૮ કંઠી ગુરુની સેવા

દરરોજની જેમ શાકુબા પૂજા કરીને ઊઠ્યાં. નારાયણ કહે, 'મા, મારે પણ પૂજા જોઈએ છીએ. હું પણ દરરોજ મહારાજની પૂજા કરીશ.' આવું સાંભળી શાકુબા ઘણા રાજી થયાં. કહે, 'બેટા! મંદિરમાં સ્વામીને કહેજો તેઓ તમને પૂજા આપશે.' નારાયણ ખુશ થઈ ગયા. તેમને યાદ આવ્યું શ્રીજીમહારાજે વઢવાણ આવતી વખતે કહ્યું હતું, 'નારાયણ, તને વઢવાણના ભક્તિજીવનદાસજી સ્વામી કંઠી બાંધશે. તેને તું તારા કંઠી ગુરુ કરજે. તેઓ જ તને પૂજા પણ આપશે.' બીજે દિવસે નારાયણ સવારે વહેલા ઊઠી ગયા. નાહીને મંદિરે પહોંચી ગયા. નારાયણને જોઈ સ્વામી રાજી થયા. કહે, 'નારાયણ, આજે કેમ વહેલા આવ્યા? મહારાજ સાથે શું વાતો કરવાના છો?' નારાયણ કહે, 'સ્વામી, તમે મને કંઠી બાંધો. અને મને પૂજા આપો. તમે મારા કંઠી ગુરુ થાવ.' સ્વામી કહે, 'નારાયણ, તમે તો મહારાજના લાડીલા મુક્ત છો. તમારી સાથે મહારાજ સદાય રહે છે. તમારે ગુરુ કરવાની ક્યાં જરૂર છે? તમારા જેવા મુક્તના ગુરુ થવાનું તો મારું સદ્ભાગ્ય કહેવાય. ચાલો હું તમને કંઠી બાંધું.'

સ્વામીએ શ્રીજીમહારાજને ધરાવી નારાયણને કંઠી બાંધી અને પૂજા પણ આપી. નારાયણ સ્વામીને પગે લાગી કહે, 'સ્વામી, આજથી તમે મારા કંઠી ગુરુ. હવેથી હું તમારી બરોબર સેવા કરીશ.' સ્વામી ખૂબ રાજી થયા કહે, 'નારાયણ, તમે તો કાયમ મારી સેવા કરો જ છો. હવે વિશેષ કરવાની આવશ્યકતા નથી.'

નારાયણ તો દરરોજ સ્વામી પાસે આવે. ભાવે સહિત સેવા કરે. સ્વામીના પગ દાબે, માથું દાબે. કોઈ વસ્તુ જોઈતી હોય તો સ્વામી કહે તે પહેલા હાજર કરી આપે. સ્વામીનું આસન સાફ રાખે. નાની-મોટી બધા પ્રકારની સેવા કરે. ઘણી વખત સ્વામી કહે, 'નારાયણ, હવે ઘરે જાઓ' તમે થાકી ગયા હશો.' નારાયણ કહે, 'સ્વામી, તમારી સેવા કરવામાં મને ખૂબ આનંદ આવે છે, જરાય થાક નથી લાગતો. તમારી સેવાથી મહારાજ બહુ રાજી થાય છે.' આવા મધુર વચનોથી અને સેવાથી સ્વામી આ નાના બાળ મુક્તરાજ ઉપર બહુ જ રાજી થાય.

---------

→ મુક્તરાજ આપણને શીખવે છે કે, જે આપણા ગુરુ છે તેમની દિવ્યભાવે સહિત સેવા કરી તેમનો રાજીપો મેળવી લેવો જોઈએ.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) નારાયણે શાકુબા પાસે શું માંગ્યું?

(૨) નારાયણના કંઠી ગુરુનું નામ આપો?

(૩) નારાયણ સ્વામીની કઈ-કઈ સેવા કરતા?

ખાલી જગ્યા પૂરો.

(૧) સ્વામી તમે મારા ---------- થાવ.

(૨) તમે તો મહારાજના ---------- મુક્ત છો.

(૩) તમારા જેવા મુક્તના ---------- થવાનું તો મારું ----------કહેવાય.