નિવેદન
"ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કઠણ કોઈ સાધન નથી ને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી."
- ભગવાન શ્રી સ્વામિનારાયણ
દરેક ક્રિયામાં શ્રીજીમહારાજની મૂર્તિનું અનુસંધાન રાખવું."
- પ. પૂ. બાપાશ્રી
ઉપરોક્ત ઉક્તિઓ સાર્થક કરવા માટે આપણી સવારથી સાંજ સુધીની રોજીંદી ક્રિયાઓમાં શ્રીજીમહારાજનું સ્મરણ સતત રહેવું અત્યંત જરૂરી છે. તેમ કરવામાં આ 'નિત્ય નિયમાવલી'નું શ્રવણ-મનન અત્યંત ઉપયોગી નીવડે તેવું છે. શ્રીજીમહારાજના પ્રાતઃકાળના નિત્યક્રમથી લઈને રાત્રે શયન સુધીની દરેક ક્રિયા, લીલા-ચરિત્રો તથા તેમના દિવ્ય સ્વરૂપના વર્ણનના સમર્થ નંદ સંતોએ રચેલાં પદોનું સમય સમય પ્રમાણે રટણ કરવાથી આપણા નિત્યક્રમમાં શ્રીજીમહારાજની સ્મૃતિ તાણાવાણાની જેમ વણાઈ જાય છે. આશા છે કે સર્વે સત્સંગીબંધુઓ આ પુસ્તકનો અવશ્ય લાભ લેશે.
આ ગ્રંથ પ્રકાશનના કાર્યમાં વ્યાકરણશુદ્ધિ, પ્રૂફ સુધારણા, સુંદર મુદ્રણકાર્ય, બાઈન્ડિંગ આદિ છપાઈકામમાં કાળજી રાખી, જહેમત ઉઠાવી સેવારૂપ થનાર સર્વે પર શ્રીજીમહારાજ ને તેમના અનાદિ મહામુક્તોની પ્રસન્નતા સદાય વરસતી રહે એ જ પ્રાર્થના.
સં. ૨૦૬૬, ફાગણ સુદ બીજ
ઈ.સ. ૨૦૧૦, ૧૬ ફેબ્રુઆરી
પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન