૨૨ ઇર્ન્ટવ્યૂની સાચી રીત
મિલની નોકરી છોડી ભાઈ જતા હતા ત્યાં રસ્તામાં એક શાળા પાસે લાંબી કતાર જોઈ. ઊભા રહી પૂછ્યું તો ખબર પડી કે શિક્ષકની નોકરી માટે ઇર્ન્ટવ્યૂ લેવાતા હતા. ભાઈ પણ લાઈનમાં ઊભા રહી ગયા. તેમનો વારો આવ્યો એટલે અંદર ગયા. અંદર ઇર્ન્ટવ્યૂ લેનારાઓએ પ્રયોગના કેટલાક સાધનો મૂક્યા હતા. તેઓએ ભાઈને કહ્યું, 'આ સાધનો વાપરી બતાવો.' ભાઈ સાધનો પાસે ગયા. ચીવટથી તેને નિહાળ્યા. ભાઈએ જવાબ આપ્યો, 'આ સાધનો તો ખોટી રીતે ગોઠવેલા છે. કેટલાક અધૂરા છે. બીજા કેટલાક બગડેલા છે.' ઇર્ન્ટવ્યૂ લેનારા ખુશ થયા. ભાઈને કહે, 'સાધનો બરાબર નથી તે આપને ખબર પડે છે કે નહીં. અમારે એ જ ચકાસણી કરવી હતી.' ભાઈને નવાઈ લાગી. ભાઈના હાવ-ભાવ જોઈ ઇર્ન્ટવ્યૂ લેનારે પૂછ્યું, 'કાંઈ કહેવું છે?' ભાઈ કહે, 'હા. આ જવાબમાં તમને મારા જ્ઞાન વિષે શું જાણકારી મળી?' ઇર્ન્ટવ્યૂ લેનાર કહે, 'તમને સાધનોની જાણકારી છે તેની ખબર પડી.' ભાઈ કહે, 'હું આ વિષયથી ગ્રેજ્યુએટ થયો છું. મને સાધનોનું જ્ઞાન હોય જ. તેમાં મારા જ્ઞાનની ચકાસણી ક્યાં થઈ?' ઇર્ન્ટવ્યૂ લેનારા એક-બીજા સામે જોવા લાગ્યા. ભાઈ આગળ બોલ્યા, 'સાધનોનો ઉપયોગ કરી કોઈ પ્રયોગ કરવાનું કહેવું જોઈએ. કૅમિકલના સંયોજન વગેરે પ્રયોગો કરવાનું કહેવું જોઈએ. મારા વિષયને લગતા પ્રશ્નો પૂછવા જોઈએ. ત્યારે જ મારી બુદ્ધિમત્તાની આપને જાણ થાય. ખોટાને ખોટું કહ્યું તેમાં જ્ઞાનની ખરી પરીક્ષા કેવી રીતે થાય?
હું નોકરી મેળવું તો વિદ્યાર્થીને કેવી રીતે સમજાવીશ એ વિષેના પ્રશ્નો હોવા જોઈએ. ઇર્ન્ટવ્યૂની એ જ સાચી રીત છે.' આમ કહેવાથી કદાચ પોતાને નોકરી ન પણ મળે. ભાઈએ આવું કાંઈ વિચાર્યું નહીં અને નીડરપણે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું.
ઇર્ન્ટવ્યૂ લેનાર સ્તબ્ધ થઈ ગયા. ભાઈને કહે, 'તમે સાચું કહો છો. ઇર્ન્ટવ્યૂની એ જ સાચી રીત છે. તમે આત્મવિશ્વાસથી વાત કરી છે. એના પરથી જ ખ્યાલ આવે છે કે આપને વિષયનું પૂરતું જ્ઞાન છે. અમે આ નોકરી તમને આપીએ છીએ. આ જગ્યા માટે તમે જ લાયક છો. તમારાથી શ્રેષ્ઠ બીજું હોઈ શકે નહીં. જેણે અમારી ભૂલ બતાવી અને અમને ઇર્ન્ટવ્યૂ લેતા શીખવ્યું.'
---------
અઘરા શબ્દો
બુદ્ધિમત્તા = બુદ્ધિમાન હોવાપણું
→ યોગ્ય અને સાચું મંતવ્ય વ્યક્ત કરવા કોઈનાથી ગભરાવું નહીં.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો
(૧) ઇર્ન્ટવ્યૂ લેનારાઓએ સાધનો કેવી રીતે મૂક્યા હતા?
(૨) ઇર્ન્ટવ્યૂની સાચી રીત કઈ છે?
ખાલી જગ્યા પૂરો.
(૧) આ સાધનો ---------- રીતે ગોઠવેલા છે.
(૨) મારા વિષયને લગતા ---------- પૂછવા જોઈએ.
(૩) ખોટાને ---------- કહ્યું તેમાં ---------- ની ખરી પરીક્ષા કેવી રીતે થાય?
(૪) આપને વિષયનું ---------- જ્ઞાન છે.
(૫) તમારાથી ---------- કોઈ હોઈ શકે નહીં.
વાક્ય પૂર્તિ કરો.
(૧) હું નોકરી મેળવું ............. ઇર્ન્ટવ્યૂની એ જ સાચી રીત છે.
(૨) તમારાથી શ્રેષ્ઠ બીજું .......... ઇર્ન્ટવ્યૂ લેતાં શીખવ્યું.