અક્ષરના વાસી વહાલો આવ્યા
રાગ: ધોળ
પદ—૧
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર,
નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષર.
અવની પર આવી વહાલે સત્સંગ સ્થાપ્યો,
હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ. અક્ષર.
પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ,
હરિજન સંગાથે કીધી સાચી સગાઈ ઓ રાજ. અક્ષર.
બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે,
પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ. અક્ષર.
દેવના દેવ વહાલો ધામના ધામી,
પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ. અક્ષર.
પ્રેમાનંદનો સ્વામી આનંદકારી,
પોતાના જનની વહાલે લાજ વધારી રાજ. અક્ષર.
પદ—૨
ધર્મને લાલે મુને હેતે બોલાવી,
એકાંતની વાત મર્મે સમજાવી રાજ. ધર્મને.
મૂળ માયાના બંધ કાપવા આવ્યા,
ધામ ધામના વાસી અહીં બોલાવ્યા રાજ. ધર્મને.
મૂળ અક્ષર પણ શ્રીહરિ સંગે,
મુક્ત મંડળને લાવ્યા ઉમંગે રાજ. ધર્મને.
નવે ગ્રહોમાં જેમ ભાનુ વિના તમ,
દૂર ન થાય કરે કોટિક કર્મ રાજ. ધર્મને.
પ્રેમાનંદનો સ્વામી પ્રાણ સ્નેહી,
બદ્ધ જીવોને વહાલે કર્યા વિદેહી રાજ. ધર્મને.
પદ—૩
અધમ ઉદ્ધારણ એવું પોતાનું નામ,
સત્ય કર્યું આજ શ્રી ઘનશ્યામ રાજ. અધમ.
જીવને શિવ કર્યા અવિદ્યા ટાળી,
પ્રૌઢ પ્રતાપ જણાવી હદ વાળી રાજ. અધમ.
વિના સાધને સિદ્ધ દશા પમાડી,
સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ. અધમ.
રવિ આગે શશી તારા ન ભાસે,
મત પંથ તેમ શ્રીહરિ પાસે રાજ. અધમ.
પ્રેમાનંદનો સ્વામી પૂરણ પ્રતાપી,
પોતાના જનને સ્થિતિ અલૌકિક આપી રાજ. અધમ.
પદ—૪
શીદને ભટકો છો તમે ચતુર સુજાણ,
પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ રાજ. શીદને.
આ ધામના ધામી ક્યારેય નો'તા પધાર્યા,
ઈશ્વરકોટી સ્તુતિ કરીને હાર્યા રાજ. શીદને.
આ અવસર પર કોઈ અવનિએ આવે,
તે તો માયાની આગે કંઈ ન ફાવે રાજ. શીદને.
ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય,
જ્યાંથી આવ્યા તેમાં પાછા સમાય રાજ. શીદને.
આવો અવસર હવે ફરી નહિ આવે,
પ્રેમાનંદ તાળી દઈને હરખે કહાવે રાજ. શીદને.