માનસી પૂજા-પદ્ય સ્વરૂપે
રાગ : ધોળ શ્રી સહજાનંદ સ્વામીના દાસજી રે, કરે પ્રીતે નિત્ય ઊઠી પરભાત રે. પ્રભુની પૂજા માનસી રે. ટેક. પહેલું શ્રીહરિનું રૂપ સંભારવું રે, જેવા નિરખ્યા હોય શ્રી ઘનશ્યામ રે. પ્રભુ. ધરી ધ્યાન અચળ નિજ નાથનું રે, પ્રેમે પૂજવા હરિ સુખ ધામ રે. પ્રભુ. દંત ધાવન આદિ ક્રિયા તે કરાવવી રે, હરિને પાવલાં પહેરાવવાં પાય રે. પ્રભુ. સરવે સેવાની સામગ્રી પાસે રાખવી રે, હરિની પૂજા મધ્યે વિઘન ન થાય રે. પ્રભુ. પહેલું સુગંધી ફૂલેલ અંગે ચોળવું રે, ઢાળી ચંદન બાજોઠિયો સાર રે. પ્રભુ. પછે નિર ઉનેથી નવરાવવા રે, હરિને સજવા સુભગ શણગાર રે. પ્રભુ. હરિને પિતાંબર વસ્ત્ર પેરાવવું રે, અંગે ઉપરણી સોનેરી શિર પાઘ રે. પ્રભુ. પ્રેમે ઢોલિયો ઢાળીને પધરાવવા રે, કરવો ઘનશ્યામને ચંદન અંગ રાગ રે. પ્રભુ. કંઠે પુષ્પના હાર પેરાવવા રે, હરિને ચોખલિયા ચોડવા સુંદર ભાલ રે. પ્રભુ. માથે મોતીડાના તોરા ધરાવવા રે, હરિને હસવા ટીબકડી કરવી ગાલ રે. પ્રભુ. મોંઘા મોતીડાના હાર આરોપવા રે, હાથે હેમકડાં નંગ જડાવ રે. પ્રભુ. કાને મકરાકૃતિ કુંડળ ધરાવવા રે, બાંયે બાજુબંધ બાંધી શોભે માવ રે. પ્રભુ. હરિના ચરણને ચંદન ચડાવવું રે, ચાંપી ઉરમાં પામવી ઘણી શાંત રે. પ્રભુ. ધરી બાળભોગ આરતી ઉતારવી રે, કરવું સ્તવન પ્રક્રમાં બહુ ભાત રે. પ્રભુ. કરી અષ્ટ અંગે દંડવત દેવને રે, પછી પૂજવા પ્રભુજી કેરા દાસ રે. પ્રભુ. હરિને ષટરસ ભોજન ભાવતાં રે, પીરસી પ્રેમ શું બેસવું પ્રભુ પાસ રે. પ્રભુ. ઘણી જુગતે જમાડી જગદીશને રે, પ્રેમે પાનબીડી દેવી મુખવાસ રે. પ્રભુ. પ્રીતે પલંગે પોઢાડી પગ ચાંપવા રે, હરિનો કરવો નિજમંદિર નિવાસ રે. પ્રભુ. રહેવું નિશદિન હરિની હજૂરમાં રે, કરવી પ્રભુના ચરણ કેરી સેવ રે. પ્રભુ. મુક્તાનંદ એવી રીતે પૂજા માનસી રે, કરતાં ભવજળ તરે તતખેવ રે. પ્રભુ.
રાગ : ગરબી પૂજા પ્રભુજીની માનસી રે, કરવાની કહું રીત્ય; બ્રહ્મરૂપે ભક્ત થઈને રે, કરજો નિત્ય નિત્ય. ૧ સૂતાં ઊઠીને સંભારું રે, હૃદિયે હરિરૂપ; એને ઉઠાડી કરાવવી રે, શૌચવિધિ અનુપ. ૨ પાલું કંચન કેરું મેલવું રે, દાતણ કરવા કાજ; કહેવું કરો આમાં કોગળા રે, મુખ ધૂવો મહારાજ. ૩ ન્હાવા પધારોને નાથજી રે, ભરી મેલ્યાં નીર; બેસો બાજોઠ ઉપર રે, ચોળું દિવ્ય શરીર. ૪ પહેરો પીતાંબર પામરી રે, ખભે નાખો નાથ; આવો જીવન જમવા રે, લઈ સખા સંગાથ. ૫ કરી મેલી તમ કારણ રે, રસોઈ રસાળ; બેસો બાજોઠ ઉપરે રે, ઠાકોર જમો થાળ. ૬ ગળ્યા સાટા ઘેબર ગાંઠિયા રે, જલેબી પયપાક; બિરંજ મોતિયા માલપુઆ રે, શીરા પૂરી શાક. ૭ જીવન જમો રસ રોટલી રે, દૂધ સાકરમાં ભાત; ચળુ કરો તૃપ્ત થઈને રે, જળ પીવો જગતાત. ૮ ઠાકોર આપો થાળ મુજને રે, પ્રસાદી મહારાજ; સર્વે સંતને જમાડીએ રે, સખાનો સમાજ. ૯ લવિંગ સોપારી ને એલચી રે, મુખવાસ મહારાજ; કાથો ચૂનો બીડી પાનની રે, બનાવી તમ કાજ. ૧૦ કરું ખોર ચંદનની રે, કેશર તિલક ભાલ; કરી કપૂરની આરતી રે, ઉતારું જુત વા'લ. ૧૧ પ્યારા પહેરો ઝીણું ધોતિયું રે, કમરે રેંટો લાલ; જામો કસુંબી જરિયાનનો રે, ખંભે સુંદર શાલ. ૧૨ તોરા ગજરા બાજુ સાંકળાં રે, પોંચી કડાં હાર; મુકુટ ધરો જડ્યો મોતિયે રે, કુંડળ મીનાકાર. ૧૩ વાલા ભેટો ભૂમાનંદને રે, પ્યારા પૂરણ કામ; આવો ઢાળી આપું ઢોલિયો રે, થાઓ સુખાળુ ઘનશ્યામ. ૧૪