ગોડી
રાગ : પૂરવ પદ—૧ સંત સમાગમ કીજે હો, નિશદિન સંત સમાગમ કીજે. ટેક. માન તજી સંતનકે મુખસે, પ્રેમ સુધારસ પીજે હો. નિશદિન. અંતર કપટ મેટકે અપનો, લે ઉનકું મન દીજે હો. નિશદિન. ભવદુઃખ ટળે બળે સબ દુષ્કૃત, સબવિધિ કારજ સીજે હો. નિશદિન. બ્રહ્માનંદ કહે સંતકી સોબત, જન્મ સુફલ કરી લીજે હો. નિશદિન.
પદ—૨ સંત પરમ હિતકારી, જગતમાંહી સંત પરમ હિતકારી. ટેક. પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. જગત. પરમ કૃપાલુ સકલ જીવન પર, હરિસમ સબ દુઃખહારી. જગત. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગતસે ન્યારી. જગત. બ્રહ્માનંદ કહે સંતકી સોબત, મિલત હે શ્રીજી સુખકારી. જગત.
પદ—૩ હરિ ભજતાં સુખ હોય, સમજ મન હરિ ભજતાં સુખ હોય. ટેક. હરિ સમરન બીન મૂઢ અજ્ઞાની, ઉંમર દીની ખોય. સમજ. માતપિતા જુવતી સુત બાંધવ, સંગે ચલત નહિ કોય. સમજ. ક્યું અપને શિર લેત બુરાઈ, રહેના હે દિન દોય. સમજ. બ્રહ્માનંદ કહે હરિને ભજી લે, હિતકી કહત હું તોય. સમજ.
પદ--૪ યુંહિ જન્મ ગુમાત, ભજન બીન યુંહિ જન્મ ગુમાત. ભજન. સમજ સમજ નર મૂઢ અજ્ઞાની, કાળ નિકટ ચલી આત. ભજન. ભયોરી બેહાલ ફીરત હે નિશદિન, ગુન વિષયનકે ગાત. ભજન. પરમારથકો રાહ ન પ્રીછત, પાપ કરત દિનરાત. ભજન. બ્રહ્માનંદ કહે તેરી મૂરખ, આયુષ વૃથાહી જાત. ભજન.
રાગ : ગોડી ફૂલના પે'રી રે, જામા ફૂલના પે'રી; ફૂલ્યો રસિક સુજાણ, જામા ફૂલના પે'રી. ટેક. ફૂલનો મુગટ કુંડળ, ફૂલનાં છે કાન; ઓઢી ઉપરણી ફૂલોની શોભે, વા'લો ભીને વાન. ફૂલ. સુગંધી ફૂલોના શોભે, હૈડે સુંદર હાર; માથે ફૂલના તોરા, અંગે તેજનો અંબાર. ફૂલ. ફૂલડાના ગજરા બાજુ, ફૂલની છડી; કરે ઇન્દ્ર ઉપરથી પ્રેમે, ફૂલની ઝડી. ફૂલ. ફૂલડાનાં ઝાંઝર ચરણે, પે'રી શ્રી ઘનશ્યામ; મુક્તાનંદને વાલે કીધું, ઘેલું ગઢડું ગામ. ફૂલ.
રાગ : ગોડી પદ—૧ પ્રગટ પ્રમાણ હરિને ભજ મન, પ્રગટ પ્રમાણ હરિને; કામ ક્રોધ મદ લોભ તજીને, દ્રઢ ઉર ટેક ધરીને. ભજ. ગર્ભવાસનું સંકટ પ્રાણી, જાઈશમા વીસરીને; કુબુદ્ધિ કૂડ કપટ પરહરજે, ભરજે પાવ ડરીને. ભજ. માલ મલક સરવે મેલીને, જાવું જરૂર મરીને; જાઈશમા જમરાને આગે, ઝાઝો ભાર ભરીને. ભજ. ભવદુઃખ ટળે મીટે સરવે ભ્રમણા, સંતનો સંગ કરીને; બ્રહ્માનંદ કહે આવો અવસર, નહિ પામીશ ફરીને. ભજ.
પદ—૨ નારાયણ સુખકારી, ભજી લેને નારાયણ સુખકારી; સાધુ જનની માન શિખામણ, વિષય-વિકાર વિસારી. ભજી. માત પિતા સુત બાંધવ મેડી, નહિ તારાં સુત નારી; જમને દ્વારે એકીલા જાવું, કરજે કર્મ વિચારી. ભજી. રાજા રંક ગુણીજન પંડિત, ખેડુ ને વેપારી; સગાં કુટુંબી સહિત સૌને, લઈ જાવે જમ મારી. ભજી. ભરત ખંડમાં દેહ મનુષ્યનો, મળે નહિ વારંવારી; બ્રહ્માનંદ કહે થાને સુખિયો, સંતવચન ઉર ધારી. ભજી.
પદ—૩ અલખપુરુષ અવિનાશી, ભજી લેને અલખપુરુષ અવિનાશી; કર્મ કટે તારાં અનંત જનમનાં, ફંદ મિટે ચોર્યાશી. ભજી. સગાં કુટુંબી સુત ને નારી, માતા મામો ને માસી; અંતે ભેળું કોઈ નહિ આવે, અંતર દેખ તપાસી. ભજી. ઘરમાં બેઠો ગાળો બોલે, દેખી તીરથવાસી; પરધન હરે કરે નિત્ય કુબુદ્ધિ, પરનારીની હાંસી. ભજી. મારું મારું કરતો મૂરખ, મેલી ધન મરી જાશી; બ્રહ્માનંદ કહે હજી સમરી લે, રસિક નાથ ભજી.
પદ—૪ પ્રગટ હરિ ભજ પ્રાણી, સમજીને પ્રગટ હરિ ભજ પ્રાણી; પાપ દ્રોહ પરિત્યાગ કરીને, દયા ધરમ ઉર આણી. સમજી. પરધન પરપ્રિયા મદ્ય માટી, નરક તણી નિશાણી; તે પાપે કરી અવશ્ય પીલશે, ઘાલી જમરા ઘાણી. સમજી. સમજ્યા વિના ન બોલીશ કે'દી, મુખથી મિથ્યા વાણી; મમતા કેરો માથે મૂરખ, ભાર મ લેજે તાણી. સમજી. એળે દેહ અમૂલખ ખોયો, કીધી ધૂળ કમાણી; બ્રહ્માનંદ કહે તત્પર થઈ ભજ, જગપતિ સાચા જાણી. સમજી.
રાગ : ગોડી પદ—૧ હિતકારી હરિ રે, સખી હિતકારી હરિ; છપૈયામાં પ્રીતે પ્રકટ્યા, હિતકારી હરિ. ટેક. અક્ષરવાસી અલબેલોજી, કરુણા કરી; ધર્મને ભક્તિ થકી, દુર્લભ દેહ ધરી. હિતકારી. બાળ સ્વરૂપ બનાવ્યું, વ્હાલે સૌને અનુસરી; શ્રીહરિજીનું મુખડું જોતાં, નેણાં રે ઠરી. હિતકારી. ભવ બ્રહ્માદિક જેવા જેને, ભજે પ્રેમ ભરી; કાળ કઠોર કહાવે તે તો, ભાગે દૂર ડરી. હિતકારી. આશ્રિત જનના ટાળે વાલો, અંતરના અરી; દયાનંદ કહે નિર્ભય થાવું, એ વાલો વરી. હિતકારી.
પદ—૨ લટકાળો લહેરી રે સખી, લટકાળો લહેરી; છપૈયામાં રમે છેલો, લટકાળો લહેરી. ટેક. અનુપમ અંગી પ્યારે, પ્રીતશું પહેરી; જીવનજીને જોવા ઊભા, જન ઘણા ઘેરી. લટકાળો. મરમાળાની છબી સૌના, મનમાં ઠેરી; વ્હાલ વધારી બોલે વ્હાલો, વાણી મુખ કેરી. લટકાળો. પ્રાણપતિને કાજે, આવે કફની પહેરી; શિવજી સરખા હૈયે હરખે, નાથને હેરી. લટકાળો. છબી અલૌકિક અંતર ધારો, છોગાળા કેરી; દયાનંદ કહે આવો, અવસર નહિ આવે ફેરી. લટકાળો.
પદ—૩ જીવનજી જોવા રે સખી, જીવનજી જોવા; છપૈયામાં ચૂંપે ચાલો, જીવનજી જોવા. ટેક. પ્રેમવતી સુત પાતળિયાને, ચિત્તમાં પ્રોવા; ઘનશ્યામજી સંગાથે રહીએ, મનના મળ ધોવા. જીવનજી. નૌતમ મૂર્તિ હરિવરજીની, નેણામાં ઠોવા; ખોટો ખેલ સંસારી કેરો, ખાંતે શું ખોવા. જીવનજી. શ્રી ઘનશ્યામ સલુણાજીને, હેત તણો હેવા; દર્શન કારણ દોડી આવે, સનકાદિક જેવા. જીવનજી. બાળચરિત્ર કરે શ્રીહરિજી, મનડાંને મોવા; દયાનંદ કહે હેતે જાઈએ, હરિને જોવા. જીવનજી.
પદ—૪ મનડે ભાવી રે, સખી મનડે ભાવી; સહજાનંદ સલુણી છબી, મનડે ભાવી. ટેક. પશ્ચિમ દેશ પધાર્યા પ્યારો, દયા દિલ લાવી; અનંતજન ઓધાર્યા વ્હાલે, પાપ નશાવી. મનડે. મુક્તિ કેરો મારગ મોટો, ચલાવ્યો આવી; શરણાગતને સુખિયા કીધા, અમૃતરસ પાવી. મનડે. હરિજન હરખે સુંદર વસ્ત્ર, પ્રેમે પહેરાવી; પાઘ મનોહર મસ્તક ધારી, તોરા લટકાવી. મનડે. વેદમગન થઈ હરિ મૂર્તિનો, મહિમા ગાવી; દયાનંદ કહે એ મૂર્તિ, મેં જીવમાં ઠેરાવી. મનડે.