શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા
રાગ : ગરબી
પદ--૧
પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું;
નૌતમ લીલા રે, નારાયણની ગાવું. ૧
મોટા મુનિવર રે, એકાગ્ર કરી મનને;
જેને કાજે રે, સેવે જાઈ વનને. ૨
આસન સાધી રે, ધ્યાન ધરીને ધારે;
જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભારે. ૩
સહજ સ્વાભાવિક રે, પ્રકૃતિ પુરુષોત્તમની;
સુણતાં સજની રે, બીક મટાડે જમની. ૪
ગાવું હેતે રે, હરિનાં ચરિત્ર સંભારી;
પાવન કરજો રે, પ્રભુજી બુદ્ધિ મારી. ૫
સહજ સ્વભાવે રે, બેઠા હોય હરિ જ્યારે;
તુલસીની માળા રે, કર લઈ ફેરવે ત્યારે. ૬
રમૂજ કરતાં રે, રાજીવનેણ રૂપાળાં;
કોઈ હરિજનની રે, માગી લઈને માળા. ૭
બેવડી રાખી રે, બબ્બે મણકા જોડે;
ફેરવે તાણી રે, કંઈક માળા તોડે. ૮
વાતો કરે રે, રમૂજ કરીને હસતા;
ભેળી કરી રે, માળા કરમાં ઘસતા. ૯
ક્યારેક મીંચી રે, નેત્રકમળને સ્વામી;
પ્રેમાનંદ કહે રે, ધ્યાન ધરે બહુનામી. ૧૦
પદ—૨
સાંભળ સૈયર રે, લીલા શ્રીહરિવરની;
સુણતાં સુખડું રે, આપે સુખસાગરની. ૧
નેત્રકમળને રે, રાખી ઉઘાડાં ક્યારે;
ધ્યાન ધરીને રે, બેસે જીવન બારે. ૨
ક્યારેક ચમકી રે, ધ્યાન કરતાં જાગે;
જોતાં જીવન રે, જન્મમરણ દુઃખ ભાગે. ૩
પોતા આગળ રે, સભા ભરાઈ બેસે;
સંત હરિજન રે, સામું જોઈ રહે છે. ૪
ધ્યાન ધરીને રે, બેઠા હોય હરિ પોતે;
સંત હરિજન રે, તૃપ્ત ન થાયે જોતે. ૫
સાધુ કીર્તન રે, ગાય વજાડી વાજાં;
તેમને જોઈ રે, મગન થાય મહારાજા. ૬
તેમની ભેળા રે, ચપટી વગાડી ગાય;
સંત હરિજન રે, નીરખી રાજી થાય. ૭
ક્યારેક સાધુ રે, તાળી વજાડી ગાય;
ભેળા ગાય રે, તાળી દઈ સુખદાય. ૮
આગળ સાધુ રે, કીર્તન ગાય જ્યારે;
પોતા આગળ રે, કથા વંચાય ત્યારે. ૯
પોતે વાર્તા રે, કરતા હોય બહુનામી;
ખસતા આવે રે, પ્રેમાનંદના સ્વામી. ૧૦
પદ—૩
મનુષ્યલીલા રે, કરતા મંગળકારી;
ભક્તસભામાં રે, બેઠા ભવભયહારી. ૧
જેને જોતાં રે, જાયે જગ આસક્તિ;
જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત જે ભક્તિ. ૨
તે સંબંધી રે, વાર્તા કરતા ભારી;
હરિ સમજાવે રે, નિજજનને સુખકારી. ૩
યોગ ને સાંખ્ય રે, પંચરાત્ર વેદાંત;
એ શાસ્ત્રનો રે, રહસ્ય કહે કરી ખાંત. ૪
જ્યારે હરિજન રે, દેશદેશના આવે;
ઉત્સવ ઉપર રે, પૂજા બહુવિધ લાવે. ૫
જાણી પોતાના રે, સેવકજન અવિનાશી;
તેમની પૂજા રે, ગ્રહણ કરે સુખરાશિ. ૬
ભક્ત પોતાના રે, તેને નાથ સુજાણ;
ધ્યાન કરાવી રે, ખેંચે નાડી પ્રાણ. ૭
ધ્યાનમાંથી રે, ઉઠાડે નિજજનને;
દેહમાં લાવે રે, પ્રાણ ઇંદ્રીય મનને. ૮
સંતસભામાં રે, બેઠા હોય અવિનાશ;
કોઈ હરિજનને રે, તેડવો હોય પાસ. ૯
પહેલી આંગળી રે, નેત્ર તણી કરી સાન;
પ્રેમાનંદ કહે રે, સાદ કરે ભગવાન. ૧૦
પદ—૪
શ્રીહરિજીની રે, લીલા અતિ સુખકારી;
આનંદ આપે રે, સુણતાં ન્યારી ન્યારી. ૧
ક્યારેક વાતો રે, કરે મુનિવર સાથે;
ગુચ્છ ગુલાબનાં રે, ચોળે છે બે હાથે. ૨
શીતળ જાણી રે, લીંબુ હાર ગુલાબી;
તેને રાખે રે, આંખ્યો ઉપર દાબી. ૩
ક્યારેક પોતે રે, રાજીપામાં હોયે;
વાતો કરે રે, કથા વંચાયે તોયે. ૪
સાંભળે કીર્તન રે, પોતે કાંઈક વિચારે;
પૂછવા આવે રે, જમવાનું કોઈ ત્યારે. ૫
હાર ચઢાવે રે, પૂજા કરવા આવે;
તેના ઉપર રે, બહુ ખીજી રીસાવે. ૬
કથા સાંભળતાં રે, 'હરે' 'હરે' કરી બોલે;
મર્મ કથાનો રે, સુણી મગન થઈ ડોલે. ૭
ભાન કથામાં રે, બીજી ક્રિયા માંહ્ય;
ક્યારેક અચાનક રે, જમતાં 'હરે' બોલાય. ૮
થાય સ્મૃતિ રે, પોતાને જ્યારે તેની;
થોડુંક હસે રે, ભક્ત સામું જોઈ બેની. ૯
એમ હરિ નિત્ય નિત્ય રે, આનંદરસ વરસાવે;
એ લીલારસ રે, જોઈ પ્રેમાનંદ ગાવે. ૧૦
પદ—૫
સાંભળ સજની રે, દિવ્ય સ્વરૂપ સુખકારી;
કરે ચરિત્ર રે, મનુષ્ય વિગ્રહ ધારી. ૧
થયા મનોહર રે, શ્રીહરિ મનુષ્ય જેવા;
રૂપ અનુપમ રે, નિજજનને સુખ દેવા. ૨
ક્યારેક ઢોલિયે રે, બેસે શ્રી ઘનશ્યામ;
ક્યારેક બેસે રે, ચાકળે પૂરણકામ. ૩
ક્યારેક ગોદડું રે, ઓછાડે સહિતે;
પાથર્યું હોય રે, તે પર બેસે પ્રીતે. ૪
ક્યારેક ઢોલિયા રે, ઉપર તકિયો ભાળી;
તે પર બેસે રે, નાથ પલાંઠી વાળી. ૫
ઘણુંક બેસે રે, તકિયે ઓઠીંગણ દઈને;
ક્યારેક ગોઠણ રે, બાંધે ખેસ લઈને. ૬
ક્યારેક રાજી રે, થાય અતિશે આલી;
સંત હરિજનને રે, ભેટે બાથમાં ઘાલી. ૭
ક્યારેક માથે રે, લઈ મેલે બે હાથ;
છાતી માંહે રે, ચરણકમળ દે નાથ. ૮
ક્યારેક આપે રે, હાર તોરા સુખકારી;
ક્યારેક આપે રે, અંગનાં વસ્ત્ર ઉતારી. ૯
ક્યારેક આપે રે, પ્રસાદીના થાળ;
પ્રેમાનંદ કહે રે, ભક્તતણા પ્રતિપાળ. ૧૦
પદ—૬
એવાં કરે રે, ચરિત્ર પાવનકારી;
શુકજી સરખા રે, ગાવે નિત્ય સંભારી. ૧
ક્યારેક જીભને રે, દાંત તળે દબાવે;
ડાબે જમણે રે, પડખે સહજ સ્વભાવે. ૨
છીંક જ્યારે આવે રે, ત્યારે રૂમાલ લઈને;
છીંક ખાયે રે, મુખ પર આડો દઈને. ૩
રમૂજ આણી રે, હસે અતિ ઘનશ્યામ;
મુખ પર આડો રે, રૂમાલ દઈ સુખધામ. ૪
ક્યારેક વાતો રે, કરતા થકા દેવ;
છેડે રૂમાલને રે, વળ દેવાની ટેવ. ૫
અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો;
પરદુઃખહારી રે, વારી બહુનામીનો. ૬
કોઈને દુખિયો રે, દેખી ન ખમાય;
દયા આણી રે, અતિ આકળા થાય. ૭
અન્ન ધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે;
કરુણાદ્રષ્ટિ રે, દેખી વાન જ વાળે. ૮
ડાબે ખભે રે, ખેસ આડસોડે નાખી;
ચાલે જમણા રે, કરમાં રૂમાલ રાખી. ૯
ક્યારેક ડાબો રે, કર કેડ ઉપર મેલી;
ચાલે વહાલો રે, પ્રેમાનંદનો હેલી. ૧૦
પદ—૭ નિત્ય નિત્ય નૌતમ રે, લીલા કરે હરિરાય; ગાતાં સુણતાં રે, હરિજન રાજી થાય. ૧ સહજ સ્વભાવે રે, ઉતાવળા બહુ ચાલે; હેત કરીને રે, બોલાવે બહુ વહાલે. ૨ ક્યારેક ઘોડે રે, ચડવું હોય ત્યારે; ક્યારેક સંતને રે, પીરસવા પધારે. ૩ ત્યારે ડાબે રે, ખભે ખેસને આણી; ખેસને બાંધે રે, કેડ સંગાથે તાણી. ૪ પીરસે લાડુ રે, જલેબી ઘનશ્યામ; જણસ જમ્યાની રે, લઈ લઈ તેનાં નામ. ૫ ફરે પંગતમાં રે, વારંવાર મહારાજ; સંત હરિજનને રે, પીરસવાને કાજ. ૬ શ્રદ્ધા-ભક્તિ રે, અતિ ઘણી પીરસતાં; કોઈના મુખમાં રે, આપે લાડુ હસતાં. ૭ પાછલી રાત્રિ રે, ચાર ઘડી રહે ત્યારે; દાતણ કરવા રે, ઊઠે હરિ તે વારે. ૮ પલાંઠી વાળી રે, ન્હાવા થાય તૈયાર; કર લઈ કળશ્યો રે, જળ ઢોળે તે વાર. ૯ કોરે વસ્ત્રે રે, કરી શરીરને લૂવે; પ્રેમાનંદ કહે રે, હરિજન સર્વે જુવે. ૧૦
પદ—૮
રૂડા શોભે રે, નાહીને ઊભા હોયે;
વસ્ત્ર પહેરેલું રે, સાથળ વચ્ચે નીચોવે. ૧
પગ સાથળને રે, લુહીને શોભાધામ;
કોરા ખેસને રે, પહેરે શ્રી ઘનશ્યામ. ૨
ઓઢી ઉપરણી રે, રેશમી કોરની વહાલે;
આવે જમવા રે, ચાખડિયે ચઢી ચાલે. ૩
માથે ઉપરણી રે, ઓઢી બેસે જમવા;
કાન ઉઘાડા રે, રાખે મુજને ગમવા. ૪
ડાબા પગની રે, વાળી પલાંઠી નાથ;
તે પર ડાબો રે, હળવે મેલે હાથ. ૫
જમણા પગને રે, રાખી ઊભા ઘનશ્યામ;
તે પર જમણો રે, કર મેલે સુખધામ. ૬
રૂડી રીતે રે, જમે દેવના દેવ;
વારે વારે રે, પાણી પીધાની ટેવ. ૭
જણસ સ્વાદુ રે, જણાય જમતાં જમતાં;
પાસે હરિજન રે, બેઠા હોય મનગમતાં. ૮
તેમને આપી રે, પછી પોતે જમે;
જમતાં જીવન રે, હરિજનને મન ગમે. ૯
ફેરવે જમતાં રે, પેટ ઉપર હરિ હાથ;
ઓડકાર ખાયે રે, પ્રેમાનંદનો નાથ. ૧૦
પદ—૯
ચળુ કરે રે, શ્રીજી તૃપ્ત થઈને;
દાંતને ખોતરે રે, સળી રૂપાની લઈને. ૧
મુખવાસ લઈને રે, ઢોલિયે બિરાજે;
પૂજા કરે રે, હરિજન હેતે ઝાઝે. ૨
પાંપણ ઉપર રે, આંટો લઈ અલબેલો;
ફેંટો બાંધે રે, છોગું મેલી છેલો. ૩
વર્ષા ઋતુને રે, શરદ ઋતુને જાણી;
ઘેલા નદીનાં રે, નિર્મળ નીર વખાણી. ૪
સંત હરિજનને રે, સાથે લઈ ઘનશ્યામ;
ન્હાવા પધારે રે, ઘેલે પૂરણકામ. ૫
બહુ જળક્રીડા રે, કરતા જળમાં ન્હાય;
જળમાં તાળી રે, દઈને કીર્તન ગાય. ૬
ન્હાઈને બારે રે, નીસરી વસ્ત્ર પહેરી;
ઘોડે બેસી રે, ઘેર આવે રંગલહેરી. ૭
પાવન યશને રે, હરિજન ગાતા આવે;
જીવન જોઈને રે, આનંદ ઉર ન સમાવે. ૮
ગઢપુરવાસી રે, જોઈને જગઆધાર;
સફળ કરે છે રે, નેણાં વારંવાર. ૯
આવી બિરાજે રે, ઓસરીએ બહુનામી;
ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદના સ્વામી. ૧૦
પદ—૧૦
નિજ સેવકને રે, સુખ દેવાને કાજ;
પોતે પ્રગટ્યા રે, પુરુષોત્તમ મહારાજ. ૧
ફળિયામાંહી રે, સભા કરી વિરાજે;
પૂરણશશી રે, ઉડગણમાં જેમ છાજે. ૨
બ્રહ્મરસ વરસી રે, તૃપ્ત કરે હરિજનને;
પોઢે રાત્રે રે, જમી નાથ શુદ્ધ અન્નને. ૩
બે આંગળીઓે રે, તિલક કર્યાની પેરે;
ભાલ વચ્ચે રે, ઊભી રાખી ફેરે. ૪
સૂતા સૂતા રે, માળા માગી લઈને;
જમણે હાથે રે, નિત્ય ફેરવે ચિત્ત દઈને. ૫
ભૂલ ન પડે રે, કેદી એવું નિયમ;
ધર્મકુંવરની રે, સહજ પ્રકૃતિ એમ. ૬
ભરનિદ્રામાં રે, પોઢ્યા હોય મુનિરાય;
કોઈ અજાણે રે, લગાર અડી જાય. ૭
ત્યારે ફડકી રે, જાગે શ્રી ઘનશ્યામ;
'કોણ છે?' પૂછે રે, સેવકને સુખધામ. ૮
એવી લીલા રે, હરિની અનંત અપાર;
મેં તો ગાઈ રે, કાંઈક મતિ અનુસાર. ૯
જે કોઈ પ્રીતે રે, શીખશે સુણશે ગાશે;
પ્રેમાનંદનો રે, સ્વામી રાજી થાશે. ૧૦