૪૯ દુઃખ દૂર કર્યું

એક વખત એક બાળક મામા પાસે આવ્યો. તે ખૂબ હાંફતો હતો. મામાને પગે લાગી બેસી ગયો. મામાએ પૂછ્યું, 'આટલો બધો હાંફે છે કેમ?' બાળક કહે, 'મારા હૃદયમાં કાંઈક તકલીફ છે. આથી મારાથી બહુ ચાલી શકાતું નથી. જરા પણ દોડી શકતો નથી. બધા છોકરાઓ રમે ત્યારે મારે બેઠા-બેઠા જોયા કરવું પડે છે.' છોકરો આજે જાણે મામાને બધું જ કહી દેવા માંગતો હતો. કહે, 'મામા, મમ્મી મને કેટલી બધી વસ્તુ ખાવા નથી આપતી. કહે છે તને શ્વાસ ચડશે ડૉક્ટર પાસે જવું પડશે. મને સારું-સારું ખાવાનું બહુ મન થાય છે.'

મામા કહે, 'અરેરે! તારા જેવા નાના બાળકને બહુ મોટી તકલીફ કહેવાય! તું દવા લે છે?' છોકરો કહે, 'હું મોટો થઈશ ત્યારે મારું ઑૅપરેશન કરશે.' મામાને થયું, મોટો થાય ત્યાં સુધી આને આમ જ રહેવાનું છે! મોટા થયા પછી એ શું રમે? બાળકોને અત્યારે જ રમવાનો ઉત્સાહ હોય, સારું ખાવાનું મન થાય. આ બરાબર ન કહેવાય. મામાનું દિલ દ્રવિ ઉઠ્યું. બાળક ઉપર તેમને બહુ દયા ઉપજી. મામા ભગવાન પાસે થોડીવાર ઊભા રહ્યા. પછી બાળક પાસે આવ્યા. આંખો બંધ કરી બાળકના હૃદય ઉપર હાથ ફેરવ્યો. ભગવાનનું નામ લીધું. બાળકને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. કપાળમાં ચાંદલો કર્યો અને બાળકને કહે, 'જા. આજથી તારે જેટલું રમવું હોય તેટલું રમજે.' બાળક કહે, 'બીજા બાળકો રમે છે તે બધી રમતો રમી શકું?' મામા કહે, 'હા તારે જે રમત રમવી હોય તે રમજે.' બાળકે પૂછ્યું, 'દોડા-દોડીની રમત પણ?' મામા કહે, 'હા તારે જેટલું દોડવું હોય તેટલું દોડજે તને કાંઈ નહીં થાય.' બાળકને મામા વિષે ખરો ભાવ હતો. તેમના વચનમાં શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો. તે આનંદમાં આવી ગયો. મામાને કહે, ' મામા, તમે એવું કહોને કે આજથી તારે જે ખાવું હોય તે ખાજે.' મામા હસી પડ્યા કહે, 'હા તારે જે ખાવું હોય તે ખાજે.' બાળક કહે, 'હું કાંઈ પણ ખાઈશ મને શ્વાસ નહીં ચડે? ઉધરસ નહીં આવે? ડૉક્ટર પાસે જવું નહીં પડે?' મામા કહે, 'ના, ના તને કાંઈ નહીં થાય.'

બાળક તાળી પાડી કૂદી પડ્યો. તે હજી ખાતરી કરતો હોય તેમ પૂછવા લાગ્યો, 'તો ઘરે જઈને આઇસક્રીમ ખાઉં?' મામાએ તેના માથે હાથ ફેરવ્યો કહે, 'તું બધું ખાઈ શકે છે. તારો રોગ ભગવાને મટાડ્યો છે એ વાત ક્યારેય ભૂલતો નહીં.' બાળક કહે, 'રોગ તો તમે મટાડ્યો છે. હાથ તમે ફેરવી આપ્યો છે.' મામા કહે, 'મેં ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને તારું દુઃખ દૂર કર્યું. માટે ભગવાનને ક્યારેય ભૂલવા નહીં. દરેક કાર્યમાં ભગવાનને સાથે રાખવા.' બાળક કહે, 'હું ચોક્કસ તેમ કરીશ. ભગવાનને ક્યારેય નહીં ભૂલું.' બાળક પગે લાગી ઘરે ગયો. ઘરમાં બધાને વાત કરી. બાળકના પિતા મામા પાસે આવ્યા. તેઓ કાંઈ કહે તે પહેલાં જ મામાએ કહ્યું, 'આજે મહારાજે બહુ દયા કરી. આપના બાળકનું દુઃખ જોઈ બાળક પર દયા આવી અને મહારાજે તમારા બાળકનું દુઃખ દૂર કર્યું.' બાળકના પિતા અહોભાવથી મામાના ચરણોમાં ઝૂકી પડ્યા.

---------

→ અનાદિમુક્ત દ્વારા શ્રીજીમહારાજ સર્વ કાર્યો કરતા હોય છે.

→ મામાને બાળકો અતિ વ્હાલા હતા. બાળકોનું દુઃખ તરત દૂર કરતા.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) બાળક શા માટે હાંફતું હતું?

(૨) બાળકનું દુઃખ મામાએ કઈ રીતે દૂર કર્યું?

(૩) મામાએ બાળકને શું યાદ રાખવા કહ્યું?

(૪) કાર્ય કરતા પહેલા કોને સંભારવાના?

ખાલી જગ્યા પૂરો.

(૧) મારા ---------- માં કાંઈક તકલીફ છે.

(૨) જા આજથી તારે જેટલું ---------- હોય તેટલું ----------.

(૩) તો ઘરે જઈને ---------- ખાઉં?

(૪) તારો રોગ ---------- મટાડ્યો છે એ વાત ક્યારેય ---------- નહીં.