૩૨ સ્વાવલંબી થવું
મામા જાત્રાએ નીકળ્યા હતા. લીલામાસી, હરિભક્તો ને સેવક સાથે હતા. હરદ્વારમાં ઉતારો લીધો. ઉતારાની રૂમમાં બાવાં- જાળાં ને થોડો કચરો હતો. મામાએ સેવકને કહ્યું, 'રૂમમાંથી કચરો કાઢી નાંખો.' સેવક કહે, 'મામા, આપણે ક્યાં કાયમ રહેવું છે? રૂમ આમ તો ચોખ્ખી જ છે.' મામા કહે, 'આપણે જ્યાં રહેતા હોઈએ તે જગ્યા ચોખ્ખી હોવી જોઈએ. રૂમ ચોખ્ખી હોય તો જ ભગવાન આપણી ભેળા રહે. ભગવાનને ચોખ્ખી જગ્યા ગમે છે.' સેવક સાવરણી લઈ કચરો કાઢવા લાગ્યો. મામા કહે, 'આ શું કરે છે!' સેવક કહે, 'કચરો કાઢું છું.' મામા કહે, 'આવી રીતે? ઊભા-ઊભા? કચરો કાઢતા નથી આવડતું કે શું? ચાલ હું તને કચરો કાઢતા શીખવાડું.'
મામાએ સાવરણી હાથમાં લીધી અને સેવકને બતાવતા કહ્યું, 'જો આમ ઉભડક બેસીને ધીમે-ધીમે સાવરણી દાબીને કચરો કાઢવો. આવી રીતે કાઢવાથી કચરો આમ-તેમ ઊડે નહીં. ત્યાર બાદ ડોલમાં પાણી લઈ કપડાંથી ઘસીને પોતું કરવું.' સેવકે બધું ધ્યાનપૂર્વક જોઈ શીખી લીધું. મામાએ પૂછ્યું, 'તમને કપડાં ધોતાં આવડે છે?' સેવક કહે, 'ના મામા, મારે કપડાં ધોવાનો ક્યારેય વખત નથી આવ્યો. એટલે મને કપડાં ધોતાં નથી આવડતું.' મામા કહે, 'દરેક જણને પોતાનું કામ આવડવું જ જોઈએ. દરેકે સ્વાવલંબી બનવું જ જોઈએ. ચાલો તમને કપડાં ધોતાં શીખવાડું.' મામાએ સેવકને કપડાં ધોતાં પણ શીખવાડ્યું. એક સેવકને સ્વાવલંબીપણાના આદર્શ ગુણો કેળવતા મામાએ શીખવ્યું.
---------
→ મામા પોતે અનાદિમુક્ત હોવા છતાં સ્વાવલંબી હતા અને આપણને સ્વાવલંબી થવાનું શીખવે છે.
→ પોતાનું કામ કરતાં દરેકને આવડવું જોઈએ, તો વખત આવે કોઈ પર આધાર રાખવો ન પડે.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) મામા જાત્રા કરવા ક્યાં ગયા હતા?
(૨) મામાએ સેવકને કયા - કયા કામો કરતા શીખવાડ્યું?
(૩) દરેક જણે કેવું બનવું જોઈએ?
(૪) ચોખ્ખી જગ્યા બાબતે મામાએ શું કહ્યું?
ખાલી જ્ગ્યા પૂરો.
(૧) ચોખ્ખી રૂમ હોય તો જ ---------- આપણી ભેળા રહે.
(૨) ભગવાનને ---------- ગમે છે.
(૩) દરેકે ---------- બનવું જોઈએ.
યોગ્ય ક્રમમાં ગોઠવો.
(૧) તો જ ચોખ્ખી રૂમ ભેળા હોય ભગવાન રહે આપણી.
(૨) જ બનવું દરેકે જોઈએ સ્વાવલંબી.