આજ મારે ઓરડે રે

રાગ : ગરબી
પદ—૧
આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;
બાઈ મેં બોલાવિયા રે, સુંદર છોગાંવાળો છેલ.      ૧
નીરખ્યા નેણા ભરી રે, હરિવર સુંદર શ્રી ઘનશ્યામ;
શોભા શી કહું રે, નીરખી લાજે કોટિક કામ.      ૨
ગૂંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર;
લઈને વારણા રે, ચરણે લાગી વારંવાર.      ૩
આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકળિયો કરી પ્યાર;
પૂછ્યા પ્રીતશું રે, બાઈ મેં સર્વે સમાચાર.      ૪
કહોને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મકુમાર;
સુંદર શોભતા રે, અંગે સજિયા છે શણગાર.      ૫
પહેરી પ્રીતશું રે, સુરંગી સૂંથણલી સુખદેણ;
નાડી હીરની રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ.      ૬
ઉપર ઓઢિયો રે, ગૂઢો રેંટો જોયા લાગ્ય;
સજની તે સમે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેનાં ભાગ્ય.      ૭
મસ્તક ઉપરે રે, બાંધ્યું મોળીડું અમૂલ્ય;
કોટિક રવિશશી રે, તે તો ના'વે તેની તુલ્ય.      ૮
રેશમી કોરનો રે, કરમાં સા'યો છે રૂમાલ;
પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ.      ૯

પદ—૨
સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ;
મૂરતિ સંભારતાં રે, મુજને ઊપજ્યો અતિ સ્નેહ.      ૧
પહેર્યાં તે સમે રે, હરિએ અંગે અલંકાર;
જેવા મેં નીરખ્યા રે, તેવા વર્ણવું કરીને પ્યાર.      ૨
બરાસ કપૂરના રે, પહેર્યા હૈડે સુંદર હાર;
તોરા પાઘમાં રે, તે પર મધુકર કરે ગુંજાર.      ૩
બાજુ બેરખા રે, બાંયે કપૂરનાં શોભિત;
કડાં કપૂરનાં રે, જોતાં ચોરે સહુનાં ચિત્ત.      ૪
સર્વે અંગમાં રે, ઊઠે અત્તરની બહુ ફોર;
ચોરે ચિત્તને રે, હસતાં કમલનયનની કોર.      ૫
હસતા હેતમાં રે, સૌને દેતા સુખ આનંદ;
રસરૂપ મૂરતિ રે, શ્રીહરિ કેવળ કરુણાકંદ.      ૬
અદભુત ઉપમા રે, કહેતાં શેષ ન પામે પાર;
ધરીને મૂરતિ રે, જાણે આવ્યો રસ-શૃંગાર.      ૭
વા'લપ વેણમાં રે, નેણાં કરુણામાં ભરપૂર;
અંગોઅંગમાં રે, જાણે ઊગિયા અગણિત સૂર.      ૮
કરતા વાતડી રે, બોલી અમૃત સરખાં વેણ;
પ્રેમાનંદનાં રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ.      ૯

પદ—૩
બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન;
મારે એક વારતા રે, સૌને સંભળાવ્યાનું છે મન.      ૧
મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;
સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત.      ૨
મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;
સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ.      ૩
અતિ તેજોમય રે, રવિશશી કોટિક વારણે જાય;
શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય.      ૪
તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;
દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર.      ૫
જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન.      ૬
અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય.      ૭
એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નરનારી;
મેં તો તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી.      ૮
હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દેહ;
પ્રેમાનંદનો રે, વ્હાલો વરસ્યા અમૃત મેહ.      ૯

પદ—૪
વળી સહુ સાંભળો રે, મારી વાર્તા પરમ અનુપ;
પરમ સિદ્ધાંત છે રે, સૌને હિતકારી સુખરૂપ.      ૧
સૌ હરિભક્તને રે, જાવું હોય મારે ધામ;
તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ.      ૨
સહુ હરિભક્તને રે, રહેવું હોય મારે પાસ;
તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ.      ૩
મુજ વિના જાણજો રે, બીજા માયિક સહુ આકાર;
પ્રીતિ તોડજો રે, જૂઠાં જાણી કુટુંબ-પરિવાર.      ૪
સૌ તમે પાળજો રે, સર્વે દ્રઢ કરી મારાં નેમ;
તમ પર રીઝશે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ.      ૫
સંત હરિભક્તને રે, દીધો શિક્ષાનો ઉપદેશ;
લટકાં હાથનાં રે, કરતા શોભે હરિવરવેશ.      ૬
નિજ જન ઉપરે રે, અમૃત વરસે આનંદકંદ;
જેમ સહુ ઔષધિ રે, પ્રીતે પોષે પૂરણચંદ.      ૭
શોભે સંતમાં રે, જેમ કાંઈ ઉડુગણમાં ઉડુરાજ;
ઈશ્વર ઉદય થયા રે, કળિમાં કરવા જનનાં કાજ.      ૮
એ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર;
પ્રેમાનંદનો રે, સ્વામી લેશે તેની સાર.      ૯