૨ મુક્તરાજ મામાનું પ્રાગટ્ય
ઈ.સ. ૧૯૨૨ની સાલ છે. શાકુબા અને ગીગાભાઈના ઘરમાં પાંચમા સંતાનનું આગમન થવાનું છે. ગીગાભાઈ અને શાકુબાના મનમાં પ્રસન્નતા છે. અગમ્ય કારણસર તેઓ આનંદનો અનુભવ કરી રહ્યાં છે. શાકુબા ગીગાભાઈને કહે, 'જ્યારથી મારે સારા દિવસો જાય છે, ત્યારથી મને વારંવાર મહારાજના દર્શન થાય છે. ત્યારથી મહારાજ મારી સાથે જ હોય એવું લાગ્યા કરે છે. મન કાયમ આનંદમાં જ રહે છે. ભગવાન ભજવામાં પણ અનેરો આનંદ આવે છે. ભગવાન સિવાય બીજી પ્રવૃત્તિમાં બહુ રસ આવતો નથી.' ગીગાભાઈ કહે, 'મને પણ ઘણો આનંદ વર્ત્યા કરે છે. બાળકો પણ કેવા આનંદમાં રહે છે. મને થાય છે, આવનાર બાળક નક્કી કોઈ મહાન આત્મા હશે!' શાકુબા કહે, 'મને પણ એમ જ લાગે છે. અને તેમાં પણ આજે તો એ આનંદમાં અનેરો વધારો થયો હોય ને શું! બધું વાતાવરણ પણ જાણે આનંદથી નાચતું ન હોય!' ગીગાભાઈ કહે, 'હા, સાચી વાત છે. મંદિરમાં આજે મહારાજની મૂર્તિ અનહદ આનંદમાં હસી રાજીપો જણાવતી હોય તેમ લાગતું હતું. ઝાડ-પાન, પણ આનંદથી ડોલતા હોય ને શું?' શાકુબા કહે, 'બધા દિવસો કરતાં આજે આનંદ વિશિષ્ટ પ્રકારનો છે.' ગીગાભાઈ અને શાકુબાનું આમ અનુભવવું સાચું પડ્યું. બરાબર સવારના ૧૦ વાગીને ૪૬ મિનિટે શાકુબાની કૂખે મુક્તરાજ બાળ સ્વરૂપે પ્રગટ થયા. એ દિવસ પવિત્ર ગુરુવાર હતો. ઈ.સ. ૧૯૨૨ની સાલ-૧૬મી ફેબ્રુઆરી મહિનો - અને ગુરુવાર બધું જ ધન્ય બની ગયું. (સંવત ૧૯૭૮ મહા વદ પાંચમ)
બાળકનું સુંદર અને તેજસ્વી મુખારવિંદ જોઈ શાકુબાને હરખ મા'ય નહીં. ગીગાભાઈને બાળકનું મુખારવિંદ જોઈ અપૂર્વ શાંતિનો અનુભવ થયો. શાકુબાને કહેવા લાગ્યા, 'અહો!' બાળકનું રૂપ તો જુઓ. ચહેરા પર તેજસ્વિતા છલકાઈ રહી છે. મને તો આ બાળક નક્કી મુક્તાત્મા જ લાગે છે. એનું મુખારવિંદ જોઈને મને શ્રીજીમહારાજની હસતી મૂર્તિ જ સાંભરી આવે છે. આપણે આનું નામ 'નારાયણ' રાખીશું, એટલે નામ બોલતાંય મહારાજ સાંભરે.' શાકુબાને પણ આ નામ ખૂબ જ ગમી ગયું. બાળકનું નામ પાડ્યું એટલે ભાઈ-બહેનો નારાયણ-નારાયણ એમ તાળી પાડી રમાડતા જાય અને નાચતા જાય. રમાડતા થાકતા જ નહીં. એમ આનંદ ઊભરાયા જ કરતો.
---------
અઘરા શબ્દો
અગમ્ય = ન સમજી શકાય તેવું
અનેરો = વિશિષ્ટ પ્રકારનો
હરખ = આનંદ
સંભારવું = યાદ કરવું
અપૂર્વ = પહેલાં ક્યારેય ન બન્યું હોય તેવું.
→ શ્રીજીમહારાજના લાડીલા અનાદિમુક્ત પ્રગટ થવાના હોય ત્યારે વાતાવરણ પવિત્ર બને છે. દૈવી જીવોના મન પ્રફૂલ્લિત થઈ શાંતિનો અનુભવ કરે છે.
→ શ્રીજીમહારાજના મહાન અનાદિમુક્ત જીવોના કલ્યાણ અર્થે જ પૃથ્વી પર કૃપા કરી પ્રગટ થાય છે.
→ અનાદિમુક્તનું પૃથ્વી પરનું આગમન આપણા માટે ધન્ય પળ, ધન્ય ઘડી છે. ઉમળકાભેર તે દિવસનું સ્વાગત કરી તેની ઉજવણી કરવી. ઉજવણી એટલે બ્રહ્મયજ્ઞ કરવો.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) મુક્તરાજ ક્યાં અને ક્યારે પ્રગટ થયા?
(૨) ગુજરાતી સંવત પ્રમાણે મુક્તરાજના પ્રાગટ્યની સાલ, મહિનો અને તિથિ જણાવો.
(૩) પિતાએ મુક્તરાજનું નામ શું પાડ્યું?
કોણ બોલે છે તે કહો.
(૧) મને વારંવાર મહારાજના દર્શન થાય છે. મહારાજ મારી સાથે જ હોય એવું લાગ્યા કરે છે.
(૨) આવનાર બાળક નક્કી કોઈ મહાન આત્મા હશે.
ખાલી જગ્યા પૂરો.
(૧) બાળક----------- અને ----------- હતું.
(૨) ગીગાભાઈને બાળકનું ----- જોઈ ---- શાંતિનો અનુભવ થયો.
(૩) આનું નામ ----------- રાખીશું.