૨૦ બે સ્વરૂપ
એક વખત ભાઈ ખૂબ માંદા પડી ગયા. બીમારી લાંબી ચાલી. જેથી બી.એસસી.ના છેલ્લા વર્ષમાં એડ્મિશન લઈ ન શક્યા. થોડા વખતે સાજા થયા. હવે આખું વર્ષ શું કરવું? પાટણની એક સ્કૂલમાં ભાઈએ શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી લીધી. ભાઈની ભણાવવાની શૈલી ખબૂ જ સરસ હતી. વિદ્યાર્થીઓને ભાઈ ભણાવે તે ખૂબ ગમે. ભાઈ ભણાવતા હોય ત્યારે કોઈ વિદ્યાર્થી જરા પણ અવાજ કરે નહીં. આથી આચાર્ય પણ ભાઈથી ખુશ હતા.
એક દિવસ અચાનક શાળામાં ઈન્સ્પેક્શન કરનાર અધિકારીઓ આવ્યા. ભાઈનો વર્ગ હતો, પરંતુ આચાર્યને કામ હોવાથી ભાઈ તેમની ઑૅફિસમાં બેઠા હતા. એ જ વખતે શાળામાં નિરીક્ષકો આવ્યા. ભાઈના વર્ગમાં નિરીક્ષણ કરવા ગયા. ભાઈ વિદ્યાર્થીઓને એકદમ પદ્ધતિસર ભણાવતા હતા. વિદ્યાર્થીઓ એક ચિત્તે ભાઈને સાંભળતા હતા. નિરીક્ષકો થોડીવાર ત્યાં ઊભા રહ્યા. ભાઈને કહે, 'તમારી ભણાવવાની શૈલી અત્યંત સુંદર છે. અમે ખૂબ જ પ્રભાવિત થયા છીએ.' આમ કહી તેઓ આચાર્યની ઑૅફિસમાં ગયા. ત્યાં પણ ભાઈને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. એક નિરીક્ષક ઝડપથી ભાઈના વર્ગમાં ગયા. જોયું તો ભાઈ એ જ રીતે વર્ગ લેતા હતા. તે એ જ ઝડપે પાછા ઑૅફિસમાં આવ્યા. આશ્ચર્યને લીધે તેનું મોઢું ખુલ્લું રહી ગયું. કાંઈ બોલી શક્યા નહીં. આચાર્ય કહે, ' શું વાત છે? શું થયું?' નિરીક્ષકો આશ્ચર્યથી ભાઈ સામું જોયા કરે. જરા વારે ફક્ત એટલું જ બોલાયું, અશક્ય.... અશક્ય. નિરીક્ષક ખાત્રી કરવા એક વખત પાછા વર્ગમાં ગયા. ત્યાં ભાઈને જોયા. ભાઈ કહે, 'શું વાત છે? કાંઈ કામ છે? કેમ વારંવાર વર્ગમાં આવો છો?' નિરીક્ષક કાંઈ પણ બોલ્યા વગર દોડતા પાછા ઑૅફિસમાં આવ્યા. સાથી નિરીક્ષકને કહે, 'હજુ પણ એમ જ છે.' હવે આચાર્ય અકળાયા કહે, 'ભાઈ, શું વાત છે? ન કહેવું હોય તો કાંઈ નહીં. આવો હું તમારી ઓળખાણ કરાવું. આ અમારી શાળાના શ્રેષ્ઠ શિક્ષક નારાયણભાઈ છે.' નિરીક્ષક કહે, 'તેઓ જ તો આશ્ચર્યજનક છે.' ભાઈ કાંઈ ન જાણતા હોય તેમ પૂછવા લાગ્યા, 'હું આશ્ચર્યજનક છું? આ શું બોલો છો?'
નિરીક્ષકો ભાઈને પગે લાગવા માંડ્યા. ભાઈ જરા દૂર ખસી ગયા કહે, 'આ શું કરો છો?' આચાર્યને હજી કાંઈ સમજ પડતી નહોતી, નિરીક્ષકોને પૂછવા લાગ્યા, 'તમને શું થયું છે. કહો તો ખરા?' નિરીક્ષકો કહે, 'આ તો બહુ મોટા સંત પુરુષ છે. આવો ચમત્કાર અમે અમારી જિંદગીમાં જોયો નથી!' આચાર્ય કહે, 'કેવો ચમત્કાર? તમે શેની વાત કરો છો?' નિરીક્ષક કહે, 'એ જ કે એક વ્યક્તિ એક સમયે બે જગ્યાએ હોય!' આચાર્ય કહે, 'શું વાત કરો છો?' નિરીક્ષક કહે, 'હા. આ સંત પુરુષ અમે આવ્યા ત્યારે વર્ગમાં ભણાવતા હતા. અને અહીં આવ્યા તો અહીં પણ બેઠા છે.' આચાર્ય કહે, 'તમારી ભૂલ થાતી હશે. ભાઈ તો ક્યારના મારી પાસે બેઠા છે. તેમના વર્ગમાં કોઈ બીજા શિક્ષક હશે.' નિરીક્ષક કહે, 'ના રે ના. મેં બે વખત ખાત્રી કરી છે. આ ભાઈ જ બન્ને જગ્યાએ હતા.' ભાઈ અજાણતા થઈ કહેવા લાગ્યા, 'એ તો ભગવાને તમને દેખાડ્યું હશે. મને કાંઈ ખબર નથી.' નિરીક્ષકો કહે, 'અમને એમાં ઊંડી ખબર ન પડે. અમે તો તમને બે સ્વરૂપે જોયા છે. આપ સંત પુરુષ છો. તો જ આ શક્ય બને. અમારા આત્માનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ આપો.' નિરીક્ષકો ભાઈને પગે લાગ્યા. ભાઈએ પણ તેમને આશીર્વાદ આપી રાજી કર્યા. નિરીક્ષકો જીવનના આ અદ્ભુત પ્રસંગને વાગોળતા અને પોતાને ધન્ય માનતા ત્યાંથી વિદાય થયા.
---------
અઘરા શબ્દો
શૈલી = રીત, પદ્ધતિ
→ શ્રીજીમહારાજના અનાદિમુક્ત માટે મહારાજની મરજીથી બે સંકલ્પ સ્વરૂપ કરવા સામાન્ય વાત છે.
→ મોટા પુરુષ બધા જ ઐશ્વર્ય ચમત્કારનો યશ પરમાત્માને જ આપે છે.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) બી.એસસી.ના છેલ્લા વર્ષમાં ભાઈને એડ્મિશન શા માટે ન મળ્યું?
(૨) ભાઈએ ક્યા ગામમાં અને શેની નોકરી સ્વીકારી?
(૩) નિરીક્ષકોને શા માટે આશ્ચર્ય થયું?
(૪) બે સ્વરૂપો વિશે ભાઈએ શું ખુલાસો આપ્યો?
(૫) નિરીક્ષકોએ ભાઈ પાસે ક્યા આશીર્વાદ માંગ્યા?
ખાલી જગ્યા પૂરો.
(૧) તમારી ભણાવવાની ---------- અત્યંત સુંદર છે.
(૨) આ અમારી શાળાના ---------- શિક્ષક છે.
(૩) આ તો બહુ મોટા ---------- છે.
(૪) અમારા ---------- નું કલ્યાણ થાય તેવા ---------- આપો.