પ્રભાતિયાં
રાગ : કેદારો ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાસે; કોટિ રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિષે નાથ ભાસે. ધ્યાન. શિર પર પુષ્પનો મુગટ સોહામણો, શ્રવણ પર પુષ્પનાં ગુચ્છ શોભે; પુષ્પના હારની પંક્તિ શોભે ગળે, નીરખતાં ભક્તનાં મન લોભે. ધ્યાન. પંચરંગી પુષ્પનાં કંકણ કર વિષે, બાંયે બાજુબંધ પુષ્પ કેરા; ચરણમાં નાથને નૂપુર પુષ્પનાં, લલિત ત્રિભંગી શોભે ઘણેરા. ધ્યાન. અંગોઅંગ પુષ્પના આભરણ પહેરીને, દાસ પર મહેરની દ્રષ્ટિ કરતા; કહે છે મુક્તાનંદ ભજ દ્રઢ ભાવશું, સુખ તણા સિંધુ સર્વે કષ્ટ હરતા. ધ્યાન. પ્રેમાનંદની જોયેલ આંખડીનાં.
રાગ : કેદારો પદ--૧ કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું, સર્વે પે'લાં ઊઠી પ્રાતઃકાળે; નીરખીએ રૂપ નખશિખ મહારાજનું, વાસના અશુભ તત્કાળ ટાળે. કીજીએ. સંત હરિભક્ત સૌ ઊંઘ આળસ ત્યજી, ચિંતવીએ ચરણ અતિ પ્રીત આણી; નીરખીએ નખમણિ સીમા શોભા તણી, દુર્લભ દેવને એમ જાણી. કીજીએ. જમણા તે ચરણના અંગૂઠા ઉપરે, નખમાંહી ચિહ્ન તે જોઈ રહેવું; ચિહ્ન ઉપર રક્ત રેખા અતિ શોભતી, મન તેમાં લઈ પ્રોઈ દેવું. કીજીએ. અંગૂઠા આંગળિયો ઉપર કેશ છે, સૂક્ષ્મ ચિહ્ન છે ચાખડીના; અંગૂઠા પાસની આંગળીએ તિલ છે, પ્રેમાનંદની જોયેલ આંખડીનાં. કીજીએ.
પદ--૨ મંગલમૂળ મહારાજનાં ચરણ છે, ચિંતવતાં ચિત્તમાં શાંતિ થાયે; કામ ને ક્રોધ મદ લોભ વ્યાપે નહિ, ઉર થકી સર્વ અજ્ઞાન જાયે. મંગલમૂળ. જુગલ પદતળ વિષે ષોડશ ચિહ્ન છે, નામ તેનાં હવે કહું વિચારી; સ્વસ્તિક જવ જાંબુ ધ્વજ અંકુશ અંબુજ, અષ્ટકોણ વજ્ર ઊર્ધ્વરેખા પ્યારી. મંગલમૂળ. નવ ચિહ્ન ધારવાં જમણા તે ચરણમાં, વામ પદમાં બીજાં સાત શોભે; મીન ત્રિકોણ ને વ્યોમ ગોપદ કળશ, અર્ધચંદ્ર ધનુષ્ય ચિત્ત લોભે. મંગલમૂળ. જમણા તે ચરણની આંગળી છેલ્લીએ, તિલ એક અનુપમ આનંદકારી; પાનિયું સુંદર ઘૂંટી પિંડી પર, પ્રેમાનંદ તન મન જાય વારી. મંગલમૂળ.
રાગ : ભૈરવ સ્વામિનારાયણનું સ્મરણ કરતાં, અગમ વાત ઓળખાણી રે; નિગમ નિરંતર નેતિ કહી ગાવે, પ્રગટને પ્રમાણી રે. ૧ મંગલરૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે જે પ્રાણી રે; તપ તીરથ કરે દેવ દેરાં, મન ન ટળે મસાણી રે. ૨ કથા ને કીર્તન કહેતાં ફરે છે, કર્મતણી જેમ કહાણી રે; શ્રોતા ને વક્તા બેઉ સમજ્યા વિનાના, પેટને અર્થે પુરાણી રે. ૩ કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની જુગતિ ન જાણી રે; ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં, ગોધો જોડાણો જેમ ઘાણી રે. ૪ પીધા વિના પ્યાસ ન ભાંગે, મર પંડ ઉપર ઢોળે પાણી રે; મુક્તાનંદ શ્રીહરિ સંગ મળતાં, મોજ અમૂલખ માણી રે. ૫
રાગ : ભૈરવ પ્રાત: સમે શ્રી સહજાનંદની, મૂર્તિ મનમાં ધારું રે; નખશિખ નીરખી રૂપ અનુપમ, અંતરમાં ઉતારું રે. પ્રાતઃ. રૂપાળા બહુ રાજીવ લોચન, આવી વસ્યા મન મોરે રે; પુષ્ટ તરુણ તન ભીને વાને, હંસગતિ ચિત્ત ચોરે રે. પ્રાતઃ. અંગોઅંગ અનુપમ ઝીણાં, શ્વેત વસ્ત્ર બહુ શોભે રે; પુષ્પતણાં આભૂષણ જોઈ, ભક્તતણાં મન લોભે રે. પ્રાતઃ. મેઘ સરીખે રે ઘેરે સાદે, બોલતા બહુનામી રે; ભક્ત મનોરથ પૂરણ કરતા, પ્રેમાનંદના સ્વામી રે. પ્રાતઃ.