૧૫ માતાની સેવા

નારાયણ દસમાં ધોરણમાં પ્રથમ શ્રેણીમાં પાસ થયા. મિત્રોએ પૂછ્યું, 'નારાયણ, વઢવાણમાં મૅટ્રિક છે નહીં. તમે શું કરશો?' નારાયણ કહે, 'હું મારી માતા સાથે ધ્રાંગધ્રા ભણવા જઈશ.' નારાયણ ધ્રાંગધ્રા આવી ગયા, પરંતુ થોડા વખતમાં માતા શાકુબા બહુ જ માંદા થઈ ગયા. મા કહે, 'નારાયણ, શાળામાં એડ્મિશન લઈ લો, નહીં તો પછી વરસ બગડશે.' નારાયણ કહે, 'મા, આ વર્ષે હું એડ્મિશન નથી લેવાનો.' નારાયણને ખબર પડી ગઈ હતી કે, માતાનો આ અંતિમ મંદવાડ છે. માતા કહે, 'કેમ બેટા?' નારાયણ કહે, 'મા તમે માંદા છો, સાજા થશો પછી એડ્મિશન લઈશ.' શાકુબા કહે, 'હું તો ક્યારેય સાજી થાઉં! પછી તમારું વરસ બગડશે.'

નારાયણ કહે, 'મા-બાપની સેવા આગળ ભણવાનું કાંઈ ગણતરીમાં નથી. વર્ષ બગડશે તો આવતા વર્ષે ભણાશે. માતા-પિતાની સેવા કરવી એ તો ફરજ છે. માંદાની સેવા કરવાથી મહારાજ બહુ રાજી થાય. અને તમારા જેવા પવિત્ર માની સેવા તો મોટા ભાગ્યની વાત કહેવાય!' શાકુબા કહે, 'બેટા, તમારા જેવા મુક્ત પાસે સેવા કરાવવાનું મને ન ગમે. બાપાશ્રીના વચનો મને બરાબર યાદ છે તમે તો જીવોના કલ્યાણ કરવા પધાર્યા છો અને મારી સેવા કરો છો.' નારાયણ કહે, 'તમે તો આખી જિંદગી પવિત્રપણે રહ્યા છો, ભગવાન ભજ્યા છે, નિર્મળ જીવન જીવ્યું છે. તમારી સેવાથી ભગવાન અતિ રાજી થાય.'

શાકુબા કહે, 'નારાયણ, તમે તો મારી ખૂબ સેવા કરો છો. તમારા જેવી સેવા કરતા તો કોઈને ન આવડે. મારા ધન્ય ભાગ્ય કે ભગવાને મને તમારા જેવો પુત્ર આપ્યો.' બોલતા-બોલતા શાકુબા થાકી ગયા. નારાયણ કહે, 'મા, તમે આરામ કરો.' શાકુબા કહે, 'બેટા, મને મહારાજની વાતો કરોને.' નારાયણે શાકુબાને મહારાજના મહિમાની ખૂબ વાતો કરી. શાકુબાનું મન એકદમ શાંત થઈ ગયું. તેઓ મહારાજના સુખે-સુખિયા થઈ ગયા.

---------

→ મુક્તરાજ શીખવે છે કે, માતા-પિતાની સેવા ખંતપૂર્વક પવિત્ર ફરજ સમજી કરવી.

→ સેવા કરવામાં બીજી પ્રવૃત્તિને ગૌણ કરવી.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) નારાયણે વઢવાણ શા માટે છોડ્યું?

(૨) નારાયણે મૅટ્રિકમાં એડમિશન શા માટે ન લીધું?

વાક્ય પૂર્તિ કરો.

(૧) મા-બાપની સેવા આગળ ......... મહારાજ રાજી થાય.

(૨) તમારા જેવી સેવા .......... તમારા જેવો પુત્ર આપ્યો.