થાળ

રાગ : ગરબી જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કરચરણ કરો ત્યારી; જમો થાળ જીવન જાઉં વારી.      ટેક. બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી; જળે ભર્યા ચંબુ ચોખાળી.      જમો. કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી; કાઢ્યો રસ કેરીનો ઘોળી.      જમો. ગળ્યા સાટા ઘેબર ફૂલવડી, દૂધપાક માલપુવા કઢી; પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી.      જમો. અથાણાં શાક સુંદર ભાજી, લાવી છું તરત કરી તાજી; દહીં ભાત સાકર છે ઝાઝી.      જમો. ચળુ કરો લાવું હું જળઝારી, એલચી લવિંગ સોપારી; પાનબીડી બનાવી સારી.      જમો. મુખવાસ મનગમતા લઈને, પ્રસાદી થાળ તણી દઈને; બેસો સિંહાસને રાજી થઈને.      જમો. કમરે કસીને ફેંટો, રાજેશ્વર ઓઢીને રેંટો; ભૂમાનંદના વ્હાલા ભેટો.      જમો.

રાગ : ગરબી જમોને જમાડું રે જીવન મારા, હરિ રંગમાં રમાડું રે જીવન મારા.      ૧ વાલાજી મારા સોનાનો થાળ મંગાવું, મોતીડે વધાવું રે જીવન મારા.      ૨ વાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ, જમોને થાય ટાઢું રે જીવન મારા.      ૩ વાલાજી મારા ગૌરીનાં ઘૃત મંગાવું, માંહી સાકર નંખાવું રે જીવન મારા.      ૪ વાલાજી મારા દૂધ કઢેલાં ભલી ભાતે, જમોને આવી ખાંતે રે જીવન મારા.      ૫ વાલાજી મારા પાપડ પતાસાં ને પોળી, જમોને ગળી મોળી રે જીવન મારા.      ૬ વાલાજી મારા તુવેરની દાળ ચડી ભારે, વિશેષે વઘારી રે જીવન મારા.      ૭ વાલાજી મારા કઢી કરી છે બહુ સારી, જમોને સુખકારી રે જીવન મારા.      ૮ વાલાજી મારા આદા કેરીનાં અથાણાં, છે વાલ ને વટાણા રે જીવન મારા.      ૯ વાલાજી મારા જે જે જોઈએ તે માગી લેજો, ખારું ને મોળું કહેજો રે જીવન મારા.      ૧૦ વાલાજી મારા જળ રે ઘેલાની ભરી ઝારી, ઊભા છે બ્રહ્મચારી રે જીવન મારા.      ૧૧ વાલાજી મારા લવિંગ સોપારી તજ તાજાં, જમોને લાવું ઝાઝાં રે જીવન મારા.      ૧૨ વાલાજી મારા પ્રેમાનંદના સ્વામી, છો અંતરજામી રે જીવન મારા.      ૧૩

રાગ : ગરબી મારે ઘેર આવજો છોગલાંધારી, મારે ઘેર આવજો છોગલાંધારી; લાડુ જલેબી ને સેવ સુંવાળી, હું તો ભાવે કરી લાવી છું ભારી.      મારે. સુરણ પૂરણ ને ભાજી કારેલાં, પાપડ વડી વઘારી; વંતાક વાલોળનાં શાક કર્યાં, મેં તો ચોળાફળી છમકારી.      મારે. કાજુ કમોદના ભાત કર્યા, મેં તો દાળ કરી બહુ સારી; લીંબુ કાકડીનાં લેજો અથાણાં, કઢી કરી છે કાઠિયાવાડી.      મારે. લવિંગ સોપારી ને પાનબીડી વાળી, તજ એલચી જાવંત્રી સારી; નિશદિન આવો તો ભાવે કરી ભેટું, એમ માગે જેરામ બ્રહ્મચારી.      મારે.