વર્ષોથી ---------- કરું છું.

સંદર્ભ સહિત સમજાવો.

(૧) તમારા પ્રતાપે આજે મને મહારાજના દિવ્ય દર્શન થયા અને મહારાજની દિવ્ય વાણી સાંભળવાનો લ્હાવો મળ્યો.