૩૬ . સજની શ્રીજી મુજને સાંભર્યા રે....
શ્રીજીમહારાજ સ્વધામ પધારતા, સત્સંગરૂપી વટવૃક્ષને અકાળે પાનખર આવી હોય એવો સર્વને વજ્રાઘાત થયો. છતાંય એ વિરાટ વટવૃક્ષ સર્વ સત્સંગીજનો માટે ઓથ છે. એના થડની ઓથે શ્રીજીનાં સંભારણાં સાથે પ્રેમસખી જ્યારે ભાવલીન બની ગયા ત્યારે અનાયાસે અનરાધાર વહેતાં નયનનીરમાં ભીંજાઈને એમનું ભાવુક હૃદય રડી ઊઠ્યું:
'સજની શ્રીજી મુજને સાંભર્યા રે...'
સં. 1886ના જેઠ સુદ 10ને દિવસે શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા. પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના સાંનિધ્યમાં અનિમેષ નેત્રે પ્રભુની રસરૂપ મૂર્તિનો આસ્વાદ જેણે સતત પંદર વર્ષ સુધી રસ-લોભી ભ્રમરની પેઠે અનન્યભાવે માણ્યો હોય એ પ્રેમસખી પછી એ રસિક પ્રિયતમ વિના કેવી રીતે રહી શકે? પ્રભુના ચીરકાલિન વિયોગમાં વિરહાકુળ પ્રેમાનંદ સજળનેત્રે શ્રીજીને સંભાર્યા કરતા. એમનું વ્યથિત હૈયું હંમેશાં ગાયા કરતું --'પ્યારે બિસરત નાહિ બિસારે.' એ પ્રિય મૂર્તિ તો વીસરી વિસરાતી નથી. એના સાંનિધ્ય વિના હવે પળવાર પણ ગોઠતું નથી. રહેવાય નહિ અને સહેવાય નહિ એવી એ સ્થિતિ હતી. શ્રીજીમહારાજના સામિપ્યમાં ગાળેલી એ યાદગાર ક્ષણોના સ્મરણમાં જ સ્વામી દિવસો ટૂંકા કરતા હતા.
એમ કરતાં સં. 1887ના કાર્તિકી સમૈયાનો પ્રસંગ આવ્યો. હજારો સત્સંગીઓ સમૈયા પર વડતાલ આવ્યા હતા. સ્વામી પણ એ પ્રસંગે ગઢડાથી વડતાલ આવેલા. લગભગ પંદરથી વીસ હજાર સત્સંગીઓનો સમુદાય મળેલો હતો. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે આ પ્રસંગે મંદિર અને સભામંડપ વચ્ચેના ચોકમાં વચ્ચોવચ્ચ મોટી પાટ મુકાવી સભા ભરી હતી. શ્રીહરિના અંતર્ધાન થયા પછીનો આ પહેલો સમૈયો હતો. સૌ શોકમગ્ન હતા. કોણ કોને સાંત્વન આપે? સભામાં ધ. ધૂ. આચાર્ય મહારાજશ્રીએ પ્રેમાનંદ સ્વામીને કહ્યું: 'સ્વામી! મેં સાંભળ્યું છે કે જ્યારથી શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા છે ત્યારથી આપે સારંગી કે સિતારને સ્પર્શ સુદ્ધાં નથી કર્યો, પણ આજે સર્વે હરિભક્તોને દિલાસો દેવાની જરૂર છે. એ તમારા વિના, સ્વામી! કોણ કરી શકશે? માટે એમના અંતરમાં ગરભાયેલા દુ:ખનું તમે સંગીતના સૂરો રેલાવીને ભાન કરાવો, એમની અંતરતમ વ્યથાને વાચા આપો તો જ એમનાં હૈયાં રૂદનનાં અશ્રુમાં ભિંજાઈને હળવાં થશે.'
આચાર્યશ્રીના આગ્રહમાં સંતો પણ ભળ્યા. સૌએ સાથે મળીને સ્વામીને ખૂબ સમજાવ્યા ત્યારે શોકમગ્ન બનેલા એ સંત ઊભા થયા. શ્રી રઘુવીરજી મહારાજે એમના હાથમાં સારંગી આપી. બીજા એક સંતે સિતાર લીધી. શોકમગ્ન સભામાં પળવારમાં સર્વના અંતરને મુખરિત કરતી સારંગી રડી ઊઠી. સ્વામીએ ખરજમાં હૈયાને ઊલેચીને ગાવા માંડ્યું:
'સજની શ્રીજી મુજને સાંભર્યા રે,
હૈડે હરખ રહ્યો ઊભરાય.
સજની શ્રીજી મુજને સાંભર્યા રે.'
સભામાં સાંભળનાર સૌ સજ્જડ થઈ ગયા! આ તે કેવા સંત? એના હૈયાના ભાવ કેવા? આમને તો શ્રીજી સાંભરતા જ હૈયે હર્ષ વ્યાપે છે. આ તો પ્રેમની પરાકાષ્ઠા કહેવાય!
શ્રીજીની યાદ આવતાં અંતરમાં આનંદ ઊભરાય છે અને મન દર્શન માટે વ્યાકુળ બને છે. પણ હાય! પ્રભુ ક્યાં? પ્રભુના વિયોગના વિચારે ફરી મન રડી ઊઠે છે.
'નેણે આંસુની ધારા વહે રે,
વિરહે મનડું વ્યાકુળ થાય.'
વિયોગાવસ્થામાં પ્રિયતમનું સ્મરણ જ વિરહના દુ:ખની એક માત્ર દવા છે. વિરહાગ્નિમાં બળતા હૃદયને એનાથી કાંઈક શાતા મળે છે. એટલે કવિ ફરી શ્રીજીના સ્વરૂપનું તથા એમના રસ શૃંગારનું સ્મરણ કરી દુ:ખી હૈયાને સાંત્વન આપતા આગળ ગાય છે:
'સુંદર મૂર્તિ શ્રી મહારાજની રે, સુંદર કમળ સરીખાં નેણ;
સુંદર કરતાં લટકાં હાથનાં રે, સુંદર અમૃત સરખાં વેણ.
શી કહું શોભા અંગોઅંગ તણી રે, નીરખી લાજે કોટિક કામ;
હસતા હસતા હેત વધારતા રે, એવા સુખનિધિ શ્રી ઘનશ્યામ.'
પણ અંતે તો એ છબીને જોવા માટે એમનું હૈયું તડપ્યા જ કરે છે.
'એ હરિ મળવાને હૈડું તપે રે...'
સભા આખી પ્રેમસખી સાથે વિરહાશ્રુના ઘૂઘવતા વારિમાં વહી ગઈ. આ પ્રસંગે હાજર રહેલ એક સત્સંગીએ પોતે નજરે નિહાળેલી આ પ્રસંગની અસરકારકતાને શ્રી ઈશ્વરદાસ મશરૂવાલાએ 'પ્રેમાનંદ સ્વામીના જીવન ચરિત્રની ઝાંખી' નામના લેખમાં આ પ્રમાણે આલેખી છે:
'તેમના સુમધુર કંઠમાંથી નીકળતા છાતીને ફાડી નાખનારાં આ વિરહનાં પદોએ, જેમ જેમ સ્વામીના સૂરની ગતિ વધતી ગઈ તેમ તેમ ત્યાં બેઠેલા અને ઊભેલા શ્રોતાઓનાં હૃદય ચિરાવા લાગ્યાં અને અશ્રુની ધારા બેય ચક્ષુ દ્વારા વહેવા લાગી. હાજર રહેલાં આબાલ વૃદ્ધજનોમાંથી કોઈનાં પણ નેત્રો અશ્રુ સાર્યા વગરનાં રહેલાં નહિ. અને ચારે પદ પૂર્ણ કરતાં પહેલાં જ સ્વામી તો નિશ્ચેષ્ટ થઈને ધરણી ઉપર ઢળી પડ્યા હતા('પ્રેમાનંદ સ્વામીના જીવનચરિત્રની ઝાંખી' લે. અ. નિ. ઈશ્વરદાસ મશરૂવાલા).
ત્યારબાદ આ ગરબીઓ પ્રેમસખીએ અમદાવાદ મંદિરમાં પણ પ્રસંગોપાત ગાઈ હતી અને ત્યાં એકઠા થયેલા હજારો સત્સંગીઓનાં નેત્રોમાંથી અશ્રુ પ્રવાહ વહ્યો હતો. એની સ્વાનુભૂત નોંધ કવીશ્વર દલપતરામે લીધી છે('બુદ્ધિપ્રકાશ'- ૧૮૬૧ની ફાઈલ).
કાવ્યકૃતિ :
સજની શ્રીજી મુજને સાંભર્યા રે,
હૈડે હરખ રહ્યો ઊભરાય, સજની. ટેક
નેણે આંસુની ધારા વહે રે,
વિરહે મનડું વ્યાકુળ થાય. સજની. ૧
સુંદર મૂર્તિ શ્રી મહારાજની રે,
સુંદર કમળ સરીખાં નેણ;
સુંદર કરતાં લટકાં હાથનાં રે,
સુંદર અમૃત સરખાં વેણ. સજની. ૨
શી કહું શોભા અંગોઅંગ તણી રે,
નીરખી લાજે કોટિક કામ;
હસતા હસતા હેત વધારતા રે,
એવા સુખનીધિ શ્રી ઘનશ્યામ. સજની. ૩
સદા શ્વેતાંબર શ્રીજી ધારતા રે,
અંબર જરકસિયા કોઈ વાર;
ગુચ્છ કલંગી તોરા ખોસતાં રે,
ગજરા બાજુ ગુલાબી હાર. સજની. ૪
એ છબી જોવા તલપે આંખડી રે,
મધુરાં વચન સાંભળવા કાન;
એ હરિ મળવાને હૈડું તપે રે,
પ્રેમાનંદના જીવન પ્રાણ. સજની. ૫
આસ્વાદ :
પ્રેમીભક્ત કવિ પ્રેમાનંદ સ્વામી શ્રીજીમહારાજના વિયોગે વિરહાકુળ થઈ અંતરના આવેગને જ્યારે ખાળી નથી શકતા ત્યારે એમની વિરહવ્યથાને વાચા ફૂટે છે અને રચાય છે એક કરુણ પ્રશસ્તિ ગાન!
'સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખ રહ્યો ઊભરાય;
નેણે આંસુની ધારા વહે રે, વિરહે મનડું વ્યાકુળ થાય.'
શ્રીજીમહારાજની વિરહની વસમી વ્યથાને હળવી કરવા કવિ એ હૃદયસ્થ મૂર્તિને સંભારે છે, એ મૂર્તિ સાથે સંકળાયેલી સઘળી ચીજોને સંભારે છે અને એ બધાને સંભારી તેની સાથે જડાયેલી શ્રીજીમહારાજની ચેષ્ટાઓને પોતાના સ્મૃતિજળનો અર્ધ્ય અર્પે છે. શ્રીજીના સ્મરણમાત્રથી જ કવિના હૈયે હરખ ઊભરાય છે, પણ બીજી જ પળે વિરહના વાસ્તવ ભાન સાથે જ કવિના નેત્રે આંસુઓની ધારા વહે છે અને એમનું અંતર વ્યાકુળ બને છે. વિરહી પ્રેમી દ્વારા અનુભવાતી દ્વિવિધ ભાવોર્મિઓને કવિએ બે જ પંક્તિમાં કેવી ચોટદાર અભિવ્યક્તિ આપી છે!
વિરહની આગને અંતરમાં જ સમાવીને કવિ ફરી હરિસ્મરણમાં જ મનને વાળે છે.
'સુંદર મૂર્તિ શ્રી મહારાજની રે, સુંદર કમળ સરીખાં નેણ;
સુંદર કરતાં લટકાં હાથનાં રે, સુંદર અમૃત સરીખાં વેણ.'
પ્રભુના સ્વરૂપ-સ્મરણની સાથે સાથે પ્રભુનો રસશૃંગાર તથા ચેષ્ટાઓ પણ કવિને અનાયાસે યાદ આવી જાય છે.
'સદા શ્વેતાંબર શ્રીજી ધારતા રે...'
શ્રીજીમહારાજ મોટેભાગે શ્વેત વસ્ત્રો જ ધારણ કરતા હતા, કોઈક વાર ભક્તોના અત્યાગ્રહને વશ થઈને અંબર જરકસિયા વસ્ત્રો પહેરતાં. આવી સૂક્ષ્માતિસૂક્ષ્મ ખાસિયતો પણ પ્રેમસખી આ પ્રસંગે ભૂલતા નથી.
'શ્રીજીમહારાજ'ની 'સુંદર મૂર્તિ'ના મધુર સ્મરણ પછી પણ પ્રેમાનંદ સ્વામીની આતુર આંખડી એ છબીના દર્શનની અભિલાષા ઝંખ્યા કરે છે.
'એ છબી જોવા તલપે આંખડી રે, મધુરાં વચન સાંભળવા કાન,
એ હરિ મળવાને હૈડું તપે રે, પ્રેમાનંદના જીવનપ્રાણ.'
કવિના હૈયાફાટ વેદનાસિક્ત સ્વરો પથ્થરને પણ પિગળાવે એવા છે.
સામાન્ય રીતે પ્રિયપાત્રનું મૃત્યુ થતાં એનો વિરહ શુદ્ધ કરુણમાં પરિણમે છે. પરંતુ મરણોત્તર મિલનની આશા રહે તો એ કરુણાત્મક વિયોગ શૃંગાર ગણાય છે. પ્રસ્તુત વિજોગની ગરબીમાં પ્રેમસખી શ્રી સહજાનંદજીના અંતર્ધાન પછીના મિલનની અભિલાષા સેવે છે એટલે એ કરુણાત્મક વિયોગ શૃંગાર ગણાય(પ્રેમસખી પ્રેમાનંદ- લે. શ્રી હરિપ્રસાદ ઠક્કર). પ્રસ્તુત વિજોગની ગરબી સંપ્રદાયમાં ખૂબ જ જાણીતી છે.