૩ દિવ્ય આશીર્વાદ

એક દિવસની વાત છે. નારાયણ અગિયાર માસના થઈ ગયા હતા. શાકુબા નારાયણને હીંચકો નાંખતા હતા. ગીગાભાઈ પાસે બેઠા હતા. શાકુબા કહે, 'આ નારાયણ તો જાણે રડતા શીખ્યા જ નથી. જ્યારે જુઓ ત્યારે હસતા ને હસતા જ હોય. ભૂખ લાગે તો ય રડતા નથી.' ગીગાભાઈ ખાલી માથું હલાવે, કાંઈ બોલે નહીં. શાકુબા ફરી કહેવા લાગ્યા, 'આંખો બંધ કરી સૂતા હોય તો જાણે ધ્યાનમાં મસ્ત ન હોય! મને તો બહુ વહાલ ઉપજે છે.' શાકુબાએ જોયું, ગીગાભાઈનું વાતમાં ધ્યાન ન હતું. તેઓ કોઈ ચિંતામાં હતા. શાકુબા કહે, 'તમે શાની ચિંતામાં છો? આવી ચિંતામાં તો તમે ક્યારેય હોતા નથી. ઘરમાં પૈસા ન હોય ત્યારે પણ.' ગીગાભાઈ કહે, 'આવતીકાલે અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી ધ્રાંગધ્રા પધારવાના છે.' શાકુબા કહે, 'તે તો ધન્ય ઘડી કહેવાય! આપણે બધા પણ તેમના દર્શન કરવા જઈશું.' ગીગાભાઈ કહે, 'બધા હરિભક્તો પોત-પોતાને ઘરે બાપાશ્રીની પધરામણી કરાવશે.' શાકુબા કહે, 'એ તો કરાવેજને. એ બહુ આનંદની વાત છે, પણ તમે શેની ચિંતામાં છો?' ગીગાભાઈ કહે, 'મને એમ થાય છે કે, બાપાશ્રી આપણે ત્યાં પધારશે કે નહીં? આપણે તો ગરીબ. ઘર પણ સાવ નાનું છે. બાપાશ્રીને આપણે ત્યાં પધરામણી કરવાનું કહેવાય કેવી રીતે? આપણી પાસે તો સારું પાથરણું પણ નથી.' શાકુબા કહે, 'તમે ચિંતા ન કરો. આપણો ભાવ સાચો છે તે જરૂર પૂર્ણ થશે. બાપાશ્રી તો અંતર્યામી છે. બધું જાણે છે. મનમાં ખરો ભાવ હશે તો જરૂરથી સંકલ્પ સત્ય કરશે. બાપાશ્રી તો ભાવ જુએ છે, સુખ સગવડ નથી જોતા.' ગીગાભાઈને થોડી ધરપત થઈ. સવાર પડી કે તરત નાહી-ધોઈ પૂજા કરી લીધી. બાપાશ્રી જ્યાં હતા ત્યાં પહોંચી ગયા.

બાપાશ્રી સિગરામમાં બેસી બધાને ઘરે પધરામણી કરે. આશીર્વાદ આપે. ગીગાભાઈ મનમાં-મનમાં પ્રાર્થના કરે. બાપાશ્રી હું ગરીબ છું, છતાં કૃપા કરી આપ મારા ઘરે પધરામણી કરો. બાપાશ્રી ગીગાભાઈ સામે જોઈ હસ્યા કરે. ગીગાભાઈ બાપાશ્રીને કાંઈ કહી શકે નહીં.

અચાનક રસ્તામાં બાપાશ્રી કહે, 'મારે લઘુ કરવા જવું છે.' સાથેના સેવક કહે, 'બાપા અત્યારે રસ્તામાં ક્યાં જવાશે?' ગીગાભાઈએ આ વાત સાંભળી. તેમણે તક ઝડપી લીધી. બાપાશ્રીને કહે, 'બાપા મારું ઘર નજીક જ છે. આપ ત્યાં પધારો. આપને લઘુ કરવાની વ્યવસ્થા કરી આપીશ.' બાપાશ્રીને આ તો એક બહાનું હતું. ખરું કારણ તો ત્યાં બિરાજેલા મુક્તને આશીર્વાદ આપવા હતા. તેઓ અનાદિમુક્ત છે તે બધાને જણાવવું હતું. ગીગાભાઈને ઘરે બાપાએ લઘુ કર્યું. ઘોડિયામાં સૂતેલા નારાયણ પાસે આવ્યા.

નારાયણ તો બાપાશ્રીને જોઈ ખિલ-ખિલ હસવા લાગ્યા. એકદમ આનંદમાં આવી ગયા. બાપાશ્રી પણ તેમની સામે જોઈ હસ્યા. નારાયણને પોતાના હાથમાં લીધા. હેતપૂર્વક માથે હાથ ફેરવ્યો. પોતાના ભાલમાં ચાંદલો હતો તેમાંથી કંકુ લઈ નારાયણના ભાલમાં ચાંદલો કર્યો. સાથે રહેલા મુક્તરાજ દિવાળીબા કહે, 'આ નારાયણ ભગવાનના ભગત થાય તેવા આશીર્વાદ આપો.' બાપાશ્રી કહે, 'આમને તો અખંડ આશીર્વાદ છે. આ તો શ્રીજીમહારાજના અનાદિમુક્ત છે. શ્રીજીમહારાજની મરજીથી અહીં આવ્યા છે. અનેક જીવોના કલ્યાણ કરશે. મહારાજના સુખમાં પહોંચાડશે. સર્વજીવહિતાવહ કાર્યો કરશે. આની તો આગળ જતાં બધાને ખબર પડશે.'

દિવ્ય આશીર્વાદ આપી બાપાશ્રી બીજે પધરામણીએ ગયા. ગીગાભાઈ આનંદવિભોર થઈ ગયા. પોતાને ધન્ય માનવા લાગ્યા. શાકુબાને હર્ષના આંસુ આવી ગયા. ગીગાભાઈ કહે, 'આપણે ધન્ય બની ગયા. આવા મોટા અનાદિમુક્ત આપણે ત્યાં પુત્રરૂપે પધાર્યા. આપણને માતા-પિતા તરીકે સ્વીકાર્યા. મહારાજે આપણા ઉપર બહુ દયા કરી.'

શાકુબા તો નારાયણને ખોળામાં લઈ રમાડતા જાય, ચૂમીઓ લેતા જાય અને બોલતા જાય, 'અમારે ત્યાં અનાદિમુક્ત પધાર્યા છે, ધન્ય ભાગ્ય! અમારે ત્યાં અનાદિમુક્ત પધાર્યા છે, ધન્ય ભાગ્ય!'

---------

અઘરા શબ્દો

લઘુ કરવું = પેશાબ કરવો

હેત = પ્રેમ

મરજી = ઇચ્છા

સિગરામ = મુસાફરીનું એક વાહન

→ મહારાજના મુક્તો ગરીબ-તવંગર નથી જોતા, ભક્તના ભાવ જુએ છે.

→ મુક્તરાજ નારાયણભાઈનું પૃથ્વી પરના પ્રાગટ્યનું કારણ બાપાશ્રી જાણતા હોવાથી જ તેમણે શ્રી નારાયણભાઈને આવા દિવ્ય આશીર્વાદના હક્કદાર બનાવ્યા. અને અનાદિમુક્ત તરીકેનું પ્રમાણ આપ્યું.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) ગીગાભાઈ શેની ચિંતામાં હતા?

(૨) બાપાશ્રીએ ગીગાભાઈનો સંકલ્પ કેવી રીતે પૂર્ણ કર્યો?

(૩) બાપાશ્રીએ નારાયણને ક્યા આશીર્વાદ આપ્યા?

ખાલી જગ્યા પૂરો.

(૧) આવતી કાલે અનાદિ મહામુક્તરાજ ---------- ધ્રાંગધ્રા પધારવાના છે.

(૨) આમને તો ----------- આશીર્વાદ છે.

(૩) શ્રીજીમહારાજના ----------- છે.

(૪) ----------- કાર્યો કરશે.