૩૧ દસ દિવસમાં ફર્સ્ટ ક્લાસ

એક વખત મામા(સત્સંગ સમુદાય ભાઈને ‘મામા’ના હુલામણા નામથી સંબોધવા લાગ્યા હતા. આથી આપણે પણ હવેથી ભાઈનો ઉલ્લેખ ‘મામા’ એ પ્રિય નામથી જ કરીશું.) ઘરમાં બેઠા હતા. એક યુવક મામાને મળવા આવ્યો. મામાએ મીઠો આવકાર આપ્યો. યુવક મામા પાસે બેઠો. મામાએ પૂછ્યું, 'કેમ ઉદાસ દેખાય છે?' યુવક કહે, 'મામા, મૅટ્રિકની પરીક્ષા નજીક છે.' મામા કહે, 'ભણીએ એટલે પરીક્ષા તો આવે. ભગવાનને સંભારી પેપર લખવું.' યુવક કહે, 'પણ મામા, મને ગણિત અને વિજ્ઞાનમાં કાંઈ આવડતું નથી. એ વિષયો મને બહુ અઘરા લાગે છે. તેમાં નપાસ થવાની બીક લાગે છે.' મામા કહે, 'બીજા વિષયોની તૈયારી કેવી છે?' યુવકે જોશમાં આવી જવાબ આપ્યો, 'બીજા વિષયોમાં તો જરાય વાંધો નહીં આવે. બસ ફક્ત આ બે વિષયોની જ ચિંતા છે.' મામાએ જોયું કે, યુવકમાં આત્મવિશ્વાસ છે. ખરેખર તેને આ બે વિષયોની મુશ્કેલી હશે. મામાએ પૂછ્યું, 'પરીક્ષાને કેટલા દિવસ બાકી છે?' યુવક કહે, 'બાર દિવસ.' મામા કહે, 'આ બન્ને વિષય હું તને ભણાવું? તું મારી પાસે શીખીશ?' યુવક ખુશ થઈ ગયો. કહે, ' મામા, તમારા જેવા તો એક પણ શિક્ષક નથી. તમે શીખવાડશો તો મને જરૂર આવડશે.' ભણાવવાનું શરૂ થયું.

મામા કહે, 'ભણવા બેસતાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરવાની. એટલે બધું આવડી જાય.' મામાની ભણાવવાની શૈલી એકદમ સરળ અને સચોટ હતી. યુવકને તરત સમજાઈ જતું. દસ દિવસમાં તો યુવક બન્ને વિષયોમાં પારંગત થઈ ગયો. ભણાવવાનું પૂરું થયું. યુવક મામાને પગે લાગ્યો. મામાએ આશીર્વાદ આપ્યા. યુવક ગયો નહીં. ઊભો જ રહ્યો. મામા કહે, 'કોઈ મુશ્કેલી હજી છે? કાંઈ પૂછવું છે?' યુવક કહે, 'મામા, મને મનમાં એક પ્રશ્ન થયા કરે છે. તમે આટલું સરસ કેવી રીતે સમજાવી શકો છો? મને દસ જ દિવસમાં બન્ને વિષયો આવડી ગયા!' મામા કહે, 'જો બેટા, જે વિષય વસ્તુ મગજમાં સ્પષ્ટ હોય તો હોઠે અને હાથે પણ સ્પષ્ટ હોય જ.' યુવક કહે, 'મામા સમજાયું નહીં.' મામા કહે, 'જે વસ્તુ બરાબર સમજાઈ હોય તે આપણે બીજાને પણ સમજાવી શકીએ. અને જે વસ્તુ બરાબર સમજાઈ હોય તે જ બરાબર લખી શકાય. તને બન્ને વિષયો બરાબર આવડી ગયા ને?' યુવક કહે, 'હા મામા.' મામા કહે, 'આ વિષયો તું કોઈને પણ સમજાવી શકે. પરીક્ષામાં પણ સારી રીતે લખી શકે. એ જ મારા કહેવાનો અર્થ છે.' યુવક કહે, 'હા મામા. હું પરીક્ષામાં સરસ રીતે લખી શકીશ.'

દસ જ દિવસ મામા પાસે ભણ્યો હોવા છતાં યુવકનો મૅટ્રિકમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો. કેવું અદ્ભુત!

---------

અઘરા શબ્દો

પારંગત = હોશિયાર

સ્પષ્ટ = ચોખ્ખી રીતે સમજાય તેવું

→ બાળકોની મુશ્કેલીમાં મામા તરત સહાયતા કરતા.

→ અનુભવી શિક્ષક ભણાવે ત્યારે દસ જ દિવસ ભણવાથી ફર્સ્ટ ક્લાસ આવી શકે.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) યુવક શા માટે ઉદાસ હતો?

(૨) યુવકને કઈ પરીક્ષા આપવાની હતી?

(૩) મામાએ યુવકને ક્યા વિષયો ભણાવ્યા?

(૪) સમજાવવાની રીત માટે મામાએ શું કહ્યું?

(૫) મામા પાસે યુવક કેટલા દિવસ ભણ્યો? પરીક્ષામાં તેનું શું પરિણામ આવ્યું?

ખાલી જગ્યા પૂરો.

(૧) મને ---------- અને ---------- વિષયોમાં કાંઈ આવડતું નથી.

(૨) મામા તમારા જેવા તો એક પણ ---------- નથી.

(૩) મામાની ભણાવવાની શૈલી એકદમ ---------- અને --------- હતી.

(૪) જે વિષયવસ્તુ મગજમાં સ્પષ્ટ હોય તે ----------અને ---------- પણ સ્પષ્ટ હોય જ.